ભારતભૂમિમાં સૌથી પહેલો સૂરજ ઊગે એ ઉત્તર પૂર્વ પ્રદેશની એ કન્યા, પણ જ્યાં છેલ્લો પશ્ચિમ આથમે તે ગૂજરાતનાં અનેક મિત્રો સાથે એનો હાર્દિક ઘરોબો. નામ એનું લક્ષ્મી ફૂકન. સદાય હસતી-હસાવતી, પ્રસન્નવદના, હસમુખી આસામકન્યા.
આસામ પ્રદેશમાં સ્ત્રી-જાગૃતિનું જે પ્રમાણ છે તે ભારતમાં બીજે ક્યાં ન જડે. આસામની સ્ત્રીશક્તિની ખૂબી એ કે સાર્વજનિક સેવાના કામમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે. આવું થવાનો પ્રથમ જશ મા કસ્તૂરબાને અને બીજો જશ આસામની પ્રભા સમાન અમલપ્રભા બાયદેવને ! અખિલ ભારતીય કસ્તૂરબા ટ્રસ્ટના નેજા હેઠળ આસામમાં જે નારી-જાગરણનું કાર્ય થયું, તેવું બીજે ક્યાં ન થયું. આપણી લક્ષ્મી પણ આ જ મોસમનો ફાલ. મૂળ વતન દિબ્રૂગઢ જિલ્લાનું નાનકડું ગામ. ૧૯૩૨માં પિતા નવીનચંદ્ર તથા માતા યોગેશ્વરીને ત્યાં જન્મ. સરહદી વિસ્તાર, સૈનિકોની સતત અવરજવર રહે, એટલે છોકરીઓ માટે નિશાળની દિશા બંધ ! પરંતુ ઘરમાં જ, આસામની સંસ્કૃિતના અધિષ્ઠાન સમું ‘નામઘર’ ચાલે, એટલે ભક્તિના સંસ્કાર સહજ લોહીમાં જ વહેતા થાય. તદુપરાંત, આસામમાં ઘેરઘેર ચાલતો રેશમના કીડાના ઉછેરનો ગૃહોદ્યોગ અને ઘરમાં જ વસ્ત્રો વણી આપતી સાળ – આ કબીરાઈ વારસામાં જ મળી. ભલે નિશાળે નહીં, પણ આસામની ગાંધીકન્યા અમલપ્રભા બાયદેવ પાસે તો કોઈ પણ કન્યાને મોકલી શકાય. આપણી લક્ષ્મી પણ એ રીતે કસ્તૂરબાની છત્રછાયામાં પહોંચી ગઈ. આરંભે ગૌહાટીના શરણિયા આશ્રમમાં ચણતર-ઘડતર થયું, પછી પહોંચી ગઈ દૂર-સુદૂરના કોઈ નાનકડા ગામમાં, જ્યાં બાળકો-સ્ત્રીઓથી માંડી સમગ્ર ગ્રામસેવાનો મોરચો સંભાળ્યો.
પણ વિધાતા કોને કહેવાય ? માણસને ક્યાંથી ઉપાડી ક્યાં પહોંચાડી દે ! ૧૯૬૨માં વિનોબાની પદયાત્રા આસામમાં પહોંચી અને યાત્રીદળમાં જોડાયેલી, પદયાત્રાની છેલ્લી હરોળમાં ચાલતી આ લક્ષ્મી ક્યારે આગળ આવી, વિનોબાનો હાથ પકડી, પદયાત્રા કરતાં કરતાં વિનોબા પાસેથી મરાઠી ગીતાઈના શ્લોક શીખવા માંડી, તે ખબરે ય ના પડી. હજુ તો એને પૂરું હિન્દી પણ આવડતું નહોતું, પણ વિનોબાએ એક કાંકરે બે પક્ષી સાધ્યાં. ગીતાનો સ્વાધ્યાય તો ખરો જ, સાથે ભારતની એક ભાષા-મરાઠીનું શિક્ષણ ! વિનોબા કહેતા – રાષ્ટ્રીય એકતા માટે દરેકે માતૃભાષા ઉપરાંત ભારતના અન્ય પ્રદેશની કોઈ ભાષા શીખવી જોઈએ.
વિનોબાજીની પદયાત્રા આસામમાં બે અઢી વર્ષ ચાલી, તે દરમ્યાન ભૂદાન-ગ્રામદાનનું કામ તો થતું રહ્યું, પરંતુ વિનોબાના સર્વોદય એજન્ડામાં બીજું ઘણું બધું સમાવાતું હતું. રાજસ્થાનની પદયાત્રા દરમ્યાન, ૧૯૫૯માં ‘બ્રહ્મવિદ્યા-મંદિર’ની સ્થાપના દ્વારા સેન્ટ્રલ-પાવર-હાઉસ સમા આશ્રમની સ્થાપનાનું કામ પણ આરંભાયું. ઇન્દોરમાં ‘વિસજર્ન આશ્રમ’ સ્થપાયો અને હવે વારો આવ્યો આસામનો. આસામની એક વિશેષતા આ કે તે સમસ્ત રાષ્ટ્રની પૂર્વીય સરહદનો ભૂભાગ હતો. એટલે ભારત-ચીનની સરહદે, શિવસાગર જિલ્લાના લખીમપુર વિસ્તારમાં પદયાત્રા દરમ્યાન, સમસ્ત વિશ્વને મૈત્રીનો સંદેશ આપતા ‘મૈત્રી-આશ્રમ’ની સ્થાપના કરી, જેના મંત્ર-તંત્ર, ઉદ્દેશ-કાર્યક્રમ બધું જ એક માત્ર मैत्री – ભગવાન બુદ્ધને સાંપડેલી પ્રથમ સંબોધિ.
મૈત્રી-આશ્રમમાં સદસ્યારૂપે પણ ત્રણ બહેનોની વરણી થઈ, જેમાં ગુણદા-બાયદેવ ઉપરાંત લક્ષ્મીનો પણ સમાવેશ થયો. ત્રીજી સદસ્યા, વિનોબાએ પોતાના તરફથી પ્રતિનિધિ રૂપે કુસુમ દેશપાંડે પર કળશ ઢોળ્યો અને ત્રણેયનું સંયુક્ત નામ – गुकुल રાખ્યું. ત્યાંથી વિનોબાને પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) જવાનું થયું. મૈત્રી આશ્રમ હજી પા પા પગલી ભરી રહ્યો હતો, ત્યાં નિયતિએ લક્ષ્મીની ભાવિ દિશા ફરી પાછી બદલી. રાષ્ટ્રીય એકતાના અનુસંધાને વિનોબાનું સતત ચિંતન-મનન ચાલતું રહ્યું અને એમણે એક કાંકરે બે પંખીને સાધવા ‘અખિલ ભારત મહિલા પદયાત્રા’નો વિચાર મૂક્યો. મહિલા પદયાત્રા એટલે સ્ત્રી-શક્તિ-જાગરણનું કાર્ય તો થાય જ, તદુપરાંત, ઠેઠ આસામ પ્રદેશની બહેનો ભારતભરમાં બાર-બાર વર્ષ સુધી અખંડ પદયાત્રા કરતી રહે અને લોકોને સર્વોદયનો સંદેશો આપતી રહે, એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જૈન સાધ્વીઓ એક-બેની મંડળીમાં વચ્ચે વચ્ચે પદયાત્રા કરતી રહે, પરંતુ આ તો અખંડ બાર વર્ષની વાત અને સર્વોદય વિચાર પ્રચારના ઉદ્દેશમાં રાષ્ટ્રીય એકતા, સર્વ-ધર્મ સમન્વય, સ્ત્રી-શક્તિ-જાગરણ જેવા મુદ્દા સમાવી યાત્રાને નામ આપ્યું – અખિલ ભારત મહિલા લોકયાત્રા.
યાત્રાનો શુભારંભ માતા કસ્તૂરબાની સ્મૃિતમાં ૧૯૬૨માં કસ્તૂરબાગ્રામ-ઇન્દોરથી જ થયો અને યાત્રાનું સુકાન સોંપાયું – લક્ષ્મી તથા હેમા ભરાલી બાયદેવને. હેમાબહેન આસામનાં ધૂંવાધાર મિજાજનાં અગ્રગણ્ય સેવિકા હતાં, અમલપ્રભા બાયદેવના જમણા હાથ સમાં. આવડી મોટી જવાબદારી નિભાવી શકે તેવાં ખમતીધર. ઇન્દોરના શુભારંભે જ બીજી બે બહેનો જોડાઈ. પંજાબનાં નિર્મલ વેદ અને ઇન્દોરનાં શ્રીદેવી રિઝવાની – આમ, લોકયાત્રામાં ભારતના વૈવિધ્યનું પ્રતિનિધિત્વ પ્રગટ થયું અને ઇતિહાસની એક અજોડ અભૂતપૂર્વ ઘટનાનો મંગળ આરંભ થયો.
બાર-બાર વર્ષ કાંઈ નાની સૂની વાત નથી. હિમ-આતપ-વર્ષાના માર-પ્રહાર ઝીલતી, લોકોના કાને સર્વોદય-વિચારનો સંદેશો પહોંચાડતી ભારતના ચારે ય ખૂણે ફરતી રહી. ભારતના ભવ્ય ઇિતહાસમાં સીતામૈયા-લક્ષ્મણ સાથે રામજીએ ચૌદ ચૌદ વર્ષનો વનવાસ માણ્યો, શંકરાચાર્ય જેવા પ્રકાંડ પંડિતે ભારતના ચારે ય ખૂણે પહોંચી શંકર-મઠની સ્થાપના કરી. આધુનિક કાળમાં વિનોબાની તેર વર્ષ અને તેર માસની સમસ્ત ભારતભરમાં પદયાત્રા થઈ. પરંતુ આ ‘મહિલા લોકયાત્રા’ ‘એકમેવ અદ્વિિતયમ્’ હતી. આ યાત્રા દરમ્યાન, વિશાળ ભારત દેશના અનેક પ્રકારના વૈવિધ્યનાં દર્શન તો થયાં જ, અનેક ભાષાઓ શીખવા-સમજવા મળી અને મુખ્ય વાત તો એ કે વ્યાપક લોકહૃદય સાથે આત્માનુસંધાન જોડાયું.
પૂરાં બાર વર્ષે, પવનારના બ્રહ્મવિદ્યા-મંદિરમાં આ લોકયાત્રાની પૂર્ણાહુતિ વિનોબાજીના સાંનિધ્યમાં થઈ. એ જ અવસરે, અખિલ વિશ્વ મહિલા સંમેલનનું પણ આયોજન થયું હતું. સમસ્ત ભારતભરમાં વહેતી વહેતી આવેલી એક નદી જાણે મહાસાગરમાં ભળી ગઈ અને જાણે એક ભવ્ય સંગમતીર્થ નિર્માણ થયાનો સૌને અનુભવ થયો.
એક વખતે, પવનારમાં અમે થોડી બહેનો એક ઓટલા પર બેસીને સમી સાંજની થોડી ગપસપ ચલાવી રહી હતી. લક્ષ્મી પણ એમાં હતી, એણે કહેલો એ પ્રસંગ આજે પણ મને યથાતથ યાદ છે, કહે – હજી આશ્રમમાં પાકાં મકાન નહોતાં થયાં, ત્યારની વાત છે. હું આશ્રમના એક ખૂણે બાંધેલી ઘાસફૂસની ઝૂંપડીમાં રહેતી હતી. આમ તો અમે બેત્રણ જણ સાથે હોઈએ, પણ તે રાતે હું સાવ એકલી હતી. હું તો મારો રોજનો સ્વાધ્યાય-પ્રાર્થના વગેરે પતાવી સૂઈ ગઈ. રાત-મધરાત થઈ હશે અને મને ઝૂંપડીની બહાર થોડો સળવળાટ સંભળાયો. થોડી વાર કાન માંડીને સાંભળવાનો પ્રયાસ કર્યો તો લાગ્યું કે બે ત્રણ માણસો છે. થોડી વાર તો હું ગભરાઈ. ગમે તેટલી બૂમો પાડું તો પણ આશ્રમના મુખ્ય ખંડમાં મારો અવાજ પહોંચે તેમ નહોતું. પેલા લોકો હવે ઝૂંપડીને તોડી-ફોડી રહ્યા હતા. નશો કરીને આવેલા, એટલે બોલવાનું ય ઠેકાણું નહોતું. થોડી વાર તો શું કરવું, સૂઝ ન પડી, દિલ તો ધડક ધડક ધડકવા માંડેલું. ‘રામ-હરિ’નો નામ જપ શરૂ કર્યો. બસ, હવે ઝૂંપડીમાં દાખલ થવાય તે ટલી તોડફોડ થવામાં જ હતી, ત્યાં મને અચાનક સૂઝ્યું, ‘‘અરે ! આશ્રમનો ઘંટ તો અહીં જ છે ! ઘંટની દોરી પણ અંદર પડે. તરત હાથમાં દોર લીધો અને હતી તેટલી શક્તિ વાપરીને જોરશોરથી ઘંટ વગાડવા લાગી. શાન્ત-મધરાતે ઘંટનો ટન-ટન અવાજ ચોમેર ફેલાઈ ગયો અને આશ્રમવાસીઓ લાઠી-ફાનસ લઈને આવી પહોંચે એ પહેલાં પેલા નશામાં ચકચૂર આગંતુકો ભાગી ગયા.
આ તો થોડો ખટમધુરો અનુભવ, પણ જ્યારે સરહદના સૈનિકો અવારનવાર મુલાકાત લેતા રહે ત્યારે એમની સાથે ‘યુદ્ધ અને શાન્તિ’ની વાતો કરવાનો અપૂર્વ લહાવો પણ મળતો. એ બધા સશસ્ત્ર સૈનિક, તો આશ્રમમાં અહિંસક શાન્તિ-સૈનિક ! પ્રેમ અને ભાઈચારો એ જ એમનાં શસ્ત્રાસ્ત્ર ! આ નિર્વ્યાજ પ્રેમના બળે તો ઠેઠ પૂર્વની સરહદે વસેલા ‘મૈત્રી આશ્રમ’ની બહેનો સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયે દર વર્ષે રાખડી બાંધતી સહોદરા-સમી બહેનો બની ગઈ હતી. ધોરાજી-ઉપલેટાના કરશનભાઈ વાઘાણીના કુટુંબ સાથે લક્ષ્મી એવી એકરૂપ થઈ ગયેલી કે વર્ષમાં એક વાર તો એને આવવું જ પડે. એ ન આવે તો કરસનભાઈ આસામ પહોંચે – બહેનની ભાળ લેવા ! કરશનભાઈ તો સર્વોદય-પરિવારના, પરંતુ ભાવના-પ્રજ્ઞેશ જેવા સર્વસામાન્ય નાગરિકો પણ દર વર્ષે રક્ષાબંધનની રાહ જુએ ! ‘આર્થિક સહાય’ એ તો નાચીજ બાબત છે. પૂર્વ-પશ્ચિમના સ્નેહ-સખ્યનું જે મીઠું-મધુરું અને મંગળકારી તોરણ બંધાય છે, તેનું જ મહત્ત્વ છે. એક જમાનામાં, સુદૂરપૂર્વની ‘રૂક્ષ્મણી’ દ્વારકાધીશની પટરાણી બનીને ગુજરાતમાં વસે. આ યુગની ‘લક્ષ્મી’ ભગિની બનીને રાખડી બાંધતી રહી.
આવી આપણી એક લાડકી બહેન મે માસની બીજી તારીખે [2016] પૃથ્વી પરથી વિદાય થઈ છે, ત્યારે દેશભરની અસંખ્ય ભાવાંજલિ સાથે ગુજરાતના અનેક સ્નેહી-સુહૃદોની સ્મરણાંજલિ જોડાઈ રહી છે. આમ તો, લક્ષ્મીને છેલ્લાં વર્ષોમાં મધુપ્રમેહનો રાજરોગ લાગેલો અને ઓળખી ન શકાય એ હદે એ કૃશકાય થઈ ગઈ હતી. છતાં ય, શક્ય બન્યું ત્યાં સુધી દર વર્ષે એક વાર પૂ. બાબાની સમાધિ પાસે, પવનારમાં એ આવતી રહી. છેલ્લે-છેલ્લે, મુંબઈ સર્વોદયના શાન્તાશ્રમના તુલસી સોમૈયા એની ખબર કાઢવા પહોંચી ગયેલા. ફોન પર એ કહેતા હતા – ‘બહેન ! છેવટ સુધી એ પૂરા ભાનમાં હતી. બસ, ‘રામ-હરિ’નું રટણ ચાલતું હતું અને અત્યન્ત શાન્તિ-સ્વસ્થ મનોસ્થિતિમાં જ એણે છેલ્લો શ્વાસ મૂક્યો.’
આવી વિશ્વમિત્રા સમી, જીવનના મંગળપથની શ્રેયાર્થી, દેશના પ્રથમ પરોઢનાં કિરણો ઝીલી ઠેઠ પશ્ચિમ સુધી પહોંચાડી ધન્ય થતી રાષ્ટ્ર-લક્ષ્મી આપણી વચ્ચેથી વિદાય થઈ છે ત્યારે એના ચરણોમાં સમસ્ત સુહૃદજનોની શ્રદ્ધાંજલિ સમર્પિત છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જૂન 2016; પૃ. 09-10