સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2017; પૃ. 24
સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2017; પૃ. 24
પ્રિય વિપુલભાઈ,
૨૦૧૭નું વર્ષ શુભ રહે એવી શુભેચ્છાઓ.
ગાંધીજીના કચ્છ પ્રવાસ વિશે મુરબ્બી પ્રભુલાલભાઈ ધોળકિયાએ લખેલી ડાયરી એક ચિરઃસ્મરણીય ગ્રંથ છે. લેખમાં ગુલાબશંકર ધોળકિયા નામ છે તે મારા દાદા ! કાન્તિપ્રસાદભાઈ અંતાણી અને પ્રભુલાલભાઈ અમારા વડીલોમાં ગણાય.
મારાં સદ્દભાગ્યથી, મારી તરુણાવસ્થામાં એમનો મારા પર 'ગુલાબભાઈના પૌત્ર' તરીકે તો ખરો જ, પણ તેનાથી વિશેષ ભાવ પણ રહ્યો. સરોજબહેન મને જાણતાં જ હશે. એમના મોટા ચોકના ઘરે અવારનવાર જવાનું બનતું. સરોજબહેનના ભાઈ સુરેશ મારાથી જૂનિયર પણ કૉલેજમાં એક જ ગ્રુપમાં. સરોજબહેનનો સંપર્ક થાય તો મારા નમસ્તે પહોંચાડવા વિનંતિ છે.
પ્રભુલાલકાકાએ ખરેખર ઉત્તમ રીતે ડાયરી લખી છે. પ્રભુલાલકાકા, કાન્તિભાઈ, દોલતરામભાઈ અને મારા દાદાને નાતબહાર કર્યા તે આ દુઃખદ ગાંધી કથાનું એક ઊજળું પાસું છે. આ ચારે ય 'યુવકો'એ જે હિંમત દેખાડી ને નાતની સજા ભોગવી, પણ નમતું ન આપ્યું તે પોતે જ અલગ કથા છે. પરંતુ પ્રભુલાલકાકાએ વાજબી રીતે જ આ ગાંધીકથાને આત્મપ્રશંસાની કથામાં નથી ફેરવી એ નોંધવા જેવું છે.
એવું થયું કે એ બધા કોઠારા પહોંચ્યા, ત્યાં મારા નાના હતા. એમને ઘરે ગયા. ત્યાં એમને મારા નાનાએ એમના વેવાઈ અને બીજા ત્રણ સાથીઓનું સ્વાગત તો કર્યું પણ જર્મન સિલ્વર(યાદ હશે જ)નાં કપરકાબીમાં ચા આપી. સામાન્ય કપરકાબી (સિરેમિક્સનાં) તો માટીથી સાફ ન કરી શકાય. જર્મન સિલ્વરનાં વાસણ તો સાફ કરવાં પડે, એટલે આભડછેટ પણ ધોવાઈ જાય. મારા નાનાએ આ સાથે જ એમને સમાચાર આપ્યા કે એમને ભુજની નાગરી નાતે નાતબહાર મૂક્યા છે.
તે પછી એમણે ગાંધીજીને આની જાણ કરી તો ગાંધીજીએ સલાહ આપી કે નાતની સજા માથે ચડાવજો, નાત જે કંઈ કરે તે સહન કરજો, અવિવેક ક્યાં ય પણ ન દેખાડજો પણ નમતું પણ ન મૂકજો. અંતે નાતમાં જ ફૂટ પડી, અને ધીમે ધીમે એમ નક્કી થયું કે સ્નાન કરી લે અને હાટકેશ્વરના મંદિરમાં દીપમાળા કરે તો એમને પાછા નાતમાં લઈ લેવા. એમણે એના માટે પણ ના પાડી. છેવટે, નાતે નક્કી કર્યું કે રોજ નહાય છે અને ઘરે પૂજા કરે જ છે તો એમને નાતમાં પાછા લેવામં વાંધો નહીં.
મારા દાદા પછી બંધારણસભામાં અને પહેલી લોકસભામાં ગયા, તે પછી સ્વતંત્ર પાર્ટી તરફથી ૧૯૬૨માં વિધાનસભામાં ગયા. પ્રભુલાલકાકા સંપૂર્ણપણે હરિજન સેવામાં લાગી ગયા. કાન્તિભાઈ કચ્છમાં જ કોંગ્રેસના આગેવાન તરીકે સક્રિય રહ્યા અને જિલ્લા પંચાયતના પહેલા પ્રમુખ બન્યા.
સ્મૃિતઓ જાગી જતાં બહુ લાંબું લખાઈ ગયું છે તો માફ કરશો.
– દીપક ધોળકિયા
કૌભાંડોની બૂમો અને કાળક્રમે ક્લીનચિટ મેળવતા ભ્રષ્ટાચારીઓ વચ્ચે અનેક લડવૈયાઓ પણ મોજૂદ છે
બસ હવે બે જ દિવસ અને કાળની ગર્તામાં 2016નું ઈસુ વરસ વિલીન થઈ જશે. સમાચાર માધ્યમોમાં વીતેલા વરસનાં લેખાંજોખાં મંડાઈ રહ્યાં છે અને વિવિધ ક્ષેત્રોની ઘટનાઓનાં આકલનો સાથે વરસની શ્રેષ્ઠ વ્યક્તિઓની ઘોષણાઓ થઈ રહી છે, પરંતુ તેમાં ભાગ્યે જ આમઆદમીનો અવાજ પડઘાય છે.
આઝાદીના ગયા લગભગ સાત દાયકામાં જે ન જોવા મળ્યું એવું ઘણું વીત્યા 2016ના વરસમાં જોવા-અનુભવવા મળ્યું છે. વરસના છેલ્લા 50 દિવસ નોટબંધીના અને તેને કારણે સામાન્ય માનવીને પડેલી ભારે હાડમારીના રહ્યા. દેશની સર્વોચ્ચ અદાલતે શેરીઓમાં રમખાણો થશેની ભીતિ વ્યક્ત કરી, પણ સામાન્ય માનવી શાંત અને સહનશીલ રહ્યો. એ રીતે 2016નો ‘સંવત પુરુષ’ (અને સ્ત્રી પણ) વાસ્તવમાં તો ટોળામાં નહીં, રોકડની લાઇનમાં ઊભેલો સામાન્ય માનવી જ ગણાવો જોઈએ.
ગયા બાર મહિનામાં દેશ અને દુનિયામાં ઘણી રાજકીય-આર્થિક-સામાજિક ઊથલપાથલો થઈ. ઘણી યાદગાર અને દિલને ઝકઝોરી મૂકનારી હતી. એ બધામાં શિરમોર તો પત્નીની લાશ ખભે ઊંચકી જતો દાના માંઝી રહ્યો. ન નોટબંધીની અસર, ન ખિસ્સામાં રોકડ એવા દાના માંઝીની, પૈસાના અભાવે સરેઆમ ઓરિસ્સાની સડક પર પત્નીની લાશ ખભે નાખી, કિશોર વયની દીકરીને દોરતી તસવીર જેણે જોઈ હશે, તેના માટે 2016નું વરસ ભૂલ્યું ભૂલાશે નહીં. દાના માંઝી પાસે મૃત પત્નીનું શબ ગામે લઈ જવા ભાડે વાહન કરવાના દોકડા નહોતો અને ‘દયાહીન નૃપ’ તેની વહારે આવવાનો નહોતો. એટલે એના માટે તો અપના હાથ(કે માથું?) જગન્નાથ હતું.
પણ રહો દાના માંઝી કંઈ એકલો નથી. 76 વરસના સાલામની બારીકનું બાલાસોર નજીક ટ્રેનની ઝપટમાં મોત થયું. તેના શબને વાહનમાં લઈ જવાના પૈસા પુત્ર રવીન્દ્ર પાસે નથી એટલે એ લાશના કટકા કરાવી એનું પોટલું વાંસ સાથે બાંધી લઈ જાય છે. ઓરિસ્સાના જ મલકાનગીરીના એક ગામની સાત વરસની ગરીબ કુંટુંબની બેટી વર્ષાનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ અવસાન થાય છે તો, ડ્રાઈવર તેના ગરીબ મા-બાપને અધરસ્તે ઊતારી મૂકે છે.
વહાલસોયીના શબને ઊંચકીને આ મા-બાપ કંઈ કેટલા ય કિલોમીટર ચાલી નાખે છે. મધ્યપ્રદેશના રતનગઢના જગદીશ ભીલ પાસે પત્નીના મૃતદેહના અગ્નિદાહના રૂપિયા નથી એટલે તે પ્લાસ્ટિક, જૂના ટાયર અને કચરાની ચેહ બનાવી પત્નીની લાશનો નિકાલ કરે છે. દેશમાં નોટબંધીના હાહાકાર વચ્ચે આ એવી કેટલીક ઘટનાઓ છે, જેમનાં ખિસ્સાં સાવ ખાલી છે. દાના માંઝીથી જગદીશ ભીલ પણ આ દેશના જનગણમન અધિનાયક છે તે ભૂલવાનું નથી.
હજુ તો 2016નું વરસ શરૂ જ થયું હતું ને હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા કે સાંસ્થાનિક હત્યાના ખબર મળ્યા. દેશ આખો તળે ઉપર થઈ ગયો. વરસના મધ્ય ભાગમાં ગુજરાતના ઉના નજીકના મોટા સમઢિયાળા ગામે ચાર દલિત યુવાનોને ગોહત્યાની આળમાં બેરહમીથી પીટતા હોવાનો વીડિયો ખુદ ગોરક્ષકોએ જ વાઇરલ કર્યો અને તેના વિરોધના પડઘા દેશ આખામાં પડ્યા. ક્યાંક મૂળા ચોરવાના આળથી, તો ક્યાંક ઝાડનાં પાંદડાં તોડવા માટે દલિતોની પિટાઈ અને હત્યા થયાના ખબર આ વરસની જ ઘટનાઓ છે. તો વરસ આખરે જે.એન.યુ.ના લાપતા મુસ્લિમ છાત્ર નજીબના કશા સગડ નથી.
પણ છોડો આ બધી વેદનાની, દુ:ખભરી વાતો. વીત્યું વરસ આમઆદમી માટે સાવ નકાર કે દુ:ખનું નહોતું. આ વરસ સ્વરાજ અભિયાનના મોભી યોગેન્દ્ર યાદવની દુકાળપીડિત વિસ્તારોની ‘જલ હલ યાત્રા’ અને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પરના અદાલતી આદેશનું પણ હતું. જો કે સરકારો માટે દુકાળ નિવારણના ઉપાયો કેટલા ઉપરછલ્લા હોય છે તે એ હકીકત પરથી સમજાય છે કે હજુ તો ડિસેમ્બર ચાલે છે અને કેરળની ડાબેરી સરકારને અડધા રાજ્યને અછતગ્રસ્ત જાહેર કરવું પડ્યું છે.
આ માહોલમાં અનુપમ મિશ્રની વિદાય અખરે છે, તો બાપુરાવ સાંભરે છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના માલેગાંવ તાલુકાના કોલામ્બેશ્વર ગામના દલિત યુવાન બાપુરાવ તેજનેની પત્નીને પાણીના અકાળમાં ગામ કૂવેથી ચાંગળુ પાણી ન મળ્યું, તો બાપુરાવે ઘરઆંગણે 40 દિવસની આકરી મહેનત કરી કૂવો ખોદી કાઢ્યો. દશરથ માંઝીની જેમ બાપુરાવ તેજનેને પણ મહાવીર ગણાવી તેના ઓવારણાં લેનારા તેને ગામકૂવે પાણી મળશે તે મુદ્દે નિરુત્તર રહે છે.
જો કે આ દેશના લોકો સાવ ‘દયાહીન નૃપ’ જેવા નથી. અમદાવાદી કન્યા ઝરણા જોશી મોટી બહેનના ઘરે, રાજકોટ, 2016નું ઉનાળુ વેકેશન ગાળવા જાય છે. મોરબી નજીકની એક સિરામિક ફેકટરીમાં એને બાળમજૂરો તરીકે બાળાઓ કામ કરતી હોવાનું અણસાર મળ્યા. એટલે તે વાત પાકી કરવા અને પુરાવા ભેગા કરવા ઝરણા એ ફેક્ટરીમાં મજૂરી કરવા જોડાય છે. પુરાવાના આધારે તેણે સરકારમાં ફરિયાદ કરી, તો આરંભે જાકારો મળ્યો.
‘ચાઇલ્ડ લાઇન’ સંસ્થા અને મુખ્યમંત્રી કાર્યાલયની મદદથી આ કારખાનામાંથી બાળમજૂરોની મુક્તિ શક્ય બની. પણ ઝરણાનો રસ્તો આસાન નહોતો. પોલીસ અને અદાલતી કાર્યવાહી દરમિયાન ઝરણા પર જીવલેણ હુમલો થાય છે. જો કે હિંસક હુમલા છતાં ઝરણાબહેન અડગ છે. આપણા તો એ જ સાચાં 2016નાં ‘સંવત નારી’ને?
રિયો ઓલિમ્પિકમાં પી.વી. સિંધુથી માંડીને સાક્ષી મલિકે મેદાન માર્યું અને શનિ શિંગણાપુર તેમ જ હાજી અલી દરગાહનાં દ્વાર મહિલાઓ માટે ખૂલ્યાં, તે 2016ની શાતાદાયી ઘટનાઓ છે. એમ તો આ વરસ 2015ના યુ.પી.એસ.સી. ટોપર દલિત મહિલા ટીના ડાબીનું પણ હતું. ન માત્ર દલિત કે મહિલા, દેશ ઇતિહાસનું તે એક ઊજળું પ્રકરણ છે. ટીનાનું મહિલા હોવું અને દલિત હોવું ને પાછી આઈ.એ.એસ.ની પરીક્ષામાં પ્રથમ આવવું એમને કેટકેટલાં સન્માનોના અધિકારી બનાવી ગયાં.
વરસના અંતે જ્યારે આ તેજસ્વી એટલાં જ સ્વતંત્ર વિચારોનાં ટીના ડાબી યુ.પી.એસ.સી.ના બીજા ક્રમાંકના ટોપર મુસ્લિમ યુવાન અતહર આમિર ખાન સાથે લગ્ન કરવાનાં હોવાના સમાચાર આવે છે તો ટીના સામે લવજેહાદથી ઘરવાપસી સુધીના વિરોધ થાય છે અને આવી જેહાદ કરનાર ઉચ્ચ વર્ણના હિંદુઓ જ નથી, દલિત હિંદુઓ પણ છે!
ફરજિયાત વેઠ, માનવ તસ્કરી, સેક્સ વર્કર, બાંધકામ મજૂર જેવા દોઢ કરોડ આધુનિક ગુલામો સાથે ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સમાં ભારત ટોચે છે. ભારતની જેલોમાં જીવતા કેદીઓ કરતાં ગામડાંમાં જીવતા ગરીબોનું જીવન વધુ આકરું છે. પનામા પેપર્સથી સહારા પેપર્સ અને ટુજીથી ઑગસ્ટાવેસ્ટલૅન્ડ કૌભાંડોની બૂમરાણો અને કાળક્રમે ક્લીનચિટ મેળવતા ભ્રષ્ટાચારીઓ વચ્ચે અનેક દાના માંઝીઓ અને ઝરણા જોશીઓ હયાત છે. 2017નું વરસ તેમને માટે ઊજળું પ્રભાત લઈને આવશે તેવી આશાભરી મીટ માંડી તે બેઠા છે.
સૌજન્ય : ‘નવા વર્ષની આશા’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2016