જીવનના સંધ્યાકાળે પણ ખૂબ જીવંત રીતે જીવતી વ્યક્તિઓ અચાનક અલવિદા કહી દે તો તેમની આસપાસ જીવતા લોકોને અતિ વસમું થઈ પડે છે. વિશેષ કરીને એવી વ્યક્તિ જે જાહેરજીવનમાં હોય.
ડૉ. દક્ષા પટેલ એવાં જ એક વિલક્ષણ વિભૂતિ હતાં. દર વર્ષની જેમ ‘આર્ચ’ સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા અને તેના માટે સહાય મેળવવા ‘ફ્રૅન્ડસ ઑફ આર્ચ’ની સભા માટે અમેરિકા જવા રવાના થયા હતાં. ઑગસ્ટ મહિનાના આરંભે નીકળેલાં; બધું જ સહજ, હંમેશની જેમ. જતાં પૂર્વે કાર્યકરો સાથે બેઠકો કરી આવનાર વર્ષમાં શું નવું કરીશું અને કયા કાર્યક્રમો નિયમિત ચલાવીશું એ તમામ બાબતોની વિગતે ચર્ચા કરીને ગયાં હતાં. તેઓ પહોંચે અને ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાની પચીસમીએ વાર્ષિક બેઠક માટે અહીંથી ખૂટતી માહિતી, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમની વિગતો વગેરે પહોંચાડવા માટેનાં સૂચનો આપીને ગયાં. બધું સહજ અને સામાન્ય અને દક્ષાબહેનના ગુણભાવ મુજબ જ હતું. પણ વિધિને કઈં બીજું જ મંજૂર હતું! પચીસ સપ્ટેમ્બરની બેઠકની પહેલા અસામાન્ય થાકનો અનુભવ કર્યો હતો, પણ તે તો સતત કામ અને અમેરિકાની અને ત્યાંના વિવિધ સ્થળોની મુસાફરીનો થાક હશે એવું માનેલું. પણ પચીસમીની બેઠક માંડ પૂરી કરી શક્યા અને ખૂબ થાકી ગયા. એમનાં તબીબ બહેન જ્યોતિબહેને તબીબી નજરે તપાસતાં કમળો જણાયો. પછી શરૂ થયો તબીબી તપાસનો ઊંડો અને લાંબો દોર. દક્ષાબહેન વિવિધ આહારનાં શોખીન, બહારનું પણ આરોગે. એમને થયું કે દેશમાં દૂષિત ખોરાક-પાણી કારણભૂત હશે. પણ તબીબી તપાસે ચોંકાવનારું નિદાન કર્યું. યકૃતના કેટલાક ભાગોમાં અને તેમાં બનેલા પિત્તને ગૉલબ્લૅડરમાં લઈ જનાર નળીઓમાં કેન્સરના કોષો અતિ ઝડપથી વૄદ્ધિ પામી રહ્યા હતા. આ વ્યાધિ જીવલેણ નીવડી અને નિદાનના બે મહિનાની અંદર જ ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ દક્ષાબહેનની જીવનલીલા સંકેલાઈ ગઈ. દુનિયાના શ્રેષ્ઠ તબીબો પણ ઉપાયવિહીન થઈ રહ્યા. આમ ‘આર્ચ’નાં સંસ્થાપક ટ્રસ્ટી અને ધરમપુર પરિસરનાં સ્થાપક ૬૬ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય થયાં.
દક્ષાબહેન ૨૦ માર્ચ ૧૯૫૦ના રોજ મૂળ માંડવી-કચ્છના જૈન વણિકના એક મોટા કુટુંબમાં મુંબઈમાં જન્મ્યાં હતાં. પછી આ કુટુંબે વલસાડ વસવાટ કર્યો હતો. બાળપણ વલસાડમાં વીત્યું. તેઓ બહુ રમતિયાળ હતાં અને એમના જણાવ્યાં પ્રમાણે પોતાના ઉંમરની છોકરીઓ કરતાં સમવયસ્ક છોકરાઓ જોડે વધુ રમે. ભમરડા, લગ્ગી વગેરેમાં તો એક્કાં; છોકરાઓને હંફાવે. ઘરે ભાગ્યે જ હોય. નિશાળેથી આવી રમવા જતાં જ રહે. બુદ્ધિ તીવ્ર અને તે વખતે નિશાળોમાં શિક્ષકો સારું ભણાવતા પણ ખરા. એટલે ટ્યુશન વગેરેની જરૂરિયાત ન હતી. પરીક્ષામાં સારાં પરિણામ લાવતાં. મેટ્રિકની પરીક્ષા પાસ કરી, સાઈન્સમાં દાખલ થયાં અને પછી સુરત મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. કરવા દાખલ થયાં. બધું સહજ થયું. બાળપણથી જ ધીર-ગંભીર રહી ડૉક્ટર થવાના કોડ સમ્મુખ રાખી, ‘નહીં માફ નીચું નિશાન’ એવા કોઈ પણ લક્ષ-આદર્શ રાખ્યા વિના, જિંદગી ભરપૂર જીવી લેવા વિધેયાત્મક વિચારોથી આગળ વધ્યાં હતાં.
એક વખત હળવી પળોમાં તેમણે જણાવ્યું હતું કે મેડિકલ કૉલેજના શરૂઆતના વર્ષોમાં એવું વિચારતા હતાં કે ભણીને કોઈ સમૃદ્ધ વ્યક્તિ સાથે પરણી આરામનું જીવન ગાળશું. પણ સુરત મેડિકલ કૉલેજનાં વર્ષોમાં સમાજનો પરિચય વધ્યો, ગરીબી અને બીમારીને નજીકથી જોઈ, સમસ્યાઓનો પરિચય થયો અને તેઓ પોતે પોતાની સંવેદનશીલતા અંગે સભાન થયાં. ડૉકટર બનીને સામાન્ય અને ગરીબ લોકોને મદદરૂપ થવું એવું મનોમન નક્કી કર્યું.
એ જ અરસામાં તેઓ પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસિન વિભાગમાં રજિસ્ટ્રાર અને શિક્ષક તરીકે નવા જોડાયેલા ડૉ. અનિલ પટેલ જોડે પરિચયમાં આવ્યાં. અનિલભાઈ પુસ્તકોનો જીવ, નવા વિદ્યાર્થીઓ સાથે જુદા-જુદા વિષયો પર એકદમ લિપ્ત થઈ ઓજપૂર્ણ ચર્ચાઓ આદરે. તે વિભાગના વડા ડૉ. એન. આર. મહેતા વિષય નિષ્ણાત અને વિદ્યાર્થીઓને વિવિધ સમુદાયોમાં પ્રવર્તમાન આરોગ્યના પ્રશ્નો વિશે ક્ષેત્રકાર્ય કરાવીને ખ્યાલ આપે, તેની ઊંડાઈઓમાં લઈ જાય. દક્ષાબહેન આ નવા યુવા શિક્ષક તરફ આકર્ષાયાં અને સમય જતાં બેઉએ જીવનસાથી બનવાનો નિર્ધાર કર્યો. તબીબી વિષયોમાં પબ્લિક હેલ્થ (જાહેર આરોગ્ય) અને કમ્યુિનટી મેડિસિન (સમુદાય તબીબી) અગત્યના હોય છે, તેની સભાનતા સુપેરે થઈ. ૧૯૭૦ના દાયકામાં પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસિન વિષય પરત્વે આટલી સભાનતા તત્કાલીન વિદ્યાર્થીઓને ભાગ્યે જ થતી. ફરજિયાત ભણાવાતા આ વિષયના વર્ગોમાં વિદ્યાએર્થીઓ જવલ્લે જ હાજરી આપે. સહુ વિષયની પરીક્ષામાં યેનકેન પ્રકારેણ પાસ થઈ જવાની કાળજી રાખે. પણ દક્ષાબહેનને આ વિષય પરત્વે જુદો રસ જાગ્યો, અને તેમનાં ભાવિ જીવનસાથી તો આ જ વિષયમાં ઊંડા ખૂંપી, ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં જાહેર આરોગ્યના કામ કરવાનો નિર્ધાર કરી રહ્યા હતા. ૧૯૭૨માં દક્ષાબહેનનું તબીબી ભણતર પૂરું થયું અને અનિલભાઈ સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો ત્યારે અનિલભાઈએ ફરી એક વાર દક્ષાબહેન જોડે પાકું કર્યું કે તેઓ તો ગામડામાં જઈને કામ કરવા ઇચ્છે છે અને જો દક્ષાબહેનનું મન મોળું પડતું હોય તો લગ્ન માંડી વાળવા સારા. પણ ત્યાં સુધી દક્ષાબહેન પણ મક્કમ થઈ ગયા હતાં.
દક્ષાબહેન અને અનિલભાઈના પરિવારો મધ્યમ વર્ગના ગણાય. સંતાનો માટે યુગપ્રચલિત મૂલ્યો પ્રમાણેની સામાન્ય અપેક્ષાઓ હતી જ. ડૉક્ટર થવું તે ગૌરવની વાત અને આર્થિક રીતે સુખી જીવન ગાળી સમૄદ્ધિ પામે તેવી અપેક્ષા દક્ષાબહેનનાં પરિવારનાં સભ્યોને તો હતી જ. તેમના પરિવારમાં બહેનોએ અમેરિકા તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું. નાનો ભાઈ પણ એ જ દિશામાં. બીજી તરફ અનિલભાઈના વડિલો તો મૂળે પૂર્વ આફ્રિકામાં વસેલા અને ત્યારબાદ વડોદરા આવ્યા હતા. બધા બ્રિટિશ નાગરિકો. ભાઈઓ બહેનો ઇંગ્લેંડ વસતા થયા હતા્ં. એવા પરિવારોની આ બે વ્યક્તિઓ ગુજરાતના ગામડામાં અને તેમાં પણ વધુ ગરીબ અને અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોમાં જઈ કામ કરવાની ખેવના રાખી તેના પર અમલ કરવાનું કહે તો ધક્કો લાગે તે સ્વાભાવિક હતું. પણ બેઉની મક્કમતા જોઈ પરિવારના વડિલોએ હકીકતને ખેલદિલીથી સ્વીકારી. ત્યાર બાદ તો પરિવારના સભ્યોએ આર્થિક સહાય પણ કરી, એટલું જ નહીં, પણ સગાં અને ઓળખીતાઓનો એક સરસ મજાનો સમૂહ ‘ફ્રેન્ડ્સ ઑફ આર્ચ’ બનાવ્યો. વર્ષોથી આ સ્વજન-મિત્ર વર્તુળ ‘આર્ચ’ની નાણાકીય જરૂરિયાતો મહદ઼્ અંશે પૂરી પાડે છે. ‘આર્ચ’ છેલ્લાં ૩૫ વર્ષથી એકધારું કોઈની શેહશરમમાં આવ્યા વગર સ્વાયત્ત રીતે કાર્યરત છે તેનો મુખ્ય શ્રેય ‘આર્ચ’ના કેન્દ્રસ્થ સભ્યોના મિજાજ ઉપરાંત આ વર્તુળ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય અને હૂંફને છે.
ડૉ. અનિલ પટેલ અને ડૉ. દક્ષા પટેલ ગુજરાતના અંતરિયાળ ગામમાં જઈને વસ્યાં તે માત્ર ગરીબો અને આદિવાસીઓ પ્રત્યેની અપાર કરુણાને વશ થઈને નહીં. તેમનાં આ પગલાં પાછળ એક મજબૂત બૌદ્ધિક ભૂમિકા અને સમાજદર્શન પણ હતાં. જાહેર આરોગ્યના મુદ્દાઓ અંગે તલસ્પર્શી સમજ કેળવ્યા વિના સેવાભાવનાથી તબીબી સેવાઓ પૂરી પાડવી તે વૈજ્ઞાનિક પગલું ન થાય. પ્રાધ્યાપક ડૉ. એન.આર. મહેતાસાહેબે આ મુદ્દા પર ભાર મૂકીને કહ્યું હતું કે પબ્લિક હેલ્થ અને કમ્યુિનટી મેડિસિનનો અભ્યાસ ઇંગ્લેંડ-અમેરિકામાં કરાય, તો વિષય પર પકડ મજબૂત બનશે. ઇંગ્લેંડમાં અનિલભાઈને પરિવાર અવલંબન હતું તેથી પરણીને આ યુગલ સીધા ગામડામાં ન બેસી જતા ઇંગ્લેંડ આગળ ભણવા ગયું. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, લંડન, જે આજે પણ પબ્લિક હેલ્થના અભ્યાસ માટે વિખ્યાત છે, તેમાં જોડાઈને તૈયાર થયાં. ૧૯૭૫થી ૧૯૭૯ સુધીનાં ચાર વર્ષનો સમય અનિલભાઈએ તો ભણવામાં જ કાઢ્યો, પરંતુ દક્ષાબહેને ભણીને ગૃહસ્થી ચલાવવા લંડનની હૉસ્પિટલમાં નોકરી કરી. લંડનવાસ દરમિયાન ૧૯૭૮માં દક્ષાબહેન એક બાળક આકાશના મા બન્યાં. ૧૯૭૯માં આ યુગલે મૂળ નિર્ણય પ્રમાણે દેશ તરફ પ્રયાણ કર્યું.
દક્ષાબહેન અને અનિલભાઈ જ્યારે જાહેર આરોગ્ય અંગે વધુ ભણવા ઇંગ્લેંડ ગયા્ં, ત્યારે પાછા આવીને કયા વિસ્તારમાં જઈને બેસવું છે તે અંગેની કોઈ સ્પષ્ટતા ન હતી. પરંતુ જ્યારે પાછા આવવાનું થયું, ત્યાર સુધીમાં અનિલભાઈના મિત્ર ડૉ. અશ્વિન પટેલ તત્કાલીન ભરૂચ જિલ્લાના (હાલ નર્મદા) રાજપીપળા શહેરથી ૧૬ કિલોમીટરના અંતરે નર્મદા કાંઠે માંગરોલ ગામે ગાંધી-વિનોબાના વિચારોને અનુરૂપ ગ્રામ નવનિર્માણના રચનાત્મક કાર્ય કરવા પ્રયાસશીલ તેમના અન્ય મિત્રો સાથે જોડાયા હતા. તેમણે અનિલભાઈ અને દક્ષાબહેનને આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને સ્વીકારી અનિલભાઈ અને દક્ષાબહેને તેમના બાળક સાથે ૧૯૭૯માં રાજપીપળા પહોંચી પ્રાથમિક આરોગ્યનાં કામો શરૂ કર્યાં. થોડો સમય પસાર થયો ત્યારે જણાયું કે પ્રાથમિક આરોગ્યનાં કામ માટે વધુ મોકળાશ જોઈએ અને ૧૯૮૨માં ‘ઍક્શન રિસર્ચ ઇન કમ્યુિનટી હેલ્થ ઍન્ડ ડેવલપમેંટ (આર્ચ)’ની સ્થાપના કરી અને માંગરોલ ગામમાં સ્થાયી થવા વિચાર કર્યો.
માંગરોલ ગામ તે સમયમાં અંતરિયાળ ગણી શકાય તેવું હતું. ગરીબી ડોકિયા કરે, સાક્ષરતા અભિયાન હજી આવા નાના ગામ સુધી પહોંચવાની કોશિશમાં જ હતું. વીજળી હજી પહોંચી ન હતી. આવા ગામમાં જઈને વસી પડવાનું શરૂઆતમાં તો દક્ષાબહેનને રુચ્યું ન હતું. તેઓએ રાજપીપળામાં વિજય પ્રસૂતિ – ગૃહમાં નોકરી સ્વીકારી જેથી ગૃહસ્થી ચાલે. અનિલભાઈ માંગરોલ આવ-જા કરે, ચર્ચાઓ કરે, ગામમાં અશ્વિનભાઈ પટેલ આરોગ્યનું કામ ચલાવતા તે જુએ. પછી એક વખત એવું નક્કી થયું જ કે કામ કરવું જ છે અને ત્યારે દક્ષાબહેન અનિલભાઈ સાથે બાળક આકાશને લઈ માંગરોલ ગામમાં ઘર ભાડે રાખીને રહ્યાં અને આ ઘર જોતજોતામાં એક નાનકડો સમુદાય બન્યું. સારી અને યોગ્ય તબીબી તાલીમ પ્રાપ્ત ડૉ. દક્ષા પટેલ વ્યવસાયે દક્ષ હોવાની સાથે એક સંયુક્ત પરિવારની માતાસમ બનવા જઈ રહ્યાં હતાં તેની ખબર ત્યારે તો એમને પણ નહીં હોય કે માતૃત્વભાવમાં સમાયેલાં વ્યાપક પ્રેમ અને અન્નપૂર્ણા હોવાના ગુણો તેમનામાં અખૂટ હતા. નર્મદા નદી પર એક વિશાળકાય યોજના સરદાર સરોવર ડૅમ સ્વરૂપે આકાર લેવા જઈ રહી હતી અને તેની અસરમાં આદિવાસી બહુલ ગામો ડૂબમાં જઈ રહ્યાં હતાં. તેમના પુનર્વસન અંગે રાજ્ય પાસે કોઈ યોગ્ય યોજના તો દૂર પણ કોઈ નિસ્બત પણ ન હતી. સુરતમાં જયપ્રકાશ નારાયણ આંદોલન પ્રેરિત ગુજરાતના યુવાઓ પૈકી અંબરીષ મહેતા, તૃપ્તિ પારેખ અને રશ્મિ કાપડિયા અને વડોદરામાં ભણતા રાજેશ મિશ્રા અને કૌમુદી શેલત આ મુદ્દે અત્યંત સંવેદનશીલ હતાં અને તેઓની અવરજવર પહેલા રાજપીપળા અને પછી માંગરોલ શરૂ થઈ. થોડાક જ સમયમાં આ સૌ માંગરોલના માટી-ગારા અને ટીન-પતરાનાં ઘરમાં વસવા આવી પહોંચ્યાં. ડૉ. અશ્વિનભાઈ પટૅલ, ભાઈ અશોક ભાર્ગવ અને નિમિત્તાબહેન ભટ્ટ તો પહેલેથી માંગરોલના પ્રયાસ જૂથ જોડે હતાં જ. આ સર્વેનો એક કેન્દ્રસ્થ સમૂહ બન્યો. આ સમૂહનો આદર્શ તો ગાંધી-વિનોબા-જયપ્રકાશની વિચારધારાઓ. એકસૂત્રમાં પરોવ્યા હતા જયપ્રકાશ નારાયણના આંદોલને. પણ માત્ર આદર્શને વળગીને સેવાના કામો કરે એવી ભૂમિકામાં આમાંના એકની પણ નહીં. ચર્ચાઓ ભરપૂર ચાલે. ભિન્નાભિપ્રાયો આવે, દરેક તેને ટકાવવા પ્રયત્નો કરે, પણ બીજાંના અભિપ્રાયને સમજે અને સમજાવે. સમજ સાથે એકમત થાય ત્યારે ક્રિયા નક્કી થાય. આટલાં વર્ષે આજે પણ ‘આર્ચ’ની આ કાર્યપદ્ધતિમાં વિચલન થયું નથી. ગાંધી-વિનોબા-જયપ્રકાશ વિચારવલોણાથી નીકળેલા જે નવનીતના આધારે ગામડામાં બેસીને કામ કરવાનું ઠરાવાયું હતું તે નવનીત આ હતું.
‘આર્ચ’ કેન્દ્રસ્થ જૂથની સમજ પ્રમાણે ‘આર્ચ’ સમાજપરિવર્તનની પ્રક્રિયા માટે કટિબદ્ધ અને ક્રિયાશીલ છે. આ જૂથ એ પ્રચલિત માન્યાતાને નકારે છે કે સર્વાંગીણ સમાજપરિવર્તન અને ગરીબોને મુક્ત કરવા માટે ક્રાંતિ જ કરવી પડે અને જરૂર જણાયે તે હિંસક પણ હોઈ શકે. ‘આર્ચ’ માને છે કે સમાજપરિવર્તન તીવ્ર અને ત્વરિત ક્રાંતિથી નથી આવતું, પણ અહિંસક અને લોકતાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા અને ટુકડે ટુકડે આવે છે. કેન્દ્રમાં વ્યક્તિ છે અને અંતે તો તેની સ્વાયત્તતા, સ્વતંત્રતા અને તેની સુખાકારી જ છે. ગ્રામ આરોગ્યના કાર્યક્રમ હેઠળ માંગરોલનું દવાખાનું અને લોકો સાથેના આરોગ્યલક્ષી કાર્યક્રમો એ ઉપરોક્ત વિચાર પરિપ્રેક્ષ્યમાં શરૂ થયા. તબીબે લેવાની હિપ્પોક્રેટિક પ્રતિજ્ઞામાં નિહિત નૈતિક મૂલ્યને આધીન રહી આરોગ્યસેવા દ્વારા માનવસેવામાં જોડાઈ જવું- એવી માત્ર સેવાભાવનાથી પર જઈ ગામસમુદાયોમાં આરોગ્ય સેવાઓ વૈજ્ઞાનિક સમજ અને સૂઝથી ગોઠવાય તેની અગત્ય સ્વીકારી ડૉ. અનિલભાઈ અને ડૉ. દક્ષાબહેન ગામડાંઓમાં જવાં પ્રેરાયાં હતાં. આ વિચારના સહયાત્રી ડૉ. અશ્વિન પટેલ, અશોક ભાર્ગવ અને નિમિત્તા ભટ્ટ. ગામડામાં જઈને જ રહેવાની ફરજ કેમ પડી તેનો જવાબ આપતા દક્ષાબહેને થોડાક સમય પહેલાં ભાવનગરમાં આપેલા એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે જાહેર આરોગ્ય અંગેના અભ્યાસમાં તેઓ એવું શીખેલાં કે જાહેર અને સમુદાય આરોગ્યના ક્ષેત્રે કામ કરવું હોય તો તેનો સ્થાપિત મંત્ર હતો, ‘ગો વિથ ધેમ, લિવ વિથ ધેમ અને લર્ન ફ્રૉમ ધેમ.’
વર્લ્ડ હેલ્થ ઑરગનાઇઝેશન દ્વારા સ્વીકૃત પ્રાથમિક આરોગ્ય સંભાળની રણનીતિને અપનાવી, ગુજરાતના ગામોમાં આરોગ્ય સેવા ગોઠવવાવાળી પહેલી સંસ્થા ‘આર્ચ’ હતી એવી સમજ ‘આર્ચ’ ધરાવે છે. કાર્યક્રમની નવીનતા ગામ સમુદાયમાંથી જ પસંદ કરી ગામ સ્તરે ગ્રામ આરોગ્ય કાર્યકર મૂકવાની હતી. કાર્યક્રમનો મુખ્ય ભાર માતૃ અને બાળ આરોગ્ય પરનો હતો. કાર્યક્રમનો હેતુ નાનાં બાળકોમાં વ્યાપક કુપોષણના ગંભીર પ્રશ્ન અને તેના લીધે બાળકોમાં ચેપી રોગોના પ્રમાણ અને તેના ઝડપી પુનરાવર્તનને ખાળવા પ્રયત્નો કરવાનો હતો. તેથી કુપોષણ દૂર કરવાના કાર્યક્રમો સાથે નાનાં બાળકોમાં રસીકરણનું પ્રમાણ વધારી બાળમરણનો દર ઘટાડવો જાહેર આરોગ્યના કાર્યક્રમનો મુખ્ય હેતુ બન્યો. તેવી જ રીતે દાયણોને સુરક્ષિત પ્રસવની સઘન તાલીમો આપી માતૃમરણનું પ્રમાણ ઘટાડવાનો હેતુ નક્કી થયો. આ હેતુ અને તેને અનુરૂપ કાર્યક્રમોને લોકો ખરેખર આવકાર આપતા હતા કે કેમ તે પ્રશ્ન આવ્યો પરંતુ, અહીં તેની ચર્ચા અસ્થાને છે. દક્ષાબહેન તે વખતની સમજને અનુરૂપ ગામોમાં કામ ગોઠવાવા લાગ્યાં. લોકો પાસેથી શીખવાનું શરૂ થયું અને દક્ષાબહેન સહિત સમૂહના અન્ય સભ્યોને જ્ઞાન થયું કે લોકો સામે બોલે નહીં પણ તેમની ખરી જરૂરિયાત માંદગીમાંથી સાજા થવા માટે સારી તબીબી સેવાની છે. માંગરોલ દવાખાનામાં લોકોની હાજરી વધવા માંડી. દક્ષાબહેન, અને અનિલભાઈએ દવાખાનામાં પ્રાથમિક આરોગ્ય કાર્યકરોની કામ પર તાલીમ શરૂ કરી. થોડાક જ સમયમાં ગામનાં ઓછું ભણેલાં અને નિશાળોમાંથી ધકેલાઈ ગયેલાં કેટલાક લોકોની પ્રાથમિક અને સામાન્ય રોગોના નિદાન અને ઉપચાર પરની પકડ ચોક્કસ રીતે વધી. તેવી જ રીતે માંગરોલના નજીકના ગામોમાં પણ થોડાક પ્રાથમિક આરોગ્ય કાર્યકરો તૈયાર થયા.
સુરક્ષિત પ્રસૂતિનો પ્રશ્ન તો રહ્યો જ. અને તેના માટે દક્ષાબહેને પ્રયત્નો શરૂ કર્યા. પહેલા તો ગામોમાં જઈ દાયણો દ્વારા કરાવવામાં આવતી પ્રસૂતિઓનું અવલોકન શરૂ કર્યું. એમ કરવા જતાં ઘણી ભયાવહ હકીકતો બહાર આવી. માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને અણસમજમાં અપનાવવામાં આવતી રીતોના દુષ્પરિણામો પ્રસૂતા અને નવજાત શિશુ પર આવતા. આને ખાળવા માટે દાયણોની તાલીમ અને સગર્ભાઓનું અને તેમની સાસુઓનું શિક્ષણ અનિવાર્ય થઈ પડ્યું. દક્ષાબહેને આ પડકાર બરાબર ઝીલ્યો. સુરક્ષિત પ્રસવ માટેની તાલીમ શરૂ કરી. થોડા વર્ષો પછી તેમની જોડે એક આયુર્વેદિક તબીબ લક્ષ્મીબહેન જોડાયાં. આ બેઉની જોડીએ, મળી, રાજપીપળા અને દેડિયાપાડાની બહેનોને એક તબક્કામાં અને ધરમપુર-કપરાડાની અનેકો દાયણોની બીજા તબક્કામાં તાલીમ આપી, આ વિસ્તારોમાં સુરક્ષિત પ્રસવો માટેનું વાતાવરણ ઊભું કર્યું. આજે ધરમપુર-કપરાડાના કાર્યક્ષેત્રમાં આ બેલડીએ સહકર્મીઓ સહિત ૫૦ દાયણોની સતત તાલીમ કરી છે. તે ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓ માટે આયોજિત કાર્યક્રમોમાં આશરે ૨૦૦ જેટલી દાયણબહેનોને તાલીમ આપી તૈયાર કરી છે. ધરમપુર ક્ષેત્રમાં કાર્યરત થયાં બાદ દાયણોની તાલીમમાં વિશેષ ભાર પ્રસૂતિ પહેલાં જોખમ ઓળખવાની તાલીમ મુખ્ય હતી અને તેની સાથે એ સ્પષ્ટ સૂચના કે આવી જોખમકારક પ્રસૂતિઓ દવાખાનાઓમાં જ થાય. છેલ્લા એક દાયકામાં દવાખાનામાં પ્રસૂતિ પર સરકારી આરોગ્ય તંત્રને લક્ષ્યમાં લઈ તાલીમોમાં તેના પર વધુ ધ્યાન આપવાનું થયું.
૧૯૮૨થી ૨૦૦૦ સુધી દક્ષાબહેન ‘આર્ચ’ સમૂહ સાથે માંગરોલ ગામમાં રહ્યાં. આ સમયમાં માંગરોલના દવાખાનામાં દર્દી તપાસ અને તેમાં પણ બહેનોના રોગો પર વિશેષ ધ્યાન રહ્યું. ૧૯૮૪થી ૧૯૯૭ સુધી ડૉ. અનિલ પટેલ લગભગ પૂરા સમય માટે નર્મદાના ડૂબાણ અને પુનર્વસન તેમ જ દેડીયાપાડાના રીંછ અભયારણ્ય ક્ષેત્રમાં રહેતા આદિવાસીઓના પ્રશ્નોમાં ગરકાવ થયા. અંબરીષ, તૃપ્તિ અને રાજેશ ૧૯૮૦-૮૨ના વર્ષોથી જ એ કામમાં ખૂંપેલાં. હું પણ ૧૯૮૯થી ૯૪ સુધી આ કામમાં જોડાયો હતો. નર્મદા યોજનાના પ્રશ્નોમાં પડ્યા બાદ, આરોગ્ય સેવાઓનાં કામમાં દક્ષાબહેન પર દવાખાના અને તાલીમ અને જાગૃતિના કામોની પૂરી જવાબદારી આવી પડી. આ સમયમાં માંગરોલ જૂથમાં આરોગ્યનાં કાર્ય સદંર્ભે, આરોગ્ય શિક્ષણનાં કામ માટે ઉપયોગી વૈજ્ઞાનિક અને નવીન સામગ્રી નિર્માણનો દોર પણ ચાલ્યો. અશોક ભાર્ગવે શિક્ષણના પ્રશ્ને ઊંડુ ખેડાણ કર્યું. બાળકો કઈ રીતે શીખે છે અને તેમના માટે કયા પ્રકારનું નિશાળતંત્ર ગોઠવી શકાય તે અંગેનું મહત્ત્વપૂર્ણ કામ તેમણે વિકસાવ્યું. શિક્ષણનાં આ કાર્યમાં રશ્મિભાઈને પણ ઊંડો રસ હતો અને આમ દક્ષાબહેને એમની સાથે રહી પ્રાદેશિક વિસ્તારો માટે કિશોર-કિશોરી, પરિણિત સ્ત્રીઓ, સગર્ભાઓ, પ્રસવ પછીની સંભાળ, બાળ ઉછેર વગેરે પર આરોગ્ય શિક્ષણ માટે નવીન સામગ્રી તૈયાર કરી. ભાઈ અશોક ભાર્ગવે કાલાંતરે ‘આઈડિયલ’ નામની સંસ્થા સ્થાપી, આ કામને તેમની રીતે પણ ખૂબ આગળ લઈ ગયા. તેમના આ શરૂઆતના સહવાસનો લાભ લાંબા ગાળા સુધી મળ્યો. દક્ષાબહેને આરોગ્ય શિક્ષણ સામગ્રીનું કામ ધરમપુરના કેન્દ્રમાં રહીને પણ સુપેરે કર્યું.
માંગરોલ વાસ દરમિયાન પરિવાર ક્ષેત્રે તેમણે પુત્ર આકાશ પર ધ્યાન કેન્દ્રિત કરી તેના પાલન પર ખૂબ ધ્યાન આપ્યું. દસમા ધોરણ સુધી આકાશ મુખ્યત્વે તેમની દેખરેખમાં જ વધુ રહ્યો એવું કહીયે તો અતિશયોક્તિ નહીં થાય કારણ કે અનિલભાઈ એ અરસામાં પુનર્વસન અને જંગલના પ્રશ્નોમાં સહયોગીઓ સાથે ગળાડૂબ હતા. ૨૦૦૦ની સાલમાં દીકરાનું કોલેજનું ભણતર પર પૂરું થવા આવ્યું અને દક્ષાબહેને દક્ષિણ ગુજરાતના હજી ઊંડાણના વિસ્તારો ભણી નજર કરી. માંગરોલ નિવાસ અને કાર્યકાળ દરમિયાન પહેલાં આઠ વર્ષ ગામના કાચા ઘરમાં અને ત્યારે પછીના દસેક વર્ષ નળીયાંવાળા પાકા મકાનમાં, જે ઓછા ખર્ચ અને નવીન સૂઝબૂઝથી સામૂહિક અને ખાનગી રહેઠાણ માટે બનાવવામાં આવ્યો, તેમાં ‘આર્ચ’ જૂથના તમામ સાથેના સામૂહિક જીવન ગાળવામાં આ સયુંક્ત ગૃહસ્થીનો મુખ્ય ભાર દક્ષાબહેને વહન કર્યો હતો. ગામના કાચા ઘરમાં રહેતી વખતે તો સ્ટવ અને યદા કદા ચૂલ્હાની રસોઈ થાય ત્યારે રાજેશ, અંબરીષ અને તૃપ્તિ ડૂબાણના ગામોમાં રખડી વેળ-કવેળ આવે સાથે એક બે ગામના લોકો પણ હોય અને તે સિવાય મહેમાનોની અવરજવર પણ હોય, તે બધાં માટે ભોજન-બિસ્તરની વ્યવસ્થા મહદઅંશે દક્ષાબહેન પર જ રહેતી. આમ, માંગરોલ નિવાસ દરમિયાન દક્ષાબહેને ત્રેવડી ભૂમિકા થાક કંટાળા વગર નિભાવી હતી. વ્યક્તિત્વની ખૂબી એ કે આટલાં કામો વચ્ચે પોતાના માટે સમય કાઢતાં, ફૂલ-ઝાડ-પાન ઉગાડવાનો શોખ અને તે પૂરો કરતાં. ગીતો ગાવાં અને સાંભળવાંનાં શોખીન. ‘આર્ચ’ જૂથના નાની વયના મિત્રોએ કેટલા ય જૂનાં ગીતો પહેલી વાર દક્ષાબહેન થકી સાંભળેલા અને પાછળથી માણતા થયા હતા.
૧૯૯૦ના આખરનાં વર્ષોમાં ‘આર્ચ’ જૂથના સભ્ય ભાઈ રશ્મિએ ધરમપુર-કપરાડા વિસ્તારના ગામોમાં શિક્ષણની ગુણવત્તા વિશેના કામોની જરૂરિયાત જોઈ. આપણે આગળ જોયું કે આરોગ્ય કાર્યકરો અને દાયણોની તાલીમ માટે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાના કાર્યકરો અને દાયણોને મોકલતી. તેમને તાલીમ આપતા-આપતા એ શીખવા મળ્યું કે નિશાળે ગયેલા ભાઈઓ અને બહેનોમાં વાંચવા, લખવા અને સમજવા અંગેની અપાર સમસ્યાઓ છે. આરોગ્યલક્ષી પ્રશ્નો તો હતા જ. આમ ૨૦૦૦ની સાલથી દક્ષાબહેનનાં જીવન અને કામનો બીજો તબક્કો શરૂ થયો. અર્ધી સદી વટાવ્યા બાદ મન-શરીરનો થાક હોય જ. બૌદ્ધિક ભૂમિકાને પ્રાધાન્ય આપી ‘આર્ચ’ જૂથના દરેક સભ્ય પોતાના વિચાર અને કાર્યશૈલીમાં પૂરા સજ્જ, એટલે ભિન્નાભિપ્રાયો તો હોય જ અને તેના લીધે ખૂબ ગહન ચર્ચા, વિવાદ બધું ય થાય. તેનો થાક ઓછો નથી હોતો તે અનુભવીઓ જાણે. પણ થાકીને બેસી પડે એ બીજાં. દેશમાં પાછા આવી ૨૦ વર્ષનાં કામના અને જીવનના અનુભવનું ભાથું લઈ દક્ષાબહેન ૨૦૦૦માં ધરમપુર પહોંચ્યાં. ભાઈ રશ્મિ તો હતા જ. નવી યાત્રા એકડે એકથી શરૂ થઈ. વલસાડની ગલીઓમાં કિશોરાવસ્થા સુધી છોકરાઓ સાથે લખોટી રમતી, ભમરડા ફેરવતી છોકરી પોતાની આધેડ અવસ્થામાં પૃથ્વીનો ગોળો ઘુમી, જીવનનો ઉત્તરાર્ધ ગાળવા ૨૭ કિલોમીટર દૂર પાછી ફરી! ભાડાના ઘરમાં રહી નાનકડા દવાખાનાથી શરૂઆત કરી. નવા આરોગ્ય કાર્યકરોને તૈયાર કરવાનું શરૂ કર્યું. સાથે-સાથે તાલીમના કાર્યક્રમો પણ આગળ ચલાવ્યા. રશ્મિભાઈએ શાળાકીય શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નો સમજવાનું અને તે અંગે તાલીમ અને અનુભવ શિબિરોનો દોર આરંભ્યો.
૨૦૦૫ની સાલમાં ધરમપુર શહેરની પાસે નગારિયા ગામે જમીન વેચાણમાં મળી, જમીન વધુ હતી તો સમવિચારના મિત્રોને બોલાવ્યા અને આમ ‘આર્ચ-ધરમપુર’ પરિસરના પાયા નખાયા અને તે વિકસ્યું. આજે ૨૩ વ્યક્તિગત જમીનમાલિકો સાથે ‘આર્ચ’, ‘રક્ષા ટ્રસ્ટ’ અને ‘કૈવલ્ય ટ્રસ્ટ’ એમ ત્રણ સંસ્થાઓ આ પરિસરમાં વસે છે અને કાર્યરત છે. મિત્રોએ પ્લૉટ તો ખરીદ્યા પરંતુ પરિસર વિકાસનું કામ મુખ્યત્વે દક્ષાબહેન અને રશ્મિભાઈ પર આવ્યું. બેઉએ ભારે જહેમત લીધી. દક્ષાબહેન સ્વભાવે પહેલ અને નેતૃત્વ લેનાર. રશ્મિભાઈ મૂંગુ બળ. જુગલબંધી જામી અને જોતજોતામાં ‘આર્ચ’-દવાખાના નામનું એક ઉપવન ખીલી ઉઠ્યું. મૂળ રાજાપુરી કેરીનો બાગ. જમીન લીધી ત્યારે ૧૫૦ જેટલા આંબા હશે. માત્ર જરૂરી વૃક્ષો જ છેદાયા અને પરિસરમાં કેટલાંક માલિકીનાં ખાનગી મકાનો, કૈવલ્ય ટ્રસ્ટ સંચાલિત કેડી નિવાસી શાળાના બાંધકામો, ‘આર્ચ’ દવાખાના અને તાલીમ કેન્દ્ર માટેના જરૂરી મકાનો અને નાનાં બાળકો માટે રમતા રમતા શીખવા માટે બાલવાડીનો ભુંગો અને બીજા સાધન, બધું સુરુચિપૂર્ણ રીતે નિર્મિત થયેલું છે. આવા બાંધકામ સાથે પરિસરમાં ફૂલઝાડ અને લેન્ડસ્કેિપંગ મનમોહક વાતાવરણ ઊભું કરે છે. કેડી નિશાળ સંકુલને બાદ કરીએ તો એકેએક વસ્તુ પર દક્ષાબહેનની પસંદગી અને આયોજનની છાપ છતી થાય છે. આજે ધરમપુરના એસ ટી સ્ટૅન્ડ પર કોઈ ખાદી અથવા સાદા પોષાકમાં એક બે થેલા સાથે ઊતરે તો આટોરિક્ષાવાળા પૂછે શ્રીમદરાજચન્દ્ર મોહનગઢ કે ‘આર્ચ’ દવાખાના? અને ‘આર્ચ’ દવાખાના કહો તો સાચવીને લઈ જઈ ઉતારે અને વધુ પૈસા ન માગે. માંગરોલ દવાખાનાની પેઠે ‘આર્ચ’ દાવાખનાની ‘સાજા થવાય અને ઓછા ખર્ચે’ ની સુવાસ પ્રદેશ આખામાં પ્રસરી ગયી છે. આજે દવાખાનામાં નવા કાર્યકરો સેવા આપી રહ્યા છે. દરદીની તપાસ, લેબોરેટરી તપાસ, નિદાન અને તપાસ એ તમામ કામોમાં ધરમપુર અને આસપાસનાં ગામોનાં ભાઈ બહેનો તૈયાર થઈ ગયાં છે. રોજના સરેરાશ ૫૦ જેટલા દરદીઓ વિભિન્ન ગામોમાંથી સારવાર લેવા આવે છે. ધરમપુર કપરાડાની સરહદ પાર મહારાષ્ટ્રના ગામોમાંથી પણ દરદીઓ આવે છે. છેલ્લાં સાત-આઠ વર્ષથી દક્ષાબહેન ‘બાળક આપનારી બાઈ’ તરીકે ખ્યાતિ પામ્યાં. બહેનોના આરોગ્યના પ્રશ્નો હાથ પર લેતા લગ્નજીવનને ત્રણ વર્ષ ઉપર થઈ ગયા હોય અને બાળક ન થયાં હોય તેવા કિસ્સાઓ પણ આવવા લાગેલા અને સરખી વૈજ્ઞાનિક તપાસ કરવાથી અને અનેક કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રી બેઉને સરખી અને સાચી સલાહ આપી જરૂરી દવા કરવાથી પરિણામ આવ્યાં અને તેથી બહેન જાણીતાં થઈ ગયાં.
૨૦૦૦ની સાલ સુધીમાં માંગરોલમાં કરેલા પ્રાથમિક આરોગ્ય અંગેના પ્રયોગથી એ જાણવા મળેલું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ૧૯૭૦-૮૦ના દશકની વિકસતા દેશોના ગ્રામ વિસ્તારોમાં રહેલા આરોગ્ય અંગેના પ્રશ્નોની સમજ સાચી હોવા છતાં લોકોની આરોગ્ય તંત્ર પાસેની અપેક્ષાઓ જુદી હતી. વધુમાં અનુભવે લોકોની સાથે રહીને એમ પણ સમજાયું કે આરોગ્યમાં નોંધપાત્ર સુધારા આવક વધવાથી અને બજારમાં ખરીદી શકાય તેવા ભાવે દવાઓ અને વિશેષ કરીને એન્ટીબાયોટિક દવાઓથી થવા પામે છે. ગામના લોકો ચેપી અને બિન ચેપી ગંભીર માંદગીઓ મટે તેવી અપેક્ષા આરોગ્ય સેવાઓથી રાખે છે. એ તરફ વિશેષ લક્ષ્ય આપવાથી માંગરોલ અને ધરમપુરના દવાખાનાઓમાં દરદી સામાન્ય રોગો સિવાયના ગંભીર રોગો લઈને પણ આવવા લાગ્યા અને તેની સારવાર મેળવતા થયા. પરંતુ, ધરમપુર વિસ્તારમાં માતા ને બાળકનાં સ્વાસ્થ્યના પ્રશ્ને અને સામાન્ય રોગો માટેના નિદાન અને સારવારની જરૂર પણ જણાઈ અને દક્ષાબહેને ધરમપુર વિસ્તારમાં ૪૦ જેટલાં ગામોમાં આરોગ્ય કાર્યકરોને સારી અને સતત તાલીમ આપીને રાખ્યા. સાથે દાયણોની તાલીમ પણ માતબર પ્રમાણમાં ગોઠવી. દાયણબહેનોને દાઈ પેટી આપવાની વ્યવસ્થા કરી અને તેઓ બધી પ્રસૂતિઓ આરોગ્ય કેન્દ્રો કે દવાખાનામાં કરાવતા થાય તે માટે અભિમુખ કર્યા. આરોગ્ય કાર્યકરો દ્વારા સગર્ભાબહેનોની તપાસ અને સંભાળ, પ્રસવ પછીની સંભાળ, બાળકોનું રસીકરણ, માતાનાં ધાવણ અંગેની સભાનતા, પોષણ અંગેની જાગૃતિ અને સરકારી આરોગ્ય તંત્રના કાર્યક્રમો અને કાર્યકરો સાથે જોડાઈ સેવાઓ મજબૂત કરવાના પ્રયાસો કર્યા. સમાજોપયોગી કામ લઈને ઈમાનદારી થી બેસીએ તો સમર્થન મળે જ છે તે વિશ્વાસ ફળ્યો. ‘ફ્રેન્ડ્સ ઑફ આર્ચ’ની મદદ તો હતી જ પણ બીજા દાતાઓ પણ આગળ આવ્યા. આમાં સૌથી વિશેષ મુંબઈના એક જૂથનો ઉલ્લેખ યોગ્ય છે. ધરમપુર-કપરાડા વિસ્તારના લોકોના કલ્યાણ અર્થે મુંબઈના મહાજનોનું એક જૂથ બન્યું, ‘ફ્રેન્ડ્સ ઑફ ધરમપુર’. ‘આર્ચ’, ધરમપુરને ઉદાર મને અને હાથે આ જૂથે માતૃ અને બાળઆરોગ્યનાં કામોમાં મદદ આપતા રહ્યા છે.
ધરમપુર વિસ્તારમાં લોકો સાથે રહીને દક્ષાબહેનને એક બાબત એ પણ સમજાઈ કે કિશોરીઓને શરીરતંત્ર, પ્રજનન તંત્ર અને જાતીય વ્યવહાર અને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવાની તાતી જરૂર છે. તાલીમ વર્ગોની જાણીતી પદ્ધતિ ઉપરાંત દક્ષાબહેને ધરમપુરમાં એક નવીન કાર્યક્રમ શરૂ કર્યો અને તે કિશોર-કિશોરી અને નવ પરિણીત યુગલોનો મેળો. આ મેળામાં જુદા જુદા સ્ટૉલ પર ચિત્ર, મોડૅલ અને સાધનોની વડે કિશોર-કિશોરીઓને શિક્ષણ આપ્યું અને નવદંપતીને પણ અભિમુખ કર્યા. આ નવીન પ્રયોગ ખૂબ સફળ રહ્યો. આ પ્રયોગની રજૂઆત પરથી તેની નવીનતાની ભારત સરકારના કિશોરાવસ્થાના પ્રશ્નો વિશે જાગૃતિ અને તાલીમ માટે રાષ્ટ્રીય સંસ્થાના જાણકારોએ પણ નોંધ લીધી અને બિરદાવ્યો. અને તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ભલામણ કરવાની ખાતરી આપી. આરોગ્ય શિક્ષણ માટે સામગ્રી બનાવવાનું જે માંગરોલમાં રહીને શરૂ કર્યું હતું તે ધરમપુરમાં પણ આગળ ચલાવ્યું. સામાન્ય રોગો, વિસ્તારના બાળકોમાં થતા વિશિષ્ટ રોગો અને બહેનોના રોગો તથા તમામ પ્રશ્નો પર દક્ષાબહેને માહિતીસભર અને સૂચનોયુક્ત અનેક પુસ્તિકાઓ લખી અને પ્રકાશિત કરી.
રશ્મિભાઈએ પોતાની આગવી પહેલ અને દક્ષાબહેનના સમર્થનથી સાથે રહી શિક્ષણ વિશેનાં કામો પણ હાથ પર લીધાં. દક્ષાબહેનનાં બહેન રક્ષાબહેનના અવસાન બાદ, પરિવારે રક્ષા ટ્રસ્ટ સ્થાપ્યું અને એના નેજા હેઠળ એક બાલવાડી અને બાળકકેન્દ્રી અન્ય પ્રવૃત્તિઓ દક્ષાબહેને ધરમપુર કેન્દ્રમાં શરૂ કરી. રમત, ચિત્રકામ, ગીત અને પ્રકૃતિના ખોળે ફરવાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકની જિજ્ઞાસા ખીલવી એને ભાષા અને ગણિતનાં જ્ઞાન તરફ લઈ જવાય તે પ્રયોગ ચલાવ્યો છે. વિજ્ઞાનના પ્રયોગો અને રમતો અને સાધનો વડે વિજ્ઞાન અને ગણિત શીખી શકાય તેવા પ્રયોગો એક્લવ્ય ભોપાલ, આયુકા, અને દેશ-દુનિયાની અન્ય ઉચ્ચ કક્ષાની પ્રયોગશીલ સંસ્થાઓ જોડે જોડાણ કરી, વાંચી અને શીખીને શિખવાડાય છે. વિજ્ઞાન ગણિત શીખવા માટેના ઊંચી ગુણવત્તા ધરાવતા સાધનોનું નિર્માણ કરી શાળાઓને પડતર કિંમતે પૂરા પાડવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના શિક્ષકોની તાલીમ કરી તેઓ વધુ સજ્જ થાય તે કાર્યક્રમો સાતત્યપૂર્ણ રીતે ચાલે છે. ધરમપુર-કપરાડા વિસ્તારથી શરૂ કરી નવસારી-સુરત જિલ્લામાં કાર્યરત સંસ્થાઓ સમર્થિત શિક્ષણ સંસ્થાઓ અને શાળાઓના શિક્ષકોને તાલીમ અપાય છે. આ વિસ્તારોમાં ‘આર્ચ ધરમપુર’માં તાલીમ પામેલા શિક્ષકોની સંખ્યા મોટી છે.
દક્ષાબહેનની અડધી સદી બાદ શરૂ થયેલી જીવનયાત્રાના ૧૬ વર્ષોમાં ધરમપુર પરિસર આજે ૨૫ જેટલા સહકાર્યકરો અને ગામડાંમાં ૪૦ જેટલા આરોગ્ય કાર્યકરો સાથે ધમધમે છે. દક્ષાબહેન આટલું માતબર કામ કરી શક્યાં તેમાં તેમનો સ્વભાવ ખૂબ સહાયક રહ્યો છે. મહેનતુ, મળતાવડા, પ્રેમાળ અને કરુણામય. દવાખાનામાં બપોરે બે અઢી વાગે પણ કોઈ દરદી આવી ચઢે અને હજી જમવા ન ગયાં હોય તો લક્ષ્મીબહેન ટકોર કરે ‘બેન, ચાલો હવે, જમીને જોઈશું’, તો કહે કે ‘ના, તું જા હું આટલું જોઈ લઉં, કેટલા ય દૂરથી આવ્યા હશે એટલે જ મોડા પડ્યા હશે, જોઈ લઈશ તો છૂટા થાય તો પાછા જવાની બસ મળી જાય’. સંસ્થાની એકે એક વ્યક્તિને એમ જ લાગે ‘દક્ષાબહેન તો મારા જ’, દરેક સાથે સીધો સબંધ. એનું મુખ્ય કારણ એ કે દરેક વ્યક્તિને મળે ત્યારે તેના અવગુણ ચિત્ત ન ધરે પણ તેમાં રહેલી શક્તિ ઓળખે અને તેને બિરદાવે-વિકસાવે. એમનું ઘર સહુ માટે મોટું ઘર. જે મહેમાન આવે તે મોટા ઘરમાં એક ટંક તો સાથે જમે જ. કોઈના ઘરે પણ કશું ખૂટે તો મોટા ઘરમાં મળી જ રહેશે તેવી ખાતરી. ઘરે બધાને હસીને પ્રસન્નતાથી આવકારે, સત્કારે અને રાખે. સાથે સમૂહમાં આનંદ કરવામાં માને. ધરમપુર પરિવાર વર્ષમાં એક કે બે વાર સાથે સહેલગાહ પર જાય અને તે પણ એક શૈક્ષણિક પ્રવાસ જેવું હોય. કાર્યકરો પાસેથી યોગ્ય ફાળો લે અને બાકી સંસ્થાના ખર્ચે અને તે પણ દાતાને ખબર પાડીને. પ્રકૃતિના ખોળે એને રગદોળ્યા વગર મધમાખીની જેમ ખપ પૂરતું મધ લઈ મજા કરે-કરાવે અને એટલી જ માવજત કુદરતની કરી તેને વિકસવા મદદરૂપ થાય.
આવી દક્ષાબહેનને કાળ અચાનક ગળી ગયો તેનું દુઃખ સૌને અપાર. પણ ઇહલોકમાં આવેલી આ જીવાત્માની આંતરિક શક્તિ વિશિષ્ટ અને ગતિ ઉર્ધ્વ હોવી જ જોઈએ. જીવ પર આવી પડેલા અચાનક આઘાતને જીરવી જીવી જવું એ વાણીશૂરતામાં ભલે પ્રકટ્યા કરે, પણ ભેટો થાય ત્યારે જે થાય તે જ માનસિક સાહસ અને ઉર્ધ્વગામી અંતરયાત્રાની ઓળખ. ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંત સુધી નિદાન થયું અને પછી ઉપચારની સંભાવનાઓ વિચારાવા લાગી. દુનિયાના શ્રેષ્ઠ તબીબોની ટુકડી દક્ષાબહેનને તપાસે. નિદાન પછીના બે અઠવાડિયામાં ખ્યાલ આવ્યો કે લિવર કેન્સર એટલું વકરેલું છે કે સર્જરી કે દવા કશું પણ સંભવ નથી. તબીબી દુનિયા પાસે કોઈ ઉપાય નથી. પણ તેમ છતાં પ્રયાસો કરવા ફરજબદ્ધ આ ટુકડીએ દક્ષાબહેન સાથે ઔપચારિક મીટિંગ કરી. અમેરિકામાં આરોગ્ય સેવાના દુનિયાનો નિયમ કે દરદીને પૂછે અને તેની સંમતિ વગર કશું કરે નહીં. દક્ષાબહેન પોતે તબીબ, ગંભીરતા અને આખરના પરિણામનું ભાન તો થઈ જ ગયેલું. તબીબી ટુકડીએ જણાવ્યું કે અંત તો આવો જ છે અને દક્ષાબહેનની સંમતિ હોય તો કેટલીક આક્રામક ઉપચારની કોશિશ કરે, જીવન થોડું લંબાવે. અનિલભાઈએ જણાવ્યા મુજબ દક્ષાબહેને એવી મતલબનું કહેલું કે ‘જો હું સાજી થઈ મારા દરદીઓને ન તપાસી શકવાની હોઉં અને મારું કામ ન કરી શકું, તો મારો ઉપચાર બંધ કરવો અને હું વિદાય લઉં. હું ‘પૅલિયેટિવ કેર’માં (કેન્સરના દરદીઓ માટે દુખાવા રહિતની આખરની સેવા) મારા દીકરા અને પરિવાર વચ્ચે બાકીનો સમય રહીશ.’
તબીબોની ટુકડીએ દક્ષાબહેનને અભિનંદન આપ્યા અને કહ્યું હતું કે આવા નિર્ણયો આટલી સભાનપણે અને આટલી સ્વસ્થતાથી લેનારા એમણે ભાગ્યે જ જોયા છે. આવો નિર્ણય ઉર્ધ્વ ગતિ ધરાવનાર જીવાત્મા લઈ શકે એ નિઃસંદેહ. સામાન્ય સમજ પ્રમાણે નાસ્તિક, પણ માનવમાત્રમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક અને જન્મે જૈન એવાં દક્ષાબહેને કોઈ ઔપચારિક દીક્ષા વગર અનાસક્ત થઈ સંથારો લીધો એમ કહેવાય. સહજ જીવનમાં ભોગમાં આનંદ લેનારાં કામમાં જીવ પરોવીને અથાક કર્મ કરનારા આટલી સહજતાથી અનાસક્ત થઈ પરલોક યાત્રાની સભાન હામ ભરી અંતર્યાત્રા આરંભ કરી દેશે એવું માનવું અઘરું પણ તે સત્ય છે. ‘આર્ચે’ તેનો સંનિષ્ઠ અને કર્મઠ સંસ્થાપક સભ્ય ખોયો છે; ધરમપુર પરિસર અને વિસ્તારે તેનો બાગબાન ગુમાવ્યો છે. તેમને સર્જન કરેલા બાગને એટલો અને એવો જ કુસુમિત રાખીએ તો તેમની ફોરમ આવનાર સમયમાં ફેલાતી રહેશે.
e.mail : sudarshan54@gmail.com