Opinion Magazine
Number of visits: 10,226,757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… તો, અનુપમજીને સમજવાનાં વર્ષો હતાં

રીતિ શાહ|Profile|16 February 2021

મારે ત્યાં પાણી ખૂટી ગયું તો તમારા વિસ્તારમાંથી લઇશ, તમારે ત્યાં પાણી ખૂટી જશે તો પાડોશીને ત્યાંથી લઈ આવીશું. આમ કેટલા દિવસ દોડાદોડ કરતાં રહીશું? એના બદલે, આવો અનુપમ મિશ્રાને મળીએ-સમજીએ. 19મી ડિસેમ્બર 2016ના રોજ તેમણે ચિરવિદાય લીધી, તે નિમિત્તે તેમને યાદ કરીએ.

દિવસો-દિવસ પાણીની સમસ્યા વિકરાળ થતી જાય છે, અને મા ધરતીના સંસ્કારો નેવે મૂકી સવાયો થવા મથતા હોશિયાર દીકરા ‘વિકાસ’નું ગાંડપણ વધતું જાય છે. આ અંગે હવે સમગ્ર વિશ્વ ધીરે-ધીરે આળસ મરડી બેઠું થઈ રહ્યુ છે, પણ તે અંગે ચેતવણીની રેખા તો દાયકાઓ પૂર્વે અનુપમજી દોરતા ગયા – જ્યારે “પર્યાવરણ”, “એનવાયરમેંટ” , “રેનવોટર હારવેસ્ટિંગ” જેવા આજના ફેશનેબલ શબ્દો ભાગ્યે જ વપરાશમાં લેવાતા ત્યારે. પર્યાવરણીય પત્રકારત્વનો કદાય પ્રારંભ જ તેમણે કરેલો, સિત્તેરના દાયકામાં, “આજ ભી ખરે હૈં તાલાબ”, “રાજસ્થાન કી રજત બુંદે” અને અન્ય કોપીરાઈટ-મુક્ત પુસ્તકોથી  જેમાં તેમણે પાણીની સમસ્યાનો સામનો કરવા ગ્રામજનોએ આધુનિક યંત્રસંસ્કૃતિના  બદલે પરંપરાગત ઉપાયો કેવી રીતે અમલમાં મૂક્યા તેનું મૌલિક સંશોધન દુનિયા સામે રજૂ કર્યું. એક ડગલું આગળ વધીને કહીએ તો, આજના સમયમાં આપણી સમસ્યાઓ બાબતે ગાંધીવિચાર કેવી રીતે લાગુ પાડી શકાય તેનો દાખલો અનુપમજીએ રજૂ કર્યો. આ કામ તેમણે માત્ર પુસ્તકો વાંચીને અને પુસ્તકો લખીને કર્યું હોત તો તેની આટલી અસર ના પડી હોત. તેઓ ખાસ કરીને રાજસ્થાનનાં ગામડાંમાં, ફરીફરીને, જૂની પેઢી સાથે વાતચીત કરીને, જળસંગ્રહની જૂની વ્યવસ્થાઓનો સ્થળ પર અભ્યાસ કરીને લખતા. તેમના નિધન પછી સ્મૃતિસભામાં જેટલા અંગ્રેજીભાષી નિષ્ણાતો આવ્યા તેટલા જ રાજસ્થાનના ગ્રામજનો પણ આવ્યા, અને અનુપમજીએ બંધાવેલા તળાવોએ વર્ષો પછી પણ તેમની જમીન કેવી લીલીછમ રાખી છે, તેના ફોટા બતાવ્યા. દાયકાઓ પહેલાં, કારમાં નહિ પણ એસ.ટી. બસમાં બેસીને અમારા ગામમાં આવીને ભરઉનાળે અનુપમજીએ કેવાં જળસંગ્રહો કરાવ્યાં તે વાત આજે પ્રૌઢાવસ્થામાં પહોંચેલા ગ્રામજનોએ યાદ કરી ત્યારે તેમના એકલાની જ આંખમાં ઝળહળિયાં નહોતાં.

આજે દિલ્હીવાસી તરીકે હું જ્યારે ડગલે ને પગલે ચોખ્ખાં હવા-પાણી માટે ફાંફા મારું છું, ત્યારે મારા હૃદયમાં અનુપમજીની છબી વિશાળ થતી જાય છે.

મિટ્ટી બચાઓ આંદોલન, જયપ્રકાશ નારાયણ આંદોલન કે ચંબલના ડાકુઓ સાથે કામ પાર પાડતા અનુપમજી કે ધર્મપાલના અભ્યાસી અનુપમજી વિષે ઘણું લખાયું છે. પ્રસિદ્ધ હિન્દી કવિ (અને સંપૂર્ણ ગાંધી વાંગ્મયના સંપાદક) ભવાની પ્રસાદ મિશ્રના દીકરા અનુપમજીના સરળ, મૃદુ, પ્રસન્ન વ્યક્તિત્વ વિષે પણ ઘણું લખાયું છે. એ વિષે વધુ વાતમાં નહીં જતાં હું માત્ર પાણી વિષે વાત કરીશ.

એક તરફ લાતુરમાં દુકાળ હતો ત્યારે બીજી તરફ સાવ નજીવો વરસાદ મેળવતા જેસલમેરના રણપ્રદેશની પ્રજાને પાણીની કોઈ સમસ્યા નહોતી. તેનું રહસ્ય ભણેલી નહીં પણ ગણેલી એવી પારંપારિક ઊંડી સૂઝબૂઝથી કસાયેલી રાજસ્થાનની ગ્રામ્ય જનતા પાસેથી પામીને ઘડીમાં પાણી માટે તરફડતી તો ઘડીમાં પૂરમાં ડૂબતી સ્માર્ટસિટીની બંધિયાર વ્યાખ્યામાં રમતી પ્રજા સમક્ષ અનુપમજી રજૂ કરે છે. તેની પાછળનો તેમનો ઉદેશ એક માત્ર કે પાણીના અભાવે માનવજીવન સમાપ્ત ના થાય. તેમણે જીવનનાં છેલ્લા દાયકાઓમાં પાણી અંગે વિવિધ પ્રસંગોએ કે અખબારી મુલાકાતોમાં જે અગત્યની વાતો કરી, તે મારી સમજ મુજબ આપની સમક્ષ રજૂ કરું છું.

અંગ્રેજો જ્યારે આપણાં દેશમાં આવ્યા તે વખતે હજારો નાનાં-મોટાં તળાવ હતા, વિશાળ સરોવરો હતાં. માત્ર દિલ્હીમાં જ 800 તળાવ હતા. આજે રાજધાનીમાં તેમાનાં પાંચેક બચ્યાં છે. પ્રકૃતિ દર વર્ષે પાણી આપે છે, તેને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો સમાજ આબોહવા, જમીન, વર્ષાના વૈવિધ્ય મુજબ પોતાની અનોખી પારંપારિક કળાથી સંઘરતો. પેઢી દર પેઢી એ જ્ઞાન સોંપાતું જતું. દુકાળ તો એ દિવસોમાં પણ પડતો, પૂર પણ આવતું, પરંતુ સમાજની સૂઝબુઝને કારણે દુરાગ્રહી ચોમાસુ કશું બગાડી શકતું નહોતું. લોકોનું જીવન સહજતાથી ચાલતું.

જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતા થયા ત્યારે પાણી અંગે શાસકના ખ્યાલ બદલાયા. અંગ્રેજી શાસનને પ્રતાપે રાજા અને પ્રજા બંને ધીરે-ધીરે તળાવ પ્રત્યે બેદરકારી દાખવતાં થયાં. તળાવો નષ્ટ થતાં ગયાં. પહેલાં ફસલની પસંદગી પણ પર્યાવરણને આધારે થતી. આજે પંજાબ કે જ્યાં સૌથી વધારે કૃષિ વિદ્યાલય છે ત્યાં પારંપારિક ફસલ મકાઇ-સરસવનું સ્થાન ઘઉં-ચોખાએ લીધું છે. ત્રેવડ પ્રમાણે પાકની પસંદગી થતી નથી. રાજસ્થાનમાં પાંચસો વર્ષ પહેલાં પૂર્વજોએ નિર્ણય લીધો હતો કે ખેતીવાડી નહીં પણ પશુપાલન કરીશું, તો જ સૌને જરૂરિયાત જેટલું પાણી મળશે અને ટકાશે. જેસલમેરના રણવિસ્તારમાં ન તો કોઈ પંચવર્ષીય યોજના બની કે ન તો કોઈ સરકાર કે એન.જી.ઓ.એ ત્યાં રોકાણ કર્યું. આપબળે (એન્જીનિયરિંગ ડિગ્રીના જોરે નહીં પણ પારંપારિક જ્ઞાનના જોરે) તેમણે માર્ગ કર્યો છે.

આ બાજુ આપણાં ‘વિકાસ’ ભાઈએ ગણતરી માંડી કે પાણીની કોઈ કિમ્મત નથી, કિમ્મત તો જમીનની છે, અને તેણે તે પાણીની જગ્યા સાફ કરીને દુકાનો બનાવી, મકાનો બનાવ્યાં, સ્ટેડિયમ બનાવ્યાં. મોલ-એરપોર્ટ બનાવ્યાં, તળાવ ના રહેવાં દીધાં. અત્યારે દિલ્હીમાં એટલી જ વર્ષા થાય છે જેટલી પહેલા થતી હતી. પણ પાણી જે તળાવોમાં સંઘરાતું તે રહ્યાં નથી. તો પાણી જાય તો ક્યાં જાય? માટે પૂર આવે છે. વખતસર જાગીશું નહીં તો ચોમાસું માત્ર બસ અડ્ડા જ નહીં પણ હવાઈ અડ્ડા પણ ડૂબાડશે.

આજે ચોવીસ કલાકની વીજળી થતાં એક બટન દબાવતાં જ પાણી મળે છે, માટે આપણે ઘણું પાણી વેડફી નાખીએ છીએ. કૂવામાંથી પાણી ખેંચતાં હાથ કસાતાં અને આપણે જરૂરિયાત જેટલું જ પાણી લેતાં.

નવી આકાર લેતી આઇ.આઇ.ટી. માટે જ્યારે જોધપુર નગરપાલિકાએ પાણી માટે હાથ જોડી દીધા. ત્યારે ૧૧૦૦ એકરની જમીન ધરાવતી આઇ.આઇ.ટી.એ કેમ્પસમાં ૩૦ તળાવ બનાવવાનો નિર્ણય લીધો. અને હરિયાળી માટે ઘાસનાં વિશાળ મેદાનોને સ્થાને ખેતીનો વિકલ્પ અપનાવ્યો. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમુક વર્ષો પહેલાં જ્યારે ખૂબ પાણી વાપરતા ફ્રેન્કફર્ટ હવાઈ અડ્ડા પાસે નગરપાલિકાએ વધારે કર ચૂકવવાની માંગણી કરી ત્યારે વિકલ્પરૂપે એરપોર્ટને રેનવોટર હારવેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવી પડી, પણ આજે તે પાણી માટે નગરપાલિકા પર આધારિત નથી.

લાતુરમાં રેલગાડીથી પાણી મોકલવામાં આવ્યું હતું, અમુક વર્ષ પહેલા ગુજરાતનાં તટીય વિસ્તારોમાં વહાણ વાટે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આજે દિલ્હીમાં ગુજરાતનું તે જ નેતૃત્વ શાસન કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત કે વાઈબ્રન્ટ ભારત બે કલાકમાં હવાઈ જહાજથી પાણી પહોંચાડી શકે છે. વિકાસની પરાકાષ્ઠાએ કદાચ બુલેટ ટ્રેનથી પણ પાણી પહોંચાડશે. મોટી નદીઓને બંધ બાંધીને જોડવાની યોજના છે, તે માટે ભૂગોળને નષ્ટ કરવી પડે અને ભૂગોળનો આપણે ક્યારે ય નાશ નહીં કરી શકીએ. જો ભારત આખાને એક જ નદીથી જોડવાની પ્રકૃતિની ઇચ્છા હોત તો હિમસાગર એક્સપ્રેસની જેમ કાશ્મીરથી કન્યાકુમારી એક જ નદી વહેતી હોત.

હવે કેટલીક  અંગત વાત કર્યા વગર રહેવાતું નથી.

અનુપમજી એક સાદું, મોકળાશી વ્યક્તિત્વ. અનુપમજીને હું બાળપણથી ઓળખું. ઉનાળાના વેકેશનમાં મમ્મી-પપ્પા-ઋતા સાથે હિમાલય ફરવા જવાનું થાય ત્યારે રસ્તામાં દિલ્હી આવે જ. પ્રભાષકાકાનું ઘર અને અનુપમજીની ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની ઓફિસ. જૂની, નકામી, ચીંથરેહાલ,  જર્જરિત વસ્તુઓને ઘાટ આપીને અનોખી ઢબે સર્જાયેલુ તેમનું કલાત્મક ટેબલ. અમને બે બહેનોને મજા પડી જાય. આ થઈ પ્રાથમિક શાળાનાં વર્ષોની વાત. કોલેજનાં વર્ષોમાં અલપ-ઝલપ જ મળવાનું બન્યું. બીએસ.સી. પછી હું કમ્પ્યુટર સાયન્સની દુનિયામાં એવી તો ખોવાઈ ગઈ કે આસપાસના જગત સાથે કોઈ લેવા દેવા નહીં, બસ, માત્ર કોડિંગ જ ગમે.

પછી ૨૦૦૫માં કૈલાસ-માનસરોવર જતી વખતે દિલ્હી રોકાવાનું થયું, અને હું પ્રભાષકાકાના ઘરે પહોંચી. હું અને ઋતા બાલ્યાવસ્થામાં હતા ત્યારે બંને બહેનોથી અત્યંત પ્રસન્ન થઈ અનુપમજીએ કરેલાં વિધાનો વિશે ઉષાબહેન-પ્રભાષકાકાએ ઉમળકાથી ઘણી વાતો કરી હતી, તે વાતો મનોમન વાગોળતી, હવામાં ઊડતી પ્રભાષકાકાના નિર્માણવિહારના ઘરેથી વિકાસ માર્ગે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન પહોંચી. અનુપમજી તરત જ કેંટિનમાં લઈ ગયા. ખૂબ વાતો કરી. છૂટા પડતાં ખૂબ ભાવપૂર્વક એમણે પુસ્તક ‘આજ ભી ખરે હૈં તાલાબ’ અને તેના પોસ્ટકાર્ડ મારા હાથમાં મૂક્યાં. સોફ્ટવેરની (આઇસોલેટી) દુનિયામાં દટાઇ ગયેલી એકેન્દ્રિય એવી મારાથી તરત જ બોલાઈ ગયું, “મૈંને તો કભી હિન્દી પઢા હી નહીં.” તરત જ એમણે પુસ્તક મારા હાથમાંથી પરત લઈ લીધું. મેં કહ્યું, “અબ મૈ પઢ લૂંગી.” એમણે કહ્યું, “નહીં, કમ્પ્યુટર ચલા લેના.” પછી મારી બસ આવી ત્યાં સુધી આઇ.ટી.ઓ. પર ઊભા-ઊભા ઉષ્માભરી બીજી ઘણી વાતો કરી. એક નિર્દોષ સરળ સંતોષી બાળામાંથી સોફ્ટવેર નિષ્ણાત બનીને આસપાસના સમાજથી વિખૂટી પડી ગયેલી એવી પ્રકાશભાઈ-નયનાબહેનની દીકરીના વિકાસશીલ ઉત્તરો સાંભળી તેમના મનમાં શું છાપ પડી હશે તેની કલ્પના માત્ર આજે આકરી લાગે છે.

છતાં ય હંમેશની પેઠે આત્મીયતાથી ભરપૂર મોકળાશી મીઠાશનું સિંચન તો કર્યું જ હતું એ મુલાકાતે, એટલે જ પછીનાં વર્ષોમાં હું છૂટથી તેમની સાથે બાળસાહિત્યની અને શિક્ષણની કથળતી જતી સ્થિતિની ચર્ચા કરી શક્તી. છેલ્લે રાજઘાટની લોનમાં ચંપાના વૃક્ષ નીચે ઊભા-ઊભા બાળ સાહિત્યની વર્તમાન અવદશા વિષે (‘ચાચા ચૌધરી’ વગેરે) વાત કર્યાનું સ્મરણ થાય છે. પ્રભાષજીની યાદમાં દર વર્ષે ઉજવાતા પ્રસંગમાં આવીને પાછલી હરોળમાં ચૂપચાપ બેસી જતાં. એક મિત્રે એમની સાથેનો અનુભવ વાગોળતાં કહેલું કે, “ઘણી વાર મને ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર પર મળી જતાં. હું એમને કાર ઓફર કરતો તો તે અસ્વીકાર કરતાં કહેતા, ના, ખાલી કાર પાછી આવે એ ના ચાલે, અને બસમાં બેસી જતાં. આજે દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત થવા માંડી છે. ઓડ-ઇવનના પ્રયોગ થયા. ત્યારે એમની જીવનશૈલી યાદ આવે.

આ એ જ અનુપમજી જેમણે 1980માં જ્યારે ભાગ્યે જ કોઈ “પર્યાવરણ” શબ્દનો ઉપયોગ કરતું ત્યારે પર્યાવરણ પર પુસ્તક લખ્યું. સમસ્યાના ઉકેલ માટે નહીં પણ એક જિજ્ઞાસાથી અનુપમજીએ પારંપારિક જ્ઞાન ગ્રહ્યું, આપણને ચેતવ્યા અને જમાનાથી આગળ વહી ગયા. તેઓ તેમના દીકરા શુભમને કહેતા કે વર્ગમાં કોઈ એક વિદ્યાર્થીનો તો છેલ્લો નંબર આવે જ ને! એ આપણે પણ હોઈએ તો વાંધો નહિ. એક પ્રસંગે મને અને આશિષને સહેજ ટપારતાં કહ્યું હતું કે, “તમે તો દીકરીને અત્યારથી તળાવની બધી વાત કરી દીધી, અમે તો શુભમને ક્યારે ય વાત કરી જ નહીં, એને રસ હશે તો એ જાણી લેશે.” આમાં વડીલભાવ નહોતો, પણ એક પિતા બીજા પિતા સાથે વાત કરી રહ્યાનો સમભાવ હતો. જોગાનુજોગ કૈલાસ-માનસરોવરથી પાછી ફરી ત્યારે આશિષની બદલી દિલ્હી થઈ ગયેલી, પછીનાં વર્ષો પશ્ચિમી દિલ્હીના દ્વારકામાં પાણી અને વીજળીની અછત સાથેના સંઘર્ષના વર્ષો એ ખરા અર્થમાં તો અનુપમજીને સમજવાનાં વર્ષો હતાં.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઈસબૂક દિવાલેથી સાભાર, 19 ડિસેમ્બર 2020

Loading

એક અપૂર્વ સંવાદ

હિમાંશી શેલત|Opinion - Opinion|16 February 2021

તિર્યકી

બ્રોકલી : આમ તો હું જ ફૂલ જેવી દેખાઉં છું તો પછી મને કેમ પેલો ઊંચો દરજ્જો નહીં? હું કમળની નજીક નથી ?

ફ્‌લાવર : ના, કારણ કે ફૂલ જેવી ભભક મારી છે, તારી નહીં. મારો તો રંગ પણ શ્વેત, સ્વચ્છ અને પવિત્ર, વળી મને તો ઘણાં કહે છે ય ફૂલેવર, અર્થાત્‌ ફૂલોમાં વર, એટલે કે શ્રેષ્ઠ!

બ્રોકલી : જા, જા, એ તો કોઈને બોલતાં ન આવડે એમાં !

ફ્‌લાવર : એમ તો એમ, છતાં છું તો ફૂલથી નજીકને ? તું તો પરભોમની, અહીંની સંસ્કૃતિ અને સંસ્કારમાં તું શું સમજે?

બ્રોકલી : તને ય એવી કંઈ ખાસ ખબર નથી, અમસ્તી જ ડંફાસ હાંકે છે તે.

ફ્‌લાવર : આ લોકો ડ્રેગનફ્રૂટને હવે કમલમ્‌ કહેવાના છે એમ સાંભળ્યું. આમ તો આ નામ કર્ણપ્રિય છે, પણ એવા રાજકીય સંદર્ભો ખૂલે છે એટલું તો સાચું.

બ્રોકલી : તે ભલેને ખૂલતા, એમાં આપણે શી લેવાદેવા?

ફ્‌લાવર : એમ નહીં, માનો કે કોઈ ડ્રેગનફ્રૂટ બગડેલું નીકળ્યું, કોઈ બેસ્વાદ નીકળ્યું, કોઈમાં સડો લાગ્યો કે કોઈ ગંધાઈ ગયું તો …

બ્રોકલી : ફળ છે ભ’ઈ! આવું બધું તો ફળની નાતમાં ઘણું કૉમન ગણાય. સાવ કુદરતી.

ફ્‌લાવર : બરાબર, પણ હવે એને માટે જે નવું નામ વાપરવાનું છે તે મૂકીને, એટલે કે ડ્રેગન-ફ્રૂટને ખસેડીને ગોઠવીને વાક્ય બનાવ. ……માં સડો પેઠો, …….માંથી વાસ આવે છે, આ …… સાવ ફેંકી દેવા જેવું છે… પછી? શું થશે એનું ભાન છે?

બ્રોકલી : ઓ માયગૉડ ! યુ હેવ અ પૉઇન્ટ! આ તો જબરી મુસીબત. જો ડ્રેગનફ્રૂટ ચલણમાંથી સાવ નીકળી જાય એને ઠેકાણે કમલમ્‌ કમલમ્‌ થઈ જાય તો તો …

ફ્‌લાવર : બસ, એ જ મારી ચિંતા છે. બગડેલાં ફળ માટે તમારાથી એક હરફ સુધ્ધાં નહીં બોલાય, બોલ્યાં તો માથે પસ્તાળ પડશે, તમે દેશદ્રોહી ઠરશો, જેલના સળિયા ગણવા પડશે, ત્યારે શું કરશો ?

બ્રોકલી : જરા થોભ. જો ડ્રેગનફ્રૂટ માટે નવો શબ્દ હોઈ શકે તો બગડેલાં ડ્રેગનફ્રૂટ માટે ય નવીનક્કોર અભિવ્યક્તિ ના હોય ? ભેજું લડાવ તારું.

ફ્‌લાવર : એમ અધ્ધર વાત નહીં કરવાની. દાખલો આપ.

બ્રોકલી : આપુંને ! જેમ કે આ …… સ્વાદમાં હટકે છે, વિશિષ્ટ છે, કદાચ એની ઍક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે, અથવા આ ….. ઉદાર છે, એની અંદર જીવજંતુઓએ ઘર બનાવ્યું છે, છતાં વિરોધ નથી કરતું, અથવા તો આ ….. સાવ ફિક્કું છે, એમાં એનો દોષ નથી, કદાચ રસહીન ધરા થઈ છે અને …. આગળ છેને કશુંક? મને યાદ નથી તમારી એ પંક્તિઓ, આ તો મારી બાજુમાં શેરડીના સાંઠા પડ્યા રહેતા, એ લોકો પાસેથી સાંભળેલું.

ફ્‌લાવર : બધી માથાકૂટ છોડીને ડ્રેગનફ્રૂટની ખેતી જ બંધ કરી દેવા જેવી છે. કાયદો લાવી દેવાનો ફટ દઈને, પ્રતિબંધિત ફળ ગણો એને, ના રહે ફળ અને ના રહે એનું નામનિશાન. કાયદો લાવ્યા પછી તાકાત શી છે ડ્રેગનફ્રૂટની કે …? જે ખાય કે ખરીદે, એના પર કેસ ઠોકી દો.

બ્રોકલી : તે તારી વગ હોય તો સમજાવ ટોચ પર જે બેઠેલા છે એમને. મને તો એ બધી માથાકૂટ ફાવતી નથી. અને પારકી ગણાઉં એટલે કોઈ સાંભળે નહીં. બોલીબોલીને કરમાઈ જઇશ, અને લીલીછમ મટીને કાળી ઠીકરી જેવી થઈ જઈશ તોયે મારી વાત પહોંચાડી નહીં શકું! છે તારી કોઈ વગ-ઓળખ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 16

Loading

પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં ભણતર

જશવંત મહેતા, જશવંત મહેતા|Opinion - Opinion|16 February 2021

અભિજિત વ્યાસે ‘વિનિપાત’ (નિ. ૧૬/૧) એ સંવેદનનોંધમાં એક વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકારનાં પૌત્રીએ પોતાના દાદાનું પોતે કશું જ નહીં વાંચ્યાનો એકરાર નોંધ્યો હતો. પૌત્રીની કેફિયત એ હતી કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણી હોઈ ગુજરાતી વાંચતાં આવડતું જ નથી. આ નોંધ વાંચીને મળેલ પ્રતિભાવો પૈકી એક મુંબઈ સ્થિત જશવંત મહેતાનો પણ હતો. તેઓ મુંબઈની શાળાઓમાં ગુજરાતી (અને ગુજરાતીમાં) ભણાવાય તે માટેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તરતમાં એક ઓર માતૃભાષા દિવસ (ફેબ્રુઆરી ૨૧) આવશે એ જોગાનુજોગના ઉલ્લેખ સાથે આ લખાણ પ્રગટ કરતી વખતે ગુજરાતના સંદર્ભમાં એ એક વિગતની નોંધ આનંદ (અને અપેક્ષા) સાથે લેવી જોઈએ કે લાંબી હિલચાલ પછી ૨૦૧૮-૧૯થી રાજ્ય સરકારે પહેલી-બીજીમાં ગુજરાતનો વિષય અનિવાર્ય લેખ્યો છે અને ધોરણ ૩ થી ૮માં પણ તે રીતે તબક્કાવાર આગળ વધવાની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતી સિવાયનાં માધ્યમમાં ભણનાર હર કોઈ માટે, પછી તે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય કે ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન અગર તો ઈન્ટરનૅશનલ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય, આ લાગુ પડે છે. જો કે, ગુજરાતી માધ્યમ વાસ્તે પ્રજાસૂય પ્રતિબદ્ધતા અને રાજકીય સંકલ્પશક્તિની દૃષ્ટિએ હજુ ઘણું બધું કરવું રહે છે.

— તંત્રી, “નિરીક્ષક”

હાલમાં નવી શિક્ષણનીતિમાં સ્કૂલશિક્ષણમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા થઈ છે અને સ્કૂલ શિક્ષણના નવા માળખા પ્રમાણે પાંચમા ધોરણ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે. આ ફેરફાર ખૂબ જરૂરી અને આવકારદાયક છે અને કેન્દ્ર સરકાર અભિનંદનને પાત્ર છે. માતૃભાષાની બદલે અંગ્રેજીમાં ભણાવવાનું પહેલા ધોરણથી એસ.એસ.સી. સુધી તો સામાન્ય થઈ ગયું હતું પરંતુ ધીરેધીરે કરતાં નર્સરી અને છેલ્લે હવે તો પ્લે ગ્રૂપનાં ભૂલકાંઓને પણ અંગ્રેજીમાં જ બોલવાનું ફરજિયાત થઈ ગયું હતું અને આ પરિસ્થિતિમાં સમય જતાં આખા ભારતભરમાં માતૃભાષા લુપ્ત થઈ જવાની પૂરેપુરી શક્યતા ઊભી થઈ છે. 

બાળકોને શરૂઆતનાં વર્ષોમાં માતૃભાષાથી જ લખવાવાંચવા અને તેના ફાયદા વિષે વૈશ્વિક અભ્યાસો જણાવે છે કે “બાળકોએ સૌથી પહેલું માતૃભાષામાં જ લખતાં વાંચતાં શીખવું જોઈએ. એક વાર તેઓ એક મિનિટમાં ૪૫-૬૦ શબ્દો ઝડપથી વાંચતા થઈ જાય ત્યારે જ તેઓ જે વાંચતાં હોય એનો અર્થ સમજી શકે છે. આટલી ઝડપે પહોંચવું માતૃભાષામાં જ બહુ સહેલું છે. એટલી ઝડપ એક વાર આવી જાય, પછી ભાષા શીખવી બહુ સરળ બની જાય છે. એ પહેલાં અંગ્રેજી કે બીજી કોઈ ભાષા શીખવવામાં આવે, તો બાળકને માટે પોતાની માતૃભાષામાં ઝડપથી વાંચવું બહુ અઘરું બની જાય છે.”

એક સમયે (૧૯૬૫-’૭૦ પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં અંગ્રેજી શીખવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. બાઈ કબીબાઈ હાઇસ્કૂલ (મુંબઈ) કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો, ત્યાં અમારા સમયે (૧૯૫૭માં S.S.C.E. પરીક્ષા પાસ કરી હતી). અંગ્રેજી ૭મા ધોરણથી ભણાવવાની શરૂઆત થતી હતી તે વખતે મેટ્રિક(S.S.C.E.)ની પરીક્ષા ૧૧મા ધોરણ પછી લેવાતી હતી પણ તે સમયે અમારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને વ્યાકરણ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું. WREN & MARTINનું વ્યાકરણનું પુસ્તક અને પાઠમાળા અંગ્રેજી શીખવા માટે ઘણાં ઉપયોગી હતાં અને અમે જ્યારે કૉલેજમાં પ્રવેશ કર્યો, ત્યારે કૉલેજમાં અંગેજી માધ્યમ હોવા છતાં અમે કોઈ મુશ્કેલી નહોતી અનુભવી. ધીરે-ધીરે આ બધી શાળાઓમાં અંગ્રેજીનું ધોરણ કથળતું ગયું અને કૉલેજોમાં અંગ્રેજી માધ્યમ હોવાથી ગુજરાતી વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલતાં થયાં અને વખત જતાં આ ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓનું અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું. એ તો નિઃશંક છે કે માતૃભાષામાં સ્કૂલ કક્ષાએ શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે. આજે એસ.એસ.સી.નો અભ્યાસક્રમ ૧૦ વર્ષનો હોવાથી જો, અંગ્રેજી ૫માં ધોરણથી શીખવવામાં આવે અને ૬ કે ૭ વર્ષ અંગ્રેજીનું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે, તો કૉલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને શીખતી વખતે તકલીફ ન પડે, તેવું મારું માનવું છે.

ગુજરાતી મા-બાપ કહેતાં હોય છે : "રું બાળક ગુજરાતી તો બોલે જ છે, પછી સ્કૂલમાં પણ એ શીખવવાની શી જરૂર છે? એને બદલે અંગ્રેજી ના શીખવીએ !” આ તર્ક આમ તો અકાટ્ય લાગે, પણ એ ભૂલભરેલો છે. એને બદલે એક વાર બાળક ગુજરાતી સારું શીખી જાય પછી અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવું પણ એને માટે એકદમ સહેલું થઈ જાય છે. એટલે પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. ઊલટું, સારું ગુજરાતી એ સારા અંગ્રેજી માટેનો મજબૂત પાયો બનાવે છે. આ સત્ય ગુજરાતી ભાષાની જેમ દેશની દરેક સ્થાનિક ભાષા – જેમ કે હિન્દી, મરાઠી, બંગાળી વગેરેને લાગુ પડે છે. વિશ્વભરમાં કદાચ ભારત એક જ એવો દેશ હશે કે જ્યાં સ્થાનિક ભાષાઓ પૂર્ણ રીતે વિકસેલી અને સમૃદ્ધ હોવા છતાં પણ બાળકોને તેમના પાયાના શિક્ષણની શરૂઆત અન્ય દેશની પરદેશી ભાષા દ્વારા ફરજિયાત બની ગઈ છે.

આપણી માતૃભાષામાં જે સંવેદનશીલતા કે મીઠાશ છે અને જે શબ્દોની સમૃદ્ધિ છે, તે અંગ્રેજી કરતાં નિઃશંક ખૂબ જ ચડિયાતી છે. અંગ્રેજીમાં કાકા-કાકી કે મામા-મામી કે માસા-માસી બધાં માટે ફક્ત Uncle અને Auntie છે, તેવી રીતે દાદા-દાદી કે નાનાં-નાની માટે Grand Father  અને Grand Mother છે. આપણે આપણા નામકરણથી જ આપણા સંબંધોને આગવીકરણ આપ્યું છે. આપણી સંસ્કૃતિ છોડશું, તો આપણે ઘણું ગુમાવશું.

કમનસીબે આજે એવો સમય આવ્યો છે કે બૃહદ્‌ મુંબઈમાં ગુજરાતી માધ્યમની એક સમયે અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં, મોટા ભાગની શાળાઓમાં ગુજરાતી એક ભાષા તરીકે કે સેકન્ડ લૅગ્વેજ તરીકે પણ હવે શીખવવામાં આવતી નથી. ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત અને જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા પણ ગુજરાતી છે, ત્યાં આપણા વિદ્યાર્થીઓ માતૃભાષાના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રહે તે આપણા સમાજની કમનસીબી (કે નાલેશી !) છે. આ બધી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી અને એક સેકન્ડ લૅંગ્વેજ તરીકે ફ્રૅન્ચ પણ આપણા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પણ તેઓ માતૃભાષાનો કક્કો પણ શીખવા પામતા નથી.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી પૉલિસી માટે સૌએ એક થઈને આ નિર્ણયને સમર્થન આપવાની જરૂર છે.

બી-૧૪૫/૧૪૬, મિત્તલ ટાવર, નરીમન પૉઇન્ટ, મુંબઈ – ૪૦૦ ૦૨૧

Email: jashwant@theemerald.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 12

Loading

...102030...2,1672,1682,1692,170...2,1802,1902,200...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved