વિપુલભાઈ લેખ [બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું] ખૂબ ગમ્યો. ફરીથી મારી પોતાની અસ્મિતા વિશે વિચારમાં પડી ગઈ. મને તો વળી એક વધારાની મથામણ પણ ખરી. મારી માતૃભાષા કચ્છી અને છતાં ય શૈક્ષણિક ભાષા ગુજરાતી. મારા મત પ્રમાણે આપણાં જેવાં ગુજરાતીઓ ઘણા બધા વારસાને લીધે જ આપણે જ્યાં વસ્યાં છે ત્યાં આનંદથી રહીએ છીએ. કદાચ તે દેશના સંસ્કારો સાથે એકમય નથી થઈ ગયાં, પણ એ દેશની અન્ય આતંકવાદીઓની જેમ બબૂરી હાલત નથી કરી કે નથી કદી એનું બૂરું ઈચ્છ્યું.
પેટલીકરે જે વાત પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓ વિશે કહી હતી, એવી જ વાત કોઈ Western journalistએ ભારતીઓ વિશે કહી છે. એણે કહ્યું કે ‘હું ભારતમાં બંગાળીને મળ્યો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરેને મળ્યો, પણ હું કોઈ ભારતીયને ન મળી શક્યો.’
વળી [શાંતિ જેવાં] એવાં પણ લોકો હોય છે જે પોતાની અસ્મિતા કોઈ પણ વારસા સાથે ન જોડતાં ‘હું છું તે જ છું’ એ રીતે ઓળખતાં હોય છે. ત્યારે હું ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, ટાન્ઝાનિયન, યુગાન્ડન, કેનિયન અને બ્રિટિશ – દરેક પ્રાંત કે દેશની અસ્મિતાના ઉચ્ચ ગુણોનાં પલ્લામાં બેસી, જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની જયગાથા માણું છું અને બ્રિટિશપણામાં રાચું છું.
સ્નેહ સહિત
ભદ્રા