સવાર-સવારમાં ઊઠીને નીચે આવી, તો બાપ-બેટીની મહેફિલ જામેલી. ‘પપ્પા, લઈ લો ને આ એક પૂડો.’
‘ના બેટા, હવે નહીં. હવે પહેલાં જેવું થોડું ખાઈ શકાય છે? અમે હવે બુઢ્ઢાં થયા.’
‘જાવ, તમારી સાથે નહીં બોલું. પાછી એની એ ગન્દી વાત.’ ચિત્રા ગાલ ફૂલાવતાં બોલી. તે વખતે જાણે ફરી એ મારી નાનકી ચિત્રુ બની ગયેલી.
‘આટલી વહેલી શું કામ ઊઠી છું? નાસ્તો તો હું જ બનાવી દેત,’ અને એમની તરફ ફરીને બોલી, ‘દીકરી, ચાર દિવસ માટે આવી છે, તેને ય તમે આરામ કરવા નથી દેતા?’
‘પણ મમ્મી….ઈ…..ઈ હવે સાસરે મને વહેલાં ઊઠવાની ટેવ પડી ગઈ છે.’
‘હા….. અહીં તો મહારાણી આઠ પહેલાં પથારી બહાર પગ નહોતાં મુકતાં. સાસુએ ખરી ગૃહિણી બનાવી દીધી છે!’
ત્યાં શિરીષ આવી પહોંચ્યો :
‘અમારાં બહેનબા હવે એકદમ સમજદાર થઈ ગયાં છે, હોં ! એ તો સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. સાસુ હાથમાં ધોકો લેતાં હશે ને!’
‘જા, જા, ચીબાવલા.’ ચિત્રા એનો કાન પકડતાં બોલી અને ભાઈબહેને આખા ઘરમાં ધમાચકડી મચાવી દીધી. પહેલાં તો એમની ધમાલથી મારો પારો સાતમે આસમાને ચડી જતો; પણ હવે હું એવું જ જોવા તો તલસી રહી છું!
પણ આવું કેટલા દિવસ? એના સસરાનો કાગળ આવી ગયો કે : ‘વહુને જલદી મોકલો તો સારું, અશોકને જરા ગોઠતું નથી.’ મને તો એવો ગુસ્સો આવ્યો. ઘરમાં બીજા માણસો છે કે નહીં? પણ વધારે ગુસ્સો તો ચિત્રુ ઉપર આવ્યો. ઘરે જવાની વાત થતાં જ એનો ચહેરો કેવો ખીલુંખીલું થઈ ઊઠેલો!
જુઓને, અહીં આવી છે પણ મારી પાસે પગવાળીને બેસે છે જ ક્યાં? પડોશમાં જઈ-જઈને નવી નવી વાનગી શીખે છે. ખબર નહીં ક્યાં-ક્યાંથી સ્વેટરના નમૂના ભેળા કરી લાવી છે. દિયરની ફરમાઈશ છે કે ‘ભાભી સ્વેટર એવું ગૂંથી આપજો કે કૉલેજમાં બધાં જોઈ જ રહે.’ નાની નણન્દ માટે ગીતો ઊતારે છે. સાસુ માટે શ્રીનાથજીની છબી મોતીથી ભરી રહી છે. બસ ચાર-પાંચ મહિનામાં તો મારી ચિત્રુ હવે મારી રહી જ નથી કે શું?
અને આજે એ પાછીયે જતી રહી. જતી વખતે મને વળગીને ડૂસકે–ડૂસકે રોઈ. કંઈ કેટલીયે વાર સુધી હું વિચારતી રહી કે એનું આ ચોધાર આંસુએ રડવું સાચું કે ઘરે જવાની વાત આવતાં ખીલું ખીલું થઈ ઊઠેલો ચહેરો સાચો?
છેવટે એના લગ્નના ફોટાઓનું આલ્બમ લઈને બેઠી. મને પુષ્પાકાકી યાદ આવ્યાં. બન્ને દીકરીઓ પોતપોતાને ઘેર. એક દીકરો પરણીને લંડન રહે છે. બીજો અમેરિકામાં ભણે છે. અહીં રહ્યાં બે જ જણ! જ્યારે મળવા જાઉં ત્યારે દીકરાઓના ફોનની જ વાત કરે. ‘જો, અમેરિકાથી આ ફોટા આવ્યા છે … લંડનથી રમુએ આ મોકલ્યું છે … એની વહુ ત્યાં કાંઈક નોકરી પણ કરે છે …’ જ્યારે જાવ ત્યારે બસ, આ જ વાત! મારે પણ હવે શું ચિત્રુનું આલ્બમ જ જોવાનું?
મનને હળવું કરવા હું મન્દિરે ગઈ. ત્યાં ઢળતી સાંજના ઝાંખા અજવાળામાં એક આકૃતિ પરિચીત જેવી લાગી. ‘અરે, શિરીષ તું? તું આજે ભગવાનને દર્શન આપવા ક્યાંથી આવ્યો?’
‘એ… તો.. એ… તો…’ એ જરા થોથવાયો. ‘એ… તો… આ જોને, રેણુની જીદને કારણે આવવું પડ્યું … એ બડી ભગત છે …’ ત્યાં તો મન્દિરનાં પગથિયાં ઊતરતી એક છોકરી હાથમાં પ્રસાદ સાથે સામે આવી ઊભી. શિરીષે પરિચય કરાવ્યો ત્યારે એ લજ્જાથી લાલ-લાલ થઈ ઊઠી અને મને પગે લાગી. શિરીષ આંખને ઈશારે એને વારતો હતો પણ રેણુ બોલી ગઈ : ‘મમ્મી, એ તો ગયે અઠવાડિયે આમને અકસ્માત થતાં થતાં રહી ગયેલો ને એટલે મન્દિરે લાવેલી. મમ્મી, એમને કહો ને કે સ્કૂટરને સ્કૂટરની જેમ ચલાવે, એરોપ્લેનની જેમ નહીં.’
‘અકસ્માત? ક્યારે? મને તો ખબર જ નથી ને!’
‘અરે મમ્મી, એ નકામી ગભરાઈ જાય છે.’
હા, તે દિવસે મને નવું જ્ઞાન થયું. મારા દીકરા શિરીષ માટે ‘નકામું ગભરાઈ જનારું’ બીજું પણ કોઈ છે. ઘેર જઈને મેં રેણુ વિશે વિશેષ જાણવાની કોશિશ કરી, તો શરમાઈને શિરીષ બીજા ઓરડામાં ચાલી ગયો, અને એણે ધીરેથી બારણું વાસી દીધું.
ક્યાં ય સુધી હું એ બન્ધ બારણાને જોઈ રહી. મારી ને ચિત્રુ વચ્ચે આવો જ એક દરવાજો ઊભો થઈ ગયો છે. હવે શું આ રેણુ પણ બારણાની જેમ મારી અને શિરીષની વચ્ચે આવીને ઊભશે? મારું મન ઘડીભર ખિન્ન ખિન્ન થઈ ગયું.
પરન્તુ એકાએક હું જોરજોરથી હસી પડી. મને મારા જુવાનીના દિવસો યાદ આવી ગયા. શું હું પણ પાંખો આવતાં નવો માળો બાંધવા નહોતી નીકળી પડી?
(‘શ્રી માલતી જોશી’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)
સ્વ. ‘હરિશ્ચન્દ્ર’
‘વીણેલાં ફૂલ’, ભાગ નવમાનાં પાન ક્રમાંક 8, 9, 10 ઉપરથી સાભાર ..
♦●♦
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 444 –January 19, 2020