સર્વપ્રથમ તો સૌને દીપોત્સવ અને નૂતન વર્ષનાં અનંત અભિનંદનો અને અઢળક શુભેચ્છાઓ. સંવત 2080માં આવનારા અનેક આનંદો અને પડકારો ઝીલવાની જગત નિયંતા આપણને શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ. સાચું તો એ છે કે આજે જીવવું જ મોટો પડકાર છે, છતાં આપણે આનંદથી, આંસુથી જીવીએ છીએ. નાનામાં નાનો માણસ પણ દિવાળીમાં એક કોડિયું કે આરતી પ્રગટાવવામાંથી નથી જતો. એને માટે તો એ પણ સાહસ જ છે. અનેક અંધકાર વચ્ચે એને તો દીવાનું જ આશ્વાસન છે. એવું ય થતું હશે કે કોઈ વાર તેલનું કામ એ આંસુથી લે ને ભીનો ઉજાસ હાથ લાગે. આનંદ એ વાતે પણ છે કે ગમે તેવો અમીર પણ દીવો તો પ્રગટાવે જ છે. એ રીતે દીવો સૌને સમાન કરે છે. ઘીનો હોય કે તેલનો, આપે છે તો અજવાળું જ ! એનું અજવાળું કાયમી નથી. અખંડ દીવો પણ અખંડ નથી, એ ક્યારેક હોલવાય છે, બિલકુલ મનુષ્યની જેમ જ ! દેવો જો હોલવાતા હોય તો મનુષ્યની તો શી વિસાત !
કૃષ્ણ જો પારધીને હાથે મોક્ષ મેળવે તો અહંકારને ક્યાં ય રહેવા જગ્યા જ ક્યાં બચે છે? આપણો દિવાળીનો તહેવાર રમા એકાદશીથી શરૂ થાય છે ને એ પાંચેક દિવસોમાં ત્રણ ત્રણ તો શક્તિપૂજા થાય છે. વાકબારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો, કાળી ચૌદસે કાલિનો મહિમા થાય છે. કાળી ચૌદસે કૃષ્ણે નરકાસુરનો વધ કરેલો એને લીધે કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહે છે. ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા તે દિવસે અયોધ્યાની પ્રજાએ આનંદોચ્છવ મનાવ્યો, ત્યારથી દિવાળી ઉજવાય છે, ત્યારે પણ અનેક દીવડાં રામરાજ્યમાં પ્રગટ્યાં હતાં. આ દિવાળીએ ફરી એક વાર અયોધ્યામાં 22 લાખથી વધુ દીવડાં પ્રગટ્યાં છે. આમ તો દિવાળી એટલે આસોની અમાસ ! અમાસ અંધારી હોય છે. ચંદ્ર પણ નથી હોતો, એટલે તારાઓ વધુ પ્રકાશે છે. એની સ્પર્ધામાં હોય તેમ દિવાળીએ ધરતી પર એટલા દીવા પ્રગટે છે કે અંધારી રાત અજવાળાઈ ઊઠે છે. કોઈ અમાસ તેજનો આટલો અંબાર નથી સજતી.
આમ તો અસુરોનો વિનાશ એ દેવોનું ધર્મ કાર્ય રહ્યું છે. દેવો એ કરી શક્યા. આજે એ દેવોના વશની વાત નથી રહી. વિશ્વ આખું આસુરી તત્ત્વનો મહિમા કરતું હોવાનું લાગે છે ને આ સંગ્રામ દેવ-દાનવો વચ્ચેનો નથી, દાનવો-દાનવો વચ્ચેનો છે. એમાં દીવા તો ના સળગે, પણ માણસો જરૂર સળગે છે. આ તો રોજની રામકહાણી છે. એમાં જવું નથી ને દિવાળીએ તો દીવાની જ વાત હોયને !
દીવો એકલો છે. દીવાનો સમૂહ હોય, તો પણ દીવો તો એકલો જ હોય. મનુષ્યનું પણ એવું જ છે. સમૂહમાં પણ એકલો હોય એવું બને. દીવો ય એક જ હોય ! સૂર્ય પણ એક જ છેને ! સૂર્યના સમૂહ હોય તો પણ, સૂર્ય તો એકલો જ હોય. સૂર્ય સૃષ્ટિ અજવાળે છે. દીવો ઘર ઉજાળે છે. દીવો સૂર્ય સામે કરાય તેથી સૂર્ય વધુ ઊજળો ન થાય, પણ જે સૂર્ય દીવો શોધવામાં મદદરૂપ થાય છે, એના પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવા આરતી કે દીવો થાય છે. એથી દીવાનો ઉજાસ નથી વધતો, પણ તેની ગરિમા તો વધે જ છે. સૂર્ય સામે જ્યોતિનું પ્રગટવું જ કેવું મોટું સાહસ છે ! સાહસ તો એ પણ છે કે ગમે તેવા ઝંઝાવાતમાં પણ તેણે પ્રગટવાનું છે. ભલે હોલવાઈ જવાનું હોય, તો પણ જ્યોતિએ પ્રગટવાનું તો હોય જ ! સૂર્યને વાદળો ઢાંકી શકતાં હોય, તો જ્યોતિને ઝંઝાવાત હોલવે તેનો અફસોસ કરવાનો ન હોય ! તેણે તો ફરી ફરી પ્રગટવાનું જ હોય.
એ વિચારવા જેવું છે કે રોશનીના આટલા ઝળહળાટ વચ્ચે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ. એથી અજવાળું તો ખાસ વધતું નથી, પણ તેની જ્યોત થરથરીને તેનાં અસ્તિત્વની નોંધ તો લેવડાવે છે. ઇલેક્ટ્રિસિટી ન હતી, ત્યારે કોડિયું જ અજવાળું પાથરતું હતું. પછી તો ઠેકઠેકાણે કોડિયાં મુકાયાં ને અજવાળું વિસ્તર્યું. એ પછી ફાનસો, પેટ્રોમેક્સ આવ્યાં. વીજળી આવી ને એવી આવી કે આંખો ચકાચૌંધ થઈ ગઈ. આજે તો ઘરો, મહેલાતો ને સંસ્થાનોમાં ઇલેક્ટ્રિક તોરણો, સેંકડો ઝુમ્મરો, હેલોઝન્સ, સ્પોટ લાઇટ્સ, ફ્લડ્સ ને એવાં તો કૈં કૈં સાધનોથી એટલો પ્રકાશ ખડકાય છે કે દૂર દૂર સુધી અંધકાર ફટકી પણ ન શકે, છતાં ઘરનાં ઉંબરા પર, પાળી પર, સાથિયા પર, મંદિરોમાં, સમારંભોમાં દીપ પ્રાગટ્યનો અનેરો મહિમા છે. તેનું કારણ છે. દીવો બહુ પ્રકાશ આપી દે છે એવું નથી. દીવાની અવધિ પણ બહુ નથી. દીવાના ઘણા વિકલ્પો છે, પણ સાંજ પડે દીવો કરવાનું ગૃહિણીઓ ભાગ્યે જ ચૂકે છે. સાંજને ટાણે અનેક ટ્યૂબલાઇટ્સ, બલ્બ્સના ઝગારા વચ્ચે પણ મંદિરોમાં થાય છે તો આરતી જ ! ટોડલે દીવો જ પ્રગટે છે. કમાલ એ છે કે ફાનસ સળગે છે ને દીવો પ્રગટે છે. ચૂલો સળગે છે ને આરતી પ્રગટે છે. એક સ્વિચ, ઓન કરવા માત્રથી, ધોધમાર રોશની રેલાવી શકે છે, તો ય વાર-તહેવારે મંદિરે, ગોખમાં, પાણિયારે દીવો મુકાય છે. અઢળક રોશની વચ્ચે પણ દીવો લઘુતાથી પીડાતો નથી, પૂરાં સામર્થ્યથી ટમટમે છે.
આરતીનું, દીવાનું તેજ જરા શાંતિથી જોવા જેવું છે. ઇલેક્ટ્રિક દીવામાં પણ જ્યોત એક સરખી રીતે ઊંચીનીચી થતી રહે છે. પણ દીવાનું તેજ, આરતીનું તેજ સૌમ્ય, સ્નિગ્ધ હોય છે. એક પ્રકારની શાતાનો અનુભવ આરતીની જ્યોત આપે છે. આટલી ઝાકઝમાળ વચ્ચે દીવો ટમટમે છે તો ગમે છે. એની બીજી વિશેષતા એ છે કે તે તેજની સાથે છાયા પણ આપે છે. એ તુલસી ક્યારે મુકાય છે, તો એનું તેજ વર્તુળ ક્યારાની છાયાનો સાથિયો પણ પૂરી આપે છે.
દિવાળીમાં સાથિયાનું અનેરું મહત્ત્વ છે. હવે તો બધું તૈયાર મળે છે. જમીન પર સાથિયાનું સ્ટિકર પાથરી દો કે રંગો પૂરવાની ઝંઝટ જ નહીં ! પણ, હજી ઘણાં ઝૂકીને રંગો પૂરે છે. એક જમાનો હતો જ્યારે મહોલ્લાના સાથિયા જોવા લોકો મોડી રાત સુધી ઉમટતા ને શેરી કોઈ ફાનસની જેમ ઝગમગી રહેતી. આ એવો તહેવાર છે, જેમાં સરસ્વતી, સંપત્તિ અને કલાનો સમન્વય એક સાથે થાય છે ને ત્રણેમાં દીવાનું તેજ ક્યાંક ને ક્યાંક પથરાતું રહે છે.
દીવા વિષે ‘તું જ તારા દિલનો દીવો થા’ કે ‘આત્મદીપો ભવ:’ કે ‘તમસોમા જ્યોતિર્ગમય’ જેવું ઘણું કહેવાયું છે. દીવો બહાર તો પ્રકાશ આપે છે, પણ ભીતરે એનો પ્રકાશ પડતો નથી. આપણે બહારનું અજવાળું ભીતર ફેલાવવા મથીએ છીએ, એટલે ભીતરનું અજવાળું બહાર પડતું નથી. એવું નથી કે ભીતરે અંધકાર જ છે. આત્માને આપણે દીપ કહ્યો છે, પણ એનું અજવાળું અનુભવતાં નથી. આપણું ધ્યાન બહારનાં અજવાળાં તરફ એટલું હોય છે કે ભીતરી અજવાસ તરફ નજર જતી નથી. ભીતરે ઊઠતો આનંદ અજવાળું નથી તો શું છે? એ છલકે છે અંતરના દીવાથી. આમ પણ આપણી શોધ બહાર છે, એટલી અંદર નથી. આંખો બહારનું અજવાળું પામે છે, પણ એને ભીતર વાળીએ તો અહીં પણ ઘણું જોવા મળે એમ છે. ન જોઈએ તો અંધકાર જ હાથ આવવાનો છે. તેજપુંજ બહાર છે એમ જ અંદર પણ છે. પ્રકાશ આપણને દેખાડે છે. રાતના અંધકારમાં તો ઘરની વસ્તુઓ ન દેખાય, પણ એ તરફ દીવો ધરીએ તો વસ્તુઓ પ્રગટ થવા લાગે છે. એ પ્રકાશમાં હોય, પણ આપણે જોઈએ જ નહીં તો ન દેખાય. એવું જ મનનું છે. એ પ્રકાશિત છે, પણ એ તરફ ન જોઈએ તો ન દેખાય. સાચું તો એ છે કે આપણે અંદર બહુ જોતાં નથી ને જતાં પણ નથી, કારણ ત્યાં સત્ય ઝળહળે છે ને આપણને એ ઝળહળનો ભય લાગે છે.
મૂળ માટીમાં રહે છે, અંધકારમાં રહે છે, એ ન દેખાય, પણ મૂળમાંથી ઉપર આવે તો પુષ્પ દેખાય છે. એ ખીલે છે એટલે કે મૂળ અંધકારમાં છે. એવું જ ભીતરનું છે. ભીતરનો પ્રકાશ દેખાતો નથી એટલે એને અંધકાર માનીએ છીએ. પણ મૂળનો પ્રકાશ જો ફૂલ થઈને ખીલતો હોય તો મૂળ દેખાતું નથી એટલું જ ! તે નથી એવું નથી. મનુષ્યનુ પણ એવું જ છે. એ પોતે દીવો છે. પ્રકાશ છે. એનો પ્રકાશ ધરતી પર ફેલાય છે તેથી વિશ્વ તેને દેખાય છે. એ હોલવાય છે તે સાથે આખું બ્રહ્માંડ તેને માટે આથમી જાય છે. મનુષ્ય જન્મે છે તો બ્રહ્માંડ પ્રકાશી ઊઠે છે ને એ મૃત્યુ પામે છે તો એને માટે, બધું જ અસ્ત પામે છે. એ છે તો વિશ્વ છે. એ નથી તો વિશ્વ હોય તો ય એને કશા કાયમનું નથી.
આપણે આત્માને દીપ કહ્યો છે. એ દીપને લીધે મનુષ્ય પ્રકાશે છે. દીપ હોલવાય છે તો દેહ નષ્ટ થાય છે. આત્મા અમર છે. એ દેહમાં છે તો અનુભવાય છે, પણ દેહ છૂટે છે તે પછી એ ક્યાં જાય છે ને ક્યાં રહે છે તેની ખબર પડતી નથી. શરીરને નાશવંત કહીને આપણે આત્માનો વધુ મહિમા કર્યો છે. સાચું તો એ છે કે શરીર અને આત્મા એકબીજાના પૂરક છે. એક વિના બીજું નથી. આત્મા અનુભવાય છે તે શરીર છે એટલે, પણ શરીર વગરના આત્માને કોઈ બતાવી શકતું નથી. કમ સે કમ જે શરીરનો એ આત્મા છે એની ઓળખ એ શરીર વગર આપવાનું શક્ય નથી. જે આત્માને કારણે શરીરને એક ઓળખ મળી, એક નામ મળ્યું એ આત્મા, દેહ છોડતાં કયાં શરીરમાં હતો એની ઓળખ આપી શકતો નથી. મૃત્યુ પછી પણ, એ કોનું શરીર છે એની ઓળખ આપી શકાય છે, કારણ શરીરને નામ મળ્યું છે. એ નામની ચિઠ્ઠી હેઠળ શરીર વર્ષો સુધી રહ્યું છે. એવી ચિઠ્ઠી આત્માને નથી. એટલે એ કયાં શરીરને જીવાડતો હતો એ શરીરમાં હોય ત્યાં સુધી જ ખબર પડે છે, એ પછી એની કોઈ ઓળખ ક્યાંયથી મળતી નથી. દીવાનું પણ એવું જ છે. જ્યોત છે ત્યાં સુધી એ દીવો છે. જ્યોત ગઈ કે દીવો, કોડિયું થઈ જાય છે. જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે દીવામાં અને દેહમાં બહુ ફરક નથી. બંને જ્યોતથી પ્રગટે છે. એકમાં જ્યોત દેખાય છે. બીજામાં અનુભવાય છે. જેવી જ્યોત હોલવાય છે કે બંને માટી થઈ જાય છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 નવેમ્બર 2023