રોમેરોમ વિદ્યાર્થી વત્સલ શિક્ષક, મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક, અમદાવાદની સી.યુ. શાહ આર્ટસ કૉલજના પૂર્વ આચાર્ય અને જી.એલ.એસ. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ભાલચન્દ્ર જોષીનું , 12 નવેમ્બરના રવિવારે બપોરે ત્રણ વાગ્યે, 78 વર્ષની ઉંમરે, અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં માંદગી બાદ અવસાન થયું.
આખરના બે મહિના સિવાય તેઓ અરધી સદીથી વધુ સમય સંપૂર્ણ સ્વસ્થ શરીર અને હેતભર્યા હૈયા સાથે શિક્ષણક્ષેત્રે કાર્યરત રહ્યા. જોશી સાહેબના આચાર્યપદ હેઠળ તેમની કૉલેજમાં હું સાડાત્રણ વર્ષ માટે અધ્યાપક હતો. તે સહવાસ સહિત કુલ સાતેક વર્ષના પરિચયમાં ભાલચન્દ્ર જોશી જેવા દેખાયા તેની આ છબિ છે – તેમને અંજલિ સાથે.
******
‘માફ કરશો વિદ્યાર્થીમિત્રો, તમને વર્ગ દરમિયાન ખલેલ પહોંચાડું છું. પણ કેટલીક અગત્યની સૂચનાઓ સાંભળી લેશો…’, આવી સંસ્કારી રીતે સી.યુ. શાહ આટ્ર્સ કૉલેજના પૂર્વ આચાર્ય ભાલચન્દ્ર જોશી પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી જાહેરાત કરતા.
‘અલા તમ બધાં આંય મારી ઑફિસ પર આવો. દર મહિને એકાદ દિવસ નક્કી કરો. આંય બગીચામાં ઘડીક કલાક-બે કલાક મળીએ.’ આવા ઉમળકાથી ગુજરાત લૉ સોસાયટી જેવી માતબર સંસ્થાના વડા જોશી સાહેબ તેમની પૉશ ચેમ્બરમાં તેમને મળવા આવતા સી.યુ. શાહ આટ્ર્સ કૉલેજનાં પૂર્વ વિદ્યાર્થીઓને નોતરતા. આ વિદ્યાર્થીઓ તેમને ભા.જો. કહેતા.
ધ્યાનમાં લેવી પડે તેવી ઊંચાઈ, ધ્યાન આપ્યું હોય તેવું શરીર, ઊજળો વાન, જાડો પણ સાંભળવો ગમે તેવો અવાજ, આખા ય વ્યક્તિત્વમાં શાલીનતા. ભાલચન્દ્ર જોશી એવા આચાર્ય હતા કે જેમના મનમાં વસતું વિદ્યાર્થીઓનું હિત તેમનાં વાણીવર્તન તેમ જ રોજ બ રોજના કામકાજમાં દેખાતું હોય.
કૉલેજનો તેમનો મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓ સાથેના સૌજન્યપૂર્ણ કામમાં જતો. વિદ્યાર્થીઓને ટટળાવતા રાખીને, વર્ગને પડતો મૂકીને મહેમાનો, અધ્યાપકો, કર્મચારીઓ, સત્તાવાળાઓ સાથે રૂબરૂ કે મોબાઈલ પર લટુપટુ વાતો કરતા તેમને જોયા નથી.
ઘણા આચાર્યોમાં જોવા મળતાં તોરતુમાખીથી તે વિદ્યાર્થીઓ સાથે ક્યારે ય વર્તતા જોવા મળ્યા નથી. મિજાજ તો દૂર, તેમનો અવાજ પણ કોઈની સાથેની – ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથેની – વાતચીતમાં ઊંચો જતો સાંભળ્યો નથી. વટની જગ્યાએ તેમના અવાજમાં વાત્સલ્ય વસેલું હતું. વિદ્યાર્થીઓ પર તો જાણે ગુસ્સે થઈ જ ન શકે. અને જો ભૂલેચૂકે થાય તો ય ચહેરા પર ક્રોધ કરતાં વ્યથાના ભાવ વધુ દેખાય.
જોશી સાહેબના વિદ્યાર્થીઓ એવા હતા કે જે ભણતરને બદલે ભભકને મહત્ત્વ આપતી કૉલેજમાં જોવા ન મળતા હોય. એમની કૉલેજમાં એવાં વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓ હતાં કે જે પોતે અને તેમનાં માવતર ‘છૂટક મજૂરી’ કરીને ફી ભરતાં હોય.
તેમાં સફાઈ કામદાર, કાગળ વીણવાવાળા, વેઈટર, વૉર્ડબોય, કચરા-પોતાંના ઘરઘાટી, લારીવાળા, પ્યાલા-બરણીવાળા, લેથ કે બોઈલર પર કામ કરનારા એવા અનેક પ્રકારના શ્રમજીવી ઘરનાં છોકરા-છોકરીઓ હતાં.
તેઓ અમદાવાદના પૂર્વના પરાંમાંથી બસમાં અથડાતાં-કૂટાતાં કૉલેજ આવે. તેમના આચાર્ય કે અધ્યાપકને બર્થડે પર બુકે આપી ન શકે, ન કાર્ડ કે ગિફ્ટ, મહેનતકશ મા-બાપની ન હોય કોઈ વગ, ન પત. પણ એ બધાં જોશી સરના મનમાં પ્રતિષ્ઠિત હોય.
આવા વિદ્યાર્થીઓની જિંદગી સુધરે તે માટે સારી રીતે ચાલતી કૉલેજ થકી તેમને સારું શિક્ષણ મળે તે કેન્દ્રવર્તી વિચારના અમલ માટે જોશી સાહેબ સજાગ રહેતા. કૉલેજ સારી રીતે ચાલવાનો તેમની દૃષ્ટિએ અર્થ રૅન્કિંગ, ‘નૅક’માં ગ્રેડ મેળવવા રૂપાળી બનાવાયેલી કૉલેજની ઇમારત, કૉલેજમાં ફૅશન પરેડ ને ડિસ્કોથેકમાં પાર્ટીઓ કરતાં છેલછોગાળા એવો ન હતો.
તેમની દૃષ્ટિએ કૉલેજ સારી રીતે ચાલે એટલે – વર્ગો નિયમિત લેવાય, સ્પર્ધાની ખેંચતાણ વિનાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય, વાચનશિબિર થાય, અર્ન-વ્હાઈલ-યુ-લર્ન જેવી યોજના સ્વચ્છ રીતે અમલમાં આવે, અધ્યાપકો અને કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરે, અને સહુથી વધુ મહત્ત્વનું તો એ કે છેક છેવાડાના વિદ્યાર્થીની પણ કાળજી લેવાય.
મનોવિજ્ઞાનના અધ્યાપક ડૉ. ભાલચંદ્રભાઈ જોશીએ વીસેક વર્ષ પહેલાં આચાર્યપદ સ્વીકારીને તેમની કૉલેજની ગડ બરાબર બેસાડી હોવાનું સાંભળ્યું છે. તેમાં તેમણે અસામાજિક તત્ત્વો સાથે કડકાઈ અને કુનેહથી કામ લીધું હતું.
વિદ્યાર્થી કાજે જોખમ ખેડવાની જોશી સાહેબની મોટાઈનો એક કિસ્સો નોંધપાત્ર છે. અમદાવાદના છારાનગરમાં રહેતો એક વિદ્યાર્થી કૉલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે પૂરો સમય હાજરાહજૂર હતો. ત્યારે તેની સામે તેના વિસ્તારમાં હત્યાનો ગૂનો નોંધાયો.
એ છોકરાને સંડોવવામાં આવ્યો હતો. જોશી સાહેબે પોતે તે વિદ્યાર્થીને તે સમયે કૉલેજમાં જોયો ન હતો. છતાં તે વિદ્યાર્થીની, બીજાં વિદ્યાર્થીઓની અને બે અધ્યાપકોની વાત પર વિશ્વાસ મૂકીને પોલીસ કાર્યવાહીમાં વિદ્યાર્થીની તરફેણ કરવાનો નિર્ણય વિદ્યાર્થીના વાલીની આખી વાત પાંચ મિનિટ સાંભળીને તત્ક્ષણ લઈ લીધો.
તેમણે કે વીરતા કે વશેકાઈની સહેજેય છાંટ વિના કહ્યું, ‘ઇ તો આપણે પોલીસને કે’શું. તમતમારે મારા તરફથી નચિંત રહેજો. તમે કહો છો તેવું એફિડેવિટ આપણે કરશું.’ આટલું ઓછું હોય તેમ, તેમના ઓળખીતા એક અગ્રણી વકીલ વિદ્યાર્થીનો કેસ નજીવી ફીથી લડે તેવું ય જોશી સાહેબે એ ગોઠવી આપ્યું.
વિદ્યાર્થી બચી ગયો, અત્યારે નોકરીમાં છે. બીજા એક કિસ્સામાં એમ હતું કે એક મનોવિકૃત માણસ એક વિદ્યાર્થીને કનડતો હતો. સાહેબને આ અંગે જાણ કરી, એટલે તરત ‘હાલ, આજકાલમાં આપણે પેલાને મળી આવીએ … તો એની વિકૃતિ માટે કાઉન્સેલિંગ કરવું પડે, હું ઈ … કનોરિયામાં ગોઠવી દઉં.’
ભાલચંદ્ર જોશી સારાં માણસો, પુસ્તકો, કામ અને મૂલ્યો માટે આદર અને કદરનો ભાવ ધરાવતા. પદ-પ્રતિષ્ઠા-પૉલિટિક્સમાં પડેલા લાભદાયી મહેમાનોને કૉલેજમાં બોલાવવા કરતાં, સમાજ માટે ઘસાઈ છૂટનારા માણસો એ વધુ પસંદ કરતા.
એટલે તેમણે ઇલાબહેન પાઠક, ચુનીભાઈ વૈદ્ય, વિનય-ચારુલ, દક્ષિણ છારા જેવાં કર્મશીલોને અને યશવંત શુક્લ તેમ જ આનંદીબહેન પટેલ જેવાં વિદ્વાનોને કૉલેજમાં બોલાવ્યાં હતાં. ગુજરાત લૉ સોસાયટી સાથે સંકળાયેલા જયંત કોઠારી અને મધુસૂદન બક્ષી જેવા વિદ્વાનો સાથેના સંભારણાં કહેવાનું તેમને ગમતું.
ગાંધી, વિનોબા, વિમલાતાઈ અને ડોલરરાય માંકડ ભાલચન્દ્રભાઈનાં આરાધ્ય હતાં. માંકડ સાહેબનો ‘ડો’કાકા તરીકે પ્રેમાદરપૂર્વક ઉલ્લેખ કરી શકનારા અમદાવાદના જૂજ માણસોમાં જોશી સાહેબ એક હતા. તેમનું સંસ્કારસિંચન અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠમાં થયું હતું.
શિક્ષકને પોતાને મળેલું મૂલ્યશિક્ષણ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણવ્યવસ્થા વચ્ચેના ફળદાયી સંબંધનું ભા.જો. એક ઉદાહરણ છે. એમનાં મનમાં વસતી એ શિક્ષણભૂમિ અલિયાબાડા અતીતરાગે જોશી સાહેબની વાતમાં હંમેશાં આવે. તે એટલી બધી વાર સાંભળવા મળે કે જોશી સાહેબની મિમિક્રીનો પણ તે ભાગ બની ગઈ હતી. જેમ કે ‘ઇ અમારે અલિયાબડામાં તો સંજય તને કંઉં …’
એક જ કાર્યક્રમમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ એમની મિમિક્રી કરી શકે તેવાં હેત અને હળવાશ ભાલચન્દ્ર જોશીનાં હૈયે વસેલાં છે. એ જ હળવાશને કારણે, જ્યારે અંગ્રેજીમાં બોલવાનું આવે ત્યારે નિઃસંકોચપણે કહી શકતા, ‘મારું અંગ્રેજી તો તમે જાણો જ છો, એટલે હું તો ગુજરાતીમાં જ બોલીશ.’
કેટલાક આચાર્યોમાં જોવા મળતું સર્વજ્ઞ હોવાનું આચાર્યસહજ અજ્ઞાન તેમનામાં ન હતું. ‘ઇ મને એમાં કાંઈ હમજ નો પડે, ઇ બધું તું સંભાળી લે જો હોં, ભાઈ’, એવું આચાર્યશ્રી જોશી સાહેબ અધ્યાપકથી લઈને એકાઉન્ટન્ટ સુધીના કોઈને પણ નિખાલસતા અને નમ્રતા સાથે કહી શકતા.
જોશી સર પુસ્તકોનું મહત્ત્વ બરાબર સમજતા અધ્યાપકોની પેઢીના હતા અને તેમાં ય આચાર્ય બન્યા. આચાર્યપદનાં અહંકારપોષક નફા હોય છે. પણ વાચન-લેખન, અભ્યાસ-સ્વાધ્યાયમાં રુચિ ધરાવનારા આચાર્ય બને તો એને આ પદ ખોટ કરાવે છે. આ નુકસાનની જાણે ભરપાઈ કરવાની હોય તેમ ભા.જો. પુસ્તકો વિશે સાંભળવામાં તેમ જ પુસ્તકો જોવા-વસાવવામાં રસ લેતા.
તેમણે વાચન શિબિરો કરાવી. એક વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન કૉલેજના ગ્રંથાલયની ફેરગોઠવણી કરવાનો ઉપક્રમ હાથ ધર્યો. તેના માટે સ્વચ્છાએ મહેનત કરનારા દસેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને દરરોજના આવવા-જવાના બસભાડાંની અને ચા-નાસ્તાના ખર્ચની જોગવાઈ તેમણે કરી.
કૉલેજના વાર્ષિક સમારંભમાં આ છોકરા-છોકરીઓનું વિશેષ સન્માન કરીને તેમને પુસ્તકો ભેટ આપ્યાં. કૉલેજમાં ઈનામ તરીકે ચંદ્રકો ઉપરાંત પુસ્તકો આપવાની પણ તેમણે શરૂઆત કરી. એક વર્ષે તેમનાં માતાપિતાની સ્મૃતિમાં કૉલેજના હજારેક યુવક યુવતીઓમાંથી દરેકને લોકમિલાપ પ્રકાશનની ખિસ્સાપોથી મળે તેવું આયોજન પણ તેમણે કર્યું.
વાચન અને તેમને મળેલી સારી કેળવણીમાંથી આવતી સંસ્કારિતા તેમ જ મૂલ્યલક્ષિતા જોશી સાહેબમાં હતી. એ તેમના સૌજન્યપૂર્ણ વાણીવર્તનમાં અને વક્તવ્યમાં દેખાતી. તેમના વ્યાખ્યાનોમાં તેમને શેરોશાયરી અને ટુચકાનો સહારો લેવો પડતો નહીં. વાગ્મિતાસભર ભાષણોમાં પ્રતીતિપૂર્ણ વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ એ સ્થાયી ભાવ હોય છે.
એક વખત ગુજરાત લૉ સોસાયટીએ નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાતની સાથે મળીને અધ્યાપકો માટે એક સંશોધન શિબિરનું આયોજન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સમારોહમાં અધકચરા અંગ્રેજી-ગુજરાતીમાં થયેલાં કેટલાંક અણઘડ વક્તવ્યોમાં સંશોધનની ક્ષિતિજો, પદ્ધતિઓ અને તેના માટેના કરોડો રૂપિયાની ફાળવણી જેવી મોટીમોટી વાતો થઈ.
જોશી સાહેબે એ તેમની અસરકારક ગુજરાતી ભાષામાં કહ્યું, ‘ગુલબાઈ ટેકરા પરથી થઈને મારા કાર્યાલયમાં જાઉં છું ત્યાં રસ્તામાં આવતી ગરીબોની વસાહતમાં ગણપતિની મૂર્તિ બનાવવાનો હુન્નર વિકસ્યો છે. મને એ લોકો વિશેના સંશોધન અંગેના વિચારો કેમ ન આવે?
હિન્દુસ્તાનની જરૂરિયાત અપ્લાઇડ રિસર્ચ, હ્યુમન એન્જિનિયરિંગ છે. સાધારણ માણસ, ખેડૂત મજૂર, ને વિદ્યાર્થી માટે રિસર્ચ કરવાનું છે. તેના માટે કલાસરૂમ અને ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે …’
*****
જોશીસાહેબને મારા માટે ઘણી લાગણી હતી. અમદાવાદની શ્રી. એચ.કે. આર્ટસ કૉલેજમાંથી હું સરપ્લ્સ થયો ત્યારે મને તેમની જ કૉલેજમાં જ નિમણૂક મળે તેમાં તેમણે ખાસ રસ લીધો હતો, તેને હું એક પ્રમાણપત્ર ગણું છું. એ પ્રક્રિયા દરમિયાન કે ત્યાર પછી એમણે ક્યારે ય લેશમાત્ર કૃપાભાવ બતાવ્યો ન હતો.
કૉલેજના કામની વ્યસ્તતાને લીધે તેમની ચેમ્બરમાં બેસીને તેમની સાથે પા-અરધો કલાક વાત ન થઈ હોય એવા ચારેક દિવસ વીતે એટલે એ મને બોલાવીને કહે : ‘કાં અલા, તને કાંઈ ખોટું નથ લાગ્યું ને? બૌ દિવસમાં દેખાણો નથી. આપણે કાંઈ જમાવટ નથ થૈ ….’.
આચાર્યશ્રી ભાલચન્દ્ર જોશીને મારી કૃતજ્ઞતાપૂર્વક અંજલિ.
13 નવેમ્બર 2023
[તસવીર સૌજન્ય : શ્રી શૈલેષ રાવલ, 25/1/2021]
e.mail : sanjaysbhave@yahoo.com