રાષ્ટ્રગીતના રચયિતા હોવા છતાં સારી યાદશક્તિ ધરાવતા લોકોને યાદ હશે કે ‘જનગણમન’ તો કવિએ અંગ્રેજ સમ્રાટને ઉદ્દેશીને લખેલું’ એવો એક તકલાદી સાબિત થઈ ચૂકેલો આરોપ થોડા થોડા વખતે ઇન્ટરનેટની આલમમાં આંટો મારી જાય છે. હકીકત એ છે કે રવીન્દ્રનાથ ટાગોરની વૈશ્વિક દૃષ્ટિનો સંકુચિત રાષ્ટ્રવાદમાં મેળ બેસાડી શકાય એમ નથી, કેમ કે દેશભક્ત હોવું અને રાષ્ટ્રવાદી હોવું - એ બંને વચ્ચેના તફવતની શરૂઆત ભારતમાં વીસમી સદીમાં જ થઈ ચૂકી હતી અને બંને વચ્ચેનો તફવત સ્પષ્ટ કરી આપવામાં ટાગોર મોખરે હતા.

દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા તેનાં દસેક વર્ષ પહેલાં ભારતમાં બંગાળના ભાગલાના પગલે પહેલું સ્વદેશી આંદોલન છેડાઈ ચૂક્યું હતું. તે નિમિત્તે આવેલા રાષ્ટ્રવાદના ઉભરામાં સાચી દેશભક્તિ અને સ્વાર્થી-પરપીડક-ભયકેન્દ્રી રાષ્ટ્રવાદ વચ્ચેનો ફરક ટાગોરે સ્પષ્ટ રીતે પાડી બતાવ્યો. સ્વદેશી આંદોલનની આબોહવાના પગલે લખાયેલી તેમની વિખ્યાત નવલકથા ‘ઘરેબાહિરે’માં તેમણે મુખ્ય પાત્રના મોઢે સંવાદ મુક્યો છે, ‘દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ જુલમ કરવો’. સૂત્રાત્મક લાગતું આ વાક્ય કેટલું નક્કર છે, તેની પ્રતીતિ નવલકથા લખાયાની એક સદી પછી પણ આપણને થઈ શકે છે. નવલકથાનું ખલ પાત્ર રાષ્ટ્રવાદની આગ પર પોતાની ખીચડી પકવવાની માનસિકતા ધરાવે છે, જ્યારે કથાનો નાયક કહે છે, ‘જ્યારે તમે દેશને દેવ તરીકે મનાવીને, અન્યાયને કર્તવ્ય તરીકે, અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો ત્યારે મારા હૃદયને આઘાત લાગે છે.’

ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડી ત્યારે, પહેલી સ્વદેશી ચળવળનો રંગ જોઈ ચૂકેલા ટાગોરે ગાંધીજીને પણ ચેતવ્યા હતા અને તેમની ચળવળની કેટલીક બાબતોની ટીકા કરતાં પણ સંકોચ અનુભવ્યો ન હતો. સામે પક્ષે ગાંધીજી હતા, એટલે તે પોતાની નીતિમત્તાની સાથોસાથ ટાગોરની ટીકાનું મૂલ્ય બરાબર સમજતા હતા. એટલે તેમની વચ્ચે કેટલીક બાબતોના વિચારભેદ છતાં, મૂળભૂત માનવીય મૂલ્યોની બાબતમાં આજીવન એકરાગ અને પરસ્પર પ્રેમાદરનો સંબંધ રહ્યો. ‘ઘરેબાહિરે’માં નાયક કહે છે, ‘માણસે કેવાં કપડાં પહેરવાં, કઈ દુકાનેથી માલ ખરીદવો, શું ખાવું, કોની સાથે બેસીને ખાવું, એ પણ જો ભયના દોર વડે નક્કી કરવામાં આવે તો માણસની સ્વતંત્રતાનો ધરમૂળથી જ ઇનકાર કરવામાં આવે છે એમ કહેવાય.’ આ વાત એક સદી પછીના ભારતમાં પણ લાગુ નથી પડતી?

બીજા વિશ્વયુદ્ધમાં અણુહુમલા પછી દયાનું પાત્ર બનેલું અને પછીનાં વર્ષોમાં ટેક્નોલોજીની પ્રગતિને કારણે આદરનું પાત્ર બનેલું જાપાન એક જમાનામાં ભારે મિજાજી ને યુદ્ધખોર હતું. તેણે ચીન પર હુમલો કર્યો ત્યારે જાપાનના એક કવિએ યુદ્ધને આધ્યાત્મિક - (બીજાને સુધારવા માટેના) પરિબળ તરીકે ઓળખાવ્યું. (આવી દરબારી પ્રતિભાઓ દરેક જમાનામાં મોટી સંખ્યામાં મળી રહેતી હોય છે.) જાપાનમાં વ્યાખ્યાનો આપી ચૂકેલા રવીન્દ્રનાથે એ કવિને લખ્યું હતું, ‘જે દરેક જમાનાના રાષ્ટ્રવાદીઓએ ગાંઠે બાંધવા જેવું છે, ‘લોકોનાં સુખ અને હકનું બલિદાન ચઢાવવાનો પોતાનો હક છે એવો દાવો જે દેશભક્તિ કરે, તે કોઇ પણ મહાન સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવાને બદલે તેને જોખમમાં મૂકશે.’

જાપાનમાં જાહેર પ્રવચન વખતે પણ રવીન્દ્રનાથ ટાગોરે મીઠી વાતો કરવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, પ્રજા તરીકે તમારે માટે મારા મનમાં ઊંડો પ્રેમ અને આદર છે, પણ રાષ્ટ્ર તરીકે બીજાં રાષ્ટ્રો સાથેના વ્યવહારમાં તમે પશ્ચિમ જેવા જ દગાબાજ અને બધી વાતે પૂરા છો. ‘આખી પ્રજાના માનસમાં પોતાની ઉચ્ચતાનો અસાધારણ ઘમંડ ભરી દેવો, પ્રજાને પોતાની નૈતિક કઠોરતા અને પાપની સમૃદ્ધિનું અભિમાન લેતાં શીખવવું. યુદ્ધમાં જીતેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોના મનમાં બીજાને માટે તિરસ્કાર પેદા કરવો, હારેલા લોકોની નામોશીને કાયમ કરવી – એ પશ્ચિમને કોરી ખાતાં ગૂમડાંનું અનુકરણ કર્યા બરાબર છે.’

રાષ્ટ્રવાદના રોગને બરાબર પારખી ગયેલા ટાગોરે જણાવ્યું હતું કે ઇતિહાસમાં જૂઠાણાં ઊભાં કરવાં એ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનું એક લક્ષણ છે.  પોતાના દેશપ્રેમની રાષ્ટ્રવાદ કે બીજા કોઈ પણ પ્રકારના દાવા સાથે ભેળસેળ ન થાય, એ માટે રવીન્દ્રનાથે કહ્યું હતું, ‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્ એની ભૂમિ પર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ઋષિમુનિઓએ ઉચ્ચારેલી જીવંત વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમ્યાન સાચવી રાખી છે.’

ઋષિમુનિઓની જ્યાં વાત આવે એટલે રાષ્ટ્રવાદીઓ તેમના વાસ્તવિક પ્રદાન સુધી પહોંચવાને બદલે મિથ્યાભિમાની મુદ્રામાં જતા રહે છે અને ઘણી વાર તો ‘બધી શોધો આપણે ત્યાં જ થઈ હતી’ એવા દાવા કરીને, સાચાં સંશોધનો-સંશોધકોનું અવમૂલ્યન કરે છે. આવી માનસિકતા શી રીતે પેદા થઈ? રવીન્દ્રનાથ ટાગોરના મતે, અંગ્રેજ શાસકો તરફ્થી ભારતની સંસ્કૃતિ પર થતા હુમલાના જવાબ રૂપે, ૧૯મી સદીના મધ્ય ભાગમાં ભારતમાં પોતાની સંસ્કૃતિ વિશે મિથ્યાભિમાની વલણ પેદા થયું. આઝાદી માટેની પ્રવૃત્તિ વિકસતી ગઇ તેમ આધ્યાત્મિક મહત્તા પર ભારતનો ખાસ દાવો છે, એવો વિચાર સાહિત્યમાં વારંવાર દેખાવા લાગ્યો. ટાગોરે લખ્યું હતું, ‘ઈશ્વર કોઇ ખાસ પ્રજા પર મહેર કરે છે એવો ખ્યાલ બર્બર યુગને શોભે એવો છે’.

ભારતમાં પછીથી જે પ્રકારના રાષ્ટ્રવાદની બોલબાલા થઈ, તેનો જન્મ યુરોપમાં થયો હતો અને રવીન્દ્રનાથે તેને બરાબર પિછાણ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘પશ્ચિમનો આત્મા સ્વાતંત્ર્યના ઝંડા હેઠળ કૂચ કરી રહ્યો છે, ત્યારે પશ્ચિમનો રાષ્ટ્રવાદ સંગઠન અને વ્યવસ્થાની લોખંડી જંજીરો ઘડી રહ્યો છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ કાળે ઘડાયેલી જંજીરો કરતાં એ વધારે મજબૂત અને અતૂટ છે … જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ કે લોહીની શ્રેષ્ઠતાના આધારે, વેપારી લોભને કારણે, બીજા દેશોના બજાર કબજે કરવા માટે કે બીજા દેશોના શોષણ માટે સંગઠિત થાય છે ત્યારે પોતાના હૃદયસિંહાસન પર તે માનવએકતાના આદર્શને બદલે રાષ્ટ્રવાદને સ્થાપે છે. એ વખતે માનવજાત ઉપર કાળરાત્રિ ઊતરી આવે છે. આ રાષ્ટ્રવાદ આજના જમાનામાં દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે. તે માનવજાતના નૈતિક મર્મોને હજમ કરી જાય છે.’

e.mail : [email protected]

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 નવેમ્બર 2019

Category :- Opinion / Opinion

કાળો સૂરજ ધોળો સૂરજ

જગદીશ દવે
18-11-2019

કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ

Category :- Poetry

સાહિત્યસમાજની સેવામાં

પ્રકાશ ન. શાહ
18-11-2019

મિત્ર સુમન શાહે અચ્છો મુખડો બાંધી સૌને કોઠે પડી ગયેલ જે ‘મૂંગારો’ એની જિકર કરી છે; અને એ પૃષ્ઠભૂ ઉપર આપણે ત્યાં સ્વાયત્તતા, અકાદમી અને પરિષદ સંદર્ભે ચર્ચા છેડી છે. જે ઊહ અને અપોહથી પડ જાગતું ને ગાજતું રહેવું જોઈએ એને માટે એમણે ખોલી આપેલી સંભાવનાના ઉજાસમાં થોડીએક વાત કરવી લાજિમ ગણું છું. ‘નિરીક્ષક’ના વાચકો આ પત્રના સ્વાયત્તતા માટેના આગ્રહથી તેમ પૂર્વે અને તાજેતરનાં વર્ષોમાં અહીં ચાલેલી ચર્ચાથી ઠીક ઠીક વાકેફ હોઈ, સુમનભાઈની રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે જોઉં છું.

શરૂઆતમાં જ મારે કહી દેવું જોઈએ કે ‘નિરીક્ષક’ની ભૂમિકા આ સમગ્ર ચર્ચામાં અકાદમી વિ. પરિષદ એવી સીમિત (અને જાડી) નથી. અકાદમીનું ભલે એની મર્યાદામાં પણ જે સ્વાયત્ત સ્વરૂપ ઉમાશંકર-દર્શકની પરંપરામાં શક્ય બન્યું હતું તેમાં આગળ નહીં જતાં સરકારી મનમુરાદ શૈલીએ પેરેશુટ પ્રમુખપદને ધોરણે ધરાર સરકાદમી બનાવી દેવાઈ એ સાથે આ મુદ્દો અકાદમી વિ. સાહિત્યસમાજ સમગ્રનો બની રહે છે એવી સમજથી હું ચાલું છું. આ સંદર્ભમાં પરિષદ ક્યાં, કેવી ને કેટલી એ રીતનું એક મૂલ્યાંકન જરૂર કરી શકીએ; પણ એનું પરિપ્રેક્ષ્ય સરકાદમી વિ. સાહિત્યસમાજનું હોય. એક સરકારી અને બીજી જેવી છે તેવી પણ પ્રજાકીય એ બે સંસ્થાઓ વચ્ચેના ‘ઝઘડા’માં એને ખતવીએ ત્યારે પ્રશ્નની વ્યાપકતા અને ગંભીરતા ચાતરીને ટ્રિવિયા ભણી લઈ જતા એસ્કેપ રુટને સારુ સોઈ કરી આપીએ છીએ. ચર્ચામાં પરિષદ આવે, જરૂર આવે પણ એ ચર્ચા ટ્રિવિયા અને એસ્કેપ રુટ પરત્વે સમ્યક્‌ વિવેક પુરસ્સર હોય.

સુમનભાઈએ ચર્ચાની સ્થગિતતાને ઝંઝેડતી નુક્તેચીની સાહિત્યપ્રીત્યર્થ કરી એના પર ફેસબુકમાં ચાલેલી ચર્ચામાં પણ ક્યાંક ક્યાંક ટ્રિવિયાના સંકેત મળ્યા હતા એમ મારી છાપ પરથી અહીં નોંધું છું. પૂર્વે ચાલેલી ચર્ચાઓમાં અકાદમીના પ્રમુખપદના બે સંભવિત દાવેદારો (બે સરકારી અધિકારીઓ) વચ્ચેનો આ ટંટો હોય એવી ટ્રિવિયાઈ દરમ્યાનગીરી પણ એક તબક્કે જોવા મળી હતી.

સાહિત્ય પરિષદ કે બીજા છેક જ ઓચિંતા સહસા જાગ્યાં એમ કહેવામાં વાસ્તવકથન નથી. ૨૦૧૫ના એપ્રિલ પછી કેટલોક વખત તીવ્રતા જોવા મળી એ સાચું છે; પણ તે પૂર્વે ૨૦૦૩થી ‘નિરીક્ષક’માં આ સંદર્ભે ઉલ્લેખો જોવા મળશે. વિસ્તારભયે તે ટાંકતો નથી. માત્ર એટલું જ કહું કે ચૂંટાયેલા પ્રમુખ (સદ્‌ગત ભોળાભાઈ પટેલ)ની મુદ્દત પૂરી થતાં નવી ચૂંટણી માટેની પ્રક્રિયા અપેક્ષિત હતી. બીજે ક્યાં ય ઘણું કરીને નહોતી એવી દર્શક-દીધી જોગવાઈ (લેખકીય કૉન્સ્ટિટ્યૂઅન્સીમાંથી નવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ) સહિત બધી કામગીરી પૂરી થઈ ગઈ હતી અને સરકારે સમગ્ર ગૃહમાંથી પ્રમુખની ચૂંટણી જ માત્ર પાર પાડવાની હતી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો, સરકાર ન હાલી, ન ચાલી. બલકે, હાલી પણ અને ચાલી પણ, તે કઈ દિશામાં ... બારે વરસે ૨૦૧૫માં ભાગ્યેશ ઝાના પરબારા પ્રમુખપદની જાહેરાત!

આ વચલાં બાર વરસમાં ‘નિરીક્ષક’માં યથાપ્રસંગ ચર્ચા ઉપરાંત એક મોટી ઘટના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન(ડિસે. ૨૦૦૭)માં - અને તે પણ પાટનગરી ગાંધીનગરમાં - એ બની હતી કે નારાયણ દેસાઈએ એમના અધ્યક્ષીય વક્તવ્યમાં અકાદમીની સ્વાયત્તતાનો વિશેષ નિર્દેશ કર્યો હતો એટલું જ નહીં પણ એના પ્રમુખપદની પ્રક્રિયા પૂરી કરી તે સદ્યસક્રિય બને એવો ઠરાવ આ અધિવેશનમાં કરવામાં આવ્યો હતો. અત્યંત મહત્ત્વની ને સૂચક બીના એ છે કે નારાયણ દેસાઈએ માત્ર મધ્યસ્થ સમિતિ કે કારોબારીના ઠરાવે નહીં અટકતાં સમસ્ત ગૃહ, રિપીટ, સમસ્ત ગૃહમાં આ માટે ઠરાવનો રાહ સૂચવ્યો હતો.

૨૦૦૩ પછીની આ વળાંકરૂપ હોઈ શકતી બીનાનો ઉલ્લેખ કરવા સાથે અહીં એ પણ નોંધ લેવી જોઈએ કે અકાદમીના મુદ્દતવીત્યા હોદ્દેદારોએ જો સરકારનું ધ્યાન ખેંચવાના ઔપચારિક/અનૌપચારિક પ્રયાસો એ ગાળામાં કર્યા હતા તો તે ઉપરાંત લેખકોની સહીવાળા (પરિષદના ઉપક્રમ વગર, સ્વતંત્રપણે) બે પત્રો પણ સરકારને લખાયા હતા. (એમાં વડા સહીકારો પૈકી સદ્‌ગત કે.કા. શાસ્ત્રી સુદ્ધાં હતા.)

સરકારે અલબત્ત હાલવાચાલવાપણું જોયું નહોતું. એનું કારણ કોઈ અનિર્ણય નહીં પણ ચોક્કસ નિર્ણય હતો તે વાત એપ્રિલ ૨૦૧૫માં ભાગ્યેશ ઝાની પરબારી નિમણૂક સાથે અને સ્વાયત્તતાના વિધિવત્‌ લોપ સાથે સ્પષ્ટ થઈ ગઈ. અકાદમીના વચગાળાના રંગઢંગને કારણે ૨૦૧૪થી આ લખનારે, ચંદ્રકાન્ત ટોપીવાળાએ (તેઓ પરિષદમાં કોઈ હોદ્દે નહોતા ત્યારે એક લેખકની હેસિયતથી) તેમ જ પ્રવીણ પંડ્યાએ અસહકારની ભૂમિકા લીધી હતી. એપ્રિલ ૨૦૧૫ની ઘટનાએ જે વમળો જગવ્યાં એમાંથી સ્વાયત્તતા આંદોલન આવ્યું એ પરિષદના વિધિવત્‌ પ્રવેશ પહેલાની ઘટના છે. આ આંદોલન સાથે સંખ્યાબંધ લેખકોએ અકાદમીથી છેડો કાપ્યો એ ઇતિહાસવસ્તુ છે. અક્ષરા (વડોદરા) જેવી સંસ્થાઓ પણ અકાદમીથી હટી તે ઇતિહાસવસ્તુ છે.

જ્યાં સુધી સાહિત્ય પરિષદનો સવાલ છે, ૨૦૦૭ના ઠરાવ સાથેની સ્પષ્ટ ભૂમિકા (અને પૂરતી પ્રતીક્ષા) પછી એપ્રિલ ૨૦૧૫ સાથે એની ચોક્કસ ભૂમિકા બનતી હતી અને સાહિત્યસમાજક્ષેત્રે સો વરસથી વધુ ગાળાથી કાર્યરત પ્રજાકીય સંસ્થાને શોભીતી રીતે તે અસહકારના ઠરાવ સુધી પહોંચી. આ અલબત્ત ફતવો નહોતો, ઠરાવગત નિર્ધાર હતો. ગુજરાતના સાહિત્યસમાજને અંગે કૃતજ્ઞતા અને આદરભાવપૂર્વક અહીં એ નોંધ લેવી જોઈએ કે અકાદમીની સ્વાયત્તતા માટેના આંદોલનમાં ઉભરેલા તત્કાલીન પરિષદ પ્રમુખ ધીરુ પરીખ પછી એણે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર એ બેને પણ પ્રમુખપદે ચૂંટી કાઢતાં સ્વાયત્તતા માટેની એમની પ્રતિબદ્ધતાને અધોરેખિતપણે લક્ષમાં લીધી હતી. ધરણા લગી ન ગયા એમ ધોખો કરીએ કે ચીપિયો પછાડીએ અગર ખરી દૂંટીનો નિસાસો નાખીએ ત્યારે લક્ષમાં રહેવું જોઈએ કે અસહકાર સાથે સરકાર તરફથી સંભવિત વ્યક્તિગત અને સંસ્થાગત આર્થિક લાભ જતો કરવાની વાતમાં એક લડતમુદ્દો (જાતે ઘસાવાનાં તપ અને તિતિક્ષા) પડેલ છે તે પડેલ છે.

પરિષદધુરીણો પૈકી ક્વચિત મોળા ને મોડા પડ્યાની છાપ (અને ફરિયાદ) સાથે તત્ત્વતઃ અસંમત જરૂર ન થઈએ; પણ ઊલટ પક્ષે સદ્‌ગત વિનોદ ભટ્ટ સહિતના જે મિત્રોએ ૨૦૧૫થી અકાદમી જોડે રહેવાપણું જોયું અને ૨૦૧૭માં પેરેશુટ પ્રમુખની પાયરીએ આવેલા વિષ્ણુ પંડ્યાએ લેખકોની બેઠક - સ્વાયત્તતાની ચર્ચા નહીં એવા, શું કહીશું, ‘ફતવા’(?) સાથે - બોલાવી તે પછી પણ લાંબા સમય સુધી અકાદમીના માર્ગદર્શક કે કારોબારી સભ્ય તરીકે જેમણે સંકળાઈ રહેવું પસંદ કર્યું એમને વિશે શું કહીશું ? ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ મોડેથી છૂટાં જરૂર થયાં પણ એમણે કોઈ સહવિચારસામગ્રી સાહિત્યસમાજવગી કર્યાનું જાણમાં નથી. સુમનભાઈએ થોડોક ઇશારો કર્યો છે પણ પેરેશુટ પ્રમુખ પ્રણાલિ સાથેના લાંબા સંધાન સબબ સાહિત્યસમાજની અપેક્ષા એમની કને સમજૂતની રહે જ છે. અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ લેખકોની સભામાં આ ચર્ચાને આગોતરો નિષેધ ફરમાવ્યો હતો અને આગળ ચાલતાં એમ કહ્યું હતું કે તેઓ નિરંજન ભગત, રઘુવીર ચૌધરી અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા પ્રબુદ્ધો સાથે વ્યક્તિગત ચર્ચા માટે તૈયાર છે. ભાઈ, સ્વાયત્તતાને મુદ્દે આ સન્માન્ય પ્રતિભાઓની અધિકૃત ભૂમિકા ‘નિરીક્ષક’ તંત્રી જેવા અબુધજનથી જુદી નહોતી. સ્વાયત્તતાની ચર્ચાને વિસંવાદ અને વિતંડામાં ખતવતી પ્રતિભાના નેતૃત્વમાં માર્ગદર્શક મંડળમાં હોવું કે કારોબારીમાં હોવું, એ જરી વધુ જવાબદારી માગી લે છે. વચ્ચે નિર્દેશ્યા તે મોડા અને મોળા ઉપરાંત આ જવાબદારોએ પણ સાહિત્યસમાજના મૂંગારાને દૂર કરવામાં સહભાગી થવાપણું છે. ધીરુ પરીખની પાટે આવેલા ટોપીવાળાએ કાર્યકાળ પૂરો થયા પછી પણ, હમણાં મે ૨૦૧૯માં વડાપ્રધાન જોગ પત્ર સહિત એમની સક્રિય સંડોવણી સુરેખ ઉપસાવી છે. સિતાંશુ યશશ્ચંદ્રે તેઓ પરિષદના પ્રમુખ તો શું કોઈ પણ હોદ્દે નહોતા ત્યારે અકાદમી પ્રમુખ જોગ પત્રમાં એક સ્પષ્ટ અભિગમ લીધો હતો, અને હજુ હમણે જ સુરતના સંમેલન/જ્ઞાનસત્ર ટાંકણે પ્રમુખીય વક્તવ્યમાં સ્વાયત્તતા વિશે સ્પષ્ટોદ્‌ગાર કરતાં સંકોચ નહોતો કર્યો.

હવે અધિવેશન, જ્ઞાનસત્ર, પ્રકાશન વગેરે ઉપક્રમોમાં પરિષદ સરકારી સહયોગ વિના ચાલે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત) કે વિદ્યામંદિર (પાલનપુર) જેવી સંસ્થાઓ મોટા પરિષદપ્રસંગ ઉપાડી લે છે ત્યારે રાજસૂય વલણો સામે પ્રજાસૂય પ્રયાસો વિશે જે આશાઅપેક્ષા અને સધિયારો અનુભવાય છે એમાં ઊંજણ વાસ્તે સૌ, રિપીટ, સૌ અક્ષરસેવીઓને દિલી અપીલ : કમસે કમ, સેતુબંધની ખીસકોલી જેટલી તો આપણી હેસિયત હોય જ ને!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 13-14

સુમનભાઈ શાહનો મૂળ લેખ અહીં આ લિંક પરે ક્લિક કર્યે જોઈવાંચી શકાય :

https://opinionmagazine.co.uk/details/4943/aavaa-anasarakhaa-vaataavaranamaam-vivaado--matmataantaro--aavesho-ke-pakshaapakhsee-sambhave-ja-shee-reete?

Category :- Opinion / Literature