Opinion Magazine
Number of visits: 10,226,146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાની અરથી ઊંચકે તેને વિદ્યાર્થી કહેવાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 July 2021

વિદ્યાર્થીનો કોશગત અર્થ ભણનાર, અભ્યાસી છે. આજના વિદ્યાર્થીને જોઈએ તો તે ભણવા સિવાયની જ પ્રવૃત્તિઓ વધારે કરતો દેખાય છે. સ્કૂલનો વિદ્યાર્થી કદાચ ભણવા પર વધુ ધ્યાન આપતો હોય એમ બને. એટલે જ 99 કે 98 ટકા માર્ક્સ એ લાવે છે ને વધુ હોશિયાર હોય તો 100માંથી 200 ટકા પણ લાવી શકે, પણ 100થી વધુ ટકા આપવાનું ચલણ નથી એટલે 100 ટકાએ જ સંતોષ માનવાનો રહે. કોરોનાને કારણે વગર પરીક્ષાએ કે આગલી પરીક્ષાને આધારે વિદ્યાર્થીઓએ ઘણા ટકા બનાવ્યા છે, છતાં આ વખતનાં પરિણામોથી કોઈને સંતોષ નથી, કારણ, સૌ જાણે છે કે આ પરિણામો કેવી રીતે આવ્યાં છે ! આ ટકાવારી કોલેજોમાં કદાચ બહુ મહત્ત્વની નથી, ત્યાં ક્લાસનું મહત્ત્વ છે. કોઈ સ્કૉલર હોય તો તેને યુનિવર્સિટી ચંદ્રકથી સંતોષ થાય છે. છેલ્લાં વર્ષનાં યુનિવર્સિટી રિઝલ્ટ્સ, પછી તો નોકરીનું કારણ બને છે ને વિદ્યાર્થી, વિદ્યાર્થી ન રહેતા ધંધાર્થી કે નોકરિયાતની ભૂમિકામાં આવે છે.

આજે કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની ભૂમિકાઓ અંગે થોડી વાતો અગાઉના વિદ્યાર્થીઓના સંદર્ભમાં કરવી છે. એમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાતનો ઇરાદો નથી, કેવળ સંવેદનાઓ, ભાવનાઓ વહેંચવી અને સમજવી છે. એમાં હું ક્યાંક ખોટો હોઈ શકું છું ને મારી કોઈ ગેરસમજ હોય તો તે સુધારવાનો પણ વાંધો નથી. એટલું છે કે જે સમજ કેળવાઈ છે તે ચકાસવાનો હેતુ છે.

હું પી.ટી. સાયન્સ કોલેજનો વિદ્યાર્થી. 1967માં એસ.વાય.માં હતો ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી પ્રવૃત્તિમાં જોડાયેલો. 1965થી હું લેખક તરીકે છપાતો થઈ ગયેલો. લખવાને કારણે થોડો જાણીતો થયેલો ને થોડુંઘણું બોલતો પણ ખરો એટલે 1969માં સુરત શાખાનો મંત્રી પણ થયેલો. કોઈ મિત્રના કહેવાથી જનસંઘનો ખજાનચી પણ થયેલો અને વિઠ્ઠલવાડીમાં કોઈ સભામાં લાલકૃષ્ણ અડવાણી આવેલા ત્યારે કૈં બોલેલો પણ ખરો. નાનપરામાં એકાદવાર અધ્યાપક ચંપકલાલ સુખડિયા અમને થોડા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં એક વાર લઈ ગયેલા. હું કુતૂહલવશ, કશી સભાનતા કે અપેક્ષા વગર જતો. પછી બી.એસસી. થયો કે વિદ્યાર્થી પરિષદ ને સંઘ ને જનસંઘ બધું ભુલાઈ ગયું. ત્યારે કૈં ઘટી ગયું કે કૈં ખૂટે છે એવી લાગણી પણ ન થઈ. એ પછી વિજ્ઞાન શિક્ષકની અને બેન્કની નોકરીમાં લાગ્યો.

અહીં આત્મકથા લખવા બેઠો નથી, પણ વિદ્યાર્થી કાળમાં વિદ્યાલક્ષી પ્રવૃત્તિઓમાં રસ પડેલો અને વિદ્યાર્થી પરિષદની પ્રવૃત્તિને મેં વિદ્યાની પ્રવૃત્તિ તરીકે જ લીધેલી. મને લખવા, વાંચવાનું ગમતું એ નિમિત્તે વિદ્યાર્થી પરિષદના એકાદ અંકનું સંપાદન કરેલું ને એમાં વાર્તા, કવિતા જેવું લખેલું પણ ખરું. ત્યારે તો એવું સ્વપ્નું ય નહીં કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ રાજકારણને ક્યાંક અડે છે. કહેવાતું એવું જ કે વિદ્યાર્થી પરિષદ રાજકીય સંસ્થા નથી. વિદ્યાર્થીઓએ રાજકારણમાં જોડાવું જોઈએ એવું ભાન પણ ત્યારે નહીં. વિદ્યાર્થીએ તો ભણવાનું, એણે બીજી માથાકૂટમાં નહીં પડવાનું, એવું ત્યારે મનાતું અને કહેવાતું.

એ કાળે જે નિર્દોષતા ને બાઘાઈ કોલેજના વિદ્યાર્થીઓમાં હતી એવી જ મારામાં પણ હતી, ગતાગમ ઓછી જ ! સ્વમાન ગમતું ને તે જાળવતો. મારી ત્યારે કશી રાજકીય સમજ નહીં. કોઈની મને રાજકારણમાં ખેંચવાની વૃત્તિ હોય તો તે પારખવાની અક્કલ પણ નહીં. ભણવાનું પૂરું થયું કે એ પ્રવૃત્તિ મારા કશા પ્રયત્ન વિના આપોઆપ જ પૂરી થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યારે વિદ્યાર્થીઓ રાજકારણથી મોટે ભાગે દૂર રહેતા. જો કે એવા વિદ્યાર્થીઓ પણ હતા જ જે રાજકારણમાં રસ લેતા ને આગળ જતા એમણે રાજકીય કારકિર્દી પણ બનાવી. એવા બહુ ઓછા હતા, પણ હતા. એવું જ અધ્યાપકોનું પણ હતું. એમનો પણ રાજકારણમાં ખાસ રસ નહીં. ત્યારે તો આજની વીર નર્મદ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી. એના અને અન્ય યુનિવર્સિટીના કુલપતિ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવને લીધે આવે છે એવી ત્યારે સમજ. કોઈ કદાચ રાજકારણી હોવાને લીધે કુલપતિ થતા તો પણ તેમની શૈક્ષણિક પાત્રતા એ પદને શોભાવવા જેટલી તો છે જ એવી ખાતરી  રહેતી.

મુદ્દો એ છે કે ત્યારે રાજકારણ અને શિક્ષણ અલગ હતાં. શિક્ષણમાં કમાણી ઓછી હતી એમ જ રાજકારણમાં પણ ત્યારે ખાસ મળતર ન હતું. વડા પ્રધાન હોય ને અચાનક ગુજરી જાય તો માથે દેવું બોલતું હોય એવા સમયનો હું વિદ્યાર્થી. એ પરથી ખ્યાલ આવશે કે મળતર કેટલું હશે. શિક્ષણમાં જેમ યોગ્ય માણસો ઉચ્ચ હોદ્દા પર આવતા એમ જ રાજકારણમાં પણ ઉચ્ચ હોદ્દે યોગ્ય વ્યક્તિ મુકાય એની કાળજી લેવાતી. થોડું ઘણું ત્યારે પણ ગરબડિયું હશે જ, પણ આજે થોડું ઘણું જ નથી એનો અફસોસ છે.

પહેલાં નિર્દોષતા કે બાઘાઈ જે પ્રમાણમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી, એ આજે ઓછી જ બચી છે. વિદ્યાર્થીને પ્રવૃત્તિના વિસ્તારની સગવડો ને તકો પણ આજે વધારે મળી છે. એમાંની એક રાજકારણ છે. જો કે, આજે વિદ્યાર્થી પરિષદ કે અન્ય કેટલીક સંસ્થાઓ રાજકારણનો ભાગ છે એવું હવે સ્પષ્ટ થઈ ગયું છે. એમાં ઘણાનો હેતુ આગળ જતાં રાજકારણમાં સક્રિય થવાનો હોય ને એટલે એમાં જોડાયા હોય એમ બને. બધાંનો જ હેતુ એવો હોય એમ કહેવાનું નથી, પણ એવો હેતુ નથી જ, એવું પણ નથી. રાજકારણમાં આગળ ન વધે તો પણ કેટલીક રમત તો વિદ્યાર્થીઓ હવે શીખી જ લે છે. એને એટલું તો સમજાય છે કે સાચું હોય કે ખોટું, રાજકીય વગ અને પૈસા વગર કામ ભાગ્યે જ થાય છે. કૈં પણ ખોટું કરવા માટે અને અસત્યની સ્થાપના માટે એ અનિવાર્ય છે. કૈં પણ હક વગરનું જોઈએ છે તો રાજકીય વગ કે પૈસા હોય તો એ સહેલું થઈ જાય છે. વિદ્યાર્થીના પ્રવેશની વાત હોય કે કોઈ અધ્યાપકની નિમણૂકની વાત હોય કે ઈવન કોઈ કુલપતિ કે કમિશનરની જ પસંદગી કેમ ન કરવાની હોય, રાજકીય વગ કે પૈસા ન હોય તો ઘણાં કામ અટકી પડે છે.

આજે તો એવી સ્થિતિ છે કે સત્ય અને રાજકારણ એક બીજાના પર્યાય નથી. હું માનું છું કે જગતમાં બધું જ ખરાબ નથી. રાજકારણમાં પણ બધું ખરાબ નથી, ઓછી તો ઓછી, હજી ગરીબોને મદદ થાય છે, યોજનાઓ ચાલે છે, વિકાસ થાય છે. સત્ય ક્યાંક પ્રકાશે છે. લાયક અને હોશિયાર વિદ્યાર્થીઓ છે જ ને હજી યોગ્ય ઉમેદવાર પસંદ થાય છે, પણ એનું પ્રમાણ નહિવત છે. આજના વિદ્યાર્થીએ જાણી લીધું છે કે તેના પિતાએ કોઈ હોદ્દે રહીને કે કોઈ ધંધામાં કરીને કેવી રીતે કરોડોની સંપત્તિ ભેગી કરી છે ! તે એ પણ જાણી ગયો છે કે ટકવું હોય તો ભ્રષ્ટ થવા સિવાય ચાલે એમ નથી. વિદ્યાર્થી આનાથી દૂર રહે એવી અનુકૂળતા જ નથી. એમ કરવું પડે એ આજની માંગ છે. એનો એટલો વાંધો નથી, જેટલો એમાં સંડોવાવું પડે એવી નિવાર્યતા ઊભી કરનારનો છે. આ ભ્રષ્ટતા શીખવા વિદ્યાર્થી કોઈ રાજકીય સંસ્થા કે રાજકારણ પ્રેરી સંસ્થામાં પ્રવેશે છે. તેણે હકનું નથી તે જ મેળવવું છે ને રાજનીતિના પાઠ કોલેજ કાળથી જ શીખવા છે. કમાલ એ છે કે અનીતિને આપણે રાજનીતિનું નામ આપ્યું છે. વિદ્યાર્થી એ (અ)નીતિ શીખે છે. એ જ એનો આદર્શ છે. કોઈ રાજકીય ગુરુ શોધીને એ એમાં ઊંડો ઊતરે છે ને જેની મદદથી લાભ મેળવી શકાય એમ છે એ બધી દિશાએ તે નજર દોડાવે છે. એ જુએ છે તેની કોલેજમાં ને યુનિવર્સિટીમાં ચાલતી રાજરમતો. કોને ફોડી, તોડી, જોડીને લક્ષ્ય સાધી શકાય એમ છે તે એ જુએ છે ને થાય એટલું ખોટું કરીને બધું અંકે કરતો જાય છે. એને માટે કોઈ પણ વ્યક્તિ એ આગળ વધવાનું પગથિયું માત્ર છે. એવાં પગથિયાં વટાવતાં જઈને એ કોઈ પાર્ટીનો નેતા કે મંત્રી બને છે. કામ દ્વારા નામ અને દામ મેળવે છે ને એ ખસે તો પછી એનાં સંતાનો આગળ આવે છે. આમ તો આ વારસાગત નથી, પણ વારસાઈ હોય એમ વહીવટ ચાલે છે. રાજાનો દીકરો રાજા જ બને એમ મંત્રીનો દીકરો મંત્રી જ બને, એવું નથી જ થતું એવું ક્યાં છે?

વાત એટલી જ નથી. વિદ્યાર્થી પાસેથી કેવળ શિક્ષણ અંગેની જે વફાદારી રહેતી હતી, એ હવે નથી. જે ક્ષેત્ર રાજકારણથી દૂર રહેવું જોઈતું હતું એનાથી જ શિક્ષણ શરૂ થાય છે. રાજકારણ એટલે ભ્રષ્ટતા, રાજકારણ એટલે અનીતિ, રાજકારણ એટલે અસત્ય – એવી જે વ્યાખ્યાઓ અત્યારે ચરમસીમાએ છે એમાંથી શિક્ષણ બાકાત નથી એનું દુ:ખ છે. આવું રાજકારણ ઇચ્છવા જેવું છે? એ ઇચ્છવા જેવું છે કે વિદ્યાર્થી અનીતિ, અન્યાય અને અસત્યનો પાયો શિક્ષણ દ્વારા મજબૂત કરે? આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગવાળી વ્યક્તિ કુલપતિ થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ યોગ્ય ઉમેદવારનો હક મારીને રાજકીય વગવાળી વ્યક્તિ અધ્યાપક કે શિક્ષક થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગનો લાભ લઈને કોઈ વિદ્યાર્થી પાસ થાય છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાન્ત કે કોઈ નિષ્ઠા જ જ્યાં ખપના ન રહ્યાં હોય ત્યાં વિદ્યાર્થી ભણનાર ન રહેતા, વિદ્યાની અરથી ઊંચકનાર જ થાય એમાં નવાઈ નથી. શિક્ષણનો આખા દેશે મળીને સર્વનાશ કર્યો છે ને એની અસરો પેઢીઓ સુધી પહોંચે તો આઘાત ન લાગવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2021

Loading

જોગમાયા અગાસી

પંચમ શુક્લ|Poetry|26 July 2021

ગમે તો જુએ તેજરાયા અગાસી,
નહીંતર સૂએ જોગમાયા અગાસી.

અતિવૃષ્ટિમાં છત્રરૂપે છવાઈ,
થથરતી લઈ ભીની કાયા અગાસી.

ઉનાળે કડપથી દઝાડે ને પાછી,
શિયાળે હુંફાળી છે આયા અગાસી

વિરહી પ્રિયાના વ્યથિત કૃષ્ણપક્ષે,
કળાઓ ગણે ખેલખાયા અગાસી.

કદી વિસ્તરી જઈને અંતાક્ષરીમાં,
રચે કો નવી અર્થછાયા અગાસી.

અથાણાં, વડી, પાપડોને સૂકવતી,
ગૃહિણીની છે ભ્રાતૃજાયા અગાસી.

ધરી સ્વપ્ન હેન્ગિન્ગ-ગાર્ડનનું મનમાં,
ઉછેરે છે પીપળો ભૂજાયા અગાસી.

પતંગોની રંગીન ગતિના ચલનથી,
કળે ઉત્તરાયણની છાયા અગાસી.

નથી બીચનું સખ્ય જેનાં નસીબમાં,
છે એવા જનોને ‘પટ્ટાયા’ અગાસી.

 

તેજરાયા – અકાશના તેજસ્વી પદાર્થો (સંઃ ભોગીલાગ ગાંધી – “તું તારા દિલનો દીવો થા ને”)
જોગમાયા – સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, કારસ્તાની સ્ત્રી
કૃષ્ણપક્ષ – અંધારિયું પખવાડિયું; વદિ પક્ષ
ખેલખાયા – અનુભવી કે  જાણીતી સ્ત્રી  ( સામાન્ય રીતે વેશ્યાના અર્થમાં)
અર્થછાયા- શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ ન આપતાં ઓછો ખ્યાલ માત્ર આપે એવી પરિસ્થિતિ, ‘ન્યુઅન્સ’
ભ્રાતૃજાયા – ભાભી; ભોજાઈ, [ ભ્રાતૃ ( ભાઈ ) + જાયા ( સ્ત્રી )] હેન્ગિન્ગ-ગાર્ડન –  Trees being planted on a raised structure such as a terrace.
ભૂજાયા- [ભૂ ( પૃથ્વી ) + જાયા ( જન્મેલી ) ], પૃથ્વીમાંથી નીકળેલી, સીતા
પટ્ટાયા – Pattaya is a city on Thailand’s eastern Gulf coast known for its beaches.

Loading

માણસાઈ પકડી રાખવી કે છોડવી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2021

આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે. 

નિર્ણય એ વાતનો લેવાનો છે કે માણસાઈના ગુણોને અપનાવીને, આત્મસાત કરીને, તેને હજુ વધુ સમૃદ્ધ કરીને ટકોરાબંધ માણસ બનવું અને સંતાનને માણસ બનવાનું કહેતા જવું કે પછી જેવા સાથે તેવા થવું અને સંતાનને એ જ શિખામણ આપતા જવું. આ જગતમાં એક પણ માણસ એવો નહીં મળે જેણે આ યક્ષપ્રશ્ન વિષે નિર્ણય લેવો ન પડ્યો હોય. કુટુંબની અંદર સગા ભાઈ સાથેના વહેવારમાં પણ આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અપનાવવો પડતો હોય છે. માણસાઈ પકડી રાખવી કે માણસાઈ છોડવી? 

આપણા નિર્ણયને ત્રણ ચીજો પ્રભાવિત કરતી હોય છે. એક તો આપણો સ્વભાવ. દરેક વ્યક્તિમાં સત્, રજસ અને તમસ એ ત્રણ ગુણનો માત્રાફેર હોય છે અને તેની માત્રા માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. સાંખ્ય અને યોગદર્શન કહે છે કે માણસ જો ધારે તો માત્રાફેર કરી શકે છે. આ ફેરફાર મુશ્કેલ છે પણ અસંભવ નથી. તામસી માણસ સાત્ત્વિક બની શકે છે. તેની સાથે બીજી ચીજ છે સહિયારો સાંસ્કૃતિક વારસો. આ વારસો સહિયારો છે અને માટે અનેક રસાયણોનો બનેલો હોય છે. વરસો વહેતાં જાય છે એમ એવો પીંડ રચાય છે જેમાંથી ઘટક તત્ત્વોને અલગ તારવવાં મુશ્કેલ હોય છે. વરસ અને વારસો એક જ ધાતુના શબ્દો હોય એવો ભાસ થશે, પણ એવું નથી. એ વારસો મને મળેલો છે, મારો છે, મારાં સંતાનોને મારે આપતા જવાનો છે; પણ છે સહિયારો. એ મારો છે, પણ આપણો છે. આ સહિયારા સાંસ્કૃતિક વારસાએ રચેલો માનસપીંડ માણસના નિર્ણયને પ્રભાવિત કરે છે. ત્રીજી ચીજ છે, અનુભવ અને અનુભવકથન. આમાંથી પ્રત્યક્ષ અનુભવ તો બહુ ઓછો હોય છે, માંડ ચાર-પાંચ દાયકાનો, પણ અનુભવકથન હજારો વર્ષનું હોય છે. આ કહેવાતું અનુભવકથન એટલે કહેવાતો ઇતિહાસ. કહેવાતો એટલા માટે કે એ કોઈકે કહેલો છે.

એક તો માણસ માત્ર ત્રિગુણીય સ્વભાવ સાથે જન્મતો હોય છે તેમ જ તેની ગુણમાત્રા અલગ અલગ હોય છે અને એમાં એણે નિર્ણય લેવાનો હોય છે કે માણસાઈ પકડી રાખવી, તેને વધુ સમૃદ્ધ કરવી કે તેને છોડવી અને જેવા સાથે તેવા થવું? જો આપણે માણસાઈને જાળવી રાખવાનો પહેલો વિકલ્પ પસંદ કરીએ તો સહિયારો સાંસ્કૃતિક વારસો ઘણે અંશે ઉપયોગી થશે અને જો માણસાઈને ફગાવીને જેવા સાથે થવું હોય તો કોઈક દ્વારા કહેવાયેલું અનુભવકથન અથવા ઇતિહાસ ઉપયોગી થશે. વીતેલા યુગના ટકોરાબંધ પ્રમાણ કોઈ પાસે નથી એટલે તેનો લાભ લઈને આપણને આજે માફક આવે એ રીતે ગઈકાલની વાત કહી શકાય છે. જગત આખામાં ઇતિહાસકારો આજે માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે; પછી તે ઇતિહાસકાર સામ્યવાદી હોય, રાષ્ટ્રવાદી હોય, કોમવાદી હોય કે વંશવાદી હોય. તટસ્થ ઇતિહાસ અને તટસ્થ ઇતિહાસકાર જેવું કશું હોતું નથી. દરેક ઇતિહાસકારને એમ લાગે છે કે મારે ઇતિહાસ એ રીતે કહેવો જોઈએ કે જે વર્તમાનમાં વાચકની વર્તણુકને પ્રભાવિત કરે. ઇતિહાસલેખનમાં એજન્ડા હોય જ છે, એજન્ડામુક્ત ઇતિહાસલેખન હોતું નથી.

હવે જો આપણે માણસાઈને જાળવી રાખવી હોય, તેને વધારે સમૃદ્ધ કરવી હોય અને માણસાઈનો વારસો આગલી પેઢીને આપીને જવો હોય તો આપણે ત્રિગુણમાત્રામાં શક્ય એટલો ફેરફાર કરીને વિવેક કેળવવો પડશે. ખુલ્લી આંખે દુનિયાને જોતાં શીખવું પડશે. કોઈકનું સારું અપનાવવું પડશે અને આપણું જે કાંઈ કલંકરૂપ હોય તેને છોડવું પડશે. આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને વિવેકપૂર્વક અપનાવવો અને છોડવો પડશે. એ વારસાનું સહિયારાપણું પણ સ્વીકારવું પડશે અને એ તો પહેલી શરત છે. બીજા માટેનો તિરસ્કાર છોડવો પડશે અને આપણા શ્રેષ્ઠત્વનું ગુમાન છોડવું પડશે. બીજાની નિંદા નહીં કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે આપણી ઉણપ પણ જોવી પડશે અને બીજાનું સારાપણું પણ જોવું પડશે. વળી આ બધું આજે જ અને આપણે જ કરવું પડશે, કારણ કે જિંદગી તો એક જ મળી છે જે આજે જીવી રહ્યા છીએ અને તે તમારી છે. કરો અથવા ન કરો, આમાં ત્રીજો વિકલ્પ જ નથી. જો માણસાઈના પક્ષે નિર્ણય લેશો તો માર્ગ પણ એક જ છે અને તે છે સદ્સદ્ વિવેકનો. 

અને જો તમારો નિર્ણય માણસાઈને છોડીને જેવા સાથે તેવા થવાનો હોય તો ‘આજની જરૂરિયાત’ માટે ‘કોઈકે લખેલો ઇતિહાસ’ હાથવગો છે. કોઈકે લખેલો ઇતિહાસ સાચો માનીને માણસાઈને છોડવાનો નિણર્ય લેતા પહેલાં આજની જરૂરિયાત કોની છે અને કેવી છે એ સમજી લેજો. એના લાભાલાભની વાત અત્યારે બાજુએ મૂકો, પણ તમને કમ સે કમ એટલી જાણ તો હોવી જ જોઈએ કે તમે કોની અને કેવી આજની જરૂરિયાત માટે મૂલ્યવાન આયખું ખર્ચવાના છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021

Loading

...102030...1,9811,9821,9831,984...1,9902,0002,010...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved