Opinion Magazine
Number of visits: 9964676
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—78

દીપક મહેતા|Opinion - Opinion|9 January 2021

પોલિસ કમિશનરની ઓફિસમાંથી તેમનું જ બાવલું ગુમ!

બંગલો ભલે એક દિવસ જ વાપરો, ભાડું તો એક મહિનાનું લઈશ

એવું તે શું થવાનું હતું બીજી મે, ૧૮૭૧ના દિવસે?

મુંબઈના જાણીતા કાપડના વેપારી શેઠ માધવદાસ રૂગનાથદાસની દોડાદોડ છેલ્લા થોડા દિવસથી વધી ગઈ છે. ના, ધંધાને કારણે નહિ. બલકે વર્ષોના જૂના મુનિમને બોલાવીને તેમણે કહી દીધું છે કે હમણાં થોડા દિવસ પેઢી પર અવાય ન અવાય તો તમે બધું કામ સંભાળી લેજો. ઘરમાં બે ઘોડાની ગાડી છે, પણ ગાડીવાનને કહ્યું છે કે હું બોલાવવા માટે માણસ ન મોકલું ત્યાં સુધી તારે કામ પર આવવાની જરૂર નથી! અને હા, ચિંતા ન કરતો, તારો પગાર ચાલુ રહેશે. કામ માટે બહાર નીકળે ત્યારે શેઠ માધવદાસ પહેલાં થોડું ચાલે અને પછી કોઈ ઓળખીતું જોતું તો નથી ને એની ખાતરી કરીને ભાડાની વિક્ટોરિયામાં બેસી જાય. પણ હતા વેપારી માણસ. એટલે બધી બાજુનો વિચાર કરીને પછી જ આગળ વધે. એટલે પહેલાં તો બે ખાસ નજીકના મિત્રોને પોતાને ઘરે બોલાવ્યા. કેખશરૂ નવરોજી કાબરાજી અને કરસનદાસ મૂળજી સાથે પેટ છૂટી બધી વાત કરી. કાબરાજી એટલે એ જમાનાના આગળ પડતા સમાજ સુધારક, લેખક, રંગકર્મી, પત્રકાર. અને કરસનદાસ તો મુંબઈના જ નહિ, ગુજરાતના પણ મોટા ગજાના સુધારક, લેખક, પત્રકાર. વળી, માધવદાસ અને કરસનદાસ બંને ચીની કાપડના ધંધામાં પણ સાથે. કરસનદાસની વાત સાંભળીને બંનેએ કહ્યું કે અમે તમારી સાથે છીએ. એટલે આ કામ પાર કઈ રીતે પાડવું તેની વિગતોની ત્રણે મિત્રોએ ચર્ચા કરી.

કરસનદાસ મૂળજી

પહેલે દિવસે કરસનદાસ મૂળજીને સાથે લીધા અને પહોંચ્યા મુંબઈના પોલિસ કમિશનર સર ફ્રેન્ક સોટિયેરને મળવા તેમની ઓફિસે. સર ફ્રેન્ક સોટિયેર એટલે મુંબઈ શહેરના પહેલવહેલા પોલિસ કમિશનર. ૧૮૬૪થી ૧૮૮૮ સુધી, પૂરાં ચોવીસ વરસ સુધી મુંબઈના પોલિસ કમિશનર રહ્યા. અને પોતાના કામને એવા વફાદાર કે ચોવીસ વરસમાં તેમણે માત્ર બે જ દિવસની રજા લીધેલી! ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ પાસેથી સરનો ઈલ્કાબ મળેલો. ૧૮૮૮ના એપ્રિલની ૩૦મી તારીખે નિવૃત્ત થયા પછી તેઓ નિલગિરિ રહેવા ગયા, જ્યાં પહોચ્યા પછી ત્રણ જ મહિનામાં તેમનું અવસાન થયું હતું.

અહીં એક ઉપકથા જોડી દઈએ. ૨૦૧૮ની સાલમાં સર ફ્રેંક સોટિયેરને શોધવા માટે મુંબઈ પોલીસે દોડાદોડ કરી મૂકી હતી. હેં? ૧૮૮૮માં જેનું અવસાન થયું હોય તેને ૨૦૧૮માં શોધી શકાય કઈ રીતે? પણ પોલીસ શોધતી હતી તે તેમને નહિ, તેમના ખોવાયેલા બાવલાને. મુંબઈના પોલિસ કમિશનરની કચેરીના મુખ્ય દરવાજા પાસે વરસો સુધી તેમનું બાવલું હતું. કોઈ પણ પોલિસ ઓફિસર આ મુખ્યાલયમાં જોડાય ત્યારે સૌથી પહેલી સલામ એ બાવલાને કરતો. પણ પછી કોણ જાણે ક્યારે, કઈ રીતે, એ બાવલું અલોપ થઈ ગયું. અને વખત જતાં એ બાવલું અને સર ફ્રાંક સોટિયેરનું નામ પણ ભૂલાઈ ગયું. પણ પછી મુંબઈ પોલિસનું અલગ મ્યુઝિયમ બનાવવાનું નક્કી થયું. ત્યારે તેમાં મૂકવા માટે પહેલા પોલિસ કમિશનરનું બાવલું યાદ આવ્યું. પણ એ જગ્યા તો હતી ખાલીખમ્મ. બાવલું ગયું ક્યા? પોલીસ માંડી શોધવા. પહેલાં તો મુખ્યાલયના મકાનનો ખૂણેખૂણો જોઈ વળ્યા. જૂની ફાઈલો કાઢીને તેમાંનાં કાગળિયાં ફંફોસ્યાં. અને કોઈકના મનમાં બત્તી થઈ: આ બાવલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં તો નહિ પહોંચી ગયું હોય ને? ૧૯૭૦ની આસપાસ મુંબઈ શહેરમાંનાં બ્રિટિશરોનાં ઘણાં પૂતળાં ખસેડી લીધાં હતાં અને એ બધાંને એ મ્યુઝિયમમાં ધકેલી દીધાં હતાં. એટલે પોલીસની ટુકડી પહોંચી મ્યુઝિયમની મુલાકાતે. આવાં ઘણાંખરાં પૂતળાં મ્યુઝિયમની પાછળની ખુલ્લી જગ્યામાં પડ્યાં હતાં. પણ તેમાં મુંબઈના પહેલા પોલિસ કમિશનરનું પૂતળું નહોતું. એટલે પછી શોધ્યું આખું મકાન. અને એ મળી આવ્યું મ્યુઝિયમના પહેલા માળ પરથી, સાજીસારી દશામાં. 

પણ આપણે પાછા ૧૯મી સદીમાં જઈએ. શેઠ માધવદાસ અને કરસનદાસ મૂળજી પહોંચ્યા પોલિસ કમિશનરની કચેરીએ. એક ચિઠ્ઠીમાં પોતાનાં નામ લખી ચોપદાર સાથે સાહેબને મોકલ્યાં. થોડી વાર રાહ જોવી પડે તેમ હતું કારણ સાહેબ બીજા કોઈ કામમાં રોકાયેલા હતા. પછી તેડું આવ્યું એટલે ગયા. કુરનિશ બજાવી પોતાની ઓળખાણ આપી. સાહેબે બેસવા કહ્યું પછી બેઠા. સાહેબ વરસોથી મુંબઈમાં હતા એટલે હિન્દી, મરાઠી, ગુજરાતી સમજતા અને બોલતા પણ ખરા, પણ ઉચ્ચારો ગોરા સાહેબો જેવા. બંને જણાએ પોતાની વાત સાહેબને વિગતે સમજાવી અને મદદ કરવા અરજ કરી. તેમની વાત સાંભળી લીધા પછી સાહેબે કહ્યું: ‘ટુમે લોક જે કામ કરવાના છે તે તો બહુ સારા ને નેક કામ છે. અને સારા કામ કરનાર નેક માણસોની મડડ કરવી એ તો પોલિસના રિલીજિયન – ટુમેં લોક સુ કહો, હા, ઢરમ છે. એટલે મુંબઈ પોલિસ ટુમને બઢી મદદ કરશે.’ પોતાના સહાયકને બોલાવી સાહેબે તેને અંગ્રેજીમાં કહ્યું તેની મતલબ : ‘આ લોકો એક બહુ સારું અને નેક કામ કરવાના છે. તેઓ કહે તે રીતે, તે દિવસે અને તે જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરજો. કંઈ મુશ્કેલી હોય તો મને તરત જણાવજો.’ સાહેબનો આભાર માની, સલામ કરી, બંને બહાર નીકળ્યા. કરસનદાસે મિત્ર માધવદાસને કહ્યું: ‘ચાલો, શુકન તો સારાં થયાં.’

મુંબઈના પહેલા પોલિસ કમિશનર સર ફ્રેન્ક સોટિયેર અને તેમનું બાવલું

બીજે દિવસે કાબરાજીને સાથે લઈને માધવદાસ એક જાણીતા પારસી વેપારીને મળવા ગયા. તેમનો ચીન સાથે અફીણનો મોટો ધંધો હતો. તેમણે કાબરાજી અને માધવદાસને ઉમળકાભેર આવકાર્યા. કાબરાજીએ ઓળખાણ કરાવી: ‘આ મારા મિત્ર માધવદાસ. ચીની કાપડના મોટા વેપારી છે. તેઓ એક બહુ જ હિંમતભર્યું, વખાણવા લાયક કામ કરવાના છે. અને તેમાં આપની મદદ જોઈએ છીએ.’ પારસી શેઠ : ‘અરે, કાબરાજીશેઠ. એમાં તમુએ આંઈ સુધી ધક્કો કાંઈ ખાઢો? બોલો, કેટલી રકમ …' માધવદાસ કહે : ‘આપનો આભાર, શેઠ. પણ અમે ફંડફાળો ઉઘરાવવા નથી આવ્યા.’ ‘ટો બીજું સું કામ ચે?’ ‘અમારે આપનો ચીંચપોકલીનો બંગલો જોઈએ છીએ.’ ‘પન એ કંઈ વેચવો નથી મારે.’ માધવદાસ : ‘નહિ, નહિ, શેઠ. અમારે તો એ ફક્ત ભાડે જોઈએ છીએ, અને તે પણ એક જ દિવસ માટે.’ ‘એક જ ડિવસ માટે?’ હવે કાબરાજી વચમાં પડ્યા. કહે : ‘વાત જાને એમ છે કે …' અને આખી વાત તેમણે સમજાવી. એ સાંભળીને પારસી શેઠ કહે : ‘જુઓ કાબરાજી સેટ! ટમે જાટે અહીં સુધી આવિયા એટલે બંગલો ટો હું આપસ. પણ આય બંગલો હું એક મહિના કરતાં ઓછા ટાઈમ માટે ભાડે આપટો નઠી.’ કાબરાજી : ‘એટલે માધવદાસ એક દિવસ માટે ભાડે લે તો પણ ભાડું તો એક મહિનાનું જ આપવું પડે, બરાબર? પણ ભાડું કેટલું?’ ‘ડોર સો રુપ્યા.’ કાબરાજીએ માધવદાસ સામે જોયું. જરીક વિચાર કરીને માધવદાસ બોલ્યા : ‘આપની વાત મને કબૂલ-મંજૂર છે, પણ એક શરતે.’ શેઠ પૂછે એ પહેલાં કાબરાજીએ જ પૂછ્યું : ‘શરત? કેવી શરત?’ માધવદાસ : ‘ઠરાવેલી તારીખે સાંજ સુધીમાં અમે બંગલામાં પગ મૂકીએ તો જ ભાડાના ૧૫૦ રૂપિયા આપવાના, નહીંતર નહિ.’ જરીક વિચાર કરીને પારસી શેઠ કહે : ‘આમ ટો હું કોઈની બી સરત માનું નહિ. પણ ટુમેં પરવર દિગારને ગમે ટેવું નેક કામ કરવા માટે બંગલો ભાડે માગો ચો એટલે તમારી વાત કબૂલમંજૂર.’ શેઠનો આભાર માનીને બંને મિત્રો ત્યાંથી રવાના થયા.

આવો કોઈક બંગલો ભાડે રાખ્યો હશે માધવદાસે

પછી માધવદાસ ગયા પંડિત વિષ્ણુ પરશુરામ શાસ્ત્રીને મળવા. ૧૮૨૭માં સાતારા જિલ્લાના નાનકડા ગામડામાં જન્મેલા પંડિતજી એટલે એ જમાનાના એક જાણીતા મરાઠી લેખક, પત્રકાર, અને સમાજસુધારક. સરકારી નોકરીમાંથી છૂટા થઈ તેમણે ૧૮૬૨માં મુંબઈથી ‘ઇન્દુપ્રકાશ’ નામનું મરાઠી અઠવાડિક શરૂ કરેલું. તેનો મુખ્ય સૂર સમાજ સુધારાનો હતો. બાળલગ્ન, વિધવા પુનર્લગ્ન, કજોડાંના લગ્ન, કેશવપન, વગેરે વિશેના પોતાના સુધારાવાદી વિચારો પંડિતજી તેમાં છડેચોક વ્યક્ત કરતા. તેઓ વિધવાનાં પુનર્લગ્નના જબરા હિમાયતી હતા. પોતાની વાત પોથીમાંનાં રિંગણાં નથી એ બતાવી આપવા માટે તેમણે પોતે એક વિધવા સાથે લગ્ન કરેલાં. પંડિતજીને મળીને કરસનદાસે બધી વાત પેટ છૂટી કરી, અને કહ્યું કે આ કામ માટેની બધી તૈયારી આપે કરી આપવી અને ઠરાવેલા દિવસે આપે ચીંચપોકલીના બંગલામાં પધારવાની તસ્દી લેવી. કરસનદાસની વાત સાંભળી શાસ્ત્રીજી પ્રસન્ન થયા અને કહ્યું કે ‘અમે જરૂર ઉપસ્થિત રહેશું, અને બધી તૈયારી પણ કરી આપશું. એ અંગે હવે તમારે ચિંતા કરવાના નહિ.’

પંડિત વિષ્ણુ પરશુરામ શાસ્ત્રી અને ‘ઇન્દુપ્રકાશ’

ત્યાંથી નીકળીને કરસનદાસ પહોંચ્યા એક તબેલાના માલિક પાસે. તેને કહ્યું કે હું જણાવું તે દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ઘોડા ગાડી વાલ્કેશ્વર ખાતે આવેલા શેઠ લખમીદાસ ખીમજીના બંગલે હાજર કરી દેવી. અને પછી કરસનદાસ મળ્યા શેઠ લખમીદાસ ખીમજીને. કાપડના મોટા વેપારી અને માધવદાસના ખાસ મિત્ર અને સાથીદાર. આજે પણ કાલાબાદેવી વિસ્તારમાં તેમના નામની કાપડ માર્કેટ છે. અત્યાર સુધી પોતે કોને કોને મળ્યા, શું શું નક્કી કર્યું તેની વિગતે વાત કરી. એ સાંભળીને લખમીદાસ શેઠ કહે : માધવદાસ, તમે આવું હિંમતભર્યું કામ કરો છો તો ઠરાવેલા દિવસે ચીંચપોકલીના બંગલામાં બપોરે ત્રણ વાગ્યે એક અંગ્રેજી બેન્ડ-વાજું, ફૂલના તોરા અને હાર, મહેમાનો માટે પાનનાં બીડાં, ગુલાબદાની અને સાથે ગુલાબજળ, બધી તૈયારી કરવાનું કામ મારે માથે. પણ પછી કૈંક યાદ આવતાં પૂછ્યું : ‘પણ વર-વધૂ અહીંથી ચીંચપોકલી જશે કઈ રીતે?’ માધવદાસ કહે : ‘ઠરાવેલા દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ગાડી અહીં હાજર થઈ જશે. એ નક્કી કરીને સીધો ત્યાંથી જ અહીં આવ્યો છું. લખમીદાસ શેઠ કહે : ‘માધવદાસ, કામની ચોકસાઈની બાબતમાં તમને કોઈ ન પહોંચે.’ માધવદાસ કહે : ‘એ તો નીવડ્યે વખાણ.’ પછી માધવદાસ શેઠે પહેલાં કોટની પોલિસ કોર્ટના મેજિસ્ટ્રેટ રાવબહાદુર નાના મોરુજીની અને પછી ગિરગામ પોલીસ કોર્ટના મેજિસ્ટ્રેટ રાવબહાદુર મહાદેવ ગોવિંદ રાનડેની મુલાકાત લીધી અને ઠરાવેલા દિવસે કોર્ટનું કામ વહેલું આટોપીને પણ ચીંચપોકલીવાળા બંગલે હાજર રહેવા અરજ ગુજારી જે બંનેએ સહર્ષ સ્વીકારી.  

જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે

અને પછી માધવદાસ શેઠ ઘરે ગયા. પહેલાં તો ઊના ઊના પાણીએ નાહીને તાજામાજા થયા. પછી ઇષ્ટદેવની છબી પાસે ચાંદીની દીવીમાં ઘીનો દીવો કરી મનોમન પ્રાર્થના કરી. અને પછી પોતાના ખંડમાં જઈ કાળા સીસમના નકશીદાર મેજ પાસેની કિરમજી રંગના મખમલથી મઢેલી ખુરસી પર બેઠા. મેજ પર કોરા કાગળની થપ્પી હતી, ચાંદીના બે ખડિયામાં લાલ અને કાળી મશી કહેતાં શાહી હતી, અને બાજુમાં ચાંદીના પતરાથી મઢેલી ત્રણ-ચાર કલમ હતી. તેમાંની એક કલમ લાલ શાહીમાં બોળી તેમણે લખવાનું શરૂ કર્યું:   

મારાં ભવિષ્યનાં થનારાં પ્યારાં ધનકોર:

ઈશ્વરે તમને બહુ જ ડહાપણ ભરેલો વિચાર સૂચવેલો છે. માટે તમો ખચિત માનજો કે આ કામમાં ઈશ્વરનો હાથ જરૂર છે. હવે આપણું ધારેલું કામ પાર પાડવાનો શુભ દિવસ સંવત ૧૯૨૭ના વૈશાખ સુદ ૧૨ને મંગળવાર, તા. બીજી મે, ૧૮૭૧નો દિવસ ઠેરવ્યો છે. તે દિવસે બપોરના એક વાગતાને સુમારે તમો તૈયાર થઈને તમારા ઘરની બારીએ ઊભાં રહેજો. હું સર્વે કામની તૈયારી કરી મથુરાદાસ ખેતસીને તમારા ઘરની બારીની સામે આવીને ઊભો રહેવા મોકલું એટલે તમો નીચે ઊતરીને તેની પાછળ પાછળ ચાલી આવજો. હું અને મારો મિત્ર કરસનદાસ મૂળજી, શેઠ લખમીદાસ ખીમજીના બંગલા પાસે ગાડી તૈયાર રાખીને ઊભા રહેશું. હવે બીજી ચિઠ્ઠી હું તમોને લખવાનો નથી, માટે આ ચિઠ્ઠી છેવટની જ સમજજો. હાલ એ જ.

લિ. હું છું તમારો હાથ મેળવવાનો ઉમેદવાર મા.રૂ.

આ પત્રમાં જણાવેલી તારીખે મુંબઈમાં એક અભૂતપૂર્વ ઘટના બની, પણ તેની વાત હવે પછી.

(વાચકોને વિનંતી : ઘણા પ્રયત્નો પછી પણ માધવદાસ રૂગનાથદાસનો ફોટો મેળવી શકાયો નથી. જો કોઈ વાચક પાસે હોય તો નીચેના ઈમેલ પર સંપર્ક કરવા વિનંતી.)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ :”ગુજરાતી મિડ-ડે”, 09 જાન્યુઆરી 2021

Loading

મનુષ્ય કરતાં કુદરત હંમેશાં આગળ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2021

કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.

મનુષ્યને કારણે આ ધરતી, આકાશને એક અર્થ મળ્યો, અનેક શોધખોળોને કારણે બ્રહ્માંડના અનેક રહસ્યો ખૂલ્યાં ને તેની ચેતનાનો એટલો વિસ્તાર થયો કે જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખાઓ ખૂલી. એવી અનેક ચીજ વસ્તુઓનો આવિષ્કાર થયો જેને લીધે મનુષ્ય અનેક ભૌગોલિક અંતરો ઓળંગીને વિશ્વને મુઠ્ઠીમાં કરી શક્યો. તે ચંદ્રની ભૂમિ ખૂંદી વળ્યો તો મંગળનું વાતાવરણ મનુષ્યને લાયક છે કે કેમ તેની ચિંતા કરી શક્યો. પછી તો અનેક રસાયણો ને દવાઓની મદદથી આરોગ્ય અને ખેતીને લગતા અનેક આવિષ્કારો થયા ને જીવન વધુ સ્વસ્થ અને સુરક્ષિત બન્યું હોય એવું લાગ્યું. આ બધું મનુષ્યને કારણે શક્ય બન્યું, પણ એ જ મનુષ્યને કારણે જીવન ઝેર પણ થયું. સત્તા ને સંપત્તિનો એવો લોભ મનુષ્યને વળગ્યો કે તેણે સર્વનું નહીં, પણ સ્વનું જ કલ્યાણ ઈચ્છ્યું. તેણે સત્તા મેળવવા અનેક યુદ્ધો ખેલ્યાં. આ પૃથ્વીનો અનેક વખત નાશ થાય એવાં શસ્ત્રો તેણે વિકસાવ્યાં. રસાયણોનો એવો વિકાસ થયો કે તેણે હવા, પાણી, વાયુનાં પ્રદૂષણો ફેલાવ્યાં ને આ પૃથ્વી જીવસૃષ્ટિને રહેવા લાયક ન રહે એવી સ્થિતિ આવી.

ચંદ્ર પર વસવા માંગતા મનુષ્યે ધરતી પરના વસવાટની ચિંતા ન કરી. અનેક જીવો માટે તેણે અનેક જોખમો ઊભાં કર્યાં. કેટલીક શોધો મનુષ્ય માટે કલ્યાણકારી નીવડી, જ્યારે કેટલીક મનુષ્ય જીવન માટે જોખમી પુરવાર થઈ. અણુનું વિભાજન મનુષ્યનાં અણુએ અણુ માટે કેવી રીતે ઘાતક બની શકે તે પણ જગતે જોયું. રાસાયણિક ખાતરે પાકની ઉપજ વધારી, પણ તેનાં વધુ પડતાં ઉપયોગને કારણે મનુષ્યમાં રોગોનું પ્રમાણ પણ વધાર્યું. આ ધરતી ઉત્તરોત્તર રસકસ વગરની થતી ગઈ. આનાં દુષ્પરિણામો જોતાં મનુષ્ય ફરી એકવાર ઓર્ગેનિક ખેતી ને ખોરાક તરફ વળ્યો છે. એને એમ લાગવા માંડયું છે કે અગાઉ થતી ખેતીમાં રસકસ સચવાતા હતા ને એને એ પણ સમજાઈ ગયું છે કે કુદરતની ઉપરવટ જવામાં તો જોખમો જ વધે છે.

કોરોનાએ 2019માં હાજરી પુરાવીને જગતને બેફામ દોડતું અટકાવ્યું છે. તમામ વૈશ્વિક વ્યવહારો પર તેણે બ્રેક મારી ને પ્રકૃતિ અંગે વિચારવા ફરજ પાડી છે. આ વાયરસે વિશ્વના લાખો માણસોનો ભોગ લીધો છે એ સાચું, પણ તેણે હવાપાણી સુધાર્યાં ને વાતાવરણનું તેજ વધાર્યું છે તેની ના પાડી શકાશે નહીં. કોરોના માનવ સર્જિત દુર્ઘટના છે ને તેની કોઈ રીતે ઈચ્છા ન જ કરાય, પણ તેણે કુદરત વિષે માનવજાતને ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે તે પણ એટલું જ સાચું છે.

મનુષ્ય પોતાની સિદ્ધિઓ વિષે જરૂર ગર્વ લઈ શકે, પણ તે કુદરતને અતિક્રમવા જાય છે તો પછડાટ ખાધા વગર રહેતો નથી. એ કદી ભૂલવા જેવું નથી કે આ પૃથ્વીને જમીન 25 ટકા જ છે ને પાણી 75 ટકા છે. હવે આ ટકાવારી બદલાઈ હોય તો નવાઈ નહીં, પાણી વિફરે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આપણે વખતો વખત વરસાદ, વાવાઝોડાં, સુનામી ને રેલના અનુભવોમાંથી પસાર થયાં જ છીએ. મનુષ્ય પુલ બાંધી શકે, પણ દરિયો બાંધવાનું તેનું ગજું નથી. તે દીવો કરી શકે, સૂર્ય નહીં. તે સંપત્તિનો ડુંગર ખડકી શકે, પણ હિમાલય ખડો કરવાની તેની તાકાત નથી. મનુષ્યે એ સમજી લેવાની જરૂર છે કે તે ગમે એટલો વિરાટ હોય તો પણ તે કુદરતની શક્તિ સામે લાચાર છે. અહંકાર તેને ન પાલવે, તેણે તો નમ્ર જ થવું ઘટે.

કુદરતે ઘણું એવું અગાઉથી સર્જી દીધેલું છે, જ્યાં પહોંચતાં મનુષ્યને વર્ષો લાગ્યાં છે ને હજી ઘણા યુગો લાગે એમ છે. જેમ કે પૃથ્વી ગોળ છે કે સપાટ છે કે તે સ્થિર છે કે ફરે છે એટલું જાણવામાં મનુષ્યને યુગો લાગ્યા છે. આઘાત ને પ્રત્યાઘાત સરખા છે એ જાણવા આપણે ન્યૂટનની રાહ જોવી પડી, પણ કુદરતમાં તો એ નિયમ પહેલેથી હતો જ. આપણને એની જાણ મોડી થઈ એટલું જ. ગુરુત્વાકર્ષણ શોધાયું તે પહેલાંથી ગુરુત્વાકર્ષણ પણ હતું જ ! માત્ર આપણે મોડું જાણ્યું. દૂરબીન આવ્યું તો વિગતે જાણવાનું થયું, બાકી તારાઓ તો યુગો યુગોથી ટમટમે જ છેને ! દૂર શું કામ જવું? હૃદય ધબકે છે એની જાણ આપણને મોડી થઈ, પણ તે પહેલાંથી હૃદય તો ધબકતું જ હતું. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી 1492માં, પણ તે ભૂખંડ તો તે પહેલાં પણ હતો જ. ને આ બધાં પછી પણ મૃત્યુનું રહસ્ય તો હજી વણઉકલ્યું જ છે એવું નહીં?

કહેવાનું તાત્પર્ય એ છે કે અનેક શોધખોળોનું શ્રેય મનુષ્યને આપ્યા પછી પણ એ સ્વીકારવાનું રહે કે કુદરત મનુષ્ય પહેલાં જ મનુષ્ય માટે સજ્જ હતી. પૃથ્વી પર પહેલા માણસે આંખો ખોલી તે પહેલાંથી આ ધરતી હતી ને તેણે મનુષ્ય ટકી શકે એવું વાતાવરણ પહેલેથી તૈયાર રાખ્યું હતું. માણસ ઘણાં રહસ્યો તરત તો ના જાણી શક્યો, પણ એ જાણીને મનુષ્ય રાજી થયો કે વનસ્પતિમાં જીવ છે ને તેને પણ સંવેદનો છે ને હકીકત એ છે કે એ જાણકારી પહેલાંથી જ વનસ્પતિમાં જીવ તો હતો જ. માણસને ખબર મોડી પડી એટલું જ. સાચી વાત એ છે કે કુદરતને જાણવાનું શરૂ થયું તે પહેલાં જ એ તો બધાં રહસ્યો પોતાની અંદર સંતાડીને બેઠી હતી. પોતાને કોઈ જાણે, સમજે એ માટે તેણે જીવ સૃષ્ટિની રાહ જોઈ, પણ પશુપંખીમાં એ શક્ય ન બન્યું, કારણ એની પાસે વાણી ન હતી, અભિવ્યક્તિનું વૈવિધ્ય ન હતું. એ અભિવ્યક્તિ મનુષ્યને મળી ને એણે જ્ઞાન, વિજ્ઞાનની મદદથી એ શક્ય બનાવ્યું કે કુદરત ચૂપ રહેવા ટેવાયેલી છે ને મનુષ્યે એનાં મૌનને ઉકેલીને જગતને એ બતાવવાનું છે કે કુદરત કેવી તો  રહસ્યમય છે !

બ્રહ્માંડના એવાં ઘણાં રહસ્યો છે જે ઉકેલાવાના હજી બાકી છે ને એનો તાગ મનુષ્યે જ મેળવવાનો છે. એ મનુષ્ય જ મેળવી શકે એમ છે. એ ખરું કે કુદરત અનેક રીતે શ્રેષ્ઠ ને સમૃદ્ધ છે, પણ મનુષ્ય ન હતો ત્યાં સુધી કોઈ એનો ભાવ પૂછતું ન હતું. મનુષ્યને કારણે એનો ભાવ પૂછાયો, બાકી યુગો સુધી પૃથ્વી હતી જ ને ફરતી પણ હતી, પણ કોઈ એની સામે જોતું ન હતું, મનુષ્યે એ જાણ્યું ને બતાવ્યું કે એ પૃથ્વી છે ને તે શ્રેષ્ઠ અને સમૃદ્ધ છે. એટલે કુદરતને પણ કહેવાનું થાય કે મનુષ્ય પર એટલો ત્રાસ ન કર કે મનુષ્ય જ ન રહે. ગમે તેવો છે મનુષ્ય, પણ તે છે તો જ કુદરત ને પણ તેનું એક પ્રકારનું સાર્થક્ય છે.

ધરતી છે તો મનુષ્યને ઊભા રહેવાની જગ્યા છે, તો બીજી તરફ મનુષ્ય છે તો પૃથ્વીને પણ એક અર્થ છે. એ જ ન હોય તો તે ફરે કે સ્થિર રહે, શો ફેર પડે છે?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2021

Loading

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 January 2021

હૈયાને દરબાર

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.

અનાદિ આપ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે.

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

•   કવિ : કેશવલાલ ભટ્ટ    •   ગાયિકા : પૌરવી દેસાઈ

https://www.pendujatt.net/gujarati-songs/song/mari-naal-tamare-haath-pauravi-desai-purushottam-upadhyay-gaurav-dhruv-ayiki.html

૩૧મી ડિસેમ્બરે એક મિત્રનો ફોન આવ્યો. "થર્ટીફર્સ્ટનો શું પ્લાન છે? મનમાં થયું, આખા વરસના બધાં પ્લાન તો કચરા-પોતાં, રાંધવું, વાસણ ઊટકવાં અને કપડાં ધોવામાં જ ધોવાઈ ગયા. હવે ૩૧મીએ વળી શું કરવાનું!! છતાં તાત્કાલિક જવાબ એક જ સૂઝ્યો, "દુનિયા પરનું સંકટ ટળે એ માટે યજ્ઞ-હવન અને સત્ય નારાયણની પૂજા જ કરવાની હવે બાકી છે. ૩૧મીએ એ જ કરી દઈએ.

જવાબ, અલબત્ત, હળવાશપૂર્ણ જ હતો, પરંતુ ખરેખર વિચારીએ તો ઉજવણી શેની કરવાની? હતાશા, નિરાશા, ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા અને વિડંબનાઓમાં જ ૨૦૨૦ની સાલ વીતી ગઈ. રોજ સવાર પડતાં ધ્રાસ્કો પડતો અને સહુની સલામતીની પ્રાર્થના આપોઆપ થઈ જતી હતી.

બાકી, જવાની જાનેમન, હસીન દિલરૂબા … જેવાં તરબતર ગીતો સાથેની નશીલી, મદહોશ થર્ટીફર્સ્ટ નાઈટનો કેવો ઈન્તજાર રહેતો! મિત્રો, પ્રિયજનો-સ્વજનો સાથે મળીને આનંદ-પ્રમોદ સાથે નવા વર્ષનું સ્વાગત થતું. ૩૧મી ડિસેમ્બરે કરનારાઓએ તો ઉજવણાં કર્યાં, ૨૦૨૦ના વિકટ વર્ષને વિદાય કર્યું, પરંતુ દરેકના જીવને અંદરથી ચચરાટ તો હતો જ, ૨૦૨૧ કેવું જશે!

એટલે જ નાનપણમાં સાંભળેલી એક સુંદર પ્રાર્થના સાથે ૨૦૨૧ને આવકારવું છે ; મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે …! જેમના કુટુંબમાં સંગીતનો પ્રભાવ હશે એમણે પોતાની માતા, નાની કે દાદી પાસે આ પ્રાર્થના સાંભળી જ હશે. મારી માને કંઠે મેં કેટલી ય વાર આ પ્રાર્થના નાનપણમાં સાંભળેલી, પરંતુ સાસુમાં ઉષાબહેન પણ હલકદાર કંઠે આજે ૮૬ વર્ષની ઉંમરે ય સરસ ગાઈ શકે છે. રાગ દેશ પર આધારિત આ સુંદર પ્રાર્થના એમણે વીડિયો રેકોર્ડ કરીને તાજેતરમાં જ મોકલી ત્યારે આનંદ-આશ્ચર્ય બંને થયાં હતાં.

કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે.

આ ભયરોગની દવા કોની પાસે છે? ઈશ્વર સિવાય આ દર્દ કોઈ દૂર ન કરી શકે. નિર્મળ મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ભયાવહ મન:સ્થિતિ તો બદલાય જ છે. કવિ તેથી જ કહે છે કે તમે દયાના સાગર છો, કૃપાનિધાન છો, ભક્તોના ભય હરો છો, અમારો મૂંઝારો તમે જ સમજો છો એટલે જ મારી નાડ તમને સોંપું છું. તમારા ઉપાય સચોટ છે, તમે જ જીવવાની અને જીતવાની શક્તિ પ્રદાન કરી શકો છો એમ કહીને છેવટે કવિ ભગવાનને જ ચેલેન્જ આપે છે કે તમે અમને ભયમુક્ત, રોગમુક્ત નહીં કરો તો તમારી જ લાજ જાશે. આમ, પ્રાર્થનાની શક્તિ દ્વારા કવિ ઈશ્વરને કહે છે કે, તું મને પોતાનો સમજીને મારો ઈલાજ કર.

આવી પ્રાર્થનાની શક્તિની આવશ્યકતા આજે પણ છે જ. વેક્સિન ભલે આવી ગઈ છે છતાં આંતરિક શક્તિ કેળવવી આજના સમયમાં અનિવાર્ય છે.

આ પ્રાર્થનાના કવિ તરીકે ક્યાંક ‘કેશવ’ અથવા ‘કેશવરામ’ એવો નામોલ્લેખ જોવા મળતો હતો, પરંતુ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ્યાં ગૂગલ બાબા ન પહોંચે ત્યાં આપણા લેખક-વિવેચક દીપક મહેતા પહોંચી શકે. એમની પાસેથી કવિ કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૧-૧૮૯૬) વિશેની યોગ્ય માહિતી તથા ફોટોગ્રાફ મળ્યાં એટલે દીપકભાઈનો ખાસ આભાર.

કવિ કેશવલાલ ભટ્ટ ૧૯મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેશવકૃતિ’ ૧૮૯૯માં પ્રગટ થયો હતો. તેમાંની મોટા ભાગની કૃતિઓ ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન, વગેરેને લગતી અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતી છે. એક જમાનામાં તેમનાં કેટલાંક ભક્તિકાવ્યો સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. તેમનાં ચાર ભજનોને ગાંધી આશ્રમમાં ગવાતાં પ્રાર્થના, ભજનો, ગીતોના સંગ્રહ આશ્રમ ભજનાવલિમાં સ્થાન મળ્યું છે તેથી એ ભજનો વધુ પ્રચલિત થયાં. મારી નાડ તમારે હાથ … નો સમાવેશ પણ આશ્રમ ભજનાવલિમાં થયો છે.

દુનિયાના દરેક માણસે ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં એ ક્યાં જઈને ઊભો રહેશે. જો કે, કોવિડ કાળમાં માણસજાતે પર્યાવરણ સાથે કરેલાં ચેડાંની ભૂલ ધીમે ધીમે એને સમજાઈ રહી છે. સંઘરાખોરી, પૈસાનો દુર્વ્યય, અતિ ભૌતિકવાદની કિંમત આજે કોડીની છે. પહેલું સુખ તે જાતે નર્યા … કહેવતનું મૂલ્ય આજે સમજાય છે. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાં મનુષ્યે આત્મોન્નતિ માટે પ્રાર્થનાના મહત્ત્વને સમજવું એટલું જ જરૂરી છે. મનની શાંતિ અને શુદ્ધતા માટે જરૂરી છે પ્રાર્થના. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ, કારણ કે પ્રાર્થનાથી મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે, પ્રાર્થનાથી આપણા દોષો જોઈ શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. એટલે જ સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.

પૌરવી દેસાઈ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કાર્યરત છે. લોકડાઉનને લીધે એમના સુગમસંગીતના વર્ગો હમણાં બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પચાસેક શિષ્યોને એ તાલીમ આપી રહ્યાં છે. સાવ લો પ્રોફાઈલ રહીને સાઠ વર્ષથી તેઓ સંગીતનો યજ્ઞ અખંડપણે પ્રજવલિત કરી રહ્યાં છે. પૌરવીબહેનનું સૌથી લોકપ્રિય ગીત, વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ … છે. કવિ ડૉ. સુધીર દેસાઈનાં આ ગીતને મુંબઈના સ્વરકાર રાસબિહારી દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. ગત નવરાત્રિ માટે ફાલ્ગુની પાઠકે વીડિયો દ્વારા ખાસ તૈયાર કરેલું ગીત ‘વ્હાલમનું નામ’ વળી પાછું લોકપ્રિય થયું અને એક અઠવાડિયામાં લાખો લોકોએ જોયું. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે ‘વ્હાલમનું નામ …’ તરીકે જ પૌરવી દેસાઈએ પ્રચલિત કર્યું હતું અને એ જ નામે કેસેટ બહાર પાડી હતી.

પૌરવીબહેન કહે છે, "અમારી ’દેસાઈ’ ત્રિપુટી હતી. સુધીર દેસાઈ, રાસબિહારી દેસાઈ અને પૌરવી દેસાઈ. સુધીર દેસાઈ ગીત લખે, રાસભાઈ કમ્પોઝ કરે અને હું ગાઉં. એમ અમે ઘણાં ગીતો તૈયાર કર્યાં હતાં. રાસબિહારીભાઈ સંગીતના મર્મજ્ઞ. સમર્થ કલાકાર પાસે ગવડાવવાનું પસંદ કરે. એ રીતે આશિત દેસાઈ અને મને એમણે ઘણાં ગીત શીખવાડ્યાં હતાં. નિનુ મઝુમદારે મારી પાસે પહેલવહેલું મારું મનડું મૂંઝાણું, પંડિત વિનાયક વોરાએ યમુનાને આરે ગીત ગવડાવ્યાં હતાં. આ ઉપરાંત દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નવીન શાહ સહિત અનેક સ્વરકારોનાં ગીતો મેં ગાયાં છે.

પૌરવી દેસાઈએ ‘મનગમતાં ગીતો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. થોડાં વર્ષો પહેલાં ‘મહાવીર દર્શન’ નામે ઓલ ઇન્ડિયા રેડિયો પર નવીન શાહની રાહબરીમાં એક કલાકનું રેડિયોરૂપક રજૂ થયું હતું, જેમાં પૌરવી દેસાઈ અને જગજિત સિંહ લીડ સિંગર્સ હતાં. પૌરવીબહેન શાસ્ત્રીય સંગીતનાં પરીક્ષક પણ રહી ચૂક્યાં છે. એમની ‘વ્હાલમનું નામ’ કેસેટમાં જુદા જુદા સંગીતકારોનાં ગીતોનું સંકલન છે, જેની અરેન્જમેન્ટ આશિત દેસાઈએ કરી છે. જૂની રંગભૂમિના સુરેશ કુમારે પૌરવી દેસાઈનાં ગીતો રેકોર્ડ કર્યાં છે.

વીજલ પટેલ, મનીષા ડૉક્ટર જેવાં સજ્જ શિષ્યો તૈયાર કરનાર પૌરવીબહેન પાસે ખેવના દેસાઈ જેવી યુવા પ્રતિભાઓ પણ તાલીમ લઈ રહી છે. આવાં પૌરવી દેસાઈને કંઠે એમનાં જ ગીતો સાંભળવા હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. બાકી, આજે તો પૌરવી દેસાઈના આ ભક્તિ ગીત દ્વારા ઈશ્વરને હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ કે; મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે ..! આ લખાઈ રહ્યું છે ત્યારે મારાં સ્કૂલ ટીચર જયશ્રીબહેન મહેતાએ ઓડિયો ક્લિપ દ્વારા એક સરસ પ્રાર્થના ગાઈને મોકલી છે; દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો મા! બન્ને પ્રાર્થનાનું હાર્દ એક જ છે એ સુભગ યોગાનુયોગ! નવા વર્ષની, સ્વસ્થ જીવનની સૌને શુભકામનાઓ! વેલકમ ૨૦૨૧!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=672665

Loading

...102030...2,1492,1502,1512,152...2,1602,1702,180...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved