Opinion Magazine
Number of visits: 9963966
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અટક’ : ઓળખ અને જ્ઞાતિગુમાનના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 May 2021

દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, ૨૧ વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૯૬માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એકસરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા સ્ત્રીઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ, તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે. જાપાનના વડા પ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈને લગ્ન પછી અટક બદલવાની જરૂર નથી, તેવો નિર્ણય લીધો છે. ઘરઆંગણે ગુજરાતમાં કોરોના મહામારીની હાડમારીથી રાહત મેળવવા જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામનો દલિત યુવાન ભરત જાદવ સાણંદના કારખાનામાં મજૂરી કરવા આવ્યો હતો. સાણંદ વિસ્તારના દરબારો જેવી જાદવ અટકના કારણે ભરતને દરબારોએ માર મારીને ભગાડી મૂક્યો છે. જાપાનમાં પિતૃસત્તા અને ગુજરાતમાં જ્ઞાતિસત્તાને કારણે આજકાલ અટક વિવાદમાં છે.

નામ, અટક અને જ્ઞાતિ

ભલે શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે, પરંતુ વર્ણ-વર્ગમાં વહેંચાયેલા વહેરાયેલા ભારતીય, ખાસ તો હિંદુ સમાજમાં, નામ અને અટક પણ ઉચ્ચાવચતાનું પ્રતીક છે. હિંદુશાસ્ત્રોનો આદેશ છે કે બ્રાહ્મણનું નામ મંગલકારી, ક્ષત્રિયનું બળયુક્ત, વૈશ્યનું ધનયુક્ત અને ક્ષુદ્રનું જુગુપ્સાપ્રેરક હોવું જોઈએ. ઊંચી જાતિના બ્રાહ્મણના નામમાં બે દેવનાં નામ (દા.ત. રામ, કૃષ્ણ) અને સામાન્ય બ્રાહ્મણના નામમાં એક દેવ( દા.ત. રામપ્રસાદ) આવે. ઊંચી જાતિના ક્ષત્રિયો પોતાના નામ સાથે ‘સિંહ’ લગાવે અને નીચી જાતિના ‘જી’ લગાવે. ઊંચા મનાતા વૈશ્યોનાં નામ પાછળ ‘ચન્દ્ર’ અને નીચાની પાછળ ‘લાલ’ લાગે. ઊંચી જાતિના ક્ષુદ્ધોનાં નામ પાછળ ‘ભાઈ’ લાગે, પણ અવર્ણ કે પંચમવર્ણના લોકોનાં નામો તુંકારે બોલાય તેવા કે માનવાચક શબ્દ વિનાનાં  હોવાં જોઈએ અને હોય છે.

અટકનો ઉદ્દભવ ક્યારે ?

આદિમાનવોની ઓળખ તેમની ટોળી કે શિકારનાં સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબસંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીના મતે, ‘નામ’ એ વ્યક્તિગત ઓળખ છે, પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબ સમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે”.

ઇતિહાસવિદ નરોત્તમ પલાણનું માનવું છે કે “વસ્તીવધારો અને વ્યવહારની ઘનતા વધતાં માણસને અટકની જરૂરિયાત ઊભી થયેલી છે. મોટા ભાગે તે ગામ અને વ્યવસાય પરથી આવી છે.” પહેલા કર્મ મુજબની વર્ણવ્યવસ્થા પછી જન્મગત બની. વ્યક્તિનાં કામ સાથે પવિત્ર-અપવિત્રનાં અને ઊંચાં-નીચાં કામોના ખ્યાલો દાખલ થયા. એટલે કર્મ આધારિત વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની અને જ્ઞાતિપ્રથા જન્મી.

અટક : જ્ઞાતિનો અને જ્ઞાતિ-અહંકારનો પર્યાય

મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતન, ગામ, બાપદાદાનાં નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. ખરી મુશ્કેલી ભરત જાદવ જેવા કિસ્સામાં થાય છે. એવી ઘણી અટકો છે, જે કથિત ઊંચી જાતિ અને કથિત નીચી એમ બંનેમાં સમાન હોય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૯૪૨માં પ્રકાશિત ‘ગુજરાતી અટકોના ઇતિહાસ’ પુસ્તકમાં વિનોદિની નીલકંઠ રાજપૂતોની જે ૨૪ અટકો નોંધે છે, તેમાંથી અડધોઅડધ અટકો જેવી કે ગોહિલ, ચાવડા, ચૌહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ડાભી, પરમાર,  રાઠોડ,  રાણા, વાઘેલા અને સોલંકી વરસોથી દલિતોની પણ અટકો છે. જ્ઞાતિગુમાનમાં રાચતા લોકો દલિતોને તેમની આ અટકને કારણે રંજાડે છે, તો કેટલાક દલિતો પણ પોતાની જ્ઞાતિ છુપાવવા આ અટકનો સહારો લે છે.

‘જાતિ, વર્ણ, જ્ઞાતિ અને અટક(એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય)’ના સંપાદક મહેન્દ્ર વાળા જુદા-જુદા જ્ઞાતિસમૂહોની એકસમાન અટક સંદર્ભે લખે છે કે, ‘એક જ અટકવાળાં સમૂહો, જૂથો કે જાતિઓ ભાયાતો હોવા જોઈએ.’ પણ આ વાત જ કથિત ઊંચી જાતિઓને ખટકે છે. તેઓ જ્ઞાતિએ તો ઉચ્ચ થઈ બેઠા છે પણ તેમના જેવી અટક દલિતોની કેમ છે તે વાતે વાંકું પાડે છે. માર્ટિન મેકવાનનો ગ્રામીણ ગુજરાતમાં પ્રવર્તતી આભડછેટનો અહેવાલ જણાવે છે કે ગુજરાતનાં ૬૪.૭ ટકા ગામોમાં દલિતોએ દરબાર પુરુષોને ‘બાપુ’ અને સ્ત્રીઓને ‘બા’ કહીને બોલાવવા પડે છે. મોટી ઉંમરના દલિત સ્ત્રી-પુરુષોને પણ નાની ઉંમરનાં દરબાર બાળકોને બા-બાપુના માનાર્થે સંબોધનથી જ બોલાવવાં પડે છે. હદ તો ત્યારે થાય છે કે ગુજરાત વિધાનસભામાં ક્ષત્રિય મંત્રીઓને અધ્યક્ષ સુધ્ધા ‘બાપુ’નું  સંબોધન કરે છે અને શાયદ વિધાનસભાના અધિકૃત રેકર્ડમાં પણ તે નોંધાતું હશે.

દલિતો કેમ બદલે છે અટકો ?

ભારતીય નાગરિકને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મપરિવર્તનનો અધિકાર મળેલો છે, પરંતુ જ્ઞાતિ બદલી શકાતી નથી. કહેવાતા અસ્પૃશ્યો કે નીચલા વર્ણો અટકો બદલી શકે છે. નામ પણ બદલી શકે છે. તબીબી કૉલેજોમાં દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિને કારણે ભેદભાવનો ભોગ બનવું પડે છે. તેથી મેડિકલ કૉલેજોના દલિત વિદ્યાર્થીઓ અને ડૉકટર્સ, કૉન્ટ્રાક્ટર્સ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવા માંગતા અને અન્ય વ્યાવસાયિકો પોતાની અટકો બદલે છે. પંદરેક વરસ પૂર્વે ડૉ.હસમુખ પરમારે દલિતોના અટક બદલવાના વલણનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો જે પછીથી ‘ન ઓળખાવાની નવીન તરાહ-અટક બદલો’ પુસ્તક રૂપે પણ પ્રગટ થયો છે. આ અભ્યાસના સર્વેક્ષણનું તારણ હતું કે ૩૦થી ૪૦ વરસના ૪૬.૬૭ ટકા દલિતોએ પોતાની અટકો બદલી હતી. અટક બદલવાનાં કારણો અસ્પૃશ્યતા, અપમાન, અન્યાય, બાળકોના ઉચ્ચ અભ્યાસ, વ્યવસાય , ધર્મપરિવર્તન અને લઘુતાગ્રંથિ હતાં. જે આજે પણ અકબંધ છે. જો કે ઉચ્ચ જ્ઞાતિની અટકો ધારણ કરવા છતાં ૮૩.૩૩ ટકા લોકોને તેમના સામાજિક દરજ્જામાં બદલાવ આવ્યાનું લાગ્યું નથી. સર્વેક્ષણ હેઠળના જે ૪૦ ટકા લોકોએ અટક બદલવાથી લાભ થયાનું જણાવ્યું હતું, તેમણે અટક બદલ્યા પછી જ્ઞાતિની ઓળખ ન થયાનો, સારી વર્તણૂકનો, અન્ય પ્રાંતના ગણી લીધાનો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મળ્યાનો લાભ થયાનું જણાવ્યું હતું.

મેડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન નામ-અટક બદલનાર જાણીતા આંબેડકરી લેખક – કર્મશીલ ડૉ. પારિતોષ શાહે એક વાર કહ્યું હતું કે “આટલાં વરસે હવે ક્યારેક લાગે છે કે મારે મૂળ અટક સાચવી રાખીને સામાજિક સ્વીકૃતિ માટે સંઘર્ષ કરવો જોઈતો હતો. “અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મનોરોગ વિભાગના નિવૃત્ત વડા અને બી.જે. મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. ગણપત વણકરે તેમની જ્ઞાતિ અને વ્યવસાયસૂચક મૂળ ‘વણકર’ અટક જાળવી રાખી છે. જાણીતાં ગાયિકા દિવાળીબહેન ભીલને પણ પોતાની ભીલ અટકની કોઈ નાનમ નહોતી. જો કે આવડત કે ક્ષમતા પર અટકને હાવી ન થવા દેતાં આવાં ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે. જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના નિવૃત્ત વડા ડૉ. મનુભાઈ મકવાણાએ પોતાની અટક તો જાળવી રાખી છે, પરંતુ તેમનાં સંતાનોની અટક બદલાવીને તેમના ગામની સ્મૃતિમાં ‘શેરડીવાળા’ રાખી છે. રૂંવે-રૂંવે પ્રતિબદ્ધ નીરવ પટેલની ઓળખ કાયમ દલિત કવિની જ રહી છે, પરંતુ તેમણે નામ અને અટક બદલ્યાં હતાં ! 

અટકનાબૂદી જ્ઞાતિનાબૂદીની દિશાનું  પ્રથમ પગલું

ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘અટક’નો પર્યાય ‘અડક’ જણાવી તેનો અર્થ ‘ગોત્ર, ધંધો, કે વતન ઇત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ’ એવો દર્શાવ્યો છે.(પૃષ્ઠ-૧૩) લોકબોલીમાં ‘શાખ’, ‘નુખ’ અંગ્રેજીમાં ‘સરનેમ’ અને સંસ્કૃતમાં ‘અવટંક’ જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં ‘નડતર’ કે ‘અવરોધ’ પણ આપ્યો છે, જે દલિતો માટે યથાર્થ છે. વરિષ્ઠ કર્મશીલ પત્રકાર ઇન્દુકુમાર જાની અટકોને ‘જાતિપ્રથાના પર્યાયરૂપ અને સમાનતાની વિરોધી’ ગણે છે. સાધુ સચ્ચિદાનંદે દલિતોને ‘જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા’ અપીલ કરી હતી. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ્‌ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ધૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકો નાબૂદ થાય તે જ્ઞાતિનાબૂદીની દિશામાં પ્રથમ પગલું બની શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 05-06

Loading

ગુજરાત સરકારની સ્વાસ્થ્યનીતિ

રમેશ બી. શાહ|Opinion - Opinion|29 May 2021

ગુજરાતની સરકારના સ્વાસ્થ્યસેવાઓના પ્રધાન અને ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે ૩ માર્ચ, ૨૦૨૧માં દાવો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં દરદીઓને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. પણ ગુજરાતમાં સ્વાસ્થ્યસેવાઓના ઝડપી વધારાને કારણે એવી સ્થિતિ  આવી નથી. આ દાવો વધારે પડતો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા કોરોનામાં બીજા દોરમાં ગુજરાતમાં કોરોનાના દરદીઓને હૉસ્પિટલમાં પથારીઓ મળી ન હતી. જીવનરક્ષક ઔષધિ મળી ન હતી, ઑક્સિજન પૂરો પાડવાનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ઊભો થયો હતો. સમાજના અગ્રવર્ગો પણ આરોગ્યસેવાઓ મેળવી શક્યા ન હતા. સ્વાસ્થ્યસેવાઓનું માળખું એવું નથી કે એમાં સામાન્ય સુધારા કરવાથી તેને જરૂરિયાત પ્રમાણે સુધારી શકાય.

સરકારી હૉસ્પિટલોમાં પથારીઓની બાબતમાં ભારતનાં રાજ્યોમાં ગુજરાત બદતર સ્થિતિમાં છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં એક લાખની વસ્તીએ ૧૩૮ પથારીઓ છે, પણ ગુજરાતમાં એ સંખ્યા ૧૦૦ કરતાં ઓછી છે. ગુજરાત કરતાં સામાજિક અને આર્થિક રીતે પછાત  રાજ્યો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એ સંખ્યા અનુક્રમે ૧૨૩ અને ૧૩૦ છે.

ગુજરાતમાં આ ઊણપ ઓછી કરવાને બદલે સ્વાસ્થ્યસેવાઓ પાછળના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૨૧-૨૨ બજેટમાં  ફાળવવામાં રૂપિયા ૯૧૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા પણ ૨૦૨૧-૨૨ના વર્ષમાં સ્વાસ્થ્યસેવાઓ પાછળ ૮૫૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જે માથા દીઠ રૂપિયા ૧૫૦થી ઓછા થાય છે. એની સરખામણીમાં બિહાર જેવા પછાત રાજ્યમાં વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. ગુજરાતના સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ માટેના ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂપિયા ૧૧,૩૨૩ કરોડ આવ્યા હતા. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં તેની રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા ખર્ચવામાં આવ્યા હતાં. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્યસેવાઓ પાછળ રોજના માથા દીઠ રૂપિયા પાંચ કરતાં ઓછું ખર્ચ કરે છે. ગુજરાતમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં સ્વાસ્થ્યસેવા માટેનું ખર્ચ ૫.૩૪ ટકા હતું. તે ૨૦૨૧-૨૨માં ૪.૮ ટકા થયું. આદર્શ એવો રજૂ કરવામાં આવે છે કે અંદાજપત્રમાં ૮ ટકા જેટલું ખર્ચ સ્વાસ્થ્યસેવાઓ પાછળ કરવું જોઈએ.

ગુજરાતમાં ૧૯૯૧માં દેશમાં અપનાવવામાં આવેલી ઉદારીકરણની નીતિની સાથે સ્વાસ્થ્યસેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેને કારણે તે દેશનાં ‘બિમારુ’ રાજ્યોની હરોળમાં આવી ગયું છે, પણ ઉદારીકરણ માટેનું સૌથી અયોગ્ય ક્ષેત્ર સ્વાસ્થ્ય-સેવાઓ છે.

ઍલોપથી પર આધારિત આધુનિક તબીબીશાસ્ત્રે ચમત્કારો સર્જ્યા છે. પણ તે સાથે તે અત્યંત ખર્ચાળ થઈ ગયું છે. માત્ર તબીબીશાસ્ત્ર નહીં પણ એની સાથે સંકળાયેલો દવાઉદ્યોગ પણ અત્યંત મોંઘો થઈ ગયો છે. દવાઉદ્યોગમાં સંશોધન માટે ઘણું ખર્ચ કરવામાં આવે છે તે સાચું, પણ તેને આધાર બનાવીને ઘણાં વર્ષો સુધી ઉત્પાદનખર્ચની તુલનામાં ભારે કિંમત વસૂલ કરવામાં આવે છે. બીજી બાજુ ખાનગી હૉસ્પિટલો ફાઇવસ્ટાર હોટલ જેટલી સગવડો દરદીને આપે છે. પણ તેની કિંમત વસૂલ કરવામાં આવે છે. દરદીઓના હિતના નામે તબીબી શિક્ષણને બહુ લાંબું અને ખર્ચાળ કરવામાં આવ્યું છે. એના કારણે ડૉક્ટર થનાર મોટી આવકની અપેક્ષા રાખતો થઈ જાય છે. ટૂંકમાં, આધુનિક તબીબી સારવાર સાથે સંકળાયેલાં બધાં જ પરિબળો એને અત્યંત વૈભવી બનાવે છે.

આને કારણે અમેરિકા અને યુરોપ જેવા સમૃદ્ધ દેશોમાં પણ સામાન્ય કુટુંબને પરવડે એ કિંમતે આરોગ્યસેવાઓ પ્રાપ્ત થાય તે દિશામાં ગોઠવણો કરવામાં આવી છે. દા.ત. ઇંગ્લૅન્ડમાં સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય દ્વારા મફત પૂરી પાડવામાં આવે છે. યુરોપના કેટલાક અન્ય દેશોમાં પણ સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય પૂરી પાડે છે. અમેરિકા જેવા સંપૂર્ણપણે ખાનગી સાહસને વરેલા દેશમાં તબીબી સારવાર ખાનગી રાખવામાં આવી છે. પણ તબીબી વીમાપ્રથા દ્વારા તેને સામાન્ય કુટુંબને પરવડે એવો ઘાટ આપવામાં આવ્યો છે. આખરે તો વીમાની પ્રથામાં તબીબી સારવારનો બોજો દરદીઓ ઉપર પડે છે, આ મૉડલ સફળ થયું નથી. તબીબી સારવારનું ખર્ચ વધતાં તબીબી-સારવાર મોંઘી થાય છે અને તે સાથે મેડિક્લેમનાં પ્રીમિયમ વધતાં જાય છે. તેથી ઘણાં કુટુંબો મેડિક્લેમનો લાભ લઈ શકતાં નથી. પણ અમેરિકાએ એવી નીતિ સ્વીકારી છે કે જે લોકો તબીબી સારવાર પોતાનાં ખર્ચે લઈ શકે તેમ ના હોય તેમને રાજ્ય દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં, નાણાંના અભાવે કોઈ કુટુંબ સ્વાસ્થ્યસેવાથી વંચિત રહેતું નથી.

આ સંદર્ભમાં આપણે ગુજરાત જેવા દેશના સમૃદ્ધ રાજ્યની સ્વાસ્થ્યસેવા માટેની નીતિને તપાસવી જોઈએ. ગુજરાતમાં કૉર્પોરેટ હૉસ્પિટલોને ભારે ઉત્તેજન આપવામાં આવ્યું છે. આ હૉસ્પિટલો અત્યંત ખર્ચાળ છે. તેમાં સારવાર લેવાનું સામાન્ય માણસના ગજાબહારનું છે. કોરોનાના બીજા મોજામાં અસંખ્ય લોકોને આ ખાનગી હૉસ્પિટલો કેટલી વૈભવી છે, તેનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. કોરોનાના દરદીઓને લાખોનાં બીલ ચૂકવવાનાં થયાં હોય તેવા ઘણાં પ્રસંગો બન્યા છે. માણસ પોતાનો જીવ બચાવવા માટે પોતાના ગજાબહારનું દેવું પણ કરે. પણ રાજ્યે જોવું જોઈએ કે સામાન્ય માણસ પણ તબીબી સારવારથી વંચિત ના રહે.

નોંધ : બિમારુ રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ભારતીય અર્થશાસ્ત્રીઓની ચર્ચામાં આ એક સ્થાપિત શબ્દપ્રયોગ થયો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 02

Loading

પાંચ રાજ્યોનાં પરિણામ : કૉંગ્રેસમુક્ત ભારતના સંકેત ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષના વડા પ્રધાનપદના ઘોષિત ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ‘કાઁગ્રેસમુક્ત ભારત’નો વિચાર વહેતો કર્યો હતો. જાણે કે તેમની વાત સાચી ઠરવાની હોય તેમ ૨૦૧૪માં કૉંગ્રેસને માત્ર ૪૨ બેઠકો જ મળતાં લોકસભામાં સત્તાવાર વિપક્ષનું સ્થાન પણ ન મળ્યું. તે પછી ભા.જ.પ.ના નેતાઓએ કૉંગ્રેમુક્ત ભારતનું ચૂંટણી-અભિયાન આદર્યું અને રાજ્યોની ચૂંટણીઓ જીતતા રહ્યા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં એમની કૉંગ્રેસમુક્ત ભારતના વિચારની આલોચનાના પ્રત્યુત્તરમાં ગાંધીજીની કૉંગ્રેસમુક્ત ભારતની અંતિમ ઇચ્છાની વાત કરી હતી. ‘આ વિચાર તેમનો નથી, ગાંધીજીનો છે’, તેમ કહી વડા પ્રધાને ૧૫૦મા ગાંધી જન્મ-શતાબ્દી વરસે તેમના કૉંગ્રેસમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રમાં બી.જે.પી.નાં સાત વરસના શાસન દરમિયાનની પ્રત્યેક ચૂંટણીમાં કૉંગ્રેસમુક્ત ભારતનો નારો બુલંદ કરવામાં આવ્યો છે. ચૂંટણીઓમાં બી.જે.પી.ના વિસ્તાર અને કૉંગ્રેસના સંકોચન સાથે કૉંગ્રેસથી દેશ મુક્ત થઈ રહ્યાનાં ગાણાં ગવાય છે. તાજેતરના અસમ, કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણીનાં પરિણામોને ભાજપ-કૉંગ્રેસની હાર-જીતની દૃષ્ટિએ મૂલવવા જેવાં છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ બેઠકોની ચૂંટણીમાં ભા.જ.પ.ને ૧૪૭ (કુલ બેઠકોના ૧૭.૮ ટકા) અને કૉંગ્રેસને તેના કરતાં લગભગ અડધી એટલે કે ૭૦ (૮.૫ ટકા) બેઠકો મળી છે. બી.જે.પી.એ તેની અસમની રાજવટ જાળવી રાખી છે અને ટચૂકડા પુડુચેરીમાં તેનો સહયોગી પક્ષ સત્તાનશીન થયો છે. જો કે બી.જે.પી.ના અન્ય સહયોગી પક્ષ અનાદ્રમુકે તમિલનાડુમાં સત્તા ગુમાવી છે, પશ્ચિમ બંગાળમાં ઘણા ધમપછાડા કરવા છતાં તેને ધારી સફળતા મળી નથી. કેરળમાં તો તેનું ખાતું જ ખૂલ્યું નથી.

પુડુચેરીમાં કૉંગ્રેસનું રાજ હતું, પણ તેના ધારાસભ્યોના પક્ષપલટાને કારણે ચૂંટણીપૂર્વે જ સત્તા ગુમાવી હતી. એટલે પાંચમાંથી એકેય રાજ્યમાં તેની સત્તા નહોતી. તમિલનાડુમાં તેનો સહયોગી પક્ષ દ્રમુક સત્તા મેળવી શક્યો છે, તે તેની ઉપલબ્ધિ છે. કૉંગ્રેસને પશ્ચિમ બંગાળમાં અને ભા.જ.પ.ને કેરળમાં અનુક્રમે ૨૯૨ અને ૧૪૦ વિધાનસભા-બેઠકોના ગૃહમાં એકેય બેઠક મળી નથી. બી.જે.પી.ને સૌથી વધુ બેઠકો અને મત (૭૭ બેઠકો અને ૩૮.૧૩ ટકા મત) પશ્ચિમ બંગાળમાં મળ્યાં છે. તો કૉંગ્રેસને સૌથી વધુ બેઠકો અને મત (બેઠકો ૨૯ અને મત ૨૯.૭ ટકા) અસમમાં મળ્યાં છે. કેરળમાં ૧૧.૩૦ ટકા મતો મેળવવા છતાં એકેય બેઠક નહીં જીતી શકેલી  બી.જે.પી.ને તે પછીના ક્રમે સૌથી ઓછી ૪ બેઠકો અને ૨.૬૨ ટકા મત તમિલનાડુમાં મળ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ૨.૯૩ ટકા મત અને શૂન્ય બેઠકો મેળવનાર કૉંગ્રેસને તમિલનાડુમાં સૌથી ઓછા ૪.૨૭ ટકા મત (પણ બેઠકો ૧૮) અને પુડુચેરીમાં માત્ર બે જ બેઠકો અને ૧૫.૭૧ ટકા મત મળ્યાં છે.

વિધાનસભા બેઠકોના સંખ્યાબળની રીતે ભા.જ.પ. અસમમાં પ્રથમ, બંગાળ અને પુડુચેરીમાં બીજા, જ્યારે તમિલનાડુમાં પાંચમા ક્રમનો પક્ષ છે. સંખ્યાબળની દૃષ્ટ્રિએ કૉંગ્રેસ એકેય વિધાનસભામાં પ્રથમ ક્રમે નથી, પરંતુ અસમ અને કેરળમાં બીજા તો તમિલનાડુમાં ત્રીજા ક્રમે છે. ભા.જ.પ.ને પાંચેય રાજ્યોમાં સરેરાશ ૧૯.૭૮ ટકા અને કૉંગ્રેસને ૧૫.૫૪ ટકા મત મળ્યા છે. ભા.જ.પ. અસમમાં સત્તાપક્ષે, પુડુચેરીમાં સત્તાના ભાગીદાર તરીકે અને બંગાળમાં મુખ્ય વિપક્ષ છે. કૉંગ્રેસ એકેય રાજ્યમાં સત્તાપક્ષ નથી, પરંતુ તમિલનાડુમાં તે સત્તામાં ભાગીદાર છે, અસમ અને કેરળમાં તે અને પુડુચેરીમાં તેનું ગઠબંધન મુખ્ય વિપક્ષ છે.

પાંચ રાજ્યોનાં ચૂંટણી-પરિણામોની આ સઘળી વિગતો દર્શાવે છે કે કૉંગ્રેસનું દેશના મુખ્ય વિપક્ષ અને બી.જે.પી. પછીના ક્રમના પક્ષ તરીકેનું સ્થાન અકબંધ છે. સંસદના બંને ગૃહોમાં અને ઘણાં રાજ્યોની વિધાનસભાઓમાં કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તે સત્તામાં છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તે ગઠબંધન સરકારોનો હિસ્સો છે. કૉંગ્રેસ ચૂંટણી હારી છે, સત્તા ગુમાવી છે, પરંતુ તેનો પૂર્ણ ક્ષય થઈ ગયો નથી. તેથી બી.જે.પી.નું કૉંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન હજુ ફળીભૂત થાય તેમ નથી.

કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા વડા પ્રધાન ખરેખર તો વિપક્ષમુક્ત અર્થાત્‌ આપખુદ સત્તામાં માને છે, એવી ટીકાઓ થઈ હતી. વડા પ્રધાને રાજકીય રીતે વિપક્ષને સમાપ્ત કરવાનો તેમનો કહેવાનો મતલબ નથી, એવી સ્પષ્ટતા કરી હતી. તેઓએ કૉંગ્રેસમુક્ત એટલે કૉંગ્રેસ કલ્ચરમુક્ત દેશ એમ કહ્યું હોવાનો બચાવ કર્યો હતો. વડા પ્રધાનના મતે કૉંગ્રેસકલ્ચર એટલે પરિવારવાદ કે વંશવાદ, સત્તાનું કેન્દ્રીકરણ, જાતિવાદ, ભ્રષ્ટાચાર, શોષણ છે. ખુદ કૉંગ્રેસે પણ આ કલ્ચરથી મુક્ત થવાની જરૂર છે, એમ પણ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન કૉંગ્રેસકલ્ચર તરીકે કૉંગ્રેસની જે ખામીઓ ગણાવે છે, તે ભા.જ.પ. સહિતના પક્ષોમાં શું ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતી નથી?. શું આ બધી ખામીઓ પર કૉંગ્રેસનો જ ઇજારો છે ? એટલે વડા પ્રધાનનો આ તર્ક ગળે ઊતરે એવો નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત કોંગ્રેસમુક્ત ભારત જેવા શબ્દને રાજકીય મુહાવરો ગણાવી તે સંઘની ભાષા ન હોઈ સંઘ તેના સાથે સંમત નથી, તેમ જણાવે છે. કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીનો મત છે કે તેઓ બી.જે.પી.ની વિચારધારા સામે અમે લડીશું પણ તેને રાજકીય રીતે ખતમ કરી દેવાની વાત ક્યારે ય નહીં કરે. કેમ કે તે સમાજના એક વર્ગની અભિવ્યક્તિ છે અને લોકતંત્રમાં તેને પણ તેની અભિવ્યક્તિનો અધિકાર છે.

ગાંધીજી કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા હતા, તેવી દલીલમાં પણ અર્ધસત્ય છે. હા, એ સાચું કે હત્યાના માત્ર ત્રણ દિવસ પહેલાં, ૨૭મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ, ગાંધીજીએ એક નોંધમાં લખ્યું હતું કે, “પોતાના હાલના બદલાયેલા સ્વરૂપમાં કૉંગ્રેસે તેની ભૂમિકા પૂર્ણ કરી દીધી છે, એટલે તેનું વિસર્જન કરી તેને એક લોક સેવક સંઘમાં રૂપાંતરિત કરી દેવી જોઈએ. “ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કૉંગ્રેસની બદલાયેલી ભૂમિકા અને તેના પુનર્ગઠન વિશે જે વિચારતા હતા, તેનો પ્રતિઘોષ ગાંધીજીની આ નોંધમાં છે. તેને અંતિમ ઇચ્છા કે વસિયતનામા રૂપે ખપાવીને દેશને વિપક્ષમુક્ત કરવા માંગતાં બળોએ ગાંધીજીની આ વાત વિસારે પાડવા જેવી નથી : “કૉંગ્રેસ દેશનું સૌથી જૂનું રાજકીય સંગઠન છે. તેણે ઘણાં અહિંસક આંદોલનો દ્વારા આઝાદી મેળવી છે. તેને ખતમ કરવાની મંજૂરી આપી શકાય નહીં. તે માત્ર ને માત્ર રાષ્ટ્રની સાથે જ ખતમ થશે. “પાંચ રાજ્યોનાં પરિણામો કૉંગ્રેસમુક્ત ભારતનો સંકેત આપતાં નથી, ત્યારે ગાંધીજીના નામે કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા લોકો કમ સે કમ “કૉંગ્રેસ રાષ્ટ્રની સાથે જ ખતમ થશે”, એવી ગાંધીજીની વાત કાળજે ધરે તો ય ઘણું. 

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 03

Loading

...102030...1,9891,9901,9911,992...2,0002,0102,020...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved