કોરોનાકાળમાં પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ
કોરોના વાઇરસને કારણે પશ્ચિમી જગત, પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાના તમામ દેશોના તળિયાના કે નીચલા સમાજના નાગરિક સૌથી વધુ અસુરક્ષિત છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત તે જ થયા છે. કોરોના પછી જોવા મળનારી આર્થિક અસરોનો તે અત્યારથી સામનો કરી રહ્યા છે. તાજા અહેવાલો મુજબ બ્રિટનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશના દક્ષિણ એશિયાઈ લોકો છે, અમેરિકામાં કાળા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિ ખૂબ જ ઓછી હોવાને કારણે તે અનેક સમસ્યાઓ સામે લડે છે. પરંતુ દુનિયાના બીજા દેશોની જેમ પાકિસ્તાનમાં લઘુમતી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોય એવું બન્યું નથી. મુસ્લિમ પરિવારો માટે ગરીબો માટે ખેરાત અને જકાત અનિવાર્ય છે. ધાર્મિક દાનના મામલામાં પાકિસ્તાન ઉદાર દેશ છે. સ્ટૈડફોર્ડ સોશિયલ ઇનોવેશન રિવ્યૂના એક અધ્યયન પ્રમાણે, પાકિસ્તાનીઓ જી.ડી.પી.નો એક ટકો દાન કરે છે. કોરોના મહામારી દરમિયાન ચાલતા રમજાન મહિનામાં પાકિસ્તાનીઓએ ગરીબ લઘુમતીઓની ઘણી મદદ કરી ‘પાકિસ્તાન સેન્ટર ફોર ફિલાન્થ્રોપી’ના એક અભ્યાસમાં જાણવા મળે છે કે પાકિસ્તાનમાં વરસે રૂ. ૨૪૦ અબજનું ધર્માદુ થાય છે.
૧૯૪૭માં પાકિસ્તાનમાં લઘુમતીનું પ્રમાણ ૨૩ ટકા હતું, જે હવે ઘટીને ૪ ટકા જ રહ્યું છે. પાકિસ્તાનમાં શીખ, પારસી, જિકરી, બહાઈ, બૌદ્ધ અને કલશ જેવા નાના લઘુમતી ધાર્મિક સમૂહ છે, તો હિંદુ, ખ્રિસ્તી અને અહમદિયા જેવા મોટા લઘુમતી સમુદાય છે. તે ઉપરાંત ટ્રાન્સજેન્ડર સમૂહ પણ છે, જેને સરકારે રાષ્ટ્રીય ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટ આપ્યા છે. ટ્રાન્સજેન્ડર દરદીઓ માટે ઇસ્લામાબાદની હૉસ્પિટલમાં જુદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. હાલના લૉક ડાઉનમાં પીડિત ટ્રાન્સજેન્ડર લોકોને રાશન આપવામાંઆવ્યું છે. કોરોના વાઇરસે બધા જ પાકિસ્તાનીઓ માટે પડકાર ઊભો કર્યો છે. પરંતુ સૌથી વધુ અસરગ્રસ્ત ખ્રિસ્તી લઘુમતી બની છે. લઘુમતી હિંદુઓ કોરોનાથી એટલા પ્રભાવિત નથી. કેમ કે તે અમીર, વેપારી કે જમીનદાર નથી. તે ઉપરાંત બહુમતી પાકિસ્તાની મુસ્લિમો અને લઘુમતી હિંદુઓ વચ્ચે આપસી સંબંધો ઘણા મજબૂત છે. હિંદુઓની મોટી વસ્તી સિંધમાં રહે છે, જ્યાં તેઓ એકબીજાને મદદ કરે છે. પરંતુ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગની ફરિયાદ હતી કે પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના પ્રસાર વચ્ચે હિંદુઓ અને ખ્રિસ્તીઓને જાણીબૂઝીને ભોજનની મદદ કરવામાં આવતી નથી. આયોગનું મુખ્ય નિશાન કરાચી હતું. જ્યાંથી એવા સમાચાર મળ્યા હતા કે બેઘર અને હંગામી કામદારોની મદદ માટે સ્થપાયેલી બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થા ‘સયાની વેલફેર ઈન્ટરનેશનલ ટ્રસ્ટ’ હિંદુઓને અને ખ્રિસ્તીઓને ખાદ્ય સહાયતા આપતી નથી.
સરકારે તરત જ આ ફરિયાદ પર ધ્યાન આપ્યું અને તેનો નિકાલ કર્યો. વડાપ્રધાન ઈમરાનખાને એક વાર ફરીથી કહ્યું કે દેશના લઘુમતીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કેમ કે તે પણ પાકિસ્તાનના નાગરિક છે. લૉક ડાઉનના કારણે નોકરી ગુમાવનાર ગરીબો માટે મોટા પાયે આર્થિક કાર્યક્રમ અમલમાં છે. તે મુજબ દર મહિને તમામને રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવે છે. તે મદદનો આધાર ધર્મ નથી. તમામ જરૂરતમંદો તે મેળવી શકે છે. જ્યાં લઘુમતી વસ્તી છે તેવા વિસ્તારોમાં સ્વૈચ્છિક કાર્યકરો અનાજની કીટ વહેંચે છે. મને એવા સમાચાર મળ્યા છે કે પેશાવરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લઘુમતી સમુદાયના લોકોને નગરપાલિકામાં કામ કરતા લોકોની સરખામણીએ વધુ હાડમારીઓ વેઠવી પડે છે.
લઘુમતી માટે અલગ આયોગની રચના કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાના છ વરસ બાદ સરકાર લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગ બનાવવાનો ખરડો સંસદમાં લાવી રહી છે. આ વિધેયકના મુસદ્દા મુજબ આયોગના તમામ સભ્યો બિનમુસ્લિમો હશે. આ વિધેયક લાંબા સમયથી ઉત્પીડનના ખોફમાં જીવતી ધાર્મિક લઘુમતીઓને પોતાના ભાગ્યનો જાતે જ ફેંસલો લેવાનો અધિકાર આપશે. આ વિધેયક ધાર્મિક લઘુમતીઓના સામાજિક, રાજકીય અને આર્થિક અધિકારોનું રક્ષણ કરશે અને તેમને દૃઢ કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેનો વ્યવહાર હંમેશાં વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. લઘુમતીઓનું બનેલું આયોગ સરકારને એ જણાવી શકશે કે લઘુમતીઓને અત્યાચારોથી બચાવામાં માટે હકીકતમાં શું કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં કોરોના-સંક્રમિત લોકોનો આંકડો વીસ હજારને પાર કરી ગયો, તે જ દિવસોમાં સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગની રચનાને અંતિમ રૂપ આપી દીધું છે. સરકાર રોજગાર, શિક્ષણ અને સમાજમાં વ્યાપ્ત લઘુમતીઓ પ્રત્યેના ભેદભાવો અટકાવતો કાયદો બનાવે, નફરત ફેલાવતી બાબતો પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરે — એવી લઘુમતીઓની લાંબા સમયથી પડતર માગણીઓ આ ખરડાથી સંતોષાશે. આ ખરડો પાકિસ્તાનની સંસદમાં પસાર થઈ જશે તો તે પાકિસ્તાનમાં રહેતી લઘુમતીઓના મૌલિક અધિકારોની ખાતરી આપતા કાયદાકીય માળખાને મજબૂત કરશે.
[‘અમર ઉજાલા’, અનુવાદઃ ચંદુ મહેરિયા]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020
Category :- Opinion / Opinion