કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.
મનુષ્યને કારણે આ ધરતી, આકાશને એક અર્થ મળ્યો, અનેક શોધખોળોને કારણે બ્રહ્માંડના અનેક રહસ્યો ખૂલ્યાં ને તેની ચેતનાનો એટલો વિસ્તાર થયો કે જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખાઓ ખૂલી. એવી અનેક ચીજ વસ્તુઓનો આવિષ્કાર થયો જેને લીધે મનુષ્ય અનેક ભૌગોલિક અંતરો ઓળંગીને વિશ્વને મુઠ્ઠીમાં કરી શક્યો. તે ચંદ્રની ભૂમિ ખૂંદી વળ્યો તો મંગળનું વાતાવરણ મનુષ્યને લાયક છે કે કેમ તેની ચિંતા કરી શક્યો. પછી તો અનેક રસાયણો ને દવાઓની મદદથી આરોગ્ય અને ખેતીને લગતા અનેક આવિષ્કારો થયા ને જીવન વધુ સ્વસ્થ અને સુરક્ષિત બન્યું હોય એવું લાગ્યું. આ બધું મનુષ્યને કારણે શક્ય બન્યું, પણ એ જ મનુષ્યને કારણે જીવન ઝેર પણ થયું. સત્તા ને સંપત્તિનો એવો લોભ મનુષ્યને વળગ્યો કે તેણે સર્વનું નહીં, પણ સ્વનું જ કલ્યાણ ઈચ્છ્યું. તેણે સત્તા મેળવવા અનેક યુદ્ધો ખેલ્યાં. આ પૃથ્વીનો અનેક વખત નાશ થાય એવાં શસ્ત્રો તેણે વિકસાવ્યાં. રસાયણોનો એવો વિકાસ થયો કે તેણે હવા, પાણી, વાયુનાં પ્રદૂષણો ફેલાવ્યાં ને આ પૃથ્વી જીવસૃષ્ટિને રહેવા લાયક ન રહે એવી સ્થિતિ આવી.
ચંદ્ર પર વસવા માંગતા મનુષ્યે ધરતી પરના વસવાટની ચિંતા ન કરી. અનેક જીવો માટે તેણે અનેક જોખમો ઊભાં કર્યાં. કેટલીક શોધો મનુષ્ય માટે કલ્યાણકારી નીવડી, જ્યારે કેટલીક મનુષ્ય જીવન માટે જોખમી પુરવાર થઈ. અણુનું વિભાજન મનુષ્યનાં અણુએ અણુ માટે કેવી રીતે ઘાતક બની શકે તે પણ જગતે જોયું. રાસાયણિક ખાતરે પાકની ઉપજ વધારી, પણ તેનાં વધુ પડતાં ઉપયોગને કારણે મનુષ્યમાં રોગોનું પ્રમાણ પણ વધાર્યું. આ ધરતી ઉત્તરોત્તર રસકસ વગરની થતી ગઈ. આનાં દુષ્પરિણામો જોતાં મનુષ્ય ફરી એકવાર ઓર્ગેનિક ખેતી ને ખોરાક તરફ વળ્યો છે. એને એમ લાગવા માંડયું છે કે અગાઉ થતી ખેતીમાં રસકસ સચવાતા હતા ને એને એ પણ સમજાઈ ગયું છે કે કુદરતની ઉપરવટ જવામાં તો જોખમો જ વધે છે.
કોરોનાએ 2019માં હાજરી પુરાવીને જગતને બેફામ દોડતું અટકાવ્યું છે. તમામ વૈશ્વિક વ્યવહારો પર તેણે બ્રેક મારી ને પ્રકૃતિ અંગે વિચારવા ફરજ પાડી છે. આ વાયરસે વિશ્વના લાખો માણસોનો ભોગ લીધો છે એ સાચું, પણ તેણે હવાપાણી સુધાર્યાં ને વાતાવરણનું તેજ વધાર્યું છે તેની ના પાડી શકાશે નહીં. કોરોના માનવ સર્જિત દુર્ઘટના છે ને તેની કોઈ રીતે ઈચ્છા ન જ કરાય, પણ તેણે કુદરત વિષે માનવજાતને ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે તે પણ એટલું જ સાચું છે.
મનુષ્ય પોતાની સિદ્ધિઓ વિષે જરૂર ગર્વ લઈ શકે, પણ તે કુદરતને અતિક્રમવા જાય છે તો પછડાટ ખાધા વગર રહેતો નથી. એ કદી ભૂલવા જેવું નથી કે આ પૃથ્વીને જમીન 25 ટકા જ છે ને પાણી 75 ટકા છે. હવે આ ટકાવારી બદલાઈ હોય તો નવાઈ નહીં, પાણી વિફરે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આપણે વખતો વખત વરસાદ, વાવાઝોડાં, સુનામી ને રેલના અનુભવોમાંથી પસાર થયાં જ છીએ. મનુષ્ય પુલ બાંધી શકે, પણ દરિયો બાંધવાનું તેનું ગજું નથી. તે દીવો કરી શકે, સૂર્ય નહીં. તે સંપત્તિનો ડુંગર ખડકી શકે, પણ હિમાલય ખડો કરવાની તેની તાકાત નથી. મનુષ્યે એ સમજી લેવાની જરૂર છે કે તે ગમે એટલો વિરાટ હોય તો પણ તે કુદરતની શક્તિ સામે લાચાર છે. અહંકાર તેને ન પાલવે, તેણે તો નમ્ર જ થવું ઘટે.
કુદરતે ઘણું એવું અગાઉથી સર્જી દીધેલું છે, જ્યાં પહોંચતાં મનુષ્યને વર્ષો લાગ્યાં છે ને હજી ઘણા યુગો લાગે એમ છે. જેમ કે પૃથ્વી ગોળ છે કે સપાટ છે કે તે સ્થિર છે કે ફરે છે એટલું જાણવામાં મનુષ્યને યુગો લાગ્યા છે. આઘાત ને પ્રત્યાઘાત સરખા છે એ જાણવા આપણે ન્યૂટનની રાહ જોવી પડી, પણ કુદરતમાં તો એ નિયમ પહેલેથી હતો જ. આપણને એની જાણ મોડી થઈ એટલું જ. ગુરુત્વાકર્ષણ શોધાયું તે પહેલાંથી ગુરુત્વાકર્ષણ પણ હતું જ ! માત્ર આપણે મોડું જાણ્યું. દૂરબીન આવ્યું તો વિગતે જાણવાનું થયું, બાકી તારાઓ તો યુગો યુગોથી ટમટમે જ છેને ! દૂર શું કામ જવું? હૃદય ધબકે છે એની જાણ આપણને મોડી થઈ, પણ તે પહેલાંથી હૃદય તો ધબકતું જ હતું. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી 1492માં, પણ તે ભૂખંડ તો તે પહેલાં પણ હતો જ. ને આ બધાં પછી પણ મૃત્યુનું રહસ્ય તો હજી વણઉકલ્યું જ છે એવું નહીં?
કહેવાનું તાત્પર્ય એ છે કે અનેક શોધખોળોનું શ્રેય મનુષ્યને આપ્યા પછી પણ એ સ્વીકારવાનું રહે કે કુદરત મનુષ્ય પહેલાં જ મનુષ્ય માટે સજ્જ હતી. પૃથ્વી પર પહેલા માણસે આંખો ખોલી તે પહેલાંથી આ ધરતી હતી ને તેણે મનુષ્ય ટકી શકે એવું વાતાવરણ પહેલેથી તૈયાર રાખ્યું હતું. માણસ ઘણાં રહસ્યો તરત તો ના જાણી શક્યો, પણ એ જાણીને મનુષ્ય રાજી થયો કે વનસ્પતિમાં જીવ છે ને તેને પણ સંવેદનો છે ને હકીકત એ છે કે એ જાણકારી પહેલાંથી જ વનસ્પતિમાં જીવ તો હતો જ. માણસને ખબર મોડી પડી એટલું જ. સાચી વાત એ છે કે કુદરતને જાણવાનું શરૂ થયું તે પહેલાં જ એ તો બધાં રહસ્યો પોતાની અંદર સંતાડીને બેઠી હતી. પોતાને કોઈ જાણે, સમજે એ માટે તેણે જીવ સૃષ્ટિની રાહ જોઈ, પણ પશુપંખીમાં એ શક્ય ન બન્યું, કારણ એની પાસે વાણી ન હતી, અભિવ્યક્તિનું વૈવિધ્ય ન હતું. એ અભિવ્યક્તિ મનુષ્યને મળી ને એણે જ્ઞાન, વિજ્ઞાનની મદદથી એ શક્ય બનાવ્યું કે કુદરત ચૂપ રહેવા ટેવાયેલી છે ને મનુષ્યે એનાં મૌનને ઉકેલીને જગતને એ બતાવવાનું છે કે કુદરત કેવી તો રહસ્યમય છે !
બ્રહ્માંડના એવાં ઘણાં રહસ્યો છે જે ઉકેલાવાના હજી બાકી છે ને એનો તાગ મનુષ્યે જ મેળવવાનો છે. એ મનુષ્ય જ મેળવી શકે એમ છે. એ ખરું કે કુદરત અનેક રીતે શ્રેષ્ઠ ને સમૃદ્ધ છે, પણ મનુષ્ય ન હતો ત્યાં સુધી કોઈ એનો ભાવ પૂછતું ન હતું. મનુષ્યને કારણે એનો ભાવ પૂછાયો, બાકી યુગો સુધી પૃથ્વી હતી જ ને ફરતી પણ હતી, પણ કોઈ એની સામે જોતું ન હતું, મનુષ્યે એ જાણ્યું ને બતાવ્યું કે એ પૃથ્વી છે ને તે શ્રેષ્ઠ અને સમૃદ્ધ છે. એટલે કુદરતને પણ કહેવાનું થાય કે મનુષ્ય પર એટલો ત્રાસ ન કર કે મનુષ્ય જ ન રહે. ગમે તેવો છે મનુષ્ય, પણ તે છે તો જ કુદરત ને પણ તેનું એક પ્રકારનું સાર્થક્ય છે.
ધરતી છે તો મનુષ્યને ઊભા રહેવાની જગ્યા છે, તો બીજી તરફ મનુષ્ય છે તો પૃથ્વીને પણ એક અર્થ છે. એ જ ન હોય તો તે ફરે કે સ્થિર રહે, શો ફેર પડે છે?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2021