કપાસીસાહેબ, હિમ્મતભાઈ કપાસી. અમદાવાદના કલાજગત તથા શિક્ષણજગતનું એક આગવું અને અનોખું નામ. પોતાનું સંપૂર્ણ જીવન સંગીત, સિનેમા, નાટક અને શિક્ષણના વિકાસ માટે ચુપચાપ મથતો રહેતો એ જીવ. એક એવું વ્યક્તિત્વ જેણે નાના-મોટા કે ઊંચ-નીચના ભેદભાવને કદી ઓળખ્યો જ નહોતો. તેમની શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલનો વિદ્યાર્થી હોય કે ઊગતો કલાકાર, તે હંમેશાં તેની સાથે મિત્રવત્ વર્તન જ કરતા. ‘સપ્તક’ (રાષ્ટ્રીય સ્તરનો સંગીત-સમારોહ), ‘ન્યુ ફિલ્મ સોસાયટી’, ‘આકંઠ સાબરમતી’ (નાટ્યસર્જકોની પ્રયોગશાળા) જેવી અમદાવાદના કલાજગતને ‘આધુનિકતા’ તરફ લઈ જનારી અવિધિસરની સંસ્થાઓના એક સ્થાપક સ્થપતિ. અલબત્ત, આમ અમદાવાદીઓ માટે એમનું નામ હંમેશાં અજાણ્યું જ રહ્યું, કેમ કે – તેઓ હંમેશાં પાયાનો પથ્થર રહેતા, ઇમારતનું શિખર કદી નહીં. એ સાર્થક રીતે એક આધુનિક માણસ હતા અને સમાજમાં આધુનિકતા આવે, પ્રસરે તે માટે સતત મથામણો કરતા.
મારો એમની સાથેનો પ્રારંભિક પરિચય શરૂ થયો, ૧૯૭૦ના જૂનમાં. મેં આઠમા ધોરણમાં તેમની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. હું સવારની પાળીમાં અભ્યાસ કરતો હોવાથી આખું વર્ષ એમને માત્ર પ્રિન્સિપાલસાહેબ તરીકે જ ઓળખતો રહ્યો. વર્ષાંતે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતનો પ્રવાસ આયોજિત થયો. આઠમા ધોરણમાંથી અમે માત્ર બે જ વિદ્યાર્થી સામેલ હતા, જ્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓ ૯-૧૦-૧૧ ધોરણના હતા. પ્રવાસ માટે રેલવેની એક બોગી બુક થઈ હતી. દર-દસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક એમ કુલ પાંચ ટુકડીઓ પાડવામાં આવેલી અને દરેક ટુકડીને એક-એક કમ્પાર્ટમેન્ટમાં વહેંચી દેવાયેલ. હું કપાસીસાહેબની ટુકડીમાં નહીં. શ્રીનગરમાં અમારે દસ દિવસ મિલિટરી હૉસ્ટેલમાં રહેવાનું હતું. એક રાત્રે મનોરંજના કાર્યક્રમ યોજાયો. હું અત્યંત ગભરુ અને શરમાળ પ્રકૃતિનો હતો, પરંતુ મને જોક્સ રજૂ કરતા આવડે. એ રાત્રે કાર્યક્રમમાં અણધારી રીતે હું છવાઈ ગયો. એ સમયે કપાસીસાહેબ તો ત્યાં ઉપસ્થિત નહોતા, પરંતુ અમારા શિક્ષકોએ શક્ય છે કે એ સંદર્ભે વાત કરી હોય. પઠાણકોટથી પરત ફરતાં બીજા દિવસે એમણે મને એમના કમ્પાર્ટમેન્ટમાં બોલાવ્યો અને મારી સાથે મિત્રવત્ વાતો શરૂ કરી. પ્રવાસ વિશે, મારા રસરુચિ વિશે, ઇતિહાસ વિશે વગેરે. લગભગ બેથી ત્રણ કલાક એમણે મારી સાથે ગોઠડી કરી. આ મારા એમની સાથેના ઘનિષ્ઠ પરિચયની શરૂઆત.
નવમા ધોરણથી તો હું પણ બપોરની પાળીમાં આવી ગયો. નવમા-દસમા દરમિયાન તેઓ પ્રત્યક્ષપણે તો નહોતા ભણાવતા, પણ સતત સંપર્કમાં રહેતા. સ્કૂલમાં દર અઠવાડિયે એકાદ વિષયની પચીસ માર્કની પરીક્ષા લેવાતી. એક શનિવારે અંગ્રેજીની પરીક્ષા હતી. હું આંખમાં ઇન્ફેક્શનને કારણે ગેરહાજર રહ્યો. સોમવારે અંગ્રેજીના શિક્ષકે પરિણામ જાહેર કર્યું. હું ગેરહાજર હોવા છતાં એમણે મને શૂન્ય માર્ક મળ્યાની જાહેરાત કરી. મેં વર્ગમાં ઊભા થઈને વિરોધ કર્યો. તેઓ મને એલફેલ સંભળાવવા માંડ્યા અને પછી મને વર્ગમાંથી બહાર ઊભા રહેવાની શિક્ષા કરી. હું બહાર ઊભો હતો અને કપાસીસાહેબ પ્રિન્સિપાલ તરીકે રાઉન્ડ પર આવ્યા. મને બહાર ઊભા રહેવાનું કારણ પૂછ્યું, મેં વિગતે વાત કરી. પિરિયડ પૂરો થયા પછી એમણે મને અને પેલા શિક્ષકને એમની કૅબિનમાં બોલાવ્યા. મારી અને શિક્ષકની રજૂઆતો શાંતિથી સાંભળી અને પછી મારી ઉપસ્થિતિમાં જ શિક્ષકને એમણે એમની વર્તણૂક માટે ઠપકો આપ્યો.
નવમા ધોરણના અંતે ફરીથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો અજન્તા-ઇલોરા, નાસિક-ત્ર્યંબક, અહમદનગર વગેરે સ્થળોનો. આ વખતે પ્રવાસ માટે બસ બુક થઈ હતી. હું સૌથી આગળની સીટ ઉપર બારી પાસે બેઠો હતો. કપાસીસાહેબ મારી સામેની સીટ ઉપર બેઠા. સાત દિવસના એ પ્રવાસમાં એ વાતો મજાક કરતાં કરતાં મારું અવિધિસરનું શિક્ષણ પણ કરતા રહ્યા. મહારાષ્ટ્રમાં ફરતાં એક દિવસ અચાનક એમણે મને પૂછ્યું, ‘હિરેન, ગુજરાતની ગાયો અને મહારાષ્ટ્રની ગાયો વચ્ચે શું-શું તફાવત છે? બારીમાંથી ગાયોને ઑબ્ઝર્વ કર, સાંજે મને કહેજે.’ મને અજાણપણે જ શીખવા મળ્યું કે શૈક્ષણિક પ્રવાસ માત્ર જાણીતાં સ્થળો, ઇમારતો માટે જ નથી હોતો, વિવિધ સ્થળોની પ્રકૃતિ, સંસ્કૃિત અને જીવનને સમજવા માટે પણ હોય છે. ત્યાર પછી તો હું શાળા – શિક્ષણ સમાપ્ત કરી કૉલેજમાં અભ્યાસ કરવા માંડ્યો. બી.કૉમ.ની સાથે ડિપ્લોમા ઇન ડ્રામા પણ પૂરું કર્યું.
ડ્રામા ડિપ્લોમા ૧૯૭૫માં પૂર્ણ કરી ‘દર્પણ’ અકાદમીમાં કલાકાર તરીકે જોડાયો. છએક મહિનામાં બે-ત્રણ નાટકોમાં અભિનય કર્યો, પરંતુ મારા વિદ્રોહી વ્યક્તિત્વને કારણે ત્યાંના સંચાલકો કૈલાસભાઈ પંડ્યા અને દામિનીબહેન મહેતાએ મને દિવાળી પછી હળવેકથી ‘આકંઠ સાબરમતી’તરફ રવાના કર્યો. ‘આકંઠ’ એ મધુ રાય, સુવર્ણા રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, કપાસીસાહેબ વગેરે નાટ્યલેખકોએ શરૂ કરેલી એક અનોખી નાટ્યપ્રયોગશાળા હતી, જ્યાં અઠવાડિયામાં બે દિવસ રાત્રે શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં એ નાટ્યલેખક મિત્રો મળતા. કોઈ લેખકને કોઈ પણ તુક્કો આવે, તો એ મિત્રો વચ્ચે મૂકતા અને મિત્રો એ તુક્કા ઉપર ઊભા થઈ અલગ-અલગ પાત્રો બની નાટક બનાવવા મથતા. હું તો લેખક નહોતો, અભિનેતા હતો. વળી, એ સૌ સર્જકોનાં સંતાનોની ઉંમરનો. એમને તો મારી સાથે ગમ્મત પડવા લાગી. મને પણ મઝા પડતી. તે ગાળામાં કપાસીસાહેબ સાથેની મિત્રવત્ ઘનિષ્ઠતા વધવા માંડી. મારી સાથે સિગારેટથી માંડીને સિનેમાઓ વિશે શેરિંગ કરતા. વર્લ્ડ સિનેમાના તેઓ ખાસ્સા જાણકાર. અમે અમદાવાદની ‘તરંગ’ ફિલ્મ સોસાયટીના પણ સભ્ય, એટલે કોઈ પણ ફિલ્મ જોયા પછી અમે સાથે ગલ્લા ઉપર ચા-સિગારેટ પીતાપીતા ફિલ્મ વિશે રાત્રે બેએક વાગ્યા સુધી ચર્ચાઓ કરતા. ત્યાર પછી ‘તરંગ’ બંધ થતાં એમણે અને એક સિનેરસિક ગિરાબહેન દારૂવાલાએ સાથે મળી ‘ન્યૂ ફિલ્મ સોસાયટી’ શરૂ કરી. એ સોસાયટી દસેક વર્ષ સુધી ધમધમતી રહી. અમદાવાદની સિનેરસિક જનતા માટે એ એક અનોખી સોસાયટી હતી જ્યાં વિશ્વના નીવડેલા ફિલ્મ-દિગ્દર્શકોની ફિલ્મોના ‘ફૅસ્ટિવલ્સ’ યોજાતાં.
‘ન્યૂ ફિલ્મ સોસાયટી’ માત્ર ફિલ્મો બતાવતી. અમને (મને, સાથી સરૂપ ધ્રુવને અને અમારા મિત્ર મનીષી જાનીને) લાગતું કે આવી સુંદર ફિલ્મો અને ફિલ્મ ફૅસ્ટિવલ્સ પછી ફિલ્મ સોસાયટી દ્વારા વર્ષમાં બે-ત્રણ વાર એના વિશે સભ્યો વચ્ચે વિગતવાર ચર્ચાસભાઓ પણ યોજાવી જોઈએ. અમે રજૂઆત કરી. કપાસીસાહેબ સૂચન સાંભળતાં જ ખડખડાટ હસી પડ્યા. કહે કે ‘કોઈ સભ્ય આવશે નહીં’. પણ અમે જીદ કરી. એમણે ગોડાર્ડની ફિલ્મોના ફૅસ્ટિવલ પછી ચર્ચાની જાહેરાત કરી. સ્થળ હતું શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ. ચર્ચાસભાના દિવસે અમે પાંચ જ જણ હાજર. કપાસીસાહેબ – ગિરાબહેન અને અમે ત્રણ. અમે કલાકેક વાતો કરી, પણ અન્ય કોઈ ન આવ્યું. છેવટે એમણે મરકાતાં – મરકાતાં સ્કૂલની સામેની ડેરીમાંથી દૂધનો હલવો મંગાવી અમને ખવડાવ્યો અને અમારી જીદની અને માણસ પારખવાની એમની જીતની ત્યાં જ પૂર્ણાહુતિ થઈ ગઈ.
‘આકંઠ’માં એક વાર થોડા મોડા આવ્યા. અમે એક લીલાનાટ્ય વિકસાવવા મથતા હતા. આવીને ખુરશી ઉપર બેઠા. સિગારેટ સળગાવી અને હળવેકથી ચપટી વગાડી બોલ્યા, “બાકી સ્વિચ ઑફ જ થઈ ગઈને!” અમને કાંઈ ન સમજાયું. બધા એમની સામે જોઈ રહ્યા. પછી ગંભીરતાથી બોલ્યા, ‘મારાં બા (મમ્મી) આજે બપારે ગુજરી ગયાં’. અમે સૌ સ્તબ્ધ. પછી કહે, ‘એ તો એમનું કામ કરીને ગયાં, આપણે આપણું ચાલુ રાખવાનું’. યુવાવયે જ જીવનની કઠોર ઠોકરોએ એમને ત્યાં સુધીમાં કઠોરમાં કઠોર વાસ્તવિકતાઓને સહજપણે સ્વીકારી લેતાં શિખવાડી દીધું હતું.
એક વાર, અમદાવાદમાં પ્રખ્યાત સિતારવાદક નિખિલ બૅનર્જીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. મને કહે કે – ‘ચાલ, મારી સાથે ટેસડો પડી જશે’. મારે ને સંગીતને બારમો ચંદ્રમા. મેં ખૂબ ના પાડી, પણ મને પરાણે લઇ ગયા. લગભગ કલાકેક પછી નિખિલજી અટક્યા. મને એમ કે – ‘હાશ, પૂરું થયું’. મેં ઊભા થવા માંડ્યું. એમણે હાથ પકડીને બેસાડી દીધો. મને કહે, ‘હજુ તો હવે જ ‘રાગ’ની શરૂઆત થશે. આ તો હજી પંડિતજીએ રાગની ભૂમિકા જ બાંધી છે’. હું નાછૂટકે ડાફોળિયાં મારતો બેસી રહ્યો.
‘આકંઠ’ બંધ થયા પછી અમારો રૂબરૂ સંપર્ક ખાસ્સો ઓછો થઈ ગયેલો. પણ એક અંતિમ નોંધપાત્ર પ્રસંગ આજે જ્યારે દેશ ‘હિન્દુત્વવાદી ફાસીવાદ’ના ઓછાયાથી અંધકાર ભણી ધસી રહ્યો છે, ત્યારે મને કપાસીસાહેબના સંદર્ભે અચૂક યાદ આવે છે. ૨૦૦૨નો જનસંહાર લગભગ એની સમાપ્તિ તરફ જઈ રહ્યો હતો. મેં, સરૂપબહેન અને સાથી વિલ્ફ્રેડે ૨૫ જૂનના ‘કટોકટી’ના દિવસે દેશભરમાંથી અત્યંત જાણીતા જનવાદી કવિઓને આમંત્રિત કરી ‘કવિસંમેલન’નું આયોજન કર્યું હતું. એચ.કે. કૉલેજના ઑડિટોરિયમમાં સાંજે એ સંમેલન, જેનું નામ અમે આપ્યું હતું, ‘મૌત કે ખિલાફ કવિતા, ખૌફ કે ખિલાફ કવિતા’. કપાસીસાહેબને રાજકારણ સાથે રજમાત્રનો સંબંધ નહીં, પરંતુ કલા સાથે એટલો ગાઢ સંબંધ કે સમયસર કવિસંમેલનમાં ઉપસ્થિત થવા આવી ગયા. હું અને સરૂપબહેન તો મૂઢ! એમણે આખું કવિ સંમેલન માણ્યું અને પૂરુ થતાં મળીને કહેતા ગયા, ‘આજના વાતાવરણમાં તમે આ ઉત્તમ આયોજન કર્યું. ખૂબ-ખૂબ અભિનંદન’. વર્ષોના પરિચય પછી મારા માટે એમના વ્યક્તિત્વના આ પાસાનો એ પહેલો પરિચય હતો.
મોજીલા કપાસીસાહેબની ભાષા પણ તદ્દન આગવી. એમણે લખેલ એક એકાંકીમાં એક સંવાદ આવે, ‘અલમસ્ત કૂવો’, સિગારેટ લાવવી હોય તો કહે, ‘એક પ્રત લઇ આવ’. તેઓ અમદાવાદના કલાજગતના મહાનુભાવો માટે બોલતા, ‘બાકી જોવાલાયક જગ્યા’. મારી દૃષ્ટિએ તો કપાસીસાહેબ પોતે જ વાસ્તવમાં ‘અમદાવાદની જોવાલાયક જગ્યા’ હતા. એમના મૃત્યુના સમાચાર મળતાં જ મેં અને સરૂપબહેને શેર કર્યું – ‘અમદાવાદના શિક્ષણ અને કલાજગતનો એક યુગ બાકી સમાપ્ત જ થઈ ગયોને’.
અલવિદા કપાસીસાહેબ! દસ્યૂદાન્યા!
E-mail : darshan.org@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 12-13