સી.બી.આઈ.નો મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો એ પછી સર્વોચ્ચ અદાલતે બે નિર્ણય લેવાના હતા. એક તો એ કે કેન્દ્ર સરકાર વડા પ્રધાન, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ કે તેમના પ્રતિનિધિ જજ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમમાં ચર્ચા કર્યા વિના અને બહુમતી નિર્ણય લીધા વિના કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે સી.બી.આઈ.ના વડાને હટાવી શકે ખરી? જો નિયુક્ત ન કરી શકે તો હટાવી શકે કેવી રીતે? આલોક વર્માએ આ મુદ્દો અદાલતમાં ઉપસ્થિત કર્યો હતો. બીજો મુદ્દો એ હતો કે કેન્દ્રીય દક્ષતા આયુક્તને સી.બી.આઈ.ના વડા સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ હોય તો તેની તપાસ કરવાનો અધિકાર ખરો? અને જો હોય તો તેણે તેનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો હોય કે કોલેજિયમને?
આલોક વર્માએ દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરીની તટસ્થતા વિષે શંકા કરીને માગણી કરી હતી કે આયુક્ત જે કાંઈ તપાસ કરે એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ માગણી માન્ય રાખીને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.કે. પટનાયકને દક્ષતા આયુક્ત દ્વારા કરવામાં આવતી તપાસ પર નજર રાખવાનું કહ્યું હતું. એ પછી આલોક વર્માએ ન્યાયમૂર્તિ પટનાયકને કહ્યું હતું કે રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપવાની માગણી સાથે છઠ્ઠી ઓક્ટોબરની રાતે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરી તેમને મળવા આવ્યા હતા. ચૌધરી વર્માને ઘરે ગયા હતા તેની વર્માના નિવાસસ્થાનની સિક્યુરિટી લોગ બુકમાં એન્ટ્રી મળે છે અને ચૌધરીએ આજ સુધી મુલાકાતનો ઇનકાર પણ કર્યો નથી.
એ પછી આઠમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે આલોક વર્માને સી.બી.આઈ.ના વડા તરીકે પાછા સ્થાપિત કરવામાં આવે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે આલોક વર્માને હટાવી ન શકે. અદાલતે એવો પણ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આલોક વર્મા સામેની તપાસનો અહેવાલ ન આવે અને ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી આલોક વર્મા માત્ર રોજિંદા વહીવટી કામો જોશે અને કોઈ મોટાં તપાસસંબંધિત નિણર્યો નહીં લે. સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે કેન્દ્ર સરકારે ગલ્લાતલ્લાં કર્યા હતા કે આલોક વર્માને હટાવવામાં અમારો કોઈ પૂર્વગ્રહ નહોતો, એ તો દક્ષતા આયોગની ભલામણના આધારે કેન્દ્ર સરકારે વર્માને અને અસ્થાનાને હટાવવાનો નિર્ણય લીધો હતો.
વિસંગતિ હવે આવે છે. દક્ષતા આયુક્તની ભલામણના આધારે કેન્દ્ર સરકાર બારોબાર સી.બી.આઈ. ડાયરેક્ટરને હટાવવાની નિર્ણય ન લઈ શકે એમ કહીને બહાદુરી બતાવતી અદાલત બીજી બાજુ એમ પણ કહે છે કે દક્ષતા આયુક્તના અહેવાલના આધારે દસ દિવસની અંદર આલોક વર્મા વિષે કોલેજિયમ નિર્ણય લે. આટલી ઉતાવળ શેની હતી? તો પછી સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકની ભૂમિકાનું શું? જો પટનાયકની કોઈ ભૂમિકા જ નહોતી તો તેમને મોનિટરિંગનું કામ સોંપવું જ નહોતું જોઈતું. સર્વોચ્ચ અદાલતે દસ દિવસમાં આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાની કોલેજિયમને કહ્યું એ પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવું જોઈતું હતું કે આલોક વર્મા સામેના આરોપમાં કોઈ તથ્ય છે કે નહીં? ન્યાયમૂર્તિ પટનાયક જો એમ કહેત કે આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપમાં તથ્ય છે અને મને દક્ષતા આયુક્તે કરેલી તપાસથી સમાધાન થયું છે તો જરૂર સર્વોચ્ચ અદાલત કોલેજિયમને આલોક વર્મા વિશેનો નિર્ણય લેવાનો આદેશ આપી શકે.
અહીં તો ઊંધો કેસ નીકળ્યો. ન્યાયમૂર્તિ પટનાયકે અભિપ્રાય આપ્યો છે કે કેન્દ્રીય દક્ષતા આયુક્તની તપાસ પક્ષપાતભરી છે અને આલોક વર્મા સામે કોઈ ટકી શકે એવા આરોપ નથી. તેમણે તો કોલેજિયમના સભ્યોએ એક દિવસમાં હજાર કરતાં વધુ પાનાં વાંચી નાખ્યાં એ વિષે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. શા માટે આલોક વર્મા વિષે નિર્ણય લેવાનો કોલેજિયમને આદેશ આપતાં પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવામાં ન આવ્યું? શા માટે કોલેજિયમની બેઠકમાં ન્યાયમૂર્તિ પટનાયકનો અભિપ્રાય રજૂ કરવામાં ન આવ્યો. શા માટે આલોક વર્માને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં ન આવી? આનો અર્થ તો એ થયો કે પહેલાં દક્ષતા આયુક્તની પક્ષપાતભરી ભલામણને આધારે કેન્દ્ર સરકારે આલોક વર્માને તગેડી મૂક્યા અને હવે એ જ દક્ષતા આયુક્તના પક્ષપાતભર્યા અહેવાલના આધારે કોલેજિયમે આલોક વર્માને તગેડી મૂક્યા. પહેલાં ભલામણ હતી અને હવે અહેવાલ હતો. પહેલાં એકલી કેન્દ્ર સરકાર હતી અને હવે કોલેજિયમ. કાનૂન અને સ્વાભાવિક નૈતિકતાના માપદંડથી જુઓ તો કોઈ ગુણાત્મક ફરક નહીં. ખાસ કરીને સર્વોચ્ચ અદાલત દ્વારા જ નિયુક્ત ન્યાયમૂર્તિ પટનાયકને બાય પાસ કરવામાં આવ્યા એ તો હદ હતી.
અને છેલ્લી ઘટના તો પહેલી બે ઘટના કરતાં પણ વધુ શર્મનાક છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના પ્રતિનિધિ જજ કોલેજિયમમાં ઉપસ્થિત રહી શકે એવી બંધારણીય જોગવાઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈએ તેમની જગ્યાએ ન્યાયમૂર્તિ એ.કે. સિકરીને મોકલ્યા હતા. ન્યાયમૂર્તિ સિકરીએ કોલેજિયમમાં એ જોવાનો આગ્રહ નહોતો રાખ્યો કે દક્ષતા આયુક્તના અહેવાલ વિષે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકને શું કહેવાનું છે. તેઓ સર્વોચ્ચ અદાલતના સિટિંગ જજ છે અને સર્વોચ્ચ અદાલતે જ ન્યાયમૂર્તિ પટનાયકને તપાસ પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. બીજું આલોક વર્માને પોતાની બાજુ રાખવાની અને તેને સાંભળવાની કુદરતી ન્યાયની સ્વાભાવિક પ્રક્રિયા પણ એક જજ થઈને તેમને જરૂરી નહોતી લાગી. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની આવી માગણી છતાં. વડા પ્રધાન તો ઠીક ન્યાયમૂર્તિ સિકરીએ પણ એ સૂચન ફગાવી દીધું હતું અને બે વિરુદ્ધ એકથી આલોક વર્માને તગેડી મૂકવામાં આવ્યા.
આ ઘટનાને હજુ તો ૪૮ કલાક પણ નહોતા વીત્યા ત્યાં બહાર આવ્યું કે મહિના પહેલાં કેન્દ્ર સરકારે તેમને તેમની નિવૃત્તિ પછી કોમનવેલ્થ સેક્રેટેરિયેટમાં આર્બિટ્રલ ટ્રીબ્યુનલમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યાયમૂર્તિ સિકરી સાતમી માર્ચે નિવૃત્ત થવાના છે અને તેમણે કેન્દ્ર સરકારની ઓફર સ્વીકારવાની સ્વીકૃતિ પણ આપી દીધી છે. આ વાત બહાર આવ્યા પછી ન્યાયમૂર્તિ સિકરી લજવાયા અને જાહેરાત કરી કે તેમની પ્રામાણિકતા વિષે શંકા કરવામાં આવી એનાથી તેઓ વ્યથિત થયા છે અને તેઓ કેન્દ્ર સરકારની નિયુક્તિ નથી સ્વીકારવાના. આ જોઇને બહુ રાજી થવા જેવું નથી. એટલો તેમનો પાડ કે તેઓ લજવાય બાકી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સથાશિવમને તો એટલી પણ શરમ નહોતી આવી. અમિત શાહને ક્લીન ચીટ આપીને કેરળના રાજ્યપાલ તરીકે ગોઠવાઈ ગયા હતા.
રાજી થવા જેવું એટલા માટે નથી કે તેમણે કોલેજિયમમાં જોડાવાની ઓફર સ્વીકારતા પહેલાં જાહેર કરવું જોઈતું હતું કે તેમણે નિવૃત્તિ પછીની કેન્દ્ર સરકારની નિયુક્તિ સ્વીકારી છે. જો કોલેજિયમના અન્ય સભ્યો અને આ કેસમાં આલોક વર્મા વાંધો ન લે તો તેઓ જોડાઈ શકે અન્યથા નહીં. ન્યાયતંત્રમાં આ સ્વાભાવિક છે. હજુ હમણાં અયોધ્યાનો કેસ સાંભળવા માટે રચાયેલી બેન્ચમાં જોડાવાની ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે ના પાડી દીધી હતી, કારણ કે ભૂતકાળમાં તેઓ અયોધ્યાના ખટલામાં એક પક્ષકારના વકીલ તરીકે કેસ લડ્યા હતા. આવા કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના કારણે જજે કેસ સાંભળવાની ના પાડી હોય, અથવા પાછળથી ખસી ગયા અને વાદી કે પ્રતિવાદીએ ચોક્કસ જજ સામે કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો વાંધો લઈને હટી જવાનું કહ્યું હોય એવા સેંકડો દાખલા મળી રહેશે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 જાન્યુઆરી 2019