Opinion Magazine
Number of visits: 10,226,176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો છે કે પછી …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2021

આમ તો આખા દેશમાં જીવતી પ્રજાનો અનુભવ થતો નથી, પણ ગુજરાતમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો જીવંત હોય એવું લાગતું નથી. બહુબહુ તો ફી ઘટાડવાને મુદ્દે ક્યારેક સળવળે છે, પણ શિક્ષણને નામે જે ચાલે છે એની સામે કોઈને કોઈ ફરિયાદ નથી. આચાર્યો કે શિક્ષકો ક્યાંક કચવાતા હશે, પણ મોટે ભાગે તો વિદ્યાર્થીઓ, વાલીઓ માથે પડે છે તે વેઠી લે છે. કોરોનાને કારણે સરકાર પણ મૂંઝવણ અનુભવે છે ને એવા નિર્ણયો લે છે કે તઘલખ ઓછો તરંગી લાગે. ગયું આખું વર્ષ લગભગ એકમ કસોટી કે સત્રાંત કસોટીઓ લેવામાં જ ગયું. ઓનલાઈન શિક્ષણ બધે નથી જ થયું ને જ્યાં થયું ત્યાં નિયમિતતા કે ગંભીરતા ઓછી જ હતી. પરીક્ષાઓમાં વર્ગખંડોમાં જે વ્યવસ્થાઓ હોય છે એનો લાભ ઓનલાઈન પરીક્ષાઓને મળ્યો નથી એટલે વિદ્યાર્થીઓએ મોટે ભાગે ઉતારાઓથી જ ઉત્તરવહીઓ ભરી છે. એમાં જે ખરેખર ભણવા બાબતે ગંભીર હતા એ વિદ્યાર્થીઓ ઓછાં માર્ગદર્શને જાતે પ્રયત્ન કરીને અપડેટ થવા મથ્યા હશે, બાકી તો બધાંએ આ વર્ષ માંડી જ વાળ્યું હતું.

નાછૂટકે બધાં જ ધોરણમાં માસ પ્રમોશન અપાયું. એમાં 10, 12માં આગલાં વર્ષનાં પરિણામોની ચોક્કસ ટકાવારી નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું ઠરાવાયું ને 10નું તો પરિણામ પણ જૂનને અંતે જાહેર થઈ ગયું, જેમાં રાજયમાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. તેમાં પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 2,991 A1 ગ્રેડમાં પાસ થયા. 2020માં એ આંકડો 350નો હતો. 8.57 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ન આપી તો પણ પાસ જાહેર થયા. પરીક્ષા લેવાઈ જ નહીં ને બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. પરીક્ષા ન આપવાથી 100 ટકા પરિણામ આવે છે એ કોરોનાએ સાબિત કરી આપ્યું.

એ ખરું કે પરીક્ષા લેવાય એવી સ્થિતિ જ ન હતી ત્યારે માસ પ્રમોશન પણ ન લાગે ને વિદ્યાર્થીઓને આગલી પરીક્ષાઓને આધારે પરિણામ પણ મળે એ માટે ફોર્મ્યુલા નક્કી કરાઈ અને તેને આધારે પરિણામ જાહેર થયું, પણ તે આશ્વાસનથી વિશેષ કૈં નથી, કારણ આ, જે તે વર્ષની બોર્ડની ન લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પરિણામ હતું. એ જ એક માત્ર સત્ય હતું. આમાં કોઈનો સીધો વાંક કઢાય એમ નથી, કારણ જે સંજોગોમાં જે થઈ શકે તે જ થયું હતું. વાંક હોય તો ફોર્મ્યુલાનો હતો. આ ફોર્મ્યુલા બધે એક સરખી રીતે લાગુ કરાય એમ ન હતું, કારણ ઘણા વિસ્તારોમાં તો શિક્ષણ કાર્ય કે પરીક્ષા થાય એવી સગવડો જ ન હતી, ત્યાં કેવી રીતે પરિણામ તૈયાર થયું હશે તે તો કદાચ ઈશ્વર પણ નહીં જાણતો હોય ! વારુ, કોઈને નાપાસ તો કરવાના જ ન હતા ને કોઈ થાય તો દરેક વિષયના પાસિંગ 33 ટકા આપવાનો ઇજારો બોર્ડે પોતાની પાસે રાખ્યો હતો, એટલે એક પણ પરીક્ષા આપી ન હોય એવા વિદ્યાર્થીઓના દરેક વિષયમાં પાસિંગ માર્કસ બોર્ડે ઉમેરીને માસ પ્રમોશનનો હેતુ જાળવી રાખ્યો છે.

એ સાથે જ ઓનલાઈન શિક્ષણ 11માં ધોરણનું શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષણ વિભાગને નવો તુક્કો સૂઝયો છે. સાડા આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા, પણ તેમનું આગલા વર્ષનું શિક્ષણ અધૂરું રહ્યું છે, તો તે વર્ષનું શિક્ષણ પણ થાય એ માટે ચાલુ વર્ષની સાથે જ ગયા વર્ષની પરીક્ષાઓ નિદાન કસોટીને નામે યોજવાનું વિભાગે નક્કી કર્યું છે. આ પરીક્ષાઓ દ્વારા હેતુ લર્નિંગ લોસ જાણવાનો છે. એ જાણવા ધોરણ 9, 10 અને 12માં નિદાન કસોટીઓ 10થી 12 જુલાઈ દરમિયાન યોજાશે. ખરેખર તો નવું સત્ર શરૂ થાય તે સાથે પાછલા વર્ષનો અભ્યાસ 1 મહિનો કરાવવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હતો, પણ સ્કૂલોએ ભણાવ્યું નથી ને 10થી 12 જુલાઈ દરમિયાન પરીક્ષા તો આવી લાગી છે. એટલે આ પરીક્ષાઓ પણ નથી ભણાવાયું એની જ લેવાશે. વેલ, નવા વર્ષનું ભણવાનું ચાલુ હોય ત્યાં પાછલા વર્ષની પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીઓ વધારે એમ બને. શિક્ષણ વિભાગ પરિપત્રો તો બહાર પાડી દે છે, પછી એનો અમલ થાય છે કે કેમ તેની પરવા કરતો નથી. એ હિસાબે, વિભાગે તો ભણાવ્યા વગર જ ધોરણ 9 માટે 8માંની, 10 માટે 9ની, 12 માટે 11ની ચોક્કસ વિષયની નિદાન કસોટીઓ લેવાનું નક્કી કર્યું છે.

બોર્ડ 7 જુલાઈએ મેઈલથી ડી.ઇ.ઓ.ને પ્રશ્નપત્રો મોકલશે. એ પછી 8મીએ બધી સ્કૂલોને પ્રશ્નપત્રો મોકલવાની વ્યવસ્થા થશે અને 12મી સુધી વિદ્યાર્થી રોજનું એક પેપર લખશે. પછી 13-14 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ મેળવી લેવાશે, જેનું પરિણામ 30 જુલાઈ સુધી સ્કૂલો તૈયાર કરીને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે અપલોડ કરશે. ટૂંકમાં, ઓગસ્ટના પહેલાં અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ અને સ્કૂલો આગલા વર્ષની પરીક્ષામાં બિઝી રહેશે ને એટલો સમય ચાલુ વર્ષનું ભણતર ઘોંચમાં પડશે. એમ લાગે છે કે બોર્ડમાં પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કારખાનું ચાલે છે. એ કોઈને કોઈ પ્રશ્નપત્ર કાઢ્યાં જ કરે છે ને છાશવારે પરીક્ષાઓ લીધે રાખે છે. ગયા વર્ષનો અભ્યાસ આ વર્ષે પાકો કરાવવાનો હેતુ સારો, પણ તે નવો અભ્યાસ શરૂ થાય તે પહેલાં કરાવવાનો હતો, તે થયું નહીં અને હવે પરીક્ષાનો ખેલ પડવામાં છે. ગયું આખું વર્ષ વિભાગે કસોટીઓ જ લીધે રાખી છે ને જે પરીક્ષા લેવાવી જોઈતી હતી, ત્યાં માસ પ્રમોશનથી ચલાવવું પડ્યું છે. શિક્ષણ વિભાગમાં ગંભીર વિચાર કરી શકે એવું કોઈ છે કે કેમ તે નથી સમજાતું. માત્ર તુક્કાઓ પર આ વિભાગ ટક્યો હોય એવું લાગે છે. બીજું બધું જવા દઈએ ને માત્ર પાછલાં વર્ષોની પરીક્ષાનો જ મુદ્દો વિચારીએ તો તે સમયના દુર્વ્યયથી વિશેષ કૈં નથી. હા, વેકેશનમાં કે નવા સત્રની શરૂઆતમાં પાછલાં વર્ષનો અભ્યાસ કરાવાયો હોત અને પછી નિદાન કસોટીઓ થઈ હોત તો આ આખો ઉપક્રમ લેખે લાગ્યો હોત, તેને બદલે પરીક્ષા લઈને જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. આ પરીક્ષાઓ પણ વર્ગખંડમાં લેવાય તે રીતની નથી જ, એટલે એ કેવી રીતે લેવાશે તે કલ્પવાનું અઘરું નથી. આ વર્ષની પરીક્ષાઓએ એક નવું સૂત્ર આપ્યું છે ને તે એ કે પરીક્ષા એટલે ઉઠાંતરી. એ પણ કરતાં ન આવડે તેવાઓને પાસ કરવાની જવાબદારી બોર્ડની છે. શિક્ષણને કોઈ ધોરણ હોય તે વાતનો પૂરેપૂરો છેદ આ વર્ષે ઊડી ગયો છે.

ગયા વર્ષનો અભ્યાસ કાચો રહી ગયો હોઈને અભ્યાસ કરાવીને પરીક્ષા લેવાનો ઉપક્રમ પ્રશંસનીય છે જ, પણ તે શિક્ષણ વિભાગની પોલને જ ઉઘાડી પાડનારો છે. અહીં પ્રશ્ન એ થાય કે જો અભ્યાસ કાચો રહ્યાની વિભાગને ખાતરી હોય તો 10માંનું પરિણામ જેને આધારે નક્કી થયું તે કેટલું પાકું હતું? ગયે વર્ષે ઓનલાઈન થયેલો અભ્યાસ પૂરો ને પૂરતો ન હતો તેવું તો વિભાગને પોતાને લાગ્યું છે, એટલે તો વાત નિદાન કસોટી સુધી આવી છે, તો 10માંની પરીક્ષામાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા એ અભ્યાસમાં રહેલી કચાશનું પરિણામ છે? ક્યાં તો અભ્યાસ ન થયો એ સાચું છે અથવા તો 17,186 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ શંકાસ્પદ છે ને સાચું તો એક જ છે.

બોર્ડ તો આ જાણે જ છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો પણ જાણે છે કે હકીકત શું છે, પણ કોઈ બોલતું નથી. આચાર્યો જૂની, નવી પરીક્ષાઓ લેવાની વાતે મૂંઝાય છે, પણ તેઓ પણ વેઠ ઉતારીને રાજી છે. ખૂણેખાંચરે બબડે છે, પણ દેખાય છે તો એવું કે તેમને પગાર સિવાય બીજા કશામાં રસ નથી. એવું નથી કે સાચું શું છે તે શિક્ષકો જાણતા નથી, વાલીઓ ને વિદ્યાર્થીઓ પણ જાણે છે કે જે મળ્યું છે તેમાં સાચું કેટલું છે, પણ વગર મહેનતે મળ્યું તે ગજવે ઘાલીને સૌ ટાબોટા ફોડે છે. ના, છૂટકે માસ પ્રમોશન લેવું પડે તે લાચારી છે, પણ વગર પરીક્ષાએ આટલા A1 ગ્રેડ આવે તે બરાબર નથી એવું એક વિદ્યાર્થી, એક શિક્ષક, એક વાલી કે એક આચાર્ય કહેતો નથી, એ જ સૂચવે છે કે શિક્ષણનું ધોરણ શું અને કેટલું છે?

10થી 12 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષા લર્નિંગ લોસ જાણવા માટે લેવાઈ રહી છે. એ પણ કમાલ છે ને કે બધાં જાણે છે કે સિલકમાં લર્નિંગ લોસ જ છે, પણ શિક્ષણ વિભાગને જ ખબર નથી. એ પણ ભણાવીને પછી નક્કી થાય તો લેખે લાગે, પણ આ તો ભણાવ્યા વગર માત્ર પરીક્ષાથી નક્કી થાય છે. ઓકે, પરીક્ષા લેવાય અને ઉતારા પણ બરાબર ન થાય ને કોઈ નાપાસ થાય તો તેનું માસ પ્રમોશન રદ્દ થશે? ના, એવું નથી. જે પાસ જાહેર થયા છે તે તો પાસ જ છે. તો, પ્રશ્ન એ થાય કે આ આખો વ્યાયામ કરવાનો કોઈ અર્થ ખરો?

છોડો, અનર્થમાં અર્થ શોધવાનો કોઈ અર્થ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2021

Loading

વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2021

તમારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિષે કરે છે એટલી હિંદુ ધર્મ વિષે નથી કરતા. તેઓ વિધર્મીઓની જેટલી વિવેચના કરે છે એટલી હિંદુઓની નથી કરતા. ખાતરી કરવી હોય તો તેમનું પ્રકાશિત સાહિત્ય જોઈ શકો છો. શા માટે? વિચારવા જેવો પ્રશ્ન છે.

આનું એક કારણ એ છે કે ભારતીય દાર્શનિક પરંપરાનું મહિમામંડન કરે તો સ્વાભાવિકપણે માણસાઈનું મહિમામંડન કરવું પડે. વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે, એકોહમ બહુસ્યામ(એક જ ઈશ્વર અનેક સ્વરૂપે દર્શન દે છે) નું મહિમામંડન કરવું પડે, આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:…(ચારે દિશાએથી અમને ભદ્ર વિચારો પ્રાપ્ત થાઓ)નું મહિમામંડન કરવું પડે, ભદ્રં કર્ણેભિ: શ્રુણયામ દેવા… (હે દેવો અમે કાનેથી માત્ર ભદ્ર વચન જ સાંભળીએ)નું મહિમામંડન કરવું પડે, વગેરે વગેરે. અહીં બે-ચાર કથનો દૃષ્ટાંત તરીકે ટાંક્યા છે. બાકી વેદોથી લઈને ૧૮મી સદી સુધીના મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનો તપાસશો તો એમાં ક્યાં ય હલકી વાત જોવા નહીં મળે. આખી ભારતીય પરંપરા (જેમાં બ્રાહ્મણ ધર્મનો, શ્રમણ ધર્મોનો, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો તેમ જ સાહિત્ય, કાવ્યશાસ્ત્ર, રસસૂત્રનો વગેરેનો સામવેશ થાય છે.) ભદ્રતાથી ભરેલી છે. આ પરંપરાના કેન્દ્રમાં મુખ્યત્વે માણસાઈ છે. 

બીજું કારણ એ છે કે જો ભારતીય દાર્શનિક પરંપરાનો સ્વીકાર કરે અને ગર્વ સાથે આવકારે તો ગાંધીજી અને તેમના માણસાઈયુક્ત, મૂલ્યનિષ્ઠ, અહિંસક રાજકીય અભિગમને પણ આવકારવા પડે. અંતે ગાંધીજી વિનોબા ભાવે કહેતા એમ સમૃદ્ધ ભારતીય દાર્શનિક પરંપરાનાં અપૂર્વ ફળરૂપે અવતર્યા હતા. ગાંધીજી ગમે તેટલા બહાદુર હોય, પણ તેમના રાજકીય અભિગમમાં વેર-ઝેરનો અભાવ હતો અને માટે તેઓ નકામા હતા.

ત્રીજું કારણ એ કે ભારતીય દાર્શનિક પરંપરા ભદ્રતાથી ભરેલી હોવા છતાં બ્રાહ્મણોએ અને બીજા સવર્ણોએ દલિતો અને પોતાના જ સમાજની સ્ત્રીઓ સાથે જે અન્યાય કર્યો હતો તેના વિષે કાંઈક બોલવું પડે. કહેવાતા મહાન બ્રાહ્મણોના વર્તનમાં ભદ્રતાનો સરિયામ અભાવ હતો તેનો સ્વીકાર કરવો પડે. જ્યાં ૯૫ ટકા હિન્દુત્વવાદીઓ બ્રાહ્મણ હોય ત્યાં તેઓ આ સ્વીકાર કેવી રીતે કરી શકે! ભદ્ર પરંપરાએ નિર્બળ સાથે અભદ્ર વ્યવહાર કરનારી જમાતને કેવી રીતે પેદા કરી એ વિષે પણ ખુલાસો કરવો પડે. ગળે ઉતરે એવો ખુલાસો કરવાની સ્થિતિમાં ન હોઈએ તો હિંદુ સમાજમાં રહેલી ખામીનો સ્વીકાર કરવો પડે. જે લોકો આવી અન્યાયજનક સમાજવ્યવસ્થાની નિંદા કરે છે તેમને સાથ આપવો પડે. પોતે જ પોતાને ગુનેગારના પીંજરામાં ઊભા રાખવા પડે અને એ બધું કેવી રીતે બને!

ચોથું કારણ એ કે જો અન્યાયકારક જ્ઞાતિ વ્યવસ્થાનો સ્વીકાર કરે તો ભારતના ઇતિહાસમાં હિંદુઓના થયેલા પરાજય માટે જ્ઞાતિ વ્યવસ્થા જવાબદાર હતી એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડે. દુશ્મનનો સામનો એકલા ક્ષત્રીયે જ કરવાનો હોય અને બહુજન સમાજને હાથમાં તલવાર શું લાકડી રાખવાનો પણ અધિકાર ન હોય તો પરાજય તો અવશ્ય થવાનો. જે દેશમાં કેટલીક પ્રજાને જોડા પહેરીને ગામમાં પ્રવેશવાનો અધિકાર ન હોય ત્યાં જય કેવી રીતે મળે? વિભાજીત પ્રજા ક્યારે ય વિજય પ્રાપ્ત કરતી નથી એ તો સનાતન સત્ય છે. ગુજરાતનાં ગામેગામમાં એક નજર કરી જુઓ. ગુજરાતના ગામોમાં જેટલા વિજય સ્મારક મળશે એનાથી વધુ પાળિયા જોવા મળશે. ટૂંકમાં હિંદુઓનો વિધર્મી દુશ્મનો સામે પ્રત્યેક વેળા પરાજય થયો છે તેનું કારણ જ્ઞાતિ વ્યવસ્થા છે અને જ્ઞાતિ વ્યવસ્થાના પુરસ્કર્તા અને લાભાર્થી બ્રાહ્મણો હતા. શ્રમણોએ શિખવાડેલ અહિંસાને કારણે હિંદુઓનો પરાજય થયો છે એમ કહેવા માટે કોઈ જગ્યા જ ન બચે.

આ ચાર કારણો એવાં કવરાવનારાં છે કે તેઓ (હિન્દુત્વવાદીઓ) પોતાના (ભારતીય દર્શન અને હિંદુ સમાજ) તરફ જોવાનું ટાળે છે. ફરી વાર કહું છું કે ખાતરી કરવી હોય તો તેમના પ્રકાશિત સાહિત્ય પર એક નજર કરી જાવ. તેમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અને મુસલમાનો અને ખ્રિસ્તીઓની વિગતે વાત થયેલી જોવા મળશે અને ભારતીય દર્શન અને હિંદુ સમાજની ચિકિત્સા નહીંવત્ જોવા મળશે. તેમાં આપણે કેવા મહાન એમ કહેનારા બે-ચાર પાનાં માંડ જોવા મળશે અને એ પછી બીજા કેવા નઠારા છે અને તેમણે હિંદુઓને કેટલા સતાવ્યા હતા અને અન્યાય કર્યો હતો તેની વિગતે વાત કહેવામાં આવશે. તેઓ મુસલમાનો અને ખ્રિસ્તીઓના નઠારાપણાનાં મૂળ તેમના ધર્મમાં શોધે છે. એ ધર્મ જ નઠારા છે એટલે એ બે પ્રજા નઠારી છે એવું તેઓ સરળીકરણ કરે છે. 

માટે હિંદુઓએ જેવા સાથે તેવા થવું જોઈએ. માટે હિંદુઓએ સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ જેવા મૂલ્યોમાં અટવાવું ન જોઈએ. માટે હિંદુઓએ ગમે તે સાધન અપનાવવામાં સંકોચ નહીં કરવો જોઈએ. માટે હિંદુઓએ સંગઠિત થઈને સાબદા રહેવું જોઈએ. માટે હિંદુઓએ મનમાં વેરભાવ કેળવવો જોઈએ અને મોકો મળ્યે વેર વાળવું જોઈએ, વગેરે. આ બધું સ્પષ્ટ કહેવામાં નથી આવતું અને તેની જરૂર પણ નથી. તેઓ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનાં સ્વરૂપ, મુસલમાનો અને ખ્રિસ્તીઓનો વ્યવહાર, પશ્ચિમનો ઇતિહાસ અને પરંપરા, તેમના ભારત અને હિંદુઓ સાથેના સંબંધોનો ઇતિહાસ વગેરે એવી રીતે રજૂ કરે છે કે એમાંથી આ જ નિષ્પન્ન થાય. શાખામાં જનારા યુવકને વરસ દિવસમાં પ્રતીતિ થવી જોઈએ કે હિંદુને છોડીને દુનિયા આખી નઠારી છે એટલે જેવા સાથે તેવાના સંસ્કાર અપનાવવા પડશે. ગાંધીથી કામ નહીં ચાલે. 

તો આનો દેખીતો અર્થ એ થયો કે તેઓ (હિન્દુત્વવાદીઓ) આપણને (હિંદુઓને) આપણાપણું છોડવાનું અને બીજાનું બીજાપણું અપનાવવાનું કહે છે. અંતે જેવા સાથે તેવા તો ત્યારે જ થવાય જ્યારે જેવાના ગુણ અપનાવીએ. આશ્ચર્યની વાત છે કે તેઓ જેમની નિંદા કરે છે તેમના જેવા બનવાની આપણને આડકતરી રીતે શીખ આપે છે. તેઓ ભારતીય કે હિંદુ સંસ્કારરૂપી માંનું દૂધ છોડીને પરાઈ દાઈનું દૂધ પીવાની શિખામણ આપે છે. તેઓ અમૃતવેલ છોડીને ઝેરનો વેલો  ઉછેરવાની સલાહ આપે છે. હિંદુ હોવા માટે ગર્વ પણ અનુભવે છે અને હિંદુ સંસ્કાર-વારસાને નકારે પણ છે.

આ બધું વિચિત્ર નથી લાગતું?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જુલાઈ 2021

Loading

યુ.એ.ઇઃ એક સમયે જ્યાં બ્રિટિશ સૈન્ય શોખ માટે ક્રિકેટ રમતું તે હવે ટુર્નામેન્ટ્સ માટે ફેવરિટ લોકેશન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 July 2021

યુ.એ.ઇ.માં ક્રિકેટના ખેલનો ઇતિહાસ રસપ્રદ છે, તેમને પોતાની ટીમ ખડી કરી તેને ઓળખ મળે તે સ્ટેજ પર પહોંચતા પણ ખાસ્સો સમય લાગ્યો

આઇ.સી.સી. ટ્વેન્ટી 20 વર્લ્ડ કપ ભારતમાં યોજવું શક્ય નથી તેવું બી.સી.સી.આઇ.એ તારણ કાઢ્યું. રોગચાળાને કારણે સંજોગો વિપરીત છે. આખરે ભારતને બદલે આ વર્લ્ડ કપ યુનાઇટે આરબ એમિરાટ્સ – યુ.એ.ઇ.માં યોજાશે તેવો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. આ નિર્ણય જાહેર થયો તે પહેલાં ઘણી ચર્ચાઓ થઇ, બી.સી.સી.આઇ.ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પહેલાં તો એવા જ વિધાન કર્યા કે ભારત આ ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં હોસ્ટ કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી કે 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ થશે તે સાથે ઓમાનની જાહેરાત થઇ કે ક્વૉલિફાયર્સ માટે ઓમાન કો-હોસ્ટ બનશે.

યુ.એ.ઇ.માં દુબઇ, અબુધાબી અને શારજાહના ત્રણેય મોટા ગ્રાઉન્ડ નજીક છે એટલે ટ્રાવેલિંગ ટાઇમ બચી જાય તે સ્વાભાવિક છે, વળી હોટેલમાં ખેલાડીઓ બાયો બબલમાં રહી શકે અને બીજી બધી સવલતો પણ સચવાઇ જાય. ભારતે આ વર્ષે શરૂઆતમાં ઇંગ્લેન્ડને હોસ્ટ કર્યો અને આઇ.પી.એલ. પણ આ ઊનાળે શરૂ તો થઇ પણ વાઇરસના ફેલાવાને કારણે આખરે આઇ.પી.એલ. સસ્પેન્ડ કરવી પડી અને બાકી રહી ગયેલી મેચિઝ યુ.એ.ઇ.માં સપ્ટેમ્બરમાં યોજાશે તેવી જાહેરાત થઇ.

ભારતે એક વર્ષ માટે તો બધી જ ડોમેસ્ટિક ક્રિકેટ મેચ કે ટુર્નામેન્ટ સ્થગિત કરી દીધી. આંતરારાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે હોસ્ટ તરીકે ભારતનું જે સ્ટેટસ હતું તે જરા નબળું પડ્યું. જોવાનું એ છે કે યુ.એ.ઇ. અચાનક જ એક તટસ્થ ડેસ્ટિનેશન તરીકે મોખરેની પસંદ બની ગયો. યુ.એ.ઇ. અને ક્રિકેટના સંબંધની વાત કરીએ તો એંશી અને નેવુંના દાયકામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તે મોકાનું સ્થાન ગણાતું. ક્રિકેટ સાથે યુ.એ.ઇ.નો સંબંધ ઘણો જૂનો છે. 1892માં ત્યાં મિલીટરી બેઝ પર ક્રિકેટ રમાતું  જ્યાં ટ્રુશિયલ સ્ટેટ્સ સાથે કરાર થયા પછી અંગ્રેજ સૈન્યને પોસ્ટિંગ મળ્યું હતું. 1969માં યુ.એ.ઇ. બન્યું તેના બે વર્ષ પહેલાં ત્યાં જે વિદેશીઓ હતા તેમણે દાર્જીલિંગ સી.સી.ની સ્થાપના કરી હતી અને દુબઇ એક્ઝાઇલ્સ રગબી ક્લબની બાજુમાં સિમેન્ટના વિકેટ સ્ટેન્ડ વાળુ ગ્રાઉન્ડ હતું જેની પર તેઓ ક્રિકેટ રમતા. મેદાન (Meydan) પ્રોજેક્ટ માટે 2008માં આ ગ્રાઉન્ડ પર બુલ ડોઝર ફેરવી દેવાયું પણ ક્લબ તો આજે પણ અસ્તિત્વમાં છે. 1974માં એમિરાટના કન્સ્ટ્રક્સન ટાયકૂન અબ્દુલ રહેમાન બખ્તિયારે શારજાહમાં સ્થાનિક ક્રિકેટ લીગ શરૂ કરી હતી અને બખ્તિયાર લીગને કારણે ઉપખંડના ક્રિકેટ પ્રેમીઓને સારી એવી સ્પર્ધા પૂરી પાડી હતી. 1977માં શેખ સુલતાન બિન મોહમંદ અલ કસિમી સહિતના 3,000 દર્શકોની હાજરીમાં સ્થાનિક ક્રિકેટર્સ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનની ટુરિંગ ટીમ વચ્ચે શારજાહમાં મેચ રમાડાઇ હતી. આ મેચ પછી જ શારજાહમાં સ્ટેડિયમ બનશે તેવી જાહેરાત બખ્તાયારે કરી હતી. 1891માં સુનિલ ગાવસ્કર ઇલેવને, જાવેદ મિયાંદાદ ઇલેવન સાથે 8,000 ફેન્સની હાજરીમાં નવા નક્કોર શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ ખેલી હતી અને પછી તો સ્ટાર ક્રિકેટર્સનો ત્યાં ખેલ રમવાનો શિરસ્તો શરૂ થઇ ગયો. 1984માં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી પહેલી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ ખેલાઇ જે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ખેલાઇ હતી. આજે 35 વર્ષે આ સ્ટેડિયમ પર સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ મેચિઝ રમાઇ છે અને શારજાહ કપનું મહત્ત્વ અનેરું જ રહ્યું. એમિરાટ્સ ક્રિકેટ બોર્ડની રચના 1989માં થઇ અને તે આઇ.સી.સી.નો એફિલિયેટ મેમ્બર પણ બન્યું.

યુ.એ.ઇ.ની પહેલી નેશનલ ટીમ સુલતાન ઝરવાણીએ લીડ કરી હતી અને પહેલીવાર વર્લ્ડ કપમાં આ ટીમે 1994માં ભાગ લીધો હતો. 2005માં આઇ.સી.સી.એ લોર્ડ્ઝમાં ઑફિસ બંધ કરી અને દુબઇમાં ઑફિસ શરૂ કરી પણ તે પહેલાં થોડા સમય માટે તેઓ મીડિયા સિટી, અલ થુરહ્યા ટાવરમાંથી કામ કરતા હતા. અબુ ધાબીમાં જ્યારે ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું ત્યારે પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફ ત્યાં હાજર રહ્યા હતા અને ત્યાં ઓ.ડી.આઇ. સિરીઝની બે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાઇ હતી. 2009માં શ્રીલંકાની ટીમની બસ પર હુમલો થયો જ્યારે તેઓ લાહોર જઇ રહ્યા હતા અને ત્યાર પછી યુ.એ.ઇ. જાણે એક્સાઇલમાં જે પાકિસ્તાન હતું તેને માટે આગામી દાયકા સુધી ઘર બની રહ્યું. 2013માં પહેલીવાર નેશનલ ટીમે ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું અને યુ.એ.ઇ. માટે તે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટેનું સૌથી વ્યસ્ત વર્ષ રહ્યું. 2014માં ટીમનું મહત્ત્વ વધ્યું અને ખુર્રમ ખાન જેવા કેપ્ટનને લીધે 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ ટીમને સ્થાન મળ્યું. એ જ વર્ષે આપણે ત્યાં ચૂંટણી હતી અને આઇ.પી.એલ. યુ.એ.ઇ.માં યોજાઇ. 2015માં તેમણે બીજી વાર 50 ઓવરના વિશ્વકપમાં રમવાનો મોકો મેળવ્યો જો કે તેમને જીત ન મળી.  2016માં ફ્રેન્ચાઇઝી ક્રિકેટે યુ.એ.ઇ.માં તેજીનો ધડાકો કર્યો અને પોતાના વતન પાછા ફરતાં પહેલાં પાકિસ્તાન સુપર લીગે પણ અહીં સારી એવી જમાવટ કરી. માસ્ટર્સ ચેમ્પિયન લીગ લાંબુ ન ચાલી. 2017માં દેશને પોતાની ફ્રેન્ચાઇઝી લીગ મળી અને ટી10 લીગ શારજાહમાં લૉન્ચ થઇ. 2018માં ત્યાં એશિયા કપ ખેલાયો જેમાં ભારતે બાંગ્લાદેશને પછાડી જીત મેળવી. 2020માં રોગચાળાના પ્રશ્નને કારણે ક્રિકેટ માટે યુ.એ.ઇ. પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો.

આમ યુ.એ.ઇ. સમયાંતરે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગીનું સ્થળ બન્યું. ક્રિકેટના રસિયાઓને ખબર હશે કે એક સમયે શારહજાહમાં સચિન તેંડૂલકર અને જાવેદ મિયાંદાદ જેવાઓનો દબદબો હતો. ભારત એ સમયે ઘણી બાબતોથી દૂર રહ્યું કારણ કે બૂકીઓના કૌભાંડ અને ઑફ ફિલ્ડ ભ્રષ્ટાચારની વાતો બહાર આવી. આ દરમિયાન પાકિસ્તાન માટે યુ.એ.ઇ. જાણે પોતાની હોમ ફ્રંન્ટ બની ગઇ કારણ કે બીજા સ્પર્ધકોને કરાચી કે લાહોરમાં નહોતું આવવું. હવે ભારતે જીતના ટાઇટલ પર નજર રાખવી રહી કારણ કે 2007માં સાઉથ આફ્રિકામાં આઇ.સી.સી. વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી જીત્યા પછી ભારત પાસે નવું કોઇ ટાઇટલ આવ્યું નથી. આઇ.પી.એલ. યુ.એ.ઇ.માં રમાય છે તેનાથી ભારતીય ક્રિકેટ ટીમને ફાયદો એ થશે કે ત્યાંના અને ભારતની મોસમમાં બહુ મોટો ફેર નથી.

બાય ધી વેઃ

આપણે દાઉદ ઇબ્રાહિમની શારજાહ સ્ટેડિયમની તસવીરોથી પણ વાકેફ છીએ. દાઉદનું ત્યાં હોવું તેનો ક્રિકેટ શોખ હતો કે પછી મિયાદાદના વેવાઇ હોવાને કારણે આ ચાલ્યું કે પછી પૈસાની લેવડ દેવડ અને સટ્ટામાં તેનું ઇન્વોલ્વમેન્ટ હતું તેની હકીકતો ઓછે વત્તે અંશે આપણે જાણીએ જ છીએ. સમયાંતરે ભારતે યુ.એ.ઇ. તરફ મન મોકળું કર્યું અને તેને ક્રિકેટના ખેલ માટેના એક વૈકલ્પિક સ્થાન તરીકે જોવાનું સ્વીકાર્યું. આ તરફ પાકિસ્તાનના મેદાન પર રમવા માગનારાઓની સંખ્યા ઘટતી ગઇ. ભારતના હોસ્ટિંગ ક્રાઇસિસ યુ.એ.ઇ.ને કારણે ઉકેલાયા છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  04 જુલાઈ 2021

Loading

...102030...2,0002,0012,0022,003...2,0102,0202,030...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved