સમૃદ્ધ ગ્રંથાલય ધરાવતી, અમદાવાદની શ્રી એચ.કે.આર્ટસ કૉલેજનાં પૂર્વ ગ્રંથપાલ શારદાબહેન શાહ આજે – 29 સપ્ટેમ્બરે – સો વર્ષ પૂરાં કરીને એકસો એકમાં પ્રવેશી રહ્યાં છે.
ગઈ કાલે તેમની મુલાકાત લીધી, જે રોમાંચિત કરનારી હતી. તેમનો તરવરાટ અને તેમની તંદુરસ્તી જોઈને મન પુલકિત થઈ ગયું.
શારદાબહેનને કોવિડ થયો નહીં. તેમને કોઈ વ્યાધિ નથી. સાચા અર્થમાં નિરામય છે. પાંચ વર્ષ પહેલાં તેમનાં 95મા વર્ષના જન્મદિવસ નિમિત્તે તેમના વિશે શુભેચ્છા લેખ લખવા માટે જવાનું થયું હતું. એ વખતના તેમનાં સ્વાસ્થ્ય અને ચૈતન્યમાં અત્યારે ભાગ્યે જ કોઈ ફરક છે.
મુલાકાત દરમિયાન શારદાબહેને દોઢેક કલાક નેતરની ખુરશીમાં બેસીને સતત મલકાતા ચહેરે ખુશી ખુશી વાતો કરી, મોટા ભાગનો સમય ખુરશીના ટેકાને અઢેલ્યા વિના બેઠાં. મને મળવાં આવ્યાં તે પણ બિલકુલ સહજ રીતે ચાલતાં, લાકડી નહીં, દિવાલનો ટેકો નહીં.
શારદાબહેનને બહુ તો પંચોતેર-એંશીના કલ્પી શકાય. માજી કે બા જેવાં શબ્દો મનમાં જ ન આવે. ઉજળો વાન, એકવડી દેહાકૃતિ, આંખોમાં ચમક, કપાળે ચાંલ્લો. આછા રાખોડી રંગનો પંજાબી ડ્રેસ, ક્રીમ રંગનો દુપટ્ટો (વર્ષો લગી ગુજરાતી ઢબે સાડલો પહેરતાં).
સાંભળવામાં અને બોલવામાં તકલીફ સોમાં વર્ષે હોઈ શકે એના કરતાં ઓછી. સાંભરણો ય સરખામણીએ ઓછી ખોટકાય.
ઘર મહેલ જેવડું મોટું છે. ‘આ ઘરમાં એક છેડેથી બીજે છેડે બહેનના દિવસમાં ચાળીસેક આંટા તો થતા હશે, લાકડી લેતાં નથી. તંદુરસ્ત દીર્ઘાયુ વારસામાં છે’, તેમના નાના ભાઈ રશ્મિકાન્ત દલાલે કહ્યું.
રશ્મિકાન્તભાઈ 89 વર્ષના છે,અમદાવાદના ટ્રાફિકમાં કાર ચલાવીને મને ઘરે મૂકવા આવ્યા. ‘તંદુરસ્તીનું રહસ્ય?’ શારદાબહેન : ‘યોગ-પ્રાણાયામ કરું છું.’ સુડોકૂ, રિપીટ સુડોકૂ કરે છે.
પછી તેમણે બિલકુલ સહજતાથી કહ્યું ‘જિંદગીમાં દુ:ખ જોયું જ નથી, બધું સારું જ જોયું છે’, – જિંદગી તરફ જોવાના આવા નજરિયાએ પણ વર્ષોમાં ઉમેરો કર્યો હોય.
પાંચ વર્ષ પહેલાં પણ એ દૃષ્ટિકોણ આવો જ હતો. 2018ના સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું : ‘તંદુરસ્તી કુદરતી છે. પ્રાણાયામ કરું છું. લાઇફમાં સ્ટ્રેસ, ચિંતા, જવાબદારી નથી આવ્યાં.
‘મારાં ભાઈ-ભાભી,ભત્રીજા-ભત્રીજીઓએ, આખા પરિવારે મને બહુ જ સાચવી છે. મુશ્કેલીઓ, સંઘર્ષ કે સિદ્ધિનો કોઈ દાવો નથી : મારા વિશે શું લખશો … ખરેખર તો મારા વિશે લખવા જેવું કંઈ છે જ નહીં, સાચ્ચુ કહું છું.’
આ સ્પષ્ટતા તેઓ બહુ સરળ રીતે બે વખત કરે છે અને આજે પણ એ જ ભૂમિકા વર્તાય. સાધારણ સંભારણાંને ભવ્ય ભૂતકાળમાં ખપાવવાના જમાનામાં, નિરામય દીર્ઘાયુ દુર્લભ હોય તેવા કાળમાં આવી નિખાલસ સાલસતા મોટો ગુણ ગણાય.
પાંચેક વર્ષ પહેલાં સુધી ય દર મહિને એક વાર તો શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજમાં આવતાં, બે દાદરાના પચીસેક પગથિયાં સડસડાટ ચઢીને, પહેલાં માળ પરનાં ‘શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય’માં પ્રવેશીને પાંચ-સાત પુસ્તકોનો ઢગલો હાથમાં લઈને બહાર નીકળે.
પુસ્તકો ઘરે દરરોજ મોડી સવારથી સાંજ સુધી એક ટેબલ સામેની ખુરશી પર બેસીને વાંચતાં. ઘરે ‘અખંડ-આનંદ’, ‘કુમાર’, ‘નવચેતન’, ‘નિરીક્ષક’, ‘પરબ’, ‘બુદ્ધિપ્રકાશ’, વાંચતાં, જેના ઉલ્લેખો તેમની સાથેની વાતોમાં મળે. અત્યારે માત્ર સવારે છાપાં વાંચે છે અને ‘યુવાચાર્ય મહાપ્રજ્ઞનાં પુસ્તકો’. મોડી સાંજથી રાત્રે દસ સુધી ટેલિવિઝન જુએ છે.
શારદાબહેનનાં પિતા લાલભાઈ ગિરધરલાલને અરવિંદ મિલ અને કસ્તૂરભાઈની મિલોમાં કાપડની દલાલી હતી, એનો આર્થિક મતલબ અસલના જમાનાના અમદાવાદીઓને બરાબર સમજાય. ગર્ભશ્રીમંત હોવાનો અણસાર શારદાબહેના શાલીન વેશ-વાણી-વ્યવહારમાં ક્યાં ય નહીં.
મિલઉદ્યોગના સુવર્ણકાળમાં કાળુપુરની જહાંપનાહની પોળમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર 1923ના દિવસે લાલભાઈ ગિરધરલાલના પરિવારમાં જન્મેલાં શારદાબહેનની વાતમાં પોળોનાં તાણાવાણા ગૂંથાયેલા છે:
‘એ મજાનું અમદાવાદ હતું. એક પોળમાંથી બીજી પોળમાં જવાય. રમતાં રમતાં બધે દોડીએ. ઝાંપાની પોળ, પછી મંદિર, પછી ગુંદીની પોળ, ધનાસુથારની પોળ, ત્યાંથી ખારાકુવાની પોળ … હાજા પટેલની પોળ થઈને ટંકશાળ પહોંચાય …’. રશ્મિકાન્તભાઈ આ યાદોમાં સૂર પૂરાવે.
મનસુખભાઈ શેઠની પોળની જૈન નિશાળમાં ત્રીજી સુધી, ખાડિયાની વનિતા વિશ્રામમાં સાતમી સુધી અને દાણાપીઠની મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી 1942માં મૅટ્રિક સુધી ભણતર.
ગુજરાત કૉલેજમાં બી.એ.નું પહેલું વર્ષ ‘હિન્દ છોડો’ની ચળવળમાં અટવાયું. આઝાદીના વર્ષમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયાં.
શિક્ષણ તરફ એકંદર અભિગમ કંઈક આવો હતો : ‘ભણવા ખાતર ભણીએ. રમવામાં બહુ ધ્યાન, હળવા-મળવાનું, ફરવાનું … છઠ્ઠીમાં એક વખત નાપાસ. એમ.એ.માં એક વર્ષ ડ્રૉપ લીધેલો.’
બીજી બાજુ આ પણ : ‘મને બધું નવું નવું જાણવાનો બહુ શોખ. એટલે હું ભરતકામ શીખી, ચૌદ વર્ષની હતી ત્યારથી પંચ્યાશી વર્ષ સુધી તો સાડલા ભરતી હતી. સિવણ ને ટાઇપિન્ગના ક્લાસ ભર્યા, 1948માં જર્નાલિઝમના ક્લાસ કર્યા.’
દૃષ્ટિસંપન્ન કેળવણીકાર અને એચ.કે. આર્ટસ કૉલેજના સ્થાપક આચાર્ય યશવંતભાઈ શુક્લની પહેલથી ગુજરાત વિદ્યાસભાના પત્રકારત્વના અભ્યાસક્રમમાં ‘ખરો વિકાસ થયો’ એમ શારદાબહેન એક કરતાં વધુ વખત કહે છે.
‘પ્રેમાભાઈ હૉલમાં વીસ-પચીસ જણનો, ક્લબ જેવો ક્લાસ’. બચુભાઈ રાવત, બી.કે. મજમુદાર (બી.કે.) અને સુરેન્દ્ર દેસાઈ પણ વર્ગો લેતા. ઇન્દુલાલ યાજ્ઞિક ‘ભૂખ્યા-તરસ્યા’ ભણાવવા આવી ચડતા.
પ્રજાબંધુ પ્રેસમાં તાલીમ લેવા જવાનું, એક વખત રિપોર્ટિંગ માટે દિલ્હી અને પ્રવાસ માટે દક્ષિણ ભારત ગયેલાં. અમદાવાદમાં પણ જાતભાતનું રિપોર્ટિંગ કરવા માટે જવું પડતું.
ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓનો પરિવાર પ્રગતિશીલ, આઠનવ વાગ્યા સુધી છોકરા-છોકરીઓ બહાર ફરી શકતાં. ‘અમારા ઘરમાં છોકરી ને છોકરો એવો ભેદ ન હતો. બંનેને બધુ સરખું મળે.’
રશ્મિકાન્તભાઈ ઉમેરે છે : ‘અમદાવાદમાં સ્કુટર ફેરવનારી પહેલવહેલ મહિલા તે અમારાં બહેન સુશીલાબહેન.’
‘અમદાવાદની પહેલી ચૂંટણી’માં 1951માં કાળુપુરમાંથી લડનારા ‘બી.કે. માટે કામ કર્યું’. ‘જે કામ સોંપે તે કરવાનું, ઊંડું જ્ઞાન નહીં, પણ લખવાનું, લોકોને ઘરે જવાનું ને એવું બધું કામ હોય …’
એ જ વર્ષે ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. થયાં. ‘કોર્સ કરવા ગમે એટલે ગુજરાત વિદ્યાપીઠમાંથી ત્રણ મહિનાનો લાઇબ્રેરિયનનો કોર્સ કર્યો.’
શારદાબહેનને ગુજરાત વિદ્યાસભાની પ્રેમાભાઈ હૉલ ખાતેની લાઇબ્રેરીમાં પુસ્તકો નોંધવાં અને ગોઠવવાંનું કામ મળ્યું. યશવંતભાઈને એમનું નામ એમના (યશવંતભાઈના) નાના ભાઈ વિનોદભાઈ શુક્લે સૂચવ્યું. પછી યશવંતભાઈએ શારદાબહેનને ‘રમતિયાળ લાગે છે’ એમ કહીને પણ કામ પર લીધાં.
ત્યાંથી 1958માં મિર્ઝાપુરના શાંતિ સદનમાં નવી સ્થપાયેલી રામાનંદ (અત્યારની એચ.કે.) કૉલેજમાં શારદાબહેનનું કામ શરૂ થયું. 1958-59માં વડોદરાથી વળી પાછો લાઇબ્રેરિયનનો ડિપ્લોમા કર્યો, જો કે તેમાં જવા દેવા યશવંતભાઈ ઓછા રાજી હતા.
છતાં શારદાબહેન વડોદરાથી પાછાં આવ્યાં ત્યારે આચાર્યએ તેમને જ કૉલેજનાં ગ્રંથાલયનું કામ સોંપ્યું, કૉલેજ 1960માં આશ્રમ રોડ પરનાં નવાં મકાનમાં આવી.
તેના પહેલાં ગ્રંથપાલ બનવાનું ભાગ્ય શારદાબહેનને સાંપડ્યું, જે અઠ્ઠ્યાવીસ વર્ષ સુધી ફળ્યું, 1983માં સાઠ વર્ષની ઉંમરે તે નિવૃત્ત થયાં.
શ્રી એચ.કે. કૉલેજની ‘વગડા જેવી જગ્યાએ’ આવેલી નવી ઇમારતમાં લાઇબ્રેરીની જગ્યા પાંચ વખત ફેરવી. ગ્રંથાલયમાં ન્યુ ઑર્ડર બુક કંપની અને બાલગોવિંદ પ્રકાશનનાં માણસો પુસ્તકો મૂકી જાય.
રામુભાઈ પટેલ, દિનકરભાઈ ત્રિવેદી અને નાનકભાઈ મેઘાણી આવે. અધ્યાપકો પુસ્તકો પસંદ કરે. કૉલેજમાં નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ સંભાળનારા રંગકર્મી જશવંત ઠાકરને પણ પુસ્તક પસંદગીમાં કંઈ કહેવાનું હોય. ‘યશવંતભાઈનું સિલેક્શન બહુ સરસ’.
પસંદગીની બાબતમાં મતભેદો થતા નહીં. અલ્પસાધન વિદ્યાર્થી ફંડમાંથી વિદ્યાર્થીઓને પુસ્તકો વહેંચવાનું કામ પણ બહુ ચાલતું. ઘરે કામ લઈને જવું પડતું. એકંદરે બહુ વિદ્યાર્થીઓ પુસ્તકો લેવા આવતા.
કેટલાક વિદ્યાર્થીઓનાં નામ શારદાબહેનને હજુ યાદ છે – હિરુભાઈ (ભટ્ટ), રમેશભાઈ (શાહ), વિદ્યુતભાઈ (જોશી) અને તેમનાં પત્ની જયશ્રી, કુમારપાળ (દેસાઈ), રંજના (હરીશ), નયના (જાની), સુભાષ (બ્રહ્મભટ્ટ), રૂપા (રૂપા મહેતા, તેમનો જન્મદિવસ પણ યોગાનુયોગે ગઈ કાલે જ).
કેટલીક છોકરીઓને માટે હું પુસ્તકો અલગ કાઢીને રાખું.’ ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરિ સપ્લિમેન્ટ) અને ‘મૉડર્ન રિવ્યૂ’ આવતાં. સામયિકોની ફાઇલો બનતી. કૉલેજના કલાકોમાં રિડીંગ રૂમ ભરાઈ જતો.
એ સિવાયના કલાકોમાં પણ એક અલગ રૂમ, જેમની પાસે ભણવાની જગ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતો. યશવંતભાઈએ ગ્રંથાલય માટે બે કારકૂન અને બે પટાવાળા આપેલા.
બી.કે. મજમુદારના વ્યક્તિગત ગ્રંથસંગ્રહને શારદાબહેન તેમના બંગલેથી એચ.કે.ની લાઇબ્રેરીમાં લઈ આવ્યાં. ત્યારબાદ અત્યારનાં નિષ્ઠાવાન ગ્રંથપાલ તોરલબહેને એ સમૃદ્ધ સંગ્રહ માટે અલગ મોટી છાજલી કરાવી.
ગઈ કાલે શારદાબહેન સાથે વાત શરૂ કરી ત્યારે શરૂઆતમાં જ એમનાં મોંમાથી નીકળ્યું : ‘એચ.કે. બહુ યાદ આવે.’ સહુથી મોટો શ્રેય સ્થાપક-આચાર્ય યશવંતભાઈને : ‘વિકાસ યશવંતભાઈને લીધે જ થયો. એ બહુ ડાયનૅમિક હતા.’
‘સ્ટાફ પણ બહુ સારો. બધાં અધ્યાપકો હળીમળીને રહે. કોઈ લડે નહીં.’ શારદાબહેનને બધા અધ્યાપકો અને એમનાં પત્નીઓ સાથે ઘરોબો. મધુભાઈ (મધૂસુદન પારેખ), ટેંગશે સાહેબ, દામુભાઈ ગાંધી, દિગીશ મહેતા, તપસ્વી નાંદી … આ નામાવલીમાં એચ.કે.ના ઉજળા ભૂતકાળના પાનાં પલટાતાં રહે.
એચ.કે.ની લાઇબ્રેરીમાં પુસ્તકોના વર્ગીકરણ માટે રંગનાથન પદ્ધતિ હતી. વડોદરાનાં કોર્સમાં ડ્યુઈ ડેસિમલ પદ્ધતિનું ચલણ. એટલે શારદાબહેનને શરૂઆતમાં મુશ્કેલીઓ પણ પડી. પ્રકાશ વેગડ સાથે રહીને ગ્રંથપાલોનું મંડળ શરૂ કર્યું, જેનું કામ શારદાબહેનના ઘરેથી ચાલતું.
તેમાં મોહનભાઈ પટેલ, હસમુખ પાઠક, કિરીટ ભાવસાર અને બીજા ગ્રંથાલય વ્યવસાયિકો પણ જોડાતા. પ્રતાપરાય મહેતા સાથે ગ્રાહક સુરક્ષાની સંસ્થાનું પણ થોડુંક જોયેલું. ઇલાબહેન પાઠકની ‘અવાજ’ની લાઇબ્રેરીમાં પણ મદદ કરી હતી.
બીજાં મંડળોની સાથે રહીને અધ્યાપકોની જેમ ગ્રંથપાલોનાં સારાં પગારધોરણો માટેની લડતમાં જોડાયાં. દર અઠવાડિયે બધા ગ્રંથપાલો એચ.કે.માં મળતા.
શારદાબહેન જૂનાગઢ, મોડાસા, શ્રીનગરમાં થયેલાં ગ્રંથપાલોનાં અધિવેશનોમાં પણ ગયાં છે. ‘પેપર પ્રેઝેન્ટ કરતાં ?’ જવાબ : ‘હું તો લાઇબ્રેરી ચલાવતી, લખતાં-વાંચતાં બહુ ન આવડે …’
આ એમની કહેવાની રીત ભલે હોય, પણ વાચનનો વારસો દાદા પાસેથી મળેલો. ઘરમાં ‘પ્રજાબંધુ પ્રેસ’નાં ભેટપુસ્તકો આવે, જૈન ધર્મની પુસ્તિકાઓ હોય. રમવા પછીની બીજી પ્રિય પ્રવૃત્તિ વાંચવાની. એમ.જે. લાઇબ્રેરી સાથે ઘરોબો. ‘મમ્મીને વાંચવાનો બહુ શોખ, એમને કૅન્સર હતું, પણ એ બહુ વાંચતાં.’
શારદાબહેન ‘કેટલાં ય વર્ષો વધારે તો અંગ્રેજી’ વાંચતાં. ‘ગુજરાતીમાં નવલકથા વધારે ગમે. લાઇફની ફિલોસૉફિ પરનાં પુસ્તકો ગમે. કંઈ નક્કી નહીં. જે ગમે તે વાંચું.’
ગઈ કાલે સવારે સાડા દસથી પોણા બાર સુધી લીધેલી શારદાબહેનની મુલાકાતમાં એચ.કે.ના અર્થશાસ્ત્રના અધ્યાપક રમેશ બી. શાહની પણ વાત નીકળી. પછી બપોરે એકાદ વાગ્યે મારા મોબાઇલમાં જોયું ત્યારે ધ્યાન પડ્યું કે 11.20 વાગ્યે રમેશભાઈનો missed call હતો.
એચ.કે.ના પૂર્વ અધ્યાપકોની નામવળી ચાલી રહી હતી લગભગ તે જ સમયગાળામાં આ missed call હતો. સાંજે શાહ સાહેબના નંબર પર ફોન કર્યો ત્યારે એમના ચિરંજીવી ગૌરાંગભાઈએ કહ્યું : ‘પપ્પા કહેતા હતા કે તમે (સંજય) શારદાબહેનને મળવા જાઓ ત્યારે મારા વતી પણ શુભેચ્છા આપજો.’
આ શું – Telepathy? Surrendipity? Probability? કે પછી એચ.કે.ને ચાહનારા તેના ત્રણ કર્મચારીઓની Affinity?
માનવીના જીવનની વયમર્યાદા અંગેના તાજેતરના સંશોધનો જણાવે છે માણસ 125 વર્ષ સુધી જીવી શકે. એ સંશોધકો આપણા શારદાબહેનને મળ્યા હોવા જોઈએ !
[આભાર : રશ્મિકાન્ત દલાલ, પરીક્ષિત જોગી, તોરલબહેન પટેલ, પાર્થ ત્રિવેદી, ઉર્વીશ કોઠારી]
[આધાર : ‘નવગુજરાત સમય’ અખબારમાં 28 સપ્ટેમ્બર 2018ના દિવસે પ્રસિદ્ધ થયેલો મારો લેખ]
29 સપ્ટેમ્બર 2023
[1,400 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com