વર્ષા સત્રના ચોઘડિયા બજતા સંભળાય છે ત્યારે જ તાકડે રાહુલ ગાંધી દિલ્હીમાં ‘ફોટો ઑપ’ની લાયમાં ફેરિયાઓ અને પાથરણાં બજારની જાહેર ભાળસંભાળ સારુ નીસરી પડ્યા છે એવું કેમ, એવી એક ટિપ્પણી ભા.જ.પ. પ્રવક્તાએ કરી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉ એકબીજા બાબતે આમ કૌતુક કરવાને હકદાર હોઈ શકે છે, પણ નાગરિક છેડેથી આપણે જેમ કૉંગ્રેસના એક આખા દસકા વિશે પૂછવાપણું છે તેમ ભા.જ.પ.ને પણ કહેવું રહે છે કે દિલ્હીમાં એટલે કે કેન્દ્રીય સ્તરે તમે હવે પૂરા એક વરસથી આરૂઢ છો એટલે ફેરિયાઓને લગતા કાયદાની અમલબજાવણી બાબતે તમે જવાબ-દાર તો છો જ.
વર્ષા સત્રમાં તેમ આવતે મહિને પંદરમી ઑગસ્ટના લાલ કિલ્લા સંબોધનમાં સરકારે, ખાસ તો વડાપ્રધાન મોદીએ હવેનાં સપનાં વેચવે માત્ર નહીં અટકતાં વરસનો ધોરણસરનો હિસાબ પણ આપવો રહેશે. લોકસભાની ચૂંટણી આગમચ કેટલાક મહિનાઓમાં નમોએ ડેમેગોગી અને સોફિસ્ટ્રીનો અજબ જેવો મેળ પાડીને વક્તૃત્વકૌશલપૂર્વક ધડબડાટી બેલાશક બોલાવી દીધી હતી. સામે પક્ષે, એમને મૌનમોહનસિંહનો મુદ્દો પણ હંમેશની શબ્દરમત સાથે મળી રહ્યો હતો. આ પૃષ્ઠભૂમાં વિચારીએ ત્યારે પોતાના શાસનકાળના વાસ્તવિક પ્રશ્નો બાબત મોદીનું મૌન એમને એક સવાલિયા દાયરામાં મૂકી આપે છે. સ્વચ્છતા અભિયાનથી માંડીને વિશ્વ યોગ દિવસ તરેહની તંતોતંત ‘ઈવેન્ટ મેનેજમેન્ટ’, પ્રશ્નો ચાતરી ઉફરાટે ચાલતી ‘મન કી બાત’, પ્રચારદિવસો પછી પ્રત્યક્ષ શાસનકાળની તક ને તકાજા સામે ઊણાં એટલે કે બેહદ ઊણાં ઉતરે છે. પ્રચારમાં પરફોર્મન્સથી નભી ગયું પણ શાસનમાં તો કંઠકૌવતથી હેઠે કેડે કાંકરે મેલી ખરેખાત પરફોર્મ કરવું રહે.
આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે લખવી મુદ્દે પાક ઠાગાઠૈયાના હેવાલો સાથે રશિયામાં ભારત-પાક. વડાપ્રધાનોની બેઠકમાં દેખાયેલી ઉઘાડ સંભાવના પાછી પડતી જણાય છે. આમ પણ, મે ૨૦૧૪ પછીનાં મોદી વચનોમાં એવાં પણ ઇંગિતો મળતાં રહ્યાં છે જે કૉંગ્રેસ કે અન્ય સ્રોતથી આવ્યાં હોત તો ભા.જ.પ .શ્રેષ્ઠીઓના વૃંદવાદને એને ઝૂડવામાં કશી કસર રાખી ન હોત. પાકિસ્તાન સાથે અગાઉની સરકારની હર વિનયઅનુનય ચેષ્ટા વખતના એકંદર ભાજપી પ્રતિભાવો આ સંદર્ભમાં સંભારવા જોગ છે. પાકિસ્તાનની આઘાપાછી બાબતે દો ટૂક વલણ બેલાશક અપેક્ષિત છે. પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને પડોશીઓ સાથેની નીતિમાં ખાસ તરેહના રાષ્ટ્રવાદ કરતાં વધુ તો રાજકીય પ્રૌઢિ અને રાજનયિક (ડિપ્લોમેટિક) સૂઝબૂઝની જરૂરત હોય છે એ દૃષ્ટિએ પક્ષે વિચારધારાકીય શોધન અને સંસ્કરણનો અહેસાસ કરાવવો રહે છે. ૨૦૧૪ પહેલાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી રણનીતિમાં આજના એના પી.ડી.પી. સંધાનની કોઈ સંભાવના નહોતી, એ પણ આવું જ એક બુનિયાદી વાનું છે.
૨૦૦૮માં અગમના એંધાણ બોલી જાણનાર રઘુરામ રાજનને હવેનાં વરસોમાં મંદી આવતી વંચાય છે એનો ઉકેલ કંઈ કોર્પોરેટતરફી ઘાંઘાઈમાં કે ડેમેગોગી અને સોફિસ્ટ્રીની તરાહમાં તો હોવાનો નથી. ખબર નથી, પાર્ટી ઑફ ગવર્નન્સ તરીકે ભા.જ.પ. શ્રેષ્ઠીઓ એકંદરે વિચારધારાકીય અભિગમ વિશે આમૂલ પુનર્વિચારને ધોરણે કોઈ ચિંતન બેઠકના મિજાજમાં છે કે નહીં. ૧૯૯૧ની નરસિંહ રાવ – મનમોહન ટીમે જે અર્થનીતિ વિષયક ફેરફારો શરૂ કર્યા તે યુ.પી.એ.-એન.ડી.એ.ના વારામાં કોઈ જ દિલખુલાસ બહસ વગર બરકરાર રહ્યા છે.
સુષમા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ (પક્ષના ત્રણે મોદીસ્પર્ધીઓ, જોગાનુજોગ?) વિવાદના દાયરામાં છે. ત્યારે એની એ જીરણ ગંધારી ક્રિકેટ રાજનીતિ અને બેભથ્થુ, નાણાસ્રોતનો છે કોઈ ઉત્તર મોદી કને, વર્ષારંભે ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 01