આલાપ અડવાણી : ‘હું ખાતરીબંધ કહી શકતો નથી કે દેશમાં કટોકટી પાછી નહીં આવે … નથી નેતૃત્વ, નથી સમર્થ સિવિલ સોસાયટી’
આનંદપુર સાહેબ ખાતે અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે એક મંચ થવામાંથી વસુંધરા રાજેનું ફારેગ રહેવું અને લલિત મોદી સામે સત્તાવાર ‘રેડ કોર્નર’ નોટિસના ભણકારા : લાગે છે, લંડનમાં લ.મો. વિશે, સુષમા સ્વરાજ અને વસુંધરા રાજેની સીધી સંડોવણી સહિતનો જે માહિતી બોમ્બ ફૂટ્યો છે એ હજુ ઘણે આગળ જઈ શકે છે. યોગ દિવસના વૈશ્વિક તામઝામ પછી દેશના વિદેશમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રી બેઉ વિશે અગર તો બેમાંથી એક બાબત મોટા અને માઠા સમાચાર બાબત દેશ જનતાએ તૈયાર રહેવું પડે એવા સંકેતો પણ મળી રહ્યા છે.
આ ઘટનાક્રમને બેશક ભા.જ.પ.ના આંતરકલહથી માંડીને એકથી વધુ રીતે ઘટાવી શકાય. જ્યાં સુધી ભ્રષ્ટાચારનો સવાલ છે, વસુંધરા રાજેના સાંસદ પુત્ર દુષ્યન્ત સિંહની કંપનીના દસ દસ રૂપિયાના શેરો, શેર દીઠ 96,000 રૂપિયાથી વધુ કિંમતે ખરીદવામાં પ્રગટ થતી લલિત કલા વિશે શું કહેવું. લલિત મોદીને ચોક્કસ પ્રકારનું ક્લીઅરન્સ આપવા સારુ વિદેશમંત્રી સુષમા સ્વરાજે દાખવેલી સક્રિયતા વિશે શું કહેવું. ટૂંકમાં લ.મો. આપણે સારુ ‘લેટન્ટ’ (વણજાણ્યું) એમને સારુ ‘પેટન્ટ’ (ખાસંખાસ) હશે.
વાત કદાચ આટલેથી અટકીયે ગઈ હોત, અને રાંક બાપડું નાગરિકડું – એનું ગજું કેટલું – એકમ પર દસવીસપચીસ મીંડાં ચડાવીને ભ્રષ્ટાચારની કલ્પનાના બોજ તળે જેમતેમ ચંપાઈ રહ્યું હોત. પણ લલિત કલાનું આ રહસ્યોદ્દઘાટન એની સાથે અડવાણીના આલાપનોયે જોગાનુજોગ લેતું આવ્યું છે. કટોકટી રાજના ચાર દાયકે વધુ એકવાર કટોકટીના ભણકારા સાંભળતા અડવાણી, એમની લાંબી કારકિર્દીના ઉજાસમાં, દેખીતી મર્યાદાઓ છતાં બેલાશક ધ્યાનાર્હ અનુભવાય છે. ત્યારે જેમ સંજય ગાંધી, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બંસીલાલ અને ઓમ મહેતા આદિનો હશે તેમ આજે એક છેડેથી લલિત મોદી તો બીજે છેડેથી અમિત શાહનો ચોક્કસ જ દબદબો છે. અડવાણીએ ખાસા ખૂલીને સંકેતો આપ્યા છે. માત્ર, ઇન્દિરા ગાંધીના હાલના પેરેલલનું નામ પાડવાનું જ બાકી રાખ્યું છે.
દેશમાં લોકશાહીની ગાડી પાટેથી ખડી પડી હતી એ ગાળાનાં વર્ષો કેવાં હતાં? આપણા એકના એક અરુણ શૌરિએ – વન્સ અપોન અ ટાઈમ અરુણ શૌરિએ – ક્યારેક સોજ્જો પ્રયોગ કીધો હતો કે લોકને ગજવે ઘાલીને ચાલતી આ રાજવટનો રવૈયો આખો રાજ કેમ જાણે પદરનો ગરાસ હોય એ તરાહ, એ તાસીર અને એ તરજ ઉપર છે … સ્ટેટ એઝ પ્રાઈવેટ એસ્ટેટ! વસુંધરાના આગલા કાર્યકાળમાં રાજે-મોદી બેઉ પોતપોતાને છેડેથી રાજસ્થાનને પદરની ગરાસગાય પેઠે નિરાંતવાં દોહી શકતાં હતાં, બેહિચક – બેઝિઝક.
1975માં જાહેર કરાઈ હતી તે રીતે વિધિવત્ ફરીને આંતરિક કટોકટીની જાહેરાત દેખીતી તો શક્ય નથી. ઇન્દિરા ગાંધીએ કરેલી બંધારણીય તોડમરોડને ટૂંકજીવી પણ તેજસ્વી જનતા સરકારે ખાસી દુરસ્ત કરેલી છે. પણ બંધારણીય જોગવાઈઓથી ઉફરાટે અધિકારવાદી માનસિકતા અને સરકાર માત્રની પ્રકૃતિગત લચક તો બદલી શકાતાં નથી. તે વખતે જો રાજને પદરનો ગરાસ બનાવી શકતી માનસિકતાને સમાજવાદના ખરાખોટા અંજીરપાંદની સુવિધા હતી તો નવી આર્થિક નીતિમાં સત્તા-પ્રતિષ્ઠાન અને કોર્પોરેટ ગૃહો સારુ લાલ જાજમનો માહોલ છે.
કથિત કડક કાયદાવાદ અને ઉગ્ર એટલા જ હિંસ્ર અને સંકીર્ણ રાષ્ટ્રવાદના રેણ રસાયણ સાથે નવી આર્થિક નીતિનો જોગસંજોગ રચાય તે પછી વિધિવત્ કટોકટી જાહેર કરો તો પણ શું અને ન કરો તો પણ શું. અડવાણીએ હાલના નેતૃત્વમાં ‘મેચ્યોરિટી’ જોયા છતાં પોતાની આશંકાઓ બરકરાર રાખી છે એનો ખુલાસો કદાચ વર્તમાન નેતૃત્વમાં યથાપ્રસંગ ‘માય વે ઓર હાઈવે’(‘મારે કહ્યે હીંડ નહીં તો રસ્તે પડ’)નાં જે દર્શન એમના સહિત અનેકને થયાં છે એમાં પડ્યો છે. કેજરીવાલે અડવાણીની ફિકરને ટિ્ટવરટેકો કરતાં સૂર પુરાવ્યો છે કે એમની સરકાર સાથે કેન્દ્ર સરકારનો રવૈયો રાજને ખાલસા કરતા અધિકારવાદ ભણીના એક પ્રયોગનો હોઈ શકે છે.
અડવાણીનાં અવલોકનો ન તો અસ્થાને છે, ન તો અસમય છે. બહુ ગાજેલા ગુજરાત મોડલમાં કેશુભાઈ પટેલે એક કાળે ‘મિની ઈમરજન્સી’ જોઈ હતી. ત્યારે, જો કે, અડવાણી ‘ઘીના ઠામમાં ઘી’ની વહેવારડાહી ઘાટીએ વિચારતા હતા. એમને કોઈ ડહાપણનો ડામ દેવાની રીતે નહીં પણ સમજવાની રીતે આ સંભારી આપવાનો આશય એ છે કે ભા.જ.પ.ના પોતાના વિચારધારાવાદમાં અધિકારવાદી માનસિકતાને માટે ખાણદાણ પડેલ છે તે પાસું એમના પુનર્વિચારમાં ખૂટે છે. કોંગ્રેસે કટોકટી કાંડ બાબતે નિર્મમ આત્મપરીક્ષણનું અને ખુલ્લા દિલની ક્ષમાપ્રાર્થનાનું વલણ દાખવ્યું નથી એવી એમની ટિપ્પણીમાં જરૂર દમ છે.
માત્ર, 1992 અને 2002ના સંદર્ભમાં પણ આત્મપરીક્ષણ તેમ જ ક્ષમાપ્રાર્થનાની અપેક્ષા અનિવાર્યપણે રહે છે. અડવાણીએ ભાગલામાં ‘બ્રિટિશ સામ્રાજ્યવાદનો અપરાધ’ જોયો છે, અને કટોકટીમાં ‘આપણો’. કબૂલ, ત્રિવાર કબૂલ. પણ સામ્રાજ્યવાદને હિંદુ અને મુસ્લિમ છેડાઓથી અલગતાવાદનો જે સથવારો મળી રહ્યો હતો એનું શું. અને હા, તમે આજના દિવસોમાં સિવિલ સોસાઈટી – નાગરિક સમાજ પર મદાર બાંધો છો અને તે ઊણો ઊતર્યાની ફરિયાદ કરો છો. પણ તમારી સરકારોને સિવિલ સોસાઈટીની દાઝ જાણતી કરો તો શાણા બકું …
દરમિયાન, લલિત કલા વરતે સાવધાન!
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 જૂન 2015