Opinion Magazine
Number of visits: 9964041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારમું પત્યું કે તેરમું ચાલુ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 June 2021

ધોરણ 10ની જેમ જ 12ની પરીક્ષા રદ્દ થઈ. રદ્દ થશે એવું લાગતું હતું, તેમાં સી.બી.એસ.ઈ.ની 12ની પરીક્ષા રદ્દ થઈ એટલે ખાતરી થઈ ગઈ કે ગુજરાતની પણ રદ્દ થશે જ. થઈ. જો કે આગળના પ્રવેશ માટે શિક્ષણ વિભાગ કઈ નીતિ નક્કી કરે છે તેનો ફોડ પડાયો નથી, પણ કેન્દ્ર જે નીતિ નક્કી કરશે તેને અનુસરવાની વાત શિક્ષણ મંત્રીએ કરી છે. કોઈ પણ બાબતમાં કેન્દ્રને અનુસરવાની ગુજરાત સરકારની વફાદારી જગ જાહેર છે, એમાં ક્યારેક મંત્રીઓ સ્વતંત્ર નિર્ણય લે છે તે એટલા માટે કે એ નિર્ણય વારંવાર બદલીને પોતાની અનિર્ણયાત્મકતાનો પ્રજાને પરિચય આપી શકે. શિક્ષણની બાબતમાં જ એટલી વખત તઘલખી નિર્ણયો લેવાયા છે કે તઘલખ ઓછો તરંગી લાગે. સરકાર કેન્દ્રને અનુસરવાની વાત કરે છે, પણ તે પણ પૂરું સાચું નથી. એ જો કેન્દ્રને અનુસરતી હોત તો સરકારે જુલાઈમાં 12ની પરીક્ષા લેવાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો ન હોત, પણ કર્યો ને આખી વ્યવસ્થા કેવી રીતે થશે તેની વિગતો પણ આપી. આ વ્યવસ્થાનો અમલ કરવા, વચ્ચે મહિનાનો સમય હતો. વારુ, કોરોનાનું જોર નરમ પડ્યું હતું અને મહિનામાં આ જ ગતિ રહે તો જોર ઘણું ઓછું થવાની શક્યતા હતી. એ સ્થિતિમાં પરીક્ષા લઈ શકાઈ હોત. 12ના વિદ્યાર્થીઓ 17-18ની આસપાસના હોય છે એટલે એટલા નાના પણ ન હોય કે પોતાની કાળજી લઈ ન શકે. આ પરીક્ષા થઈ હોત તો ઘણી મૂંઝવણો દૂર થઈ હોત, પણ એકાએક સરકારને કેન્દ્રની વફાદારી યાદ આવી અને કેન્દ્રએ 12ની સી.બી.એસ.ઈ. અને અન્ય બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી તો ગુજરાત સરકારે પણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી દીધી. આમ પણ કેન્દ્ર પીવડાવે એટલું જ પાણી ગુજરાત પીએ છે એટલે આનાથી જુદું કૈં થવાનું ન હતું.

સરકારને કદાચ કોઈ તુક્કો આવે ને એ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરે તો વાત જુદી છે, બાકી, અત્યારે તો પરીક્ષાઓ રદ્દ થઈ છે તે હકીકત છે. પરીક્ષા રદ્દ થવાના મિશ્ર પ્રત્યાઘાતો શિક્ષણ જગતમાં પડ્યા છે, કોઈને પરીક્ષા રદ્દ થવાથી રાહત થઈ છે, તો કોઈને હોશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું પણ લાગે છે. પરીક્ષા રદ્દ થવાની તરફેણમાં અને વિરોધમાં, બંને બાજુ મત પડ્યા છે. તથ્ય બંને પક્ષે છે. બંને પક્ષે સમજ અને સગવડ પ્રમાણે દલીલો પણ થાય છે, પણ એ મામલે વખાણનારને વખોડવાનું ને વખોડનારને ન વખાણવાનું ઠીક નથી. એક વાત નક્કી છે કે રીત ગમે તે હોય, પણ 12ના વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે લાયક ઠેરવાયા છે. એ જુદી વાત છે કે પાત્રતા નક્કી કરવાની રીતો બદલાઈ છે ને એ જે પરિણામ નક્કી કરે તે પ્રમાણે ધારેલી વિદ્યાશાખા કે કોલેજમાં પ્રવેશ મળવામાં મુશ્કેલી થાય એમ બને. આમાં યુનિવર્સિટીઓ, કોલેજો પોતાની નીતિ નક્કી કરે, ખાનગી કોલેજો જુદી જ વેતરણમાં હોય એમ પણ બનવાનું. આ બધાંમાંથી પસાર થતાં વાલી કે વિદ્યાર્થી અધમૂઆ થઈ જાય તો નવાઈ નહીં ! ભણવા કરતાં ભણવાની વ્યવસ્થાઓ જ એટલી જટિલ છે કે આ બધાંમાંથી પસાર થયા પછી વિદ્યાર્થી કે વાલીના હાથમાં મોટે ભાગે નિરાશા જ આવે છે. 12ની પરીક્ષા રદ્દ થઈ એ સાથે જ ખાનગી કોલેજોને ઘીકેળાં થઈ ગયાંની વાતો પણ વહેતી થઈ છે. તે એ રીતે કે વધારે વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે પાત્ર ઠરતાં જે સીટો ખાલી રહેતી હતી તે ભરાઈ જવાની શક્યતાઓ વધી છે. આમાં એવું થવાનું કે જે પરિણામ આવે તેનાથી વિદ્યાર્થીને સંતોષ ન થાય અને જે વિદ્યાશાખામાં જવાની ઇચ્છા હોય તેનાથી જુદી જ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને સંતોષ માનવો પડે. વડા પ્રધાને જેમને પરિણામથી સંતોષ ન હોય એમને માટે પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ને વફાદાર ગુજરાત સરકાર તેને અનુસરે તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે એમ બને, પણ એવી પરીક્ષાનો વિકલ્પ નજીક જણાતો નથી. સાચું તો એ છે કે પાત્રતા પ્રમાણેનું પરિણામ વિદ્યાર્થીઓને આમ પણ ઘણીવાર મળતું નથી, તો હાલના સંજોગોમાં તો તે મુશ્કેલ જ છે.

કોલેજોએ તો 12ની પરીક્ષા લેવાશે એમ માનીને પ્રવેશના દાખલાઓ પણ ગણી કાઢેલા, એ રીત હવે બદલવી પડે કદાચ. આમાં યુનિવર્સિટીઓ કે કોલેજો પ્રવેશ માટે પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ યોજે, જે આમ પણ યોજાતી રહે છે તેનો સામનો વિદ્યાર્થીઓએ કરવાનો આવશે. એ નથી સમજાતું કે શિક્ષણ બોર્ડ એક તરફ પરીક્ષાઓ રદ્દ કરતી જાય છે ને બીજી તરફ ગુજકેટ કે જે.ઇ.ઈ. કે નીટ જેવી પરીક્ષાઓ લેવાવાની વાત ચાલ્યા કરે છે, તો પ્રશ્ન એ થાય કે આ પરીક્ષાઓને કોરોના નથી નડતો, તો ગુજરાત બોર્ડને જ કેમ નડે છે? પરીક્ષા લેવાનું એવું  ઓબ્સેશન શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને થઈ ગયું છે કે તિરસ્કાર છૂટે. આ બધું ગુણવત્તા ચકાસવા થાય તો, તો ધૂળ નાખી, પણ એ નિમિત્તે ઉઘરાવાતી ફી દ્વારા, લાખો-કરોડોની કમાણી થાય એ ઉપક્રમ કેન્દ્રમાં હોય છે. આટલું વેઠયા પછી નોકરી માટે પસંદગી કરવાની વાત આવે છે ત્યારે મેરિટની તો ઐસીતૈસી થાય જ છે. સંસ્થાઓનું પોતાની રીતે પરીક્ષાઓ લેવાનું જ યોગ્ય હોય તો બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓનું પરિણામ, જે તે વર્ષની પરીક્ષાઓ પસાર કરી છે એટલું જ કે બીજું કૈં? મૂળ વાત એ છે કે બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પર જે તે સંસ્થાઓને ભરોસો જ નથી એટલે એ પોતાની રીતે પરીક્ષાઓ લે છે. એવું પણ બન્યું છે કે એક જ યુનિવર્સિટી દ્વારા યોજાતી તમામ પ્રવેશ પરીક્ષાઓને તે યુનિવર્સિટી પોતે જ માન્ય નથી ગણતી. ઉદાહરણ તરીકે નર્મદ યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ થનારે એ જ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવવા એંટ્રન્સ ટેસ્ટ આપવી પડે તો એનો અર્થ જ એ કે યુનિવર્સિટીને પોતે આપેલાં એમ.એ.નાં પરિણામ પર ભરોસો નથી, નહીં તો ટેસ્ટ શું કામ લે?

ખરેખર તો તમામ પ્રવેશ પરીક્ષાઓ કમાણી કરવાથી વિશેષ કોઈ હેતુ સિદ્ધ કરતી નથી. આવી તમામ પરીક્ષાઓ રદ્દ થાય તો વિદ્યાર્થીઓની ફી બચે, સમય અને સંસ્થાઓની મહેનત બચે ને વિદ્યાર્થીઓની તાણ ઘટે. કોઈ પણ પ્રવેશ માટે બોર્ડની કે યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ માન્ય ગણીને મેરિટને ધોરણે પ્રવેશ આપી જ શકાય. જો ગોલમાલ બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં થતી હોય તો જે તે સંસ્થામાં તે ન જ થાય એમ માનવાને કોઈ કારણ નથી. બીજામાં મુકાયેલો વિશ્વાસ, સામાવાળાને પણ પોતાનામાં વિશ્વાસ મૂકવાની તક પૂરી પાડે છે.

પરીક્ષા વગર મૂલ્યાંકન શક્ય જ ન હોય તેમ આપણે સતત પરીક્ષાઓ જ લીધે રાખીએ છીએ. ઓનલાઈન શિક્ષણમાં પણ ભાર પરીક્ષા પર જ મુકાયો છે. એ પરીક્ષાઓ અને એનું મૂલ્યાંકન કેવું થયું છે તે સૌ જાણે છે. એ ઓપન બુક એક્ઝામ જેવું જ રહ્યું છે. સૌના સહકારથી એ કામ થયું છે, એમાં વિદ્યાર્થી તો નામનો જ ભાગીદાર રહ્યો છે. યુનિટ ટેસ્ટ કે મિડ ટર્મ એકઝામને આધાર ગણીને પરિણામ તૈયાર કરવામાં ન્યાય થાય એમ નથી, કારણ બધી સ્કૂલોમાં તેનું ધોરણ એક સમાન રહ્યું નથી. એવી પરીક્ષાઓનું પરિણામ 12 કે 10 માટે આધાર તરીકે લેવાનું ઠીક નથી. ખરેખર તો કોરોના પહેલાંની છેલ્લી વાર્ષિક પરીક્ષાને આધાર બનાવીને પરિણામ નક્કી કરવાનું વધારે સલાહ ભરેલું લાગે છે.

એ તો જે નીતિ નક્કી થાય તે ખરી, પણ માત્ર પરીક્ષા આધારિત મૂલ્યાંકનની પદ્ધતિએ વિદ્યાર્થીના માનસિક વિકાસને ઘણી રીતે રોક્યો છે. કોઈ પણ વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં તેની ક્રિએટિવિટીને કેટલી તક રહે છે તે વિચારવા જેવું છે. પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાના મારાએ વધુને વધુ ગ્રેડ કે માર્કસ કેવી રીતે મળે એનો જ વિચાર કર્યો છે. ગુણવત્તા એથી સુધરતી હશે, પણ સર્જનાત્મકતાને કે અર્થઘટનને ઝાઝી તક રહેતી નથી. ઉત્તમ શોધ અને ઉત્તમ સર્જન પરીક્ષામાં નિષ્ફળ કે સાધારણ રહેલ વ્યક્તિઓએ કર્યાંના ઘણા દાખલાઓ છે. એનો અર્થ એ થયો કે સર્જનાત્મકતા, શિક્ષણ કે પરીક્ષાથી નક્કી થતી નથી અથવા તો એમ કહી શકાય કે આજની શિક્ષણ કે પરીક્ષા પદ્ધતિ એવી નથી જે ક્રિએટિવિટીને પૂરતો અવકાશ આપે. અહીં એવી દલીલ થઈ શકે કે આવી શિક્ષણ ને પરીક્ષા પદ્ધતિ છતાં સર્જકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ … વગેરે પાક્યા જ છે. એ સાચું, પણ એમાં શિક્ષણ કે પરીક્ષા કરતાં જે તે વ્યક્તિને મળેલું વાતાવરણ, પોતાની ચેતના ને શક્તિ વધારે જવાબદાર હોય એમ બને. શિક્ષણની, શિક્ષકની એમાં મદદ ખરી જ, પણ એવું પણ અપવાદોમાં હોવાનો સંભવ વધારે છે. મોટે ભાગે તો બધું બીબાંઢાળ અને યાંત્રિક જ વધુ રહે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિનો સર્જનાત્મક વિકાસ થાય એવું આટલાં વર્ષ શિક્ષણમાં ગાળવા છતાં, લાખો રૂપિયા ખર્ચવા છતાં ઓછું જ બને છે. સાફ વાત તો એ છે કે ઘણાં વર્ષો શિક્ષણમાં ખર્ચ્યા પછી કેવળ નિરર્થકતાનો જ અનુભવ થાય છે ને રડવાનું છે તે એનું છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જૂન 2021

Loading

‘નળથી જળ’ માટે જળ ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2021

તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડા પ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી, તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપ લાઈનથી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો. તે પછીના વરસે ‘નળથી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪,૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે, ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાનાં પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે. એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.

દેશના ૨ રાજ્યો, ૫૨ જિલ્લા ૬૬૩ તાલુકા અને ૪૦,૦૮૬ ગ્રામપંચાયતો હસ્તકના ૭૯,૧૯૬ ગામો ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાનું શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મેળવતા થયાં છે. ગોવા અને તેલંગાણા એ બે રાજ્યોએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરીને આ યોજના સંપૂર્ણ પાર પાડી છે. નળથી જળ યોજનાનો સાઠ ટકા કરતાં વધુ લક્ષ્યાંક પૂર્ણ કરાનારા રાજ્યો છે : આંદામાન –નિકોબાર અને પુડુચેરી (૮૮.૨ ટકા), હરિયાણા (૮૫.૬ ટકા), હિમાચલ પ્રદેશ (૭૫.૬ ટકા), સિક્કિમ (૭૩ ટકા,) પંજાબ (૬૮.૯ ટકા), બિહાર (૬૪.૧ ટકા), મહારાષ્ટ્ર (૬૦.૫ ટકા) જે રાજ્યોમાં ૧૦ ટકા લાભાર્થીઓ સુધી પણ યોજના પહોંચી નથી તેમાં પશ્ચિમ બંગાળ ૬.૨ ટકા સાથે મોખરે છે. અસમના ૬.૪, લદ્દાખના ૭.૫૪ અને ઉત્તર પ્રદેશના ૯.૧ ટકા ઘરો સુધી જ નળથી પાણી પહોંચ્યું છે. દસ ટકા કરતાં ઓછી સિદ્ધિ હાંસલ કરનારા યુ.પી. અને લદ્દાખ સહિત નવ રાજ્યો ૨૦૨૨માં તમામને નળથી જળ પહોંચાડી દેવાના છે !  બીજા આઠ રાજ્યો ૨૦૨૩માં અને બાકીના તમામ ૨૦૨૪ સુધીમાં પીવાનાં પાણીવિહોણા પરિવારોને જીઓ ટેસ્ટિંગ કરીને પાઈપલાઈન મારફતે પાણી  પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

૮૨ ટકા પરિવારોને નળથી જળ યોજના હેઠળ પાણી પહોંચાડીને ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના ૨૦૨૧-૨૨ના બજેટના પૃષ્ઠ ૧૨ પર જણાવ્યા મુજબ ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચી ચૂકી છે. નર્મદા કેનાલ અને મોટા ડેમ આધારિત પાઈપ લાઈનથી પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના માટે રાજ્યના બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યને રૂ. ૧૦૦ કરોડનું વિશેષ અનુદાન આપ્યું છે.

‘નલ સે જલ’ યોજનાનો હેતુ માત્ર પાણીવંચિત પરિવારોને પાણી પહોંચાડવાનો જ નથી. લાંબા ગાળા માટે પાણીના સ્ત્રોત ઊભા કરવા, પાણી સંરક્ષણ, પ્રદૂષણરહિત પાણીની ઓળખ અને પાણીની ન્યાયી વહેંચણી થાય તેવા પ્રબંધનનો હેતુ પણ છે. પૃથ્વી એક જળગ્રહ છે. તેના પોણાભાગ પર પાણી તો છે, પરંતુ તે સમુદ્રોનું છે. તેથી માનવીનો પાણી માટેનો આધાર વરસાદી પાણી, નદીઓનું પાણી અને ભૂગર્ભ જળ પર છે. ભૂજળનું માનવીએ અમર્યાદિત દોહન કર્યું છે તો નદીઓનાં પાણીને દૂષિત કરી પીવાલાયક રહેવા દીધાં નથી. પાણીના અભાવ કરતા સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાના કારણે પાણીની અયોગ્ય વહેંચણી થતી હોવાથી ક્યાંક પાણીની રેલમછેલ છે તો ક્યાંક ચાંગળું પાણી પણ નથી.

પીવા માટે ઉપયોગી ભૂજળનો વેડફાટ અટકાવવા દંડાત્મક સજાની જોગવાઈ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઓકટોબર ૨૦૧૯માં ભૂજળની બરબાદી અને દુરુપયોગ રોકવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય ભૂજળ બોર્ડે તેનો અમલ કરવા રાજ્યોને પત્ર લખી ઈતિશ્રી માની લીધી હતી. પરિણામે રાજસ્થાન સરકારે શહેરી ક્ષેત્રોમાં ભૂજળના દોહન પરનો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લીધો છે. દેશની મોટાભાગની વસ્તીની પાણીની જરૂરિયાત ભૂજળથી પૂરી થતી હોય ત્યારે તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે કોઈ કારગત કદમ ઉઠાવાતા નથી.

ભૂજળનું ઘટતું સ્તર અને તેને કારણે ઊભા થનારા ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ‘અટલ ભૂજળ યોજના’ ઘડવામાં આવી છે. આ યોજના અન્વયે પાણીનું સંકટ સહેતા વિસ્તારોમાં ભૂજળ સંસાધનોનું કાયમી અને નક્કર પ્રબંધન કરવાનું છે. ત્યારે યોજના માટે ફાળવેલા નાણા નહીં ખર્ચીને તંત્રએ તેની અસંવેદનશીલતા દર્શાવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૨૦-૨૧ના વરસ દરમિયાન આ યોજના માટે કેન્દ્રે બસો કરોડ રૂપિયાની ફાળવણી તો કરી હતી પણ માત્ર ચોપન લાખ જ ખર્ચાયા હતા !

૧૯૫૧માં દેશમાં વ્યક્તિદીઠ ૧૪,૧૮૦ લીટર પાણી સહજતાથી ઉપલબ્ધ હતું. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૩,૧૨૦ લીટર થવાની શક્યતા છે. નીતિ આયોગે ભૂજળનું દોહન આજની ગતિએ ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તીને પાણીનાં વલખાં પડવાની ચેતવણી આપી છે. એટલે પણ વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે. વરસે દહાડે આપણે ત્યાં ૪,૦૦૦ અબજ ઘન મીટર વરસાદી પાણી વરસે છે. તેમાંથી ૧,૮૦૦ અરબ ઘન મીટર  વાપરવા યોગ્ય હોય છે. પણ આપણી પહોંચમાં ૧,૧૧૦ અબજ ઘન મીટર વર્ષા જળ છે. જો કે આપણે માત્ર ૭૫૭ અબજ ઘન મીટર જ સંઘરી શકીએ છીએ. તે પૈકી ૪૦૦ અબજ ઘન મીટર જમીનમાં ઊતરે છે અને  દેશના તમામ બંધોમાં  ૨૫૪ અબજ ઘન મીટર પાણી સંગ્રહાય છે. નલ સે જલ યોજનામાં આ મોટા બંધોનું પાણી જ પાઈપ લાઈનથી નળ સુધી પહોંચવાનું છે.

પાણીનો બે-લગામ અને બેફામ ઉપયોગ અટકાવવાની પણ એટલી જ જરૂર છે. મોટે ભાગે ચોખ્ખાં પાણીનો જ ઉપયોગ ખેતીમાં થાય છે. તે અંગે ફેરવિચારની જરૂર છે. એક કિલો ડાંગર પકવવા ૨,૪૯૭ લીટર, કઠોળ માટે ૨,૦૦૦ લીટર, ઘઉં માટે ૧,૫૦૦ લીટર, એક ક્વિન્ટલ શેરડી માટે ૨ થી ૩ લાખ લીટર, એક કિલો ડુક્કરના માંસ માટે ૫,૯૮૮ લીટર અને એક જીન્સ પેન્ટ બનાવવા ૫,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ થાય છે. શું પાણીના આ ઉપયોગ વિશે વિચારવાની જરૂર નથી ? સસ્તી વીજળી અને ભૂગર્ભ જળના ઉપયોગથી મબલખ અનાજ તો પેદા કર્યું, અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી જ નથી બન્યો, જંગી બફર સ્ટોક પણ ઊભો કર્યો છે પરંતુ અન્ન સુરક્ષા પછી હવે જળ સુરક્ષા વિચારીશું કે નહીં ?

શહેરી સુવિધાભોગી સંપન્ન વર્ગ પાણીનો દુરુપયોગ કરે છે એટલે દૂરના વિસ્તારો અને ગામડાંઓને પીવાનું પાણી મળતું નથી. નલ સે જલ  યોજનાની પ્રાથમિકતા દલિત-આદિવાસી બહુલ  વસ્તી ધરાવતા જળવંચિત ગામો, દુકાળ પ્રભાવિત જિલ્લા, રણ વિસ્તારો અને પાણીની નબળી ગુણવત્તાવાળા વિસ્તારો છે. પરંતુ આપણું વહીવટીતંત્ર આવી પ્રાથમિકતાને ગાંઠે ખરું ? ગુજરાતમાં ૨૬.૮૨ લાખ જળવંચિત પરિવારોમાંથી ૧૦.૬૨ લાખ પરિવારો દલિત-આદિવાસી હોવા છતાં યોજનાના આરંભના વરસે જ ગુજરાત સરકારે ૧૧.૧૫ લાખ જળવંચિત પરિવારોને નળથી જળ પહોંચાડવાની દરખાસ્ત ભારત સરકારને કરી હતી. તેમાં માત્ર ૬૨,૦૪૩ જ દલિત-આદિવાસી પરિવારો (દરખાસ્તના કુલ પરિવારોના માત્ર ૫.૮૪ %) હતા. કેન્દ્રમાં અને ગુજરાતમાં બી.જે.પી.ની સરકાર હોવા છતાં કેન્દ્રે ગુજરાતની દરખાસ્તને ‘સમાજના નબળા વર્ગો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવતી’ ગણાવીને પ્રાથમિકતાની યાદ અપાવી સુધારા માટે પરત કરી હતી.

૨૦૨૨માં ગુજરાતમાં અને ૨૦૨૪માં દેશમાં નળ સે જલ યોજના સો ટકા સિદ્ધિ મેળવે તેનાથી શું ઘરે ઘરે પાણી પહોંચી જશે તેમ માની શકાશે ? ગુજરાતમાં જળ સ્રોત વિનાના ૧,૦૨૬ ગામોને ૨૦૧૫-૧૬માં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું  હતું. ૨૦૧૯-૨૦માં તે ગામો વધીને ૧,૧૪૯ થયા હતા. જ્યાં નળ છે પણ તેમાંથી જળનું ટીપું પણ આવતું નથી તેવાં ગામો ગુજરાતમાં ૨૦૪ અને જ્યાં કોઈ પાણી પુરવઠા યોજના પહોંચી નથી તેથી ગામના સ્થાનિક સ્રોતથી પાણી મેળવે છે તેવા ૨૭ જિલ્લાના ૩,૫૦૭ ગામો છે.

નગરો-મહાનગરોમાં આ યોજનાની સફળતા માટે સરકારે અદ્દભુત કીમિયો કર્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં ગેરકાયદે નળ જોડાણને રૂ. ૫૦૦નો દંડ લઈને તે કાયદેસર કરી આપી યોજનાની સફળતાનો ગ્રાફ ઊંચો બતાવવાની છે. જાન્યુઆરી ૨૦૨૧ના અંતે અમદાવાદમાં ૩૦,૧૧૯ ગેરકાયદે વોટર કનેકશનો કાયદેસર કરી આપીને સરકાર મહાનગર અમદાવાદના જળવંચિત ત્રીસ હજાર કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી પહોંચાડી દીધું હોવાના યશોગાન ગાઈ રહી છે.

સરકારો તો એની જ મસ્તીમાં મસ્ત રહેવાની છે પણ પ્રજા તરીકે લોકોએ પાણીને ઘીની જેમ વાપરવાની અને વરસાદના પ્રત્યેક ટીંપાને વેડફાતું અટકાવવાની આદત કેળવવાની છે તો જ ભાવિ પેઢીને  પાણી માટે સર્જાનારા પાણિપતથી ઉગારી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

રાજાનું આગમન

લેખક : ઉમા વર્થરાજન • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Short Stories|3 June 2021

Illustration by Vishwajyoti Ghosh (littlemag.com)

વિસરાયેલી નગરી એકાએક ઊંઘમાંથી જાગી. રાજવી હુકમ થયેલો કે યુદ્ધ દરમ્યાન ધ્વંસ થયેલાં મંદિરના પુન:સ્થાપનના ઉદ્ઘાટન માટે રાજાનું ટૂંક સમયમાં આગમન થવાનું છે. પીઠે જાહેરાતો બાંધેલાં પ્રાણીઓ અને દુમદુમ વગાડતા પડીદારો મારફતે નગરીના ખૂણેખૂણે સંદેશો પહોંચાડવામાં આવ્યો.

લાલ નદીને કિનારે નગરી આવેલી હતી. કિનારે વાંસના વન ગાઢ એવાં કે સહેજ અમથી હવાની લહેરકીથી ઝીણો તણખો ને એમાંથી ભડકો થતા વાર ના લાગે. ત્રણ વર્ષ પહેલાં યુદ્ધનો અંત આવ્યો હોવા છતાં હાથીઓના મોટા અવાજ, હણહણતા ઘોડાઓ, સ્ટીલના ટકરાવવાના અવાજ અને લોકોની કરુણ ચીસો આજે પણ કાને પડઘાતી હતી. બળતાં શબોની ગંધ હજુ હવામાં તરતી હતી. સેનાની હાજરીથી બીજી અથડામણની અપેક્ષાએ ગીધ એમના જંગલના નિવાસ-સ્થાનો ત્યજીને નગરીમાં મહાકાય વૃક્ષો પર ખડકાયા હતા. યુદ્ધથી બરબાદ થયેલી નગરી યુદ્ધ પૂર્વે કેટલી રમણીય હતી એની ચાડી ખાતી હતી કાળીમેશ દિવાલો અને પડી ગયેલા છતવાળા ઘરો. રાતના સન્નાટામાં વારેવારે અપશુકનિયાળ પંખીઓના અને કૂતરાના સતત રડવાના અવાજોથી વિક્ષેપ પડતો હતો. ડરનો માર્યો ચંદ્ર ચમકતો નહોતો અને બાળકો માતાઓને દૂધ માટે પરેશાન નહોતા કરતા. ઘોડાના ડાબલા અને સૈનિકોના અટ્ટહાસ્યથી રાત પડઘાતી હતી. ઍનૅસ્થૅસિયાની અસર હેઠળ હોય એમ ઊમાયન સરવા કાને સૂતો હતો, એની આંખો છતને તાકતી હતી.

ઊમાયન અને બીજા અમુક નગરીમાં રોકાઈ ગયા હતાં. જેમણે મોતને હાથતાળી આપેલી તે બધાં જીવ બચાવવા નદી પારના સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા. ઊમાયન એની માને મૂકીને જવા નહોતો માંગતો એટલે રોકાઈ ગયેલો. ઘણાં ઊમાયનનું સાચું નામ ભૂલી ગયા હતાં. ઓછાબોલો હતો એટલે બધા એને ‘ઊમાયન’ (મૂંગો) કહી બોલાવતા. માત્ર એની મા જ જાણતી હતી એણે અવાજ કેવી રીતે ગુમાવેલો.

રાજાએ એના સૈન્યને નગરીમાં થયેલા બળવાને નાથવાનું સોંપેલું. મવાલીઓ અને ગુનેગારોની ટોળકીઓ સૈનિકો સાથે ફરતી હતી. ક્રૂરતાપૂર્વક એ લોકોએ મકાનેને આગ ચાંપી, મૂર્તિઓ તોડી પાડી, સ્ત્રીઓને વાઢી નાખી અને બાળકોને પીંખી નાખ્યાં. એમના ગયા બાદ નગરી તો જાણે જંગલી હાથીના ટોળાંએ ચગદી નાખેલા શેરડીના ખેતર જેવી હાલતમાં હતી.

એક વખત સેફ્ટી રેઝર સાથે રાખવા માટે ઊમાયનની ધરપકડ થયેલી. ખુલ્લા પગે, પીઠ પછવાડે બાંધેલા હાથ સાથે એને તપી ગયેલી ધૂળિયા શેરીઓમાં ફેરવેલો. રસ્તા પર સૂર્યનમસ્કાર કરવા મજબૂર કરેલો. ત્યારબાદ સૈનિકોએ એના મોઢામાં પત્થરો ભરીને એને પેટમાં લાતોનો માર મારેલો. “અ….મમ…આ….!” એણે દર્દભરી ચીસ પાડી પરંતુ એ શબ્દ એના ગળામાં ફસાઈ ગયેલો.

નમતા પહોરે ઊમાયન અને બીજા અમુક લથડિયા ખાતા નગરીમાં આવ્યા, થાકેલા અને ભૂખ્યા. એક ચકલું પણ ફરકતું નહોતું. શેરીઓ સુમસામ હતી. યમદૂતોના સકંજામાં ફસાવવાના ડરથી એ લોકોમાં પાછું વળીને જોવાની હિંમત નહોતી તેમ છતાં આગળ વધતા ગયા એમના લાંબા પડછાયા એમની પડખે લઈને. આગળ વળાંકે પહોંચ્યા ત્યાં પોતાના પતિઓને શોધતી અમુક સ્ત્રીઓ એમના તરફ ધસી આવી અને એમના ચહેરા તપાસવા લાગી. એમના સ્વજનો નહીં દેખાતા એમણે પોતાના કેશ ખેંચવાના અને માથા-છાતી કૂટવાના શરૂ કરી દીધા. “શું થયું? કંઈક તો બોલો?” એમણે પૂછ્યું. પોતાની માની કેડે લટકતા, મોંમાં એની નાની આંગળીઓ નાખેલા, એક બાળકે નિર્દોષ હાસ્ચ વેર્યું. એના પિતાના મૃત્યુથી એ બેખબર હતો. બીજી એક સ્ત્રીએ ઊમાયનને ખભેથી ઝાલીને ઘેરો નિસાસો નાખ્યો. આજે પણ કૉન્વૅન્ટના કમ્પાઉન્ડમાં કાજુનાં વૃક્ષોનાં પાનના સરસરાટમાં વિધવાઓ અને બાળકોનું રૂદન સંભળાતું હતું.

ઊમાયનને એક સમયે લાગતું કે એ નસીબદાર છે અને સુખી જીવન જીવવા માટે નિર્માયેલો છે. આજે એને એના બાલીશપણા પર શરમ અનુભવાતી હતી. એને ખ્યાલ આવી ગયેલો કે જિંદગી કઠોર અને અસુરક્ષિત હતી અને ડૅમૉક્લીઝની તલવારની માફક મૃત્યુ માથા પર ઘૂમરાતું હતું. જિંદગીથી નાખુશ, એ ચાર દિવાલમાં રહેવા લાગ્યો અને મૌનમાં સમય ગાળવા લાગ્યો. ફસાઈ ગયેલા પ્રાણીની માફક એ ફિક્કો, હતાશ અને આકળવિકળ થઈ ગયો.

અનિદ્રાને કારણે દિવસ અને રાત ઊમાયન સપનાં જોતો. એને આભાસ થતા — લોકોના, અમુકના ડોળા કાઢી લીધેલા હોય એવા, બીજા એવા જેના હાથના અને પગના નખ ખેંચી કાઢેલા હોય, લથડિયા ખાતા, એની સમક્ષ આવીને ન્યાય માગતા. બળતી ચિતાઓ પરથી અર્ધ-બળેલાં શબ ઉછળીને પ્રશ્ન કરતા, “અમારો શો વાંક હતો?” તીવ્ર વેદનામાં મોતના મુખમાં ધકેલાતું માથા વગરનું મરઘું, ઘોડાગાડીથી કચરાઈ જતી સગર્ભા બકરી અને રાહદારીઓ પર હુમલો કરતા શેરીના કૂતરા એને દેખાયા.

ઊમાયનના સ્વપ્નમાં રાજા પણ દેખાયેલો, કરુણાની મૂર્તિ, એના બુદ્ધસમા ચહેરા પર ફરિશ્તા શું સ્મિત. પરંતુ કહેવાતું કે એ છેતરામણું હતું, માત્ર દેખાડો — કે વાસ્તવમાં એ ચાલાક, ક્રૂર, દ્વેષપૂર્ણ, ડંખીલો, રહેમ કે રંજ રહિત પુરુષ, સાક્ષાત્ શેતાન હતો. બીજી પણ કથાઓ હતી — કે એને સફેદ પારેવાં પાળવાનો અને માનવ ખોપડીઓનો હાર ગળામાં પહેરવાનો શોખ હતો. કેટલી ય કથાઓ, ક્યારેક વિરોધાભાસી, ફરતી રહેતી. એવી અફવા હતી કે એના વડવાઓનો દાટેલો મુગટ એણે મેળવી લીધેલો અને પોતે જ ધારણ કરી લીધેલો અને જ્યાં જતો ત્યાં સિંહાસન સાથે લઈ જવાની એને આદત હતી.

દરબારના કલાકારો દ્વારા રાજાને ચાહતથી જેવો દર્શાવેલો એવા જ સ્વરૂપે તે ઊમાયનના સ્વપ્નમાં આવેલો, મોહક સ્મિત ધરાવતો વ્યક્તિ. સવારનો વહેલો પહોર હતો. ધુમ્મસ હજુ ઓગળ્યું નહોતું. મંદિરના ઘંટારવ વચ્ચે પંખીઓ આકાશમાં ઊડાઊડ કરતાં હતાં અને સંતો વેદોચ્ચાર કરતા હતા. શ્વેત વસ્ત્રોમાં સજ્જ, શ્વેત પારેવાને પંપાળતો રાજા નદી કિનારે ચાલી રહ્યો હતો. એની પછવાડે ઊમાયન હતો. રાજાના ઝાકઝમાકથી અંજાઈને સૂર્ય થોડો સંકોચ અનુભવી રહ્યો હતો.

રાજાએ આકાશ ભણી નજર કરતા કહ્યું, “આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે. જલદી પ્રકાશ દેખાશે.”

રાજાના ખુશખુશાલ મિજાજથી પ્રોત્સાહિત થઈને ઊમાયને હિંમતભેર કહ્યું, “મહારાજ, તમને નથી લાગતું કે પોહ ફાટે એ પહેલાં આપણે બધાં મૃત્યુ પામી જઈશું? આમેય, ચાલતીફરતી લાશો જ છીએ ને?”

ડોક ફેરવીને રાજાએ ઊમાયન તરફ જોયું અને મલકાટ સાથે બોલ્યો, “યુદ્ધ વખતે યુદ્ધ! શાંતિ વખતે શાંતિ!”

શબ્દો તોલીને ઊમાયને સંકોચ સાથે રાજાને કહ્યું, “તમને નથી લાગતું કે યુદ્ધને પણ એની નૈતિક્તા હોય છે. લોકોએ શો ગુનો કર્યો છે? શિશુઓની, સ્ત્રીઓની, માંદા અને અશક્તની, સાધુઓની હત્યા કરવી શું ઉચિત છે?”

રાજાએ સ્મિત ફરકાવ્યું. “દોડતા રથથી ઘાસ ચગદાવાનું અને જીવ જવાના. એનો કોઈ ઉકેલ નથી. આવી નજીવી બાબતે શું રડે છે? હું બધું … હું બધું … જાણું છું …”

“હા, તમારા માટે બધું શક્ય છે …” ઊમાયન બોલ્યો. રાજાના પગ થંભી ગયા.

“હા, હું ધારું તો બધું શક્ય છે … જુઓ!” રાજા બોલ્યો. એણે હાથમાંથી સફેદ પારેવું રહસ્યમય રીતે ગાયબ  કર્યું અને એની જગ્યાએ સસલાનું લોહી નિતરતું માથું લાવી દીધું!

રાજાની મુલાકાતનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ નગરીમાં ચહલપહલ વધી ગઈ. વરસાદ બાદ બિલાડીના ટોપની પેઠે નવા નાકા ઠેરઠેર ફૂટી નીકળ્યા. નગરીને રમણીય બનાવવા માણસો તનતોડ મહેનત કરવા લાગ્યા. રંગીન છોડવા અને સુગંધિત ફૂલછોડ પાછળ કબરો ઢાંકી દેવામાં આવી. પાડોશમાંથી વૃક્ષો ઉખાડીને નગરીના દ્વાર સુધીના માર્ગની બેઉ બાજુ રોપી દેવામાં આવ્યાં. રાજાની છબીઓ સર્વત્ર લગાવી દેવાઈ.

નાકાઓ પર બળદગાડાંની લાંબી કતારો થવા લાગી. માથા પર પોટલાં લઈ લોકો મુશળધાર વરસાદમાં ધીમી ગતિએ આગળ વધતા હતા. સૈનિકો નિષ્ઠાપૂર્વક સરકાર વિરોધી સામગ્રી શોધતા હતા તે દરમ્યાન પુરુષોને જીભ દેખાડવાની ફરજ પડાતી હતી. નગરીમાં આવી ચડેલી એક ગાયના પેટમાં ક્યાંક હથિયાર સંતાડેલા હોય એ શંકાએ એનું પેટ ચીરી નાખ્યું.

મૂછો પર તાડીના ફીણ સાથે દારુડિયાઓ શેરીઓમાં નાચતા અને મસ્તી કરતા ગાતાં હતાં :

એણે આપ્યું મંદિર અમને
રાજાએ અમારા આપ્યું મંદિર અમને
તે આપશે બીજું ઘણું અમને
જે માગીશું એ આપશે અમને
તીલ્લાના … તીલ્લા … તીલ્લાના …

ઊમાયનના દાદા વરંડામાં સોપારી ખાંડતા હતા. કામ અટકાવી ઢોલ અને ગાયનના ધ્વનિની દિશામાં એમણે નજર ફેરવી. એ દેખતા નહોતા પરંતુ એમના કાન ખૂબ સરવા હતા. બેસુરા સંગીતથી એ ખિન્ન થયા હશે કારણ કે એ સોપારી અને નાગરવેલનાં પાન પૂરજોશથી ખાંડવા લાગ્યા.

“ભેટમાં આપેલા મંદિરનો વિનાશ કરવામાં વ્યક્તિ કેટલો સમય લગાડે?” એ વૃદ્ધે મનોમન વિચાર્યું. વિચારને બાજુએ હડસેલી એણે સોપારી-પાનનું મિશ્રણ મોંમાં મૂકી ચાવવા માંડ્યું.

માત્ર એક દિવસ બાકી હતો. ઘોડાઓના હણહણાટથી ઝોકું ખાતા વૃદ્ધ ઝબકીને જાગી ગયા. સ્ત્રીઓ બહાર ડોકિયા કરી ફટાફટ ઘરની અંદર ચાલી ગઈ. ઊમાયન એની ત્રસ્ત માને એકધાર્યો તાકી રહ્યો. એના હોઠ સુકાયેલા હતા અને આંખોમાં ભય હતો. આકાશ તરફ હાથ ઊંચા કરી એણે પ્રાર્થના કરી.

હંમેશની પેઠે સર્ચ ઑપરેશન માટે ઘેરો નાખવામાં આવેલો. દરેક ઘરમાં સશસ્ત્ર માણસોએ ઘૂસીને પદ્ધતિસરની શોધ આદરી. જતી વેળા એ લોકો ઊમાયનને સાથે લેતા ગયા. એની મા કગરતી રહી. ઊમાયનના વફાદાર કૂતરાએ સૈનિકો સામે ઘૂરકિયાં કર્યા અને એના માલિકના કપડાં ઝાલ્યાં. એ માણસોએ લાત મારીને કૂતરાને ભગાડી દીધો. જેમના ઘરના પુરુષોની ધરપકડ કરી લઈ જવામાં આવતાં હતાં એવી સ્ત્રીઓ રડતી રડતી એમની પૂંઠે જતી હતી. સૈનિકોએ તલવાર બતાવી એમને ડારી. ધૂળની ડમરીમાં એમના પુરુષોને અદૃશ્ય થતા જોઈ લાચાર બનીને એ સ્ત્રીઓ ઊભી રહી ગઈ.

પેલા વૃદ્ધે એમને સાંત્વના આપીને હૈયાધારણ આપી કે એમના સ્વજનોને કશું નહીં થાય. “છે ને, આવતી કાલે રાજા આવવાના છે અને એમને આવકારવા માટે સૈન્યને મોટી મેદનીની જરૂર છે. એટલે આ બધાંને લઈ ગયા છે,” એ બોલ્યા. વાતનું સમર્થન કરતી હોય એમ ગરોળીએ કક … કક અવાજ કાઢ્યો.

નગરીના હકડેઠઠ વિશ્રામગૃહોમાં પુરુષોને પૂરી દીધા હતા. કોઈ બોલતું ન હતું. પોતાના નસીબને ગાળો આપતાં બધાં જમીન પર બેસી રહેલા. ચોકીદારોનું હાસ્ય એમને મનમાં ખૂંચતું હતું.

ઠંડી દિવાલને અઢેલીને ઊમાયને આંખો મીચી. વ્યાપક અંધકારમાં એણે બલિની વેદી પર એક ચમકતી તલવાર જોઈ. એને એવું લાગ્યું કે એ ગળા સુધી જમીનમાં દાટેલો છે અને એક બેકાબૂ હાથી એની ભણી ધસી રહ્યો છે. પછી, સૂસવાટા મારતા પવનમાં જલ્લાદનો ગાળિયો લોલકની જેમ ડોલી રહ્યો છે. પોતાના નિર્વસ્ત્ર શરીર પર એને તાજા ઘા દેખાયા.

એને પોતાનું ઘર દેખાયું. વાળેલું નહોતું. કરમાયેલી પાંખડીઓ અને સૂકાં પાંદડાં વિખરાયેલાં પડ્યાં હતાં. એનું નબળું પાતળું કૂતરું દરવાજા વચ્ચે પડી રહ્યું હતું. બંધ ચૂલા પાસે આળસુ બિલાડીએ લંબાવેલું હતું. રસોડામાં એઠાં વાસણકૂસણ પડી રહેલાં. એના નિદ્રાહિન દાદા ઘર આખામાં કાળા ભમરાની માફક અથડાતા, પડતા, આખડતા ફરતા હતાં. ખાધા વગર, ઊંઘ્યા વગર એની મા આંસુ સારતી સાદડી પર પડી રહેલી. સમય મસમોટી શિલાની માફક માથા પર તોળાઈ રહેલો. ઊમાયન પરોઢની અને તાજી હવાની ઝંખના કરતો રહ્યો.

જેવું અજવાળું થયું કે સેનાના એક કૅપ્ટને બારણું ઉઘાડીને બધાં પુરુષોને બહાર આવવાનો આદેશ કર્યો. નાહ્યાધોયા વગર, લઘરવઘર અને ભૂખ્યાં, એમને બળદગાડાંમાં ભરીને નગરીની શેરીઓમાંથી લઈ જવાયા. ઘંટડીઓના અવાજથી વેપારીઓ એમની દુકાનો ખોલીને નજારો જોતા ઊભા રહ્યાં. અશુદ્ધ જાનવરની માફક ગાડાંમાં ભરીને લઈ જવામાં આવતો હતો એથી ઊમાયન ખૂબ શરમ અનુભવતો હતો. એક જર્જરિત મંદિરને પડખે એક ટાંકાની પાળ અગાડી બધાં પુરુષોને ઠાલવીને હારબંધ બેસવાનો હુકમ કરવામાં આવ્યો.

આકાશમાં ગાઢ વાદળ છવાયેલાં હતાં. “રાજા એની સાથે વરસાદ લાવ્યો છે,” સૈનિકોમાં ગણગણાટ સંભળાયો.

“રાજા અમર રહો!” એક અવાજે ઘોષણા કરી. તે સાથે જ બેન્ડ વાગવા લાગ્યું અને છોકરાં નાચવા લાગ્યાં. તાડી પીનારા અને ચેષ્ટાઓ કરતા મુષ્ઠિયોદ્ધાઓ રાજાની આગળ ચાલતા હતા, નાચતા, ગબડતા ને ગાતા. ત્યાર બાદ રાજા ચાલતો હતો, દબદબાપૂર્ણ, માપીને ડગ ભરતો. લોકો એના પર ફૂલ વરસાવતા હતાં અને સંતો એને આશીર્વાદ આપતા હતા.

રાજાને ખાસ ઊભા કરાયેલા મંચ પર વોળાવવામાં આવ્યો. મોટા અનુમોદન સાથે માનવમેદનીનું સર્વેક્ષણ કરતા રાજાએ લોકો સામે હાથ હલાવ્યો. દિવસ ઠંડો હતો તેમ છતાં રાજાની પડખે ચાલતા ગુણગાાન ગાનારા હવા નાખતાં હતાં. રાજાની પૂંઠે ઉદ્ધત ચેલાઓ ચાલતા હતા, પડ્યો બોલ ઝીલવા અને જરૂર પડે તો પીઠ પણ ખંજવાળી આપવા તૈયાર.

ઊમાયને ગોરંભાયેલા આકાશ તરફ નજર કરી. વરસાદ તૂટી પડવાની તૈયારીમાં હતો. નાનાં પંખીની ચરક જેવડું એક ટીપું એના ચહેરા પર પડ્યું. અનુક્રમે વધુ ટીપાં પડ્યાં. પછી તો જાણે સ્વર્ગ ખૂલી ગયું. વાવાઝોડું ફૂંકાયું ને વીજળીથી આકાશ ચિરાઈ ગયું. રાજાએ લોકોની જે દશા કરેલી એ જોઈને દેવતાઓ દાંત કચરતા હોય એવો વાદળોનો ગડગડાટ  થતો હતો.

રાજા બોલવા ઊભો થયો. મુશળધાર વરસાદમાં પણ મેદની હાલ્યા વગર, લાગણીશૂન્ય બનીને બેસી રહી હતી. રાજા ચકિત થયો હશે?

“મારાં વહાલાં લોકો …”

ઢંકાયેલા મંચ પર સુરક્ષિત રાજાએ વરસાદના અવાજ વચ્ચે પોતાનો અવાજ મોટો કર્યો. વળગાડ પામેલી સ્ત્રીની માફક પવનના ચારે તરફના હુમલા દરમ્યાન ઊમાયન ધ્રુજતો ઊભો હતો.

“આ મંદિરને પુન:સ્થાપિત કરવા આવ્યો છું. બીજી શી માગ છે? કહો!”

માત્ર પવન અને વરસાદે રાજાને ઉત્તર આપ્યો. સૈનિકોના વિકરાળ ચહેરા અને ધારદાર ભાલાના ડરથી મેદની મૌન રહી.

“મારા આવકાર માટે આટલા ભારે વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં તમે હાજર છો એને મારું સન્માન  માનતા પોરસાઉં છું. શું જોઈએ છે તમને મારી પાસેથી? બોલો!” રાજા બોલ્યો.

ઊમાયને ફરી નજર આકાશ તરફ ઊંચી કરી. વરસાદ પોરો ખાવનું નામ લેતો નહોતો. ઊલટાનું વીજળીની ખંપાળીઓ ચમકતી હતી અને આકાશમાં લસરકા પાડતી હતી. કાન બહેરા કરી નાખે એવી વાદળોની ગર્જના સંભળાતી હતી. ધરતી પર પાણી ઘુમરાતું, વમળ સર્જતું, ધસમસતું નવા જળમાર્ગો બનાવતું જતું હતું.

હું તમને ભવ્ય આવાસો બનાવી આપીશ, રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવી આપીશ, જળાશયો પુન:સ્થાપિત કરી આપીશ … સ્ટેડિયમો, અનાજ, રેશમની જરૂર છે તમને? માગો, હું તમને આ બધું અને બીજું કેટલું ય આપીશ પરંતુ ક્યારે ય … નહીં …”

રાજા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા આંખો આંજી દેતા વીજળીના ચમકારાએ પૃથ્વી અને આકાશને સાંધી દીધા. ડરના માર્યા ઊમાયનની આંખો બંધ થઈ ગઈ. જ્યારે એણે પાછી આંખો ખોલી, રાજા ગાયબ હતો. રહસ્યમય રીતે એ અદૃશ્ય થઈ ગયો હતો.

~

તામીલમાંથી અંગ્રેજી અનુવાદ : એસ. રાજસિંઘમ અને પ્રતીક કાંજીલાલ

(અંગ્રેજી અનુવાદકોની નોંધ : ઊમા વર્થરાજન્‌ શ્રીલંકાના વાર્તાકાર છે. એમના લેખનમાં એમના દેશમાં આંતરવિગ્રહની અમાનવીય અસરો કેન્દ્રમાં છે. રણસિંઘે પ્રેમદાસાના રાષ્ટ્રપતિપદના છેલ્લા ૧૮ મહિના અને ૧૯૯૩ની  મે ડે  રૅલી દરમ્યાન એલ.ટી.ટી.ઈ.ના માનવબોંબ દ્વારા એમની હત્યા સંદર્ભે આ વાર્તા એક બોધકથા છે.)

સ્રોત :  Little Magazine, Special Issue ‘Security’ (Vol VII : Issue 3 &4). littlemag.com

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,9821,9831,9841,985...1,9902,0002,010...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved