[ભાગ-4]
આઝાદી પહેલાં ગરાસદારી પ્રથા શું હતી? ઘરખેડનો પ્રશ્ન શું હતો? શા માટે ભૂપત ડાકુએ 85થી વધુ નિર્દોષ લોકોની હત્યાઓ કરેલ? શા માટે તેમણે અનેક લોકોના નાક કાપી નાખેલ? શા માટે તે કાઁગ્રેસના કાર્યકરો / નેતાઓને નિશાન બનાવતો હતો? શા માટે અનેક ખેડૂતોના કાસળ કાઢવામાં આવ્યા? શા માટે આ હત્યાઓ થઈ રહી હતી ત્યારે વૈષ્ણવ સંપ્રદાય / સ્વામિનારાયણ સંપ્રદાય / બીજા સંપ્રદાયો મૌન રહેલ? શા માટે આ સંપ્રદાયો લોકશાહીના બદલે સામંતશાહીની તરફેણ કરતા હતા? દુ:ખદ સ્થિતિ એ છે કે આવા પ્રશ્નો આજની પેઢીને થતાં નથી અને વધુને વધુ ધાર્મિક અંધશ્રદ્ધાળુ બની સ્થાપિત હિતોના રોબોટ બની તાળીઓ પાડ્યા કરે છે !
સૌરાષ્ટ્રમાં મોટા-નાના કુલ 220 જેટલાં રજવાડા હતા. તેમાં કેટલાંકનો વિસ્તાર, 3,000 ચોરસ માઈલથી લઈ થોડાંક એકરમાં હતો. આમાંના કેટલાંકને મહેસૂલ ઉઘરાવવા સિવાય બીજા કોઈ અધિકાર ન હતા. 26 રજવાડાઓને સંપૂર્ણ કે મર્યાદિત પ્રમાણમાં રાજસત્તા હતી, બાકીની સત્તા બ્રિટિશ રેસિડેન્ટને હસ્તક હતી. જે પોલિટિકલ એજન્ટ તથા તાલુકદારી કોર્ટ મારફત પોતાની સત્તા ચલાવતા હતા.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા ગરાસદારી પ્રથા હતી. ગાદીવારસ સિવાયના રાજપુત્રોને નિભાવ માટે ગામો / જમીનો આપવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે 4,200 ગામોમાંથી 1,700 ગામો ગરાસદારી ગામો હતા ! લગભગ 5,00,000 ગરાસદારો હતા. તે ગામોમાં ખેડૂતોને જમીન ઉપર કશા ય હક હતા નહીં. ગરાસદારને ઠીક લાગે ત્યારે ખેડૂતને જમીન છોડી દેવી પડતી. આને કારણે જમીનની ખેતી અને સંભાળની સ્થિતિ નબળી હતી. જમીનમહેસૂલ ભાગબટાઈના ધોરણે હતું. અનેક પ્રકારના વેરા, લાગાલેતરીઓ પણ હતા. સામાન્ય વરસમાં તો ખેડૂત ખળામાંથી પછેડી ખંખેરીને બહાર નીકળતો ! ગરાસદારો જમીનની પેદાશમાંથી 1/6 માંડીને 1/3 સુધીનો ભાગ લેતા હતા. એને કારણે ખેડૂતો દેવાદાર બનતા. વેઠ પ્રથા હતી. ખેડૂતને ગમે તે વખતે વેઠ માટે પોતે પોતાના ગાડા લઈને જવું પડતું. ખેડૂતને ખાટલા / ગાદલાં / ગોદડાં પણ વેઠે મોકલવા પડતા. ગરાસદારોને દીવાની કે ફોજદારી હકૂમતો ન હતી અને છતાં એના ખેડૂત સાથેના સંબંધમાં એ સર્વસત્તાધીશ હતા, તે જાતનો એનો રૂવાબ અને વર્તન રહેતાં.
સૌરાષ્ટ્ર સરકારને, ગરસદારી વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન ઉકેલતા ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. શરૂઆતમાં ગરાસદારી આગેવાનોએ સરકાર સામે સત્યાગ્રહનો માર્ગ લીધો. ધીરે ધીરે આ પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બની ગયો અને ધાડ-હત્યાનું એક મોટું મોજું અઢી વર્ષ સુધી સૌરાષ્ટ્ર ઉપર ફરી વળ્યું!
સૌરાષ્ટ્ર સરકારે જમીન અંગેની નીતિ અંગે વિચારવાનું શરૂ કર્યુ એટલે ગરાસદારોએ ખેડૂતો પાસેથી જમીનો પરત લેવાનું શરૂ કર્યું. કેમ કે,
[1] ઘણા ગરસદારોને ભય હતો કે સરકાર વહેલામાં વહેલી તકે જમીન સુધારણાનો કાયદો કરશે અને એમને ખેડૂતો પાસેથી જમીન લઈ લેવાની તક રહેશે નહીં.
[2] એમને એ વખતે આ જમીનમાંથી ઉપજનો ભાગ અને બીજા લાગાલેતરીમાં જે મળતું તે સરકાર ચાલુ રહેવા દેશે નહીં અને એમાં ઠીક મોટો ઘટાડો કરવામાં આવશે.
[3] એમને એમ લાગતું હતું કે એમની આવક વધારવાનું હવે એકમાત્ર સાધન જમીન છે અને જેટલી જમીન તેઓ જાતખેડથી ચલાવી શકે તે કોઈ પણ કાયદો થાય તે પહેલા એમણે મેળવી લેવી જોઈએ.
[4] ગરાસદારના ખેડૂતો એ મરજીના ખેડૂતો હતા એટલે કશી નોટિસ આપ્યા સિવાય એમની પાસેથી જમીન છોડાવી શકતા હતા; પણ આ સ્થિતિ લાંબો વખત રહેવાની ન હતી…
ગરાસદારોની દલીલ હતી કે અમારી જમીન જૂના વરસોમાં અમારા વડવાઓએ માથા આપીને મેળવેલ હતી, જેથી જમીન પર અમારો સંપૂર્ણ અધિકાર છે. સૌરાષ્ટ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો કે ગરાસદારે ખેડૂતો પાસેથી જમીન છોડાવવા માટે ખેડૂતને છ મહિનાની નોટિસ આપવી. સરકારને આશા હતી કે છ મહિનામાં આ પ્રશ્નના ઉકેલ માટે કાયદો ઘડી લેવાશે. નવેમ્બર 1948માં સૌરાષ્ટ્ર સરકાર, ગરાસદારો અને ખેડૂતો વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલી, પરંતુ જૂન 1949માં એ પડી ભાંગી. ગરાસદારોને ઘરખેડ માટે કેટલી જમીન આપવી તે મુદ્દો હતો.
આખરે ગરાસદારો માટે મહેસૂલ મંત્રી શામળદાસ ગાંધીએ ઘરખેડનો વટહુકમ બહાર પડ્યો :
[1] ગરાસદારને એની જમીનના પ્રમાણમાં 40થી 360 એકર સુધી જમીન ઘરખેડ માટે મળી શકે.
[2] ઘરખેડની જમીન હપ્તે હપ્તે પાંચ વર્ષની અંદર ગરાસદારને આપવામાં આવશે.
[3] ખેડૂતોએ જમીન ઉપર જે સુધારા કર્યા હોય તેનું વળતર ગરાસદાર આપશે.
[4] જે જમીન ખેડૂતો પાસે રહે તે ઉપર ખાલસા ખેડૂતો જે મહેસૂલ સરકારને ભરે છે, તે દરે ગરાસદારને મહેસૂલ આપશે.
[5] જાતખેડની જમીન ગરાસદારે જાતે ખેડવી પડશે. જો એ ખેડૂતને રાખવા માંગતા હશે તો જૂના ખેડૂતને જ આપવી પડશે અને તે રક્ષિત-Protected ખેડૂત ગણાશે. આવા ખેડૂતે ઉપજનો અમુક ભાગ મહેસૂલ તરીકે આપવાનો રહેશે.
[6] ઘરખેડની જમીન મામલતદાર મારફતે મળી શકશે.
[7] ઘરખેડની જમીન ઉપર ગરાસદારે 4 આના મહેસૂલ આપવી પડશે અને જે જમીન ખેડૂતને ખેડવા માટે તેના ઉપર 12 1/2 % આપવા પડશે.
[8] ઘરખેડની જમીન જો બે વરસ બિનખેડાયેલી રહે તો તે મૂળ ખેડૂતને આપવામાં આવશે અને તે ખેડૂત ગરાસદારને માત્ર વિઘોટી આપશે અને એને કાઢી શકાશે નહીં. તેવી જ રીતે જાતખેડની જમીન જો નવા ખેડૂતને આપશે તો તે પણ રક્ષિત ખેડૂત બની જશે.
[9] ગરાસદારની ખેડવાણ પડતર જમીન ગરાસદારને આપવાની ઘરખેડની જમીનમાં અમુક પ્રમાણમાં સામેલ કરવામાં આવશે.
[10] આ વટહુકમ પછી ગરાસદારના ખેડૂતોને ખાલસાના ખેડૂતના જેટલા જ હક રહેશે. માત્ર જ્યારે ખેડૂત સ્વેચ્છાએ જમીન છોડે ત્યારે તે ગરાસદારને મળે પણ સ્ત્રીઓ, નોકરીમાંના ગરાસદારો અને સગીરો પોતાની ઘરખેડની જમીન ખેડવા આપી શકશે…
નેહરુને છગનભાઈ પટેલનો પરિચય કરાવતા જામ સાહેબ
આ વટહુકમનાં અમુક પ્રબંધો સામે ગરાસદારોએ વિરોધ ઉઠાવ્યો. સરકારે રજિસ્ટર્ડ ગરાસદારો જ ઘરખેડના અધિકારી છે એમ ઠરાવેલ. પરંતુ ગરાસદારોમાં પેટા ભાગદારો પણ હતા. તેમના નામો રજિસ્ટર કરવામાં આવેલ નહીં. બીજી બાજુ બધાને ઘરખેડની જમીન આપવામાં આવે તો ખેડૂતોને મોટી સંખ્યામાં જમીન છોડવી પડે. વળી નાના ગરાસદારોને જો થોડીઘણી જમીન ખેતી માટે ન મળે તો એમનું જીવનનિર્વાહનું સાધન ચાલ્યું જાય તો તેઓ કાયદો-વ્યવસ્થાને જોખમમાં મૂકે તે ભય પણ હતો. 1,700 ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. પોતાની જમીન, ખેડ કરનારા શ્રમિક ખેડૂતોને આપી દેવી પડે તે કારણે સૌ ગરાસદારોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. ધારાસભામાં દિવસો સુધી જમીન વહેંચણીનો પ્રશ્ન ચર્ચાયો છતાં ઉકેલ આવતો ન હતો. છેવટે ધારાસભ્ય છગનભાઈ પટેલે ધારાસભ્યોની કમિટી રચવાની દરખાસ્ત મૂકી, જેમાં ગરાસદારો અને ખેડૂતોના પ્રતિનિધિ હોય. ‘ખેડે તેની જમીન’ / ‘ઘરખેડ’નો ક્રાંતિકારી કાયદો ઢેબરભાઈએ કર્યો તેની પાછળ ધારાસભ્ય છગનભાઈ પટેલ, મોટી મારડના ધારાસભ્ય ભીમજીભાઈ રુડાભાઈ હતા. અને સરદાર પટેલનું પીઠબળ હતું. મુખ્ય મંત્રી ઢેબરભાઈએ ખેડૂતોની સમસ્યા સમજવા છગનભાઈની વાડીએ જતા !
ચોગઠ ગામે છગનભાઈની વાડીએ આરામ કરતા મુખ્યમંત્રી ઢેબરભાઈ
છગનભાઈએ માત્ર ખેડૂત હિત માટે અવાજ ઉઠાવ્યો હતો તેવું નથી, તેમણે ગરાસદારોના હિત માટે પણ અવાજ ઊઠાવ્યો હતો. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું પરંતુ તે પહેલા 1948માં જમીનદારી નાબૂદી કાયદો બન્યો. પ્રવર સમિતિમાં જમીનદારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ હતા. તેમાં છગનભાઈ પણ હતા. ખેતીની જમીનના ભાગ પાડવાની સત્તા પ્રવર સમિતિને હતી. ખેડૂતોને અને ગરાસદારોને અન્યાય ન થાય તે રીતે જમીનની વહેંચણી કરવાનું કામ મુશ્કેલ હતું. ગરાસદારોમાં ‘અ, બ, ક’ એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા. ‘ક’ વર્ગના ગરાસદાર ટૂંકી જમીન ધરાવનાર હતા. જ્યારે ‘અ’ અને ‘બ’ વર્ગ મોટી જમીન ધરાવતા હતા. છગનભાઈએ કહ્યું કે “સૌરાષ્ટ્રમાં 85% ગરાસદારો ખેડૂત કક્ષાના ‘ક’ વર્ગના છે. તેથી તેમને અન્યાય ન થવો જોઈએ.” આ બાબત પ્રવર સમિતિએ સ્વીકારી. એક ગામમાં ગરાસદારોની માગણી સંતોષાતી નહોતી ત્યારે છગનભાઈએ કોઠાસૂઝથી એવો તોડ કાઢ્યો કે “જે જમીન ખેડૂતોને આપવાની થાય તેમાં જમીનના કટકા ક્યાંથી આપવા તે ગરાસદાર નક્કી કરશે ! ગરાસદારોને પોતાની પસંદગીની જમીન રાખવાની છૂટ આપવી !” આમ છગનભાઈ અને પ્રવર સમિતિના સભ્યોએ રાતદિવસ મહેનત કરીને ગરાસદારી પ્રથા / સામંતશાહી પ્રથા નાબૂદ કરી લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા ! ખેડૂતો જમીનના માલિક બન્યા તેમાં સંપ્રદાયોની કોઈ ભૂમિકા ન હતી; કાઁગ્રેસ સરકારની પ્રગતિશીલ નીતિના કારણે બંધારણનો અમલ થાય તે પહેલાં આ શક્ય બન્યું. આખા દેશમાં આ પ્રથમ ઘટના હતી !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર