Opinion Magazine
Number of visits: 10,226,179
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદયસ્થ ડૉ. શાન્તિકુમાર પંડ્યા

મૂકેશ ર. પંડ્યા|Opinion - Opinion|16 July 2021

ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતના મર્મોને ખુલ્લા કરી આપનાર શ્રેષ્ઠ વક્તા તરીકે જેમની ગણના થાય તેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એક ઉમદા વિવેચક ડૉ. શાન્તિકુમાર પંડ્યાનું તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ નિધન થયું છે, જેનાથી સંસ્કૃત જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતમાં રચાયેલાં મહાભારત આધારિત રૂપકોના અભ્યાસીઓનો જાણે અસ્ત થઈ ગયો છે.

મહેસાણા જિલ્લાના નાનકડા નદાસા ગામમાં તા. ૫-૯-૧૯૪૧ના રોજ શિક્ષક દિવસે મોઢ ચતુર્વેદી કુળમાં જન્મેલા ડૉ. શાન્તિકુમાર પંડ્યાને વારસામાં મળેલ સંસ્કારનું સિંચન થતા સ્વાભાવિક રીતે જ સંસ્કૃત વિષયમાં વિશેષ રુચિ દાખવતાં એમ.એ., પીએચ.ડી.ની પદવી સંસ્કૃત વિષય સાથે હાંસલ કરી.

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સ્નાતક કક્ષાએ લગભગ ૪૦ વર્ષ સુધી સુદીર્ઘ સેવા તેમ જ અનુસ્નાતકમાં ૩૫ વર્ષ સુધી એમના શિષ્યોને જ્ઞાન પીરસતા રહ્યા હતા. ક્લાસમાં પંડ્યાસાહેબ ‘કાવ્યપ્રકાશ’ ભણાવતાં હોય, ત્યારે સાક્ષાત્‌ મમ્મટાચાર્યનો જ જાણે આવિર્ભાવ ન થતો હોય તેવું લાગતું. એમની સમજાવવાની સાહજિક શૈલી એવી નિરાળી હતી કે ભલભલા વિદ્યાર્થીઓ આસાનીથી સમજી શકતા. આવી શીખવવાની અદ્‌ભુત કળાનો સંચાર એમની વિદ્યાર્થીઆલમમાં દૃષ્ટિગોચર થતો હતો. આથી જ સદ્‌ગત પંડ્યાસાહેબ પ્રિય શિષ્યોના આદર્શ બની જતા. એમના શિષ્યો સંસ્કૃત વિષયને જાણતાં, માણતાં, પિછાણતાં, અનુભવતાં જ્ઞાનરૂપી કસોટીની એરણ ઉપર ઘડાતા થાય તે માટે તેઓ અથાગ પ્રયત્નો કરતા. તેઓ મહાભારતના વિષયવસ્તુનું ઉત્તમ વિશ્લેષણ કરી એમાં આવતાં કૃતિનિષ્ઠ રહસ્યોને ખોલી આપવામાં નિપુણ હતા. આથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે સંસ્કૃતની કૃતિનું ઉત્તમોત્તમ રસદર્શન કેવી રીતે કરી શકાય એ દિવંગત પંડ્યાસાહેબ પાસેથી શીખવા મળતું હતું.

સ્વ.પંડ્યાસાહેબ વિદ્યાર્થીવત્સલ વર્ગને સ્વર્ગમાં ફેરવી દેવામાં બેતાજ બાદશાહ હતા. વર્ગમાં સાહજિકતાથી અભિનય રજૂ કરતાં નાટ્યો અને કાવ્યો લગભગ કંઠસ્થ હતાં. ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ સંસ્કૃત પાઠશાળાના વર્ગોનું સુચારુ સંચાલન કરી તેને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. સંસ્કૃતમાં પણ રૂપકો ભજવતા. આકાશવાણી તથા દૂરદર્શન પર રથયાત્રા હોય કે જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના જન્મોત્સવ કે અન્ય સાહિત્યને લગતાં કાર્યક્રમોમાં સંસ્કૃત તજજ્ઞ તરીકે એમણે અનહદ સેવાઓ આપેલી છે. અરે ! દૂરદર્શન ઉપર મહાભારત શ્રેણી દર રવિવારે રજૂ થતી, ત્યારે ‘ગુજરાત સમાચાર’માં આ મુરબ્બી પ્રત્યેક એપિસોડનો ચિતાર આપી મહાભારતનાં પાત્રોને મૂલવવાની સમજ કેળવતા હતા.

મહાભારતની સમીક્ષિત વાચના ગુજરાતીમાં તૈયાર કરવા માટે પ્રવીણ પ્રકાશન, રાજકોટે જે બીડુ ઝડપ્યું અને લેખકોને પસંદ કર્યા તેમાં દિવંગત પ્રો. ડૉ. નાન્દીસાહેબ સાથે સદ્‌ગત ડૉ. શાન્તિકુમાર પંડ્યાને પણ પસંદ કરવામાં આવ્યા હતા. ઓરિએન્ટલ કૉન્ફરન્સ ગુજરાતમાં યોજાઈ ત્યારે સંપૂર્ણ ઉત્તરદાયિત્વ સંસ્કૃત અધ્યાપકમંડળના નેજા હેઠળ તેમણે હેમખેમ પાર પાડ્યું હતું.

આવા સ્વ.પંડ્યાસાહેબને માનવસંસાધન વિભાગ, ન્યુ દિલ્હી ઈ.સ. ૧૯૮૬ તથા ૧૯૮૭માં બે ગુજરાતી કૃતિઓ ‘ગામનાં તીરથ’ અને ‘સુખનો સૂરજ’ને ગુજરાતી ભાષામાં પ્રૌઢશિક્ષણ અનુસરણ માટેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સંસ્કૃતસાહિત્ય અકાદમી તરફથી ૧૯૯૪માં સંશોધનને લગતું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

સદ્‌ગત પંડ્યાસાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. તેમના રસના વિષયોની વાત કરીએ તો તેમાં મહાભારત અને તત્ત્વદર્શન, ગુજરાતમાં લખાયેલું સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત કાવ્યમીમાંસા અને પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, તત્ત્વજ્ઞાન અને ગુજરાતમાં રચાયેલા મહાભારત પર આધારિત સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો ઉપર વિશિષ્ટ કાર્ય કરેલ છે. આ સિવાય લગભગ ૬૦ જેટલાં પુસ્તકો સરસ્વતી પ્રકાશન અને પાર્શ્વ પ્રકાશનમાંથી ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અનુવાદ વિવેચનટિપ્પણી સાથે પ્રગટ થયા છે.

સંસ્કૃત વિષયની અને વિષયના અધ્યાપકોની ચિંતા, સતત એમના પ્રશ્નોની મથામણ મજબૂત રીતે અને નિર્ભયતાથી એમના કાર્યકાળમાં સારી રીતે રજૂઆત કરતા હતા. એમનાં વ્યાખ્યાનો પણ સતત વિદ્વત્તાપૂર્ણ અને અભ્યાસ માગી લે તેવા અનેકાનેક સંદર્ભો સાથેનાં રહેતાં. તેઓ સ્પષ્ટ વક્તા સરળ, સહજ, નિખાલસ હોવા છતાં તેજોદ્વેષથી પર વિદ્યાપુરુષ હતા.

મારો એમની સાથેનો ઘરેલુ સંબંધ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પેપર મૂલ્યાંકનમાં ચૅરમેનપદે રહી અમને તટસ્થ મૂલ્યાંકન શીખવતા. મારી કૉલેજમાં બેથી ત્રણ વખત વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે મહાભારત પર આધારિત રૂપકોનું સાંગોપાંગ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને રસતરબોળ કરી દેતા. આખા વર્ગને ગૂંજવી દેતા હતા. આવા પ્રેમાળ સ્વભાવના દિવંગત પંડ્યા સાહેબને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નતમસ્તકે અર્પણ કરું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 14

Loading

કેરળમાં દહેજનો પ્રશ્ન

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 July 2021

ભારતના હિન્દુ સમાજમાં દહેજનો પ્રશ્ન વ્યાપક રીતે પ્રવર્તે છે. ગુજરાતમાં પણ સાસરિયાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતાં હોય એવા કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકે છે. પણ અહીં કેરળની ચર્ચા કરવી છે.

કેરળમાં થોડા દિવસ પહેલાં એક ચોવીસ વર્ષની યુવતીએ આપઘાત કર્યો. એમાં દહેજની માંગણી એના મૂળમાં હતી. આ ઘટનાએ કેરળમાં ભારે ઊહાપોહ જગાવ્યો હતો. ત્યાનાં મહિલાઓ માટેના કમિશનનાં અધ્યક્ષાને રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે એમનું વર્તન લોકોને અસંવેદનશીલ લાગ્યું હતું. કેરળમાં છેલ્લાં પાંચ વર્ષોમાં સ્ત્રીઓના આપઘાતના પચાસ કિસ્સા બન્યા છે.

કેરળનો દાખલો એટલા માટે નોંધપાત્ર બને છે કે કેરળમાં નમૂનારૂપ માનવવિકાસ થયો છે. માનવવિકાસના અર્થશાસ્ત્રીઓ, આર્થિક રીતે પછાત પ્રદેશમાં પણ માનવવિકાસ થઈ શકે, એના નમૂના રૂપે કેરળનો દાખલો ટાંકે છે. માનવવિકાસમાં સ્ત્રીઓનો વિકાસ પણ અભિપ્રેત છે. કેરળમાં સ્ત્રીઓમાં સાક્ષરતા લગભગ સો ટકા છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ લેતી સ્ત્રીઓનું  પ્રમાણ ઘણું મોટું છે. સ્ત્રીઓમાં શિક્ષણને કારણે કેરળમાં જન્મદર ખૂબ ઘટી ગયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. પણ સ્ત્રીઓને એમના શિક્ષણનો જે લાભ મળવો જોઈએ તે મળ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓનું સશક્તીકરણ થયું નથી. એના કેટલાંક ઉદાહરણ નોંધીએ.

કામ કરી શકે એવાં વયજૂથમાં રોજગારીમાં રોકાયેલી સ્ત્રીઓનું પ્રમાણ માત્ર વીસ ટકા છે. એ જ રીતે જાહેર જીવનમાં મિશ્ર ચિત્ર જોવા મળે છે. રાજકારણમાં સ્ત્રીઓનો પ્રવેશ ઘણો મર્યાદિત છે. વિધાનસભામાં સ્ત્રીઓની સંખ્યા દશ ટકાથી ઓછી છે. કેરળના પ્રધાનમંડળમાં એકવીસ સભ્યો છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા ત્રણ છે. જોકે સ્થાનિક સત્તામંડળોમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધારે માલૂમ પડે છે.

સ્ત્રીઓ ઘરની બહાર રોજગારીમાં જઈ શકતી નથી અને ઘર સંભાળે છે. એને પરિણામે એ અબળા જ રહે છે. એનો ગેરલાભ પુરુષપ્રધાન સમાજ લે છે. તેઓ સ્ત્રીઓની પાસેથી એટલે કે એનાં કુટુંબીજનો પાસેથી મોટી રકમની અપેક્ષા રાખતા હોય છે. કેરળમાં એક વધારાનું પરિબળ ઉમેરાયું છે. કેરળમાંથી વિદેશોમાં ગયેલા લોકોની કમાણીથી કેરળના સમાજમાં વપરાશમાં વૈભવ પ્રવેશ્યો છે. દેખા-દેખી આ વૈભવ ભોગવવા માટે પુત્રવધૂ પાસેથી બહુ મોટા દહેજની અપેક્ષા રાખવામાં આવે છે. એ ના સંતોષાતાં પુત્રવધૂ ઉપર જુલમ ગુજારવામાં આવે છે. એ જુલમથી ત્રાસીને કેટલીક સ્ત્રીઓ આપઘાત કરીને તેમાંથી છૂટકારો મેળવે છે. હિન્દુ સમાજમાં દીકરાદીકરીનું લગ્ન એક બહુ જ ખર્ચાળ રિવાજ બની ગયો છે. છોકરીને કરિયાવર મોટો કરવો પડે છે અને ભોજન પાછળ પણ મોટું ખર્ચ કરવું પડે છે. ભોજનમાં હજાર બે હજાર માણસો જમાડવામાં આવતા હોય એવા અનેક દાખલા જોવા મળે છે. છોકરીને કેટલું સોનું આપ્યું એ ગૌરવનો વિષય હોય, ટૂંકમાં, હિન્દુ સમાજમાં લગ્ન ઘણું ખર્ચાળ બની જાય છે. એમાં જે જ્ઞાતિઓમાં દહેજનો રિવાજ પ્રચલિત હોય ત્યાં કન્યાના પિતા ઉપર ઘણો વધારે બોજ આવી જાય છે. આમ તો ભારતના સમાજમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં ઓછી છે. છતાં પુત્રીનો પિતા ગરજવાન સ્થિતિમાં રહે છે. આ પુરુષપ્રધાન સમાજનું વરવું સત્ય છે. લગ્ન સ્ત્રી-પુરુષની સમાનતા ઉપર રચાવું જોઈએ. એ સમાનતા હજી આપણે ત્યાં આવી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04

Loading

વસંત-રજબ શહાદત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2021

આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને પગલે ગાંધી-માર્ક્સ એમ સઘળે છેડેથી કર્મશીલ બૌદ્ધિકોને જાગૃત નાગરિકો એકત્ર આવ્યા અને એમણે અમદાવાદમાં રાજ્યસ્તરના વિશાળ અધિવેશન વાટે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી(એમએસડી : સેક્યુલર લોકશાહી આંદોલન)નો સૂત્રપાત કર્યો તે પછી તરતનાં વર્ષોમાં સૂઝી રહેલો એક વિગતમુદ્દો એ હતો કે વસંત-રજબની શહાદત જેવી ઇતિહાસ ઘટનાઓની સ્મૃતિ તાજી રાખવી જોઈએ. ત્યારથી પ્રતિવર્ષ જમાલપુર ખાંડની શેરીએ પહેલી જુલાઈએ એકત્ર મળવાનું શરૂ થયું. અલબત્ત, અમે કંઈ પહેલા હતા એમ તો નહોતું. વસંતરાવ અને રજબઅલી બેઉ આઝાદીપૂર્વે કૉઁગ્રેસ સેવાદળના સમર્પિત સૈનિકો હતા, એ કર્તવ્યનો સાદ સુણી એમણે જીવનની આહુતિ આપી જાણી હતી. એટલે સેવાદળે ખાંડની શેરીએ પ્રતિવર્ષની માનવંદના મુલાકાતનો એક સિલસિલો જરૂર ચાલુ રાખ્યો હતો, અને એ માટે એને સલામ ઘટે છે. માત્ર, વર્ષો વીતતાં ગયા તેમ સેવાદળનું બળ સહજક્રમે ઓસરતું ગયું અને ધીરે-ધીરે રસમ ચાલુ રહી પણ ફરતેનું ભામંડળ જાણે કે ઓજપાઈ ગયું. દરમિયાન, સેક્યુલર લોકશાહી આંદોલનના પ્રવેશ સાથે સેવાદળને ય સોબતી અને સધિયારો મળ્યો અને ખાંડની શેરીનું આ સંગમતીર્થ એકદમ જાગતું ને ગાજતું થઈ ગયું. કૉર્પોરેશન પણ સફાળું જાગ્યું અને સ્મારકવત્‌ કશુંક ખડું પણ થઈ ગયું.

વસંતરાવનાં બહેન હેમલતા હેગિષ્ટે જે પછીથી, જાહેરજીવનમાં, જ્યોતિસંઘના અગ્રણી લેખે ઝળક્યાં હતાં, એમણે નોંધ્યું છે કે ખાંડની શેરીએથી બેઉ બંધુઓનાં મૃતદેહ ખસેડાઈ રહ્યાં હતાં ત્યારે જ એક ગણગણાટ સહેજ ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો હતો કે બંનેના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ. અલબત્ત, સહજ હતું તેમ એ શક્ય ન બન્યું અને એકને સારુ સ્મશાન તો બીજાને સારુ કબ્રસ્તાન એ રૂઢિગત નિયતિ બની રહી. શહાદતને સ્થળે સ્મારક બન્યું ખરું, પણ રજબઅલીની મજાર બિલકુલ વિસ્મૃતવત્‌ બની ગઈ. રજબઅલીના પરિવારના મોટા ભાગના સભ્યો ઉત્તરોત્તર વકરતા કોમવાદ વચ્ચે આશંકિત ને આતંકિત શા બની રહ્યા, અને એમણે લગભગ ખૂણો પાળ્યો. નવી ઓળખમાં એમણે સલામતી શોધી, એ આપણા સામાજિક વાસ્તવની એક દુર્દૈવ સાહેદી છે.

જેટલું આપણે વસંતરાવના જીવન વિશે જાણીએ છીએ, એના પ્રમાણમાં રજબઅલી વિશે આપણી જાણકારી ખરે જ ઓછી છે. મહારાષ્ટ્રથી અહીં વસી ગયેલા હેગિષ્ટે પરિવારને સારુ અમદાવાદ એ પેઢાનપેઢી વતન જ બની રહ્યું હતું. એથી ઊલટું, રજબઅલી શહાદતનાં છેલ્લાં થોડાં સમય પર જ અમદાવાદ આવી વસ્યા હતા. હેગિષ્ટે પરિવાર જેવાં મૂળિયાં ને વ્યાપ એમનાં નહોતા .. બંનેની અભિન્ન મિત્રતા બલકે કર્મબાંધવી એક મિસાલરૂપ હતી એ જુદી વાત છે.

રજબઅલી સૌરાષ્ટ્રના. લીંબડીનું કુટુંબ. ભાવનગરમાં અને કરાચીમાં ભણતર. – રવિશંકર મહારાજની પરંપરામાં આવેલા ગ્રામસેવક બબલભાઈએ લખ્યું છે કે એમને યુવા રજબનો પ્રથમ પરિચય કરાંચીમાં થયો હતો. દાંડીકૂચ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ બબલભાઈ કોઈ ગામડું શોધી એમાં રચનાકાર્યમાં ખૂંપી જવાનું વિચારતા હતા, તે પૂર્વે કરાંચીમાં પરિવારને મળી લેવું જોઈએ એ ખ્યાલે તે કરાંચી ગયા ત્યારે ત્યાંની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા શારદામંદિરમાં જનજાગૃતિ માટેના એક પ્રદર્શનમાં એ હાથ બટાવવા ગયા, તે વખતે હજુ છાત્ર એવા રજબનો, એની હોંશીલી ભાવનામૂર્તિનો હૃદ્ય પરિચય થયાનું એમણે નોંધ્યું છે.

ભાવનગર દિવસોમાં પ્રિ. શહાણીએ, વલ્લભભાઈની કૉલેજ-મુલાકાત વખતે રજબઅલીને એક હોનહાર વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, જયાબહેન શાહ એ સૌ તરુણ કાર્યકરો તેમ પછીથી ‘સમય’ થકી પત્રકાર તરીકે ઝળકેલા સહપાઠી ભાનુભાઈ શુકલ વગેરે સાથેનો રજબનો કાર્યપરિચય ત્યારે જામ્યો. ધીમેધીમે, કેન્દ્ર અમદાવાદ ખસેડવું એવું એમને થયું અને રજબઅલીની પ્રતિભા જોતાં સાથીઓને તો એમ પણ લાગતું કે જે રીતે કૉંગ્રેસપ્રમુખ જવાહરલાલ નહેરુએ જયપ્રકાશ અને લોહિયા જેવા યુવાનોને સ્વરાજલડતની કેન્દ્રીય કચેરીમાં જોતર્યા હતા, એ જ રીતે રજબ જેવા પણ આગળ જતાં ઝળકી ઊઠશે.

ખેર, અહીં આખી દાસ્તાંમાં જવાનો ખ્યાલ નથી. ૨૦૦૬માં ૧૯૪૬ની વસંત-રજબ શહાદતને સાઠ વરસ થયાં, ત્યારે પરિચય પુસ્તિકામાં મેં વસંતરાવની જોડાજોડ રજબઅલીનીયે કંઈક જીવનરેખા આલેખી હતી. ઓણ, પહેલી જુલાઈએ એમની શહાદતને પંચોતેરમું વરસ બેઠું. હવે એ પુસ્તિકાનું સંવર્ધિત સંસ્કરણ, ૨૦૨૨ના જુલાઈમાં પંચોતેર વરસ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આવે એવો મનસૂબો છે. દરમિયાન જો કે જયંતી દલાલ ને ઇન્દ્રવદન ઠાકોર આદિ વસંત-રજબ સમકાલીનોની આરંભિક પહેલ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શરૂનાં વર્ષોમાં બહાર પાડેલ સ્મૃતિગ્રંથ અલભ્ય હતો, તે રિઝવાન કાદરીની કોશિશથી પુનઃપ્રાપ્ય બન્યો છે, એ અહીં સાનંદ સંભારવું જોઈએ.

પ્રશ્ન એ પડને જાગતું રાખવાનો છે, જેમાં સંચિત મૂલ્યો સારુ આ મિત્રોએ સર્વોચ્ચ કુરબાની આપી. આપણે એમને કોમી એકતાના બલિદાની વીરો તરીકે બિરદાવીએ છીએ અને એ વાત ખોટી અલબત્ત નથી, પણ જે સમજવાનું છે તે એ કે એમની કુરબાની કોઈ ક્ષણાવેશનો મામલો નહોતી. કોમી એકતા એમના સ્વરાજદર્શનનો અંગભૂત હિસ્સો હતી એ સાચું; પણ જેમાં સ્વતંત્રતા અને સમાનતા એકબીજાને શોધિત-વર્ધિત કરતાં રહે એવું સંપોષિત સ્વરાજદર્શન એમનું હતું. વિકાસની જે તરાહ આપણે પકડી છે, એમાં એ ક્યાં છે? રાષ્ટ્રની જે વ્યાખ્યા સત્તાપક્ષ દ્વારા કરાઈ રહી છે, એમાં એ ક્યાં છે? સ્વરાજનું પંચોતેરમું વરસ, વસંત-રજબની શહાદતને પંચોતેરમે વરસે જાગતા આ સવાલોનો જવાબ માગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 05

Loading

...102030...1,9901,9911,9921,993...2,0002,0102,020...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved