અમેરિકાથી આવેલી નીમુની માશીની દીકરીને સપરિવાર જમવા બોલાવવાની માની ઈચ્છા હતી. નીમુ કહે, “મા, જમણ મારે ત્યાં રાખીએ”.
“તારે ત્યાં શું કામ? મારે જ તેમને જમાડવા જોઈએ ને”
“મા તું એકલી. હવે તારી ઉમ્મર થઈ ……”
“નીમુ, તું એકની એક વાત ફરી ફરી ન કર. એ લોકો અહીં જ જમશે. તારાથી મદદમાં અવાય તો આવજે. ‘પુરણપોળી’ ને ‘બટાકાવડાં’ જ તો કરવાનાં છે!”
“મા, ‘શ્રીખન્ડ’ મંગાવી લઈએ તો? પૂરણપોળીનો તો ભારે કૂથો”.
“તમને આજકાલનાં છોકરાંવને બધી કડાકૂટ લાગે છે. કોઈ આપણે ત્યાં આવે, તો પ્રેમથી જમાડીએ નહીં? તારાથી ન થાય તો હું એકલી બધું કરી નાંખું તેમ છું. પૂરણપોળી એટલે શાહી જમણ કહેવાય”.
નીમુ જાણતી હતી કે મા એક વાર નક્કી કરે; પછી તેમાં રજમાત્ર ફરક ન થઈ શકે. જમણની આગલી રાતે જ એ માને ઘરે આવી ગઈ અને સવારથી રસોઈમાં લાગી ગઈ. માને રાત્રે જરા ઠીક નહોતું. એટલે એને કહ્યું, “તું રસોડામાં આવતી જ નહીં.” છતાં મા તો થોડી થોડી વારે આવીને જોઈ જ જતી કે કેટલું થયું, કેવું થયું. ઓસામણ ચાખી જોયું. કોપરાની ચટણી ઊંચીનીચી કરી. “આમલીની ચટણી પણ જોઈએ” કહી પોતે બનાવી દીધી. “કચૂમ્બરમાં ગાજરની સાથે ટામેટાં‑કાકડી પણ જોઈએ” – કહેતાં ટામેટાં લીધાં; પણ એટલામાં હાંફ ચઢી આવી, એટલે નીમુએ કહ્યું, “મા, હવે તું થોડી વાર આરામ કર, જેથી એ લોકો આવે ત્યાં સુધીમાં ફ્રેશ થઈ જવાય. તું જા, હું બધું કરી નાખીશ”.
નીમુ, એ માની એકની એક દીકરી. બહુ લાડથી ઉછેરેલી. દીકરીને પણ મા ઉપર બહુ પ્રેમ. માનો સ્વભાવ ભારે આગ્રહી. બધું એના મન પ્રમાણે જ જોઈએ. ઉમ્મર થઈ, પોતે કરી શકતી નહોતી; છતાં પોતાની વાત છોડી શકતી નહોતી. ભારે પ્રેમાળ. બીજા માટે મરી પડે. નીમુ આ બધું જાણતી તેથી પ્રેમથી માને સાચવી લેતી. તેને જરીકે ઓછું ન આવે, તેનું તે ધ્યાન રાખે.
બાપુજી ગૂજરી ગયા, એટલે મા એકલી પડી ગઈ, ત્યારે નીમુએ બહુયે કહ્યું કે, ‘મા, હવે તું અમારી સાથે રહે;’ પણ મા ન માની. દસ વરસ એકલી જ રહી, તેવામાં તેને હાર્ટ એટૅક આવ્યો. પન્દર દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. હૉસ્પિટલમાંથી બારોબાર નીમુ એને પોતાને ઘેર લઈ ગઈ. દીકરી, જમાઈ અને દૌહિત્રી પીંકીએ બહુ પ્રેમથી એની સેવા‑ચાકરી કરી; પણ બે મહિના પછી જ્યારે હરતી‑ફરતી થઈ, ત્યારે માએ પોતાને ત્યાં જવાની રટ લીધી. છેવટે નીમુના ઘરની નજીક પાંચ મિનિટના જ રસ્તે એક જગ્યા મળી ગઈ. ત્યાં મા એકલી રહેવા લાગી. નીમુ લગભગ રોજ ખબર કાઢી જતી.
મહેમાનો આવ્યા. જમણથી ખૂબ ખુશ થઈ ગયા. એકેએક વાનગી સ્વાદિષ્ટ બની હતી. મા કહેતી રહી, ‘બધું મારી નીમુએ જ બનાવ્યું છે, હું તો કાંઈ કરી શકી નથી.’
“પણ મા, એ બધું શીખવ્યું કોણે?” નીમુ હેતથી બોલી. માની આંખ ભરાઈ આવી.
મહેમાનો ગયા. મા‑દીકરી જરા આડાં પડ્યાં, ત્યાં તો પીંકી આવી. ‘મમ્મી, તું નાટક માટે મને તૈયાર કરવાની હતી ને?’
‘બેટા, હવે કાલે, આજે વહેલી સવારથી કામ કરીને, હું બહુ થાકી ગઈ છું.’
પીંકી પગ પછાડતી બોલી, ‘રોજ કાલ કાલ કહ્યા કરે છે.’
મા સફાળી બેઠી થઈ ગઈ. પીંકીને પાસે લઈ પ્રેમથી પૂછ્યું, ‘બોલ, દીકરા, તારે શું કરવાનું છે?’
‘અમારી સ્કૂલમાં નાટક છે. તેમાં મારે ‘પેશવાઈ જમાનાની મા’ બનવાનું છે. સાડી ને માથે અમ્બોડો.’
‘અરે, એટલામાં શું? હું તને તૈયાર કરી દઉં!’
પીંકીને બેસાડીને, મા વાળ ઓળવા લાગી. કાપેલા વાળનો અમ્બોડો લેવો અઘરો હોય છે; પરન્તુ માએ ભારે કરામતથી ખાસ્સો મોટ્ટો મઝાનો અમ્બોડો વાળી આપ્યો. વચ્ચે વાળ તણાતાં પીંકીએ ફરિયાદ કરી, ‘મોટી મમ્મી, બહુ તણાય છે!’ તો માએ ટપલી મારી કહ્યું, ‘બૂમો ના પાડીશ. તાણ્યા વિના તો અમ્બોડો છૂટી જાય.’
નીમુ હસી પડી. ‘પીંકુડી, મોટી મમ્મી મને પણ આવી જ રીતે ટપલી મારીને વઢતી.’
મા પણ હસતાં હસતાં બોલી, ‘આ દીકરી તો ડાહી છે. તું તો વાળ ઓળાવતાં ક્યારે ય આટલી શાન્ત બેસતી નહોતી.’
મા‑દીકરીએ ઘડીભર મીઠો ભૂતકાળ માણી લીધો.
માએ કબાટમાંથી જૂના વખતની નવ વારી સાડી કાઢી. ‘આ સાડી મારાં સાસુજીની છે’ કહી પીંકીને પહેરાવી. બની‑ઠનીને પીંકી અરીસા સામે ઊભી રહી અને નાચી ઊઠી! ‘મોટી મમ્મી, નાટકને દિવસે હું અહીં જ આવીશ. તમારે જ મને તૈયાર કરવાની.’
નીમુ આ બધું જોતી હતી. માએ કેટલા ઉત્સાહથી આ બધું કર્યું! થાક‑બાક ક્યાં ય જતો રહ્યો, ખબરે ય ન પડી. કેટલી પ્રફુલ્લિત થઈ ગઈ! પોતે નકામી નથી થઈ ગઈ, હજી બીજાને પોતાને જરૂર છે, પોતે કાંઈક ઉપયોગી થઈ શકે છે; એવો અહેસાસ માણસમાં કેટલું જોમ પૂરી જાય છે ! મૂળમાં, ‘ખાલીપો’ દૂર થવો જોઈએ. અને નીમુના ચિત્તમાં ઝબકારો થયો.
‘મા, મને ‘રવાના લાડુ’ બનાવતા શીખવીશ? મારાથી તારા જેવા થતા જ નથી!’
‘હા કેમ નહીં?’ કહીને માએ એ જ ઉત્સાહથી શું શું લાવવું તેની વિગતવાર સૂચના આપી.
ઘરે પાછા ફરતાં નીમુ એ જ વિચારતી રહી કે, માને પ્રફુલ્લિત રાખવા માટે કાયમ કાંઈ ને કાંઈ કામ કાઢતા રહેવું.
(‘શ્રી માલતી દામલે’ની ‘મરાઠી’ વાર્તાને આધારે • વીણેલાં ફૂલ : ભાગ-11, પાનાં 31‑32 ઉપરથી સાભાર …..)
(સ્વ.કાન્તાબહેન અને સ્વ. હરવિલાસબહેન નામે આ બન્ને બહેનો સાથે મળીને વાર્તા લખતાં. બન્ને બહેનોના આ લેખનયજ્ઞના કામ માટે વિનોબાજીએ એમને ‘હરીશ્ચન્દ્ર’ એવું ઉપનામ આપેલું.)
આવી વાર્તાઓનો ‘ખજાનો’ એટલે પુસ્તિકાઓ ‘વીણેલાં ફૂલ’ના ભાગો 1થી 18, જેમાં ‘હરીશ્ચન્દ્ર’ બહેનોની વાર્તાઓ સંઘરાયેલી છે. દરેક ભાગમાં 33 વાર્તાઓ. દરેક ભાગની કીમત રૂપિયા 40. બીજા 2 ભાગો એટલે ‘તર્પણ’ ભાગ 1 અને 2 જેમાં બહેન ‘આશા વીરેન્દ્ર’ની વાર્તાઓ સમાયેલી છે. દરેક ભાગમાં 40 વાર્તાઓ અને તેની કીમત રૂપિયા 60 છે. ભારતના વાચકને તે બધી જ 20 પુસ્તિકાઓ માત્ર 720 રૂપિયામાં મળી શકે છે. તે માટે લખો નીચેને સરનામે : ‘ભૂમિપુત્ર’ કાર્યાલય, હીંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા – 390 001-INDIA) Phone : 0265 – 243 7957
♦●♦
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 456 – July 05, 2020