Opinion Magazine
Number of visits: 10,226,093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક કથાકાવ્ય

સુમન શાહ|Poetry|7 July 2021

weeping willow

Picture courtesy : Google Images

જુલાઇમાં એને શુંનું શું ય ફૂટે છે
જેમ
મૅગ્નોલિયા ક્રૅબઍપલ લિલાક કે તુલિપને
વીપિન્ગ વિલો સાચમાચનું રડે છે
આંસુ ફૂટે છે
તે દિવસનો આંસુને એ
ટચલી આંગળીએ ગણ્યા કરે છે
પહેલીથી ફોડ્યા કરે છે
કેમકે
એનું ફિટબિટ* મરી ગયું છે
જોયા કરે છે ચૂપ સ્ક્રીન બ્લૅક
ફોડેલાં આંસુનો ચૂરો રેલાઈ ગયો
ખૂણે ઝમકેલાં ઝાંઝરે લલચાયલો
ઢોલના ધબકાર
આંખો ચમકેલી
સ્કર્ટના સપાટા રેશમી
કશુંક ક્હૅતા’તા
કોઇ ખીલી ખીલીને નાચી રહ્યું’તું
હોઠ ફફડ્યા કરે છે
વાળ ઊડ્યા કરે છે
એ બબડ્યા કરે છે
ધીમે ધીમે ઘા રૂઝાય
ધીરે ધીરે ભૂલી જવાય
લીલી લૉનમાં સૂતાં’તાં બપોરે
રાતના તારા દિવસે ગણતાં’તાં
અમાસની ચાદર પથારી પોચી
દિવસનાં સફેદ સસલાં દોડતાં’તાં
અહીં તહીં ચોપાસમાં
આગિયા ઝબૂકતા’તા
અણજાણ એક તારો કરી લિસોટો
ગયો નીકળી
પડ્યો ચિરાડો
છવાયો અન્ધકાર
મધરાત મળસ્કું બપોર સાંજ
ઘડી પલ પલકારા
એ ગણ્યા કરે છે
નથી ખબર કેમ ક્યારે થઈ ગયું
હવે ન વ્હાલ ન વાત ન ચીત
ન હસવાં ન રડવાં
હવે ન ચૂમી
સુંવાળી ગોરી પ્હાની
હવે સૂની
વિન્ડો-બ્લાઇન્ડ્સે કાપેલું
આકાશ કોરુંકટ નીલું હશે
હશે હવા પાતળી હશે ઘેરાં પાણી
હશે ટાઉન હશે ટાઉનશિપ
સાથે હશે
નહીં કશું-નું કૂંડાળું
કોઈ પાડી દેશે વિન્ડો-બ્લાઇન્ડ્સ
ફટાક્
એનું ફિટબીટ મરી ગયું છે
જુલાઈમાં એને શુંનું શું ય ફૂટે છે

= = =

(July 6, 2021:USA)

*ઇલૅક્ટ્રૉનિક વૉચ, ટ્રૅકર.

Loading

વ્યક્તિ જેમ પ્રગતિની સીડી ચઢે, તેની સહાનુભૂતિ ઘટે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 July 2021

કોરોના કાળમાં, દુનિયાના ૧૦ ધનવાન માણસોની સંપત્તિમાં ૪૫૦ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ રકમ એટલી મોટી છે કે તેની મદદ મળે તો દુનિયાના ગરીબ લોકો કોરોનાના કારણે પાયમાલ થતાં બચી જાય અને વધારામાં તે સૌને વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે. વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી માટે કામ કરતી ૨૦ સખાવતી સંસ્થાઓનાં સંગઠન ઓક્સફામના અહેવાલ પ્રમાણે, મહામારીના આ સમયમાં ભારતના ધનિકોની સંપત્તિમાં પણ ૩૫ ટકાનો વધારો થયો છે. આ ધનવાનો ધારે તો ભારતના ૧૩ કરોડ ગરીબ લોકોને ૯૪ હજાર રૂપિયાનો ચેક આપી શકે.

અલબત્ત, આપણે ગરીબ હોઈએ એટલે ધનવાનોના પૈસાની ઈર્ષ્યા ન કરાય, પરંતુ એક વ્યાપક પ્રશ્ન જરૂર થાય કે દુનિયામાં ગરીબો વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનિક કેમ થાય છે? કોરોના જેવી મહામારીનો સૌથી વધુ આર્થિક માર ગરીબોને પડ્યો છે, પણ ધનવાનોને તો તેનો ફાયદો થયો છે. શું આપણી સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થા ગરીબો વિરોધી અને ધનવાનો તરફી છે?

દુનિયામાં એક નાનકડા વર્ગ પાસે અમાપ સંપત્તિ હોય, તો તેઓ ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્યની સદીઓ જૂની સમસ્યાઓને ચપટીમાં ઉકેલી ન શકે? ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ માત્ર આર્થિક જ નથી, માનસિક અથવા ભાવનાત્મક પણ છે. સમાજનો જે ઉપલો વર્ગ છે, જેની પાસે પૈસા અને પાવર છે, તેની સહાનુભૂતિમાં ઘટાડો થાય છે અને તેને નીચલા, ગરીબ, પછાત વર્ગની પીડાનો સ્પર્શ થતો નથી. આ બહુ બારીક મનોવિજ્ઞાન છે અને તે વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે જોવા મળે છે.

સામાન્ય રીતે આપણે એવું માનવા પ્રેરાઈએ કે આપણે જેટલા વધુ તવંગર, તેટલા વધુ ઈમાનદાર અને ઉદાર. આફ્ટરઓલ, આપણી પાસે બધું જ હોય તો પછી આપણને આપણા કરતાં જે વંચિત છે તેની જ વધુ ફિકર હોય ને? ખોટું. રિસર્ચ કહે છે કે લોકો જેમ જેમ સામાજિક પ્રગતિની સીડી ઉપર ચઢતા જાય છે, તેમ તેમ એમનામાં બીજા લોકો પ્રત્યેની અનુકંપા નીચે ઊતરતી જાય છે. જે લોકો ધનવાન છે, પાવરફુલ છે અને મોભાદાર છે તે એટલા સ્વ-કેન્દ્રિત હોય છે કે, એમનામાં બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દી (એમ્પથી) ગાયબ હોય છે. બહુ બહુ તો એવા લોકોમાં તરસ કે દયા (સિમ્પથી) જેવો ભાવ હોય છે, જે હમદર્દીથી એક સીડી નીચેની લાગણી છે. 

બર્કલે, કેલિફોર્નિયાના બે મનોવૈજ્ઞાનિકોએ સમૃદ્ધ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વર્ગના લોકો બીજા લોકોની લાગણીઓની કેટલી ફિકર કરે છે એનો અભ્યાસ કર્યો છે. તેમણે શહેરના ચાર રસ્તા ઉપર ઊભા રહીને જોયું તો ખબર પડી કે, મોંઘી મોટરોના ચાલકો એમનો વારો આવે તેની રાહ જોયા વગર આગળ ઊભી રહેલી મોટરને ઓવર-ટેક કરી લેતા હતા. તેમણે એ પણ જોયું કે, રાહદારીના જવા માટેના ઝેબ્રા ક્રોસિંગ પર એમની સ્પીડ વધી જતી હતી, અને આજુબાજુમાંથી આવતા લોકો સાથે નજર મિલાવ્યા વગર પૂરપાટ ઝેબ્રા ક્રોસ કરતા હતા.

ગામડાંના અને શહેરના લોકો પરની એમની છેલ્લી નવલકથા 'ગોદાન'માં મુન્શી પ્રેમચંદ લખે છે કે, "ધન અને કરુણા એકબીજાના વિરોધી છે." ધનિક માણસમાં કરુણા ઓછી થાય છે. વિજ્ઞાનના આધુનિક 'ચિંતકો'એ કહ્યું છે કે, પાવરફુલ લોકોના મગજમાં ગૌરવ અને ઘમંડ હકીકતમાં એક બીમારી તરીકે આકાર લે છે, જેને હ્યુબ્રીસ સિન્ડ્રોમ એવું નામ પણ આપવામાં આવ્યું છે. હ્યુબ્રીસ પૌરાણિક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થયા છે માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા.

બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડેવિડ ઓવેને, જે ખુદ ન્યૂરોસાયન્ટિસ્ટ પણ છે, ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં એક લેખ લખ્યો હતો. હ્યુબ્રીસ સિન્ડ્રોમ શબ્દ આ લેખમાં વપરાયો હતો. આ લેખમાં તેમણે ૧૯૦૮થી શરૂ કરીને ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. એક સદીના ધાંયધાંય સફળતાવાળા આ લીડરોમાં એક ટેન્ડન્સી સરખી નીકળી હતી-તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને સફળતામાં અંધવિશ્વાસ હતો. 

ઈન્દ્રા નુઈ ૨૦૦૧માં પેપ્સીકોની પ્રેસિડેન્ટ બન્યાં ત્યારનો એક કિસ્સો છે. નુઈનાં માતા ત્યારે તેમની સાથે રહેવા આવ્યાં હતાં. નુઈ ઘરે આવ્યાં અને ઉત્સાહમાં બોલ્યાં, "એક મસ્ત સમાચાર છે." માતાએ શાંતિથી કહ્યું," એ વાત પછી. પહેલાં બહાર જા, અને દૂધ લઇ આવ." નુઈ કહે છે, "હું બહાર ગઈ અને દૂધ તો લઈ આવી, પણ હું ગુસ્સોમાં હતી – ‘હું પેપ્સીકોની પ્રેસિડેન્ટ નિમાઈ છું, અને તને એના બદલે દૂધમાં રસ છે?’ મારી માતાએ એવી જ શાંતિથી કહ્યું -‘સાંભળ. તું ભલે પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉં. આ ઘરમાં તું પહેલાં પત્ની અને મા છું. એટલે, તારો એ મુગટ ગેરેજમાં મૂકીને આવવાનું."

ઈન્દ્રા નુઈ આ કિસ્સા બતાવે છે કે પાવરફુલ લોકોમાં પોતાનું એટલું મહત્ત્વ હોય છે કે એમને સામાન્ય માણસની જરૂરિયાત નજરમાં નથી આવતી. આધુનિક મનોવૈજ્ઞાન કહે છે કે માણસ પાસે રેલમછેલ હોય ત્યારે એનામાં 'મારે કોઈની જરૂર નથી' એવો ભાવ આવી જાય છે, જે એને બીજા લોકોથી દૂર કરે છે. બીજા પર આપણી નિર્ભરતા જેમ ઓછી, તેમ એના પ્રત્યે આપણી દરકાર ઓછી. આમાંથી આપણે વધુ ને વધુ સ્વ-કેન્દ્રી બની જઈએ છીએ.

૨૦૧૭ના સર્વે પ્રમાણે ભારતની કુલ સંપત્તિનો ૭૩ ટકા હિસ્સો ટોચના ૧ ટકો લોકોના હાથમાં છે. દેશમાં અમીરી-ગરીબીની આ અસમાનતા ઘટવાને બદલે વધી રહી છે, તેને જોતાં દોલત અને દયા વચ્ચેનો સંબંધ બહુ મહત્ત્વનો બની જાય છે. અત્યાર સુધી આ દેશમાં આર્થિક કે રાજકીય પાવરવાળા લોકો વંચિત પરિવેશમાંથી આવતા હતા, એટલે એમનામાં વંચિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ બરકરાર રહી છે. આ સ્થિતિ બદલાશે અને પેલા ૧ ટકા વર્ગમાંથી વધુને વધુ લોકો પાવર ભોગવતા થશે તો, એ લોકોના નિર્ણયો જરૂરતમંદો અને ગરીબોના કલ્યાણ માટે હશે કે પછી સમાજના વગદાર લોકોના કલ્યાણ માટે હશે?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 04 જુલાઈ 2021 

Loading

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો : અલવિદા ફાધર સ્ટૅન સ્વામી

રૂપાલી બર્ક|Opinion - Opinion|6 July 2021

૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે  ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્‌ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.

ફાધર સ્ટૅન ૩૦ મે, ૧૯૫૭ના રોજ ઈસુ સંઘમાં (જેસ્યુઈટ ઑર્ડર) જોડાયા હતા. ૨૨ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે એમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ઝારખંડના આદિવાસીઓ વચ્ચે રહી એમના હક માટે કર્મશીલતા કરતાં ફાધર સ્ટૅનની જાન્યુઆરી, ૨૦૧૮માં ઍલ્ગર પરિષદ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં રાખવામાં આવેલા. અહીં વિગતો આપવાનો આશય નથી, પરંતુ એક વયોવૃદ્ધ અને પાર્કિન્સન, વગેરે બિમારીઓથી ગ્રસ્ત વ્યક્તિ કારમા જેલવાસ દરમ્યાન વિષમ પરિસ્થિતિમાં પણ સાધુને છાજે એવા ધૈર્ય, શાંતિ, પ્રેમ, અનુકંપા અને આશાનો અમૂલ્ય સંદેશો આપતા ગયા છે, એ નોંધવાનો છે. તલોજા જેલમાંથી પત્ર મારફતે મોકલેલા સંદેશામાં એમણે લખેલું :

પ્રિય મિત્રો,

મારા અને મારા સાથી આરોપીઓ માટે દાખવેલા સુદૃ ઢતાભર્યા સમર્થન માટે તમારો ખૂબ આભાર માનું છું. હું સાચે જ કૃતજ્ઞ છું.

જેલ પ્રશાસન મને સવારનો નાસ્તો, દૂધ, બપોર અને રાતનું ભોજન પૂરું પાડે છે. તે સિવાયની ખાદ્ય સામગ્રી જેલની કેન્ટીનમાંથી મહિનામાં બે વખત ખરીદી શકાય છે. દૈનિકો, સાબુ, વગેરે, લેખન સામગ્રી અને બીજી જરૂરી ચીજો પણ જેલની કેન્ટીનમાં વેચાતી મળે છે.

મારી જરૂરિયાતો સીમિત છે. આદિવાસીઓ અને સોસાયટી ઑફ જીસસે મને સાદગીભર્યું જીવન જીવવાનું શિખવાડ્યું છે, પરંતુ મારે ચા-પાણી પીવાં માટે સિપર-ટમ્બલર લાવવું પડ્યું હતું. ૯ ઑક્ટૉબરે જેલના ઝાંપેથી મારી પાસેથી એ લઈ લેવાયું હતું.

હવે હું જેલની હૉસ્પિટલમાંથી બાળકો માટેનું સિપર ખરીદીને વાપરું છું. મેં મારી આ જરૂરિયાત મારા વકીલને જણાવી છે. સિપર મને મળે એની રાહ જોઉં છું.

વરવરા રાવ ઘણા બિમાર છે, એમના માટે પ્રાર્થના કરજો. તલોજામાં મારા સાથી કેદીઓની જીવન-કહાણીઓ સાંભળવાથી આનંદ મળે છે. એમની પીડા અને સ્મિતમાં મને ઈશ્વરના દર્શન થાય છે.

courtesy : Satish Acharya, Cartoonist

ફાધર સ્ટૅન સ્વામી એસ. જે. જેલમાં ૧૦૦ દિવસ પૂરા થયાના ટાણે ફાધર સ્ટૅને પત્રના અંતે લખેલું : “પિંજરમાં કેદ પંખી પણ ગાઈ શકે છે.”*

પૉલ લૉરૅન્સ ડનબારના કાવ્ય ‘Sympathy’માં ‘caged bird’ના રૂપકથી અશ્વેત કવયિત્રી માયા ઍન્જલો પ્રભાવિત થયેલાં. એમની આત્મકથાનું શિર્ષક છે : ‘I know why the caged bird sings’. એમના એક કાવ્ય ‘Caged Bird’નો અનુવાદ નીચે મુજબ છે :

પિંજરનું પંખી

મુક્ત પંખી પવનની પીઠ પર ઉછળે છે
અને વહેણ અટકે નહીં ત્યાં સુધી
નીચે તરફ વહે છે
કસુંબી સૂર્યકિરણોમાં પાંખ બોળીને
આકાશ હસ્તક કરવાની હિંમત કરે છે.

પરંતુ સાંકડા પિંજરમાં ફરતું પંખી
એના આક્રોશના સળિયાની આરપાર
ભાગ્યે જ નજર કરી શકે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

આઝાદ પંખી કોઈ બીજા જ પવનનો વિચાર કરે છે
એક જ દિશામાંથી વાતા પવનો નિસાસા નાખતાં વૃક્ષો વચ્ચેથી અને
પરોઢના પ્રકાશમાં ઘાસ પર રાહ જોતી જાડી ઈયળો મધ્યેથી વહે છે
અને આકાશને એ પોતાના નામે કરે છે.

પરંતુ પિંજરે પૂરાયેલું પંખી સ્વપ્નની કબર પર ઊભું રહે છે
દુ:સ્વપ્નની ચીસ પર એનો પડછાયો બરાડે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

~

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,9992,0002,0012,002...2,0102,0202,030...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved