એક ગીતની પંક્તિ છે : ‘તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હૂં ….’ મા તેનાં નાનકડા દીકરાને કહે છે કે આજે તો તારું બાળપણ છે, પણ યુવાની સુધી તું પહોંચશે કે કેમ, તે નથી જાણતી, એટલે તારાં બાળપણમાં જ તને યુવાનીની દુઆ આપું છું. એક મા આવું કહે છે, કારણ કે તે ડાકુને પરણી છે. એનો પતિ ગમે ત્યારે પોલીસનો શિકાર થવાનો છે. એ પછી દુનિયા, આ નિર્દોષ ને અજાણ બાળક સાથે કેવી રીતે વર્તશે એની ચિંતા છે. બને કે દુનિયા બાળકને કદાચ મોટો પણ નહીં થવા દે એવી માતાને દહેશત છે. સાહિર લુધિયાનવીનું એ હૃદયસ્પર્શી ગીત છે. જયદેવનું સંગીત છે ને પડદા પર ગવાય છે, વહીદા રહેમાન દ્વારા. દીકરાના ભવિષ્યની જે ફાળ પડે છે ને તેને એ જે રીતે અભિવ્યક્ત કરે છે તેને શબ્દો આપવાનું અઘરું છે. ફિલ્મ હતી ‘મુઝે જીને દો.’ સુનિલ દત્તની ‘અજંતા આર્ટ્સ’ની એ ફિલ્મ !
એ જ પ્રોડક્શન હાઉસની બીજી એક ફિલ્મ તે સુનિલ દત્ત અભિનીત-દિગ્દર્શિત ‘રેશ્મા ઔર શેરા.’ એ ફિલ્મ માટે વહીદા રહેમાનને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આખી ફિલ્મમાં કુટુંબ કબીલાઓની રાજપૂતી શત્રુતા માટે આન-બાન ને શાન જાળવતી પરિપક્વ પ્રેમિકાની ભૂમિકા વહીદાએ જીવ રેડીને ભજવી હતી. ભાઈના મોતનો બદલો, શત્રુ / પ્રેમીના મોતથી લેવાની વાત આવે છે, ત્યારે અનેક પુરુષોની વચ્ચે એ સંતાપે છે. કબીલાઓ વચ્ચે ચાલતી શત્રુતામાં એ સ્થિતિ આવે છે કે પોતાનાં પ્રેમીને મારીને ભાઈની હત્યાનો બદલો લઈ શકે, પણ એટલી ગૂંચવાય છે કે કહે છે, ’કિસ સે બદલા લૂં? કિસ કિસ સે બદલા લૂં? કૌન મેરા દુ:શ્મન હૈ? કૌન મેરા દુ:શ્મન નહીં હૈ? મૈં સ્ત્રી જાત હૂં. જનમસે મેરા નસીબ હી મેરા દુ:શ્મન હૈ.’ જે રીતે વ્યથાથી ઘૂંટાઈને એ સંવાદો બોલે છે તે તેને શ્રેષ્ઠ અભિનેત્રી પુરવાર કરે છે. એ જ રેશ્મા શત્રુતા સંદર્ભે સરસ વાત કરે છે, ‘વિરોધ સે કભી વિરોધ નહીં મિટ સકતા.’ અભિનય એવી રીતે કરે છે કે એ વહીદા રહેતી જ નથી, રણની રેશ્મા જ થઈ ઊઠે છે.
અસિત સેનની ફિલ્મ ‘ખામોશી’ એક નર્સની વાત લઈને આવે છે. દર્દીને સારો કરવામાં, તેનું દર્દ, નર્સનું પોતાનું દર્દ થઈ ઊઠે ત્યારે પણ તેણે તો ખામોશ જ રહેવું પડે છે એ વાત, વહીદા રહેમાને તંતોતંત પ્રગટ કરી છે. નર્સની ભૂમિકા એટલી અસરકારક છે કે નર્સ જ વહીદા રહેમાન બની હોય એમ લાગે. વહીદા રહેમાનની ખાસિયત એ છે કે એ એક્ટિંગ નથી કરતી. ફિલ્મમાં છેલ્લે કહે પણ છે કે પાગલ દર્દીઓને સારા કરવામાં તેણે એક્ટિંગ જ કરવાની હતી, પણ ન કરી શકી, ‘મૈં એક્ટિંગ નહીં કર સકતી.’ દર્દીઓ જોડે સાચુકલી રીતે વર્તવા જતાં, એમના દુ:ખ વેઠતી થાય છે ને પોતે જ પાગલ થઈ જાય છે. તેણે એક્ટિંગ કરી જ નહીં ને છતાં વર્ષો સુધી વહીદા રહેમાન ગંભીર અને નામી એક્ટ્રેસ ને ડાન્સર તરીકે, હિન્દી ફિલ્મ જગત પર છવાયેલી રહી. આજે 85 વર્ષે પણ તે તેની લોનમાં ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ પર પૂરી ભાવ-મુદ્રાઓ સાથે ડાન્સ કરતી દેખાય છે તો ભાગ્યે જ કોઈ અભિભૂત થયા વગર રહે એમ બને.
એવી જ એક ઓછી જાણીતી ફિલ્મ રાજેન્દર સિંહ બેદીની ‘ફાગુન’ હતી. 1973ની આ ફિલ્મમાં પતિના વિરહમાં જિંદગી કાઢી નાખનાર એક સ્ત્રીની બહુ અટપટી ભૂમિકા હતી. પતિ (ધર્મેન્દ્ર) છોડી ગયો છે ને દીકરી(જયા ભાદુરી)ને ઉછેરીને વહીદા મોટી કરે છે. એ પણ પરણે છે ને સાસુ જમાઈમાં દીકરો જુએ છે. તે સાથે જ જે, જે કાળજી પતિની રાખવાની રહી ગયેલી તે જમાઈ માટે રખાય છે ને જમાઈને એવું લાગે છે કે પોતાની પત્નીએ કરવાનાં કામ સાસુ જ અગાઉથી કરી લે છે. સાસુનો હેતુ તો કાળજી લેવાનો, ચિંતા કરવાનો જ હતો, પણ જમાઈ એક દિવસ ખીજવાઈને પત્નીને કહી દે છે, ‘તને પતિની નહીં, પિતાની જરૂર છે.’ જમાઈ, પતિ વગરની વિરહિણી સાસુને સમજી નથી શકતો ને સંઘર્ષ એમાંથી થાય છે. પત્ની અને સાસુની ભૂમિકાને વહીદાએ એટલી સમજદારીથી ભજવેલી કે કુશળ અભિનેત્રી ન હોય તો એ જે તે ભૂમિકાને ન્યાય ન કરી શકે.
વહીદાએ પડકાર જનક ભૂમિકાઓ ઘણી કરી છે. એ ભૂમિકાઓ એ જીવી છે, એટલે એમાં એક્ટિંગ બહુ જણાઈ નથી. ‘ગાઈડ’માં મૂંગી મૂર્તિઓ વચ્ચે, વહીદા પોતાને મૂર્તિ બનાવી રાખનાર પતિનો આક્રોશ સાથે વિરોધ કરે છે, ત્યારે બધી મૂર્તિઓ તેનાં આર્તનાદથી પડઘાઈ ઊઠે છે. ‘ગાઈડ’નાં જ એક ગીત ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ ..’માં વહીદા, ‘રોઝી’ જ થઈ ઊઠે છે. અહીં ‘ફિર’નો જે અર્થ કિલ્લાની રાંગ પર દોડતાં દોડતાં એ પ્રગટ કરે છે, એ ગીતને એકદમ ધબકતું કરી મૂકે છે. ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’માં અગાઉ જે મૃત્યુ જેવું જીવન હતું, તેને વિકલ્પે આજનો સૂરજ ઉમંગ લઈને આવ્યો છે તો ગાય છે, ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ ને આવું ધબકતું જીવન આવતું હોય તો આજે જ ફરી મરી જવાનો ય વાંધો નથી, એટલે જ કહે છે, ‘આજ ફિર મરને કા ઈરાદા હૈ …’ પૂર્વ પતિના ત્રાસમાંથી મુક્ત થયેલી રોઝી, રાજુ ગાઈડને ચાહે છે, પણ કપટ તો અહીં પણ છે. એટલે જ ‘પિયા તો સે નૈના લાગે રે …’ ગાનારી રોઝીએ ‘મોસે છલ કિયે જાય … સૈયાં બેઈમાન …’ની પીડા પણ ગાવાની થાય છે. બંને ગીતોમાં વહીદાને શાસ્ત્રીય નૃત્યની તાલીમ બહુ મદદમાં આવી હતી. આમ પણ તે કુશળ ડાન્સર તો હતી જ. એ કળા પારખીને જ ગુરુદત્તે ‘સી.આઇ.ડી.’ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. ગાડી બગડવાથી ગુરુદત્તે હૈદરાબાદ રોકાઈ જવું પડ્યું ને અહીં વહીદાનો ડાન્સ જોવાનો થયો ને એમ ‘સી.આઇ.ડી.’ બોલીવુડની પહેલી ફિલ્મ વહીદાને મળી. આમ તો ડેબ્યૂ 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’થી થયેલું.
જોવાની ખૂબી એ છે કે ત્યારે કેમેરા ફેસ કરવાની કે ભાવ પરિવર્તનની કોઈ આવડત વહીદામાં ન હતી, પણ દરેક ફ્રેમમાં તે પરફેક્ટ હતી. તે પરિપૂર્ણ અભિનેત્રી હતી. અભિનય તે કરતી ગઈ અને વિકસી એવું ન હતું, તે શરૂથી જ વિકસેલી હતી. આવી જીવનથી છલોછલ અભિનેત્રીને 2021નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 26 સપ્ટેમ્બર, 2023ને રોજ જાહેર થયો ને યોગાનુયોગ દેવાનંદની એ દિવસે 100મી વર્ષગાંઠ પણ હતી. દેવાનંદની શતાબ્દીની શરૂઆતે જ વહીદાને આ એવોર્ડ મળ્યો ને સોનામાં સુગંધ ભળવા જેવું થયું. દેવાનંદ સાથે જ પહેલી ફિલ્મ ‘સી.આઇ.ડી.’ કરેલી ને તે પછી તો ‘ગાઈડ’ જેવી નોંધપાત્ર ફિલ્મમાં પણ બંને સાથે આવ્યાં. ગુરુદત્ત સાથે પણ ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ ‘સાહબ, બીવી ઔર ગુલામ’, ‘ચૌદહવી કા ચાંદ’ જેવી ફિલ્મો કરી. જાણે શરૂઆત જ ક્લાસિક ફિલ્મોથી થઈ ! પછી તો ચરિત્ર અભિનેત્રી તરીકેના પણ ઘણા રોલ બહુ કુશળતાથી પાર પડ્યા. ‘કભી કભી’, ‘ત્રિશૂલ’, ‘મશાલ’, ‘લમ્હે’, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી 6’ ‘વિશ્વરૂપમ 2’ જેવી ફિલ્મોનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. 2021માં જ છેલ્લે નેટફલિકસની ફિલ્મ ‘સ્કેટર ગર્લ’માં પણ વહીદાએ અભિનય કર્યો છે, એ જોતાં તેની ફિલ્મોની સંખ્યા 90ની થવા જાય છે. દિલીપકુમાર, મનોજકુમાર, રાજકુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના જેવા ઘણા કલાકારો સાથે વહીદાએ જુદી જુદી ભૂમિકાઓ ભજવી છે, પણ ગરિમાથી ઓછું વહીદાને કૈં ખપ્યું નથી તે ખાસ નોંધવું ઘટે. એ જ કારણે કદાચ એ પદ્મશ્રી (1972) અને પદ્મવિભૂષણ (2011) સન્માનને પાત્ર પણ ઠરી છે. 1965માં ‘ગાઈડ’ અને 1968માં ‘નીલકમલ’ માં ફિલ્મફેર એવોર્ડ પણ તેને મળ્યા છે.
વહીદાનો જન્મ 3 ફેબ્રુઆરી, 1938ને રોજ મદ્રાસના ચેંગલપેટ ખાતે થયેલો. તેની જિંદગી વિષે બહુ વિગતો નથી. તેનાં લગ્ન 1974માં શશી રેખી સાથે થયેલાં. તેમણે બંનેએ ફિલ્મ ‘શગૂન’માં સાથે કામ કરેલું. તેનાં બે સંતાનો સોહેલ અને કેશવી લેખન સાથે સંકળાયેલાં છે. 2000માં પતિનું મૃત્યુ થતાં બેંગ્લુરુથી વસવાટ ફરી મુંબઇમાં થયો. આ સિવાય અભિનય અને નૃત્ય જ તેનું જીવન રહ્યું છે. દેખીતું છે કે તે ફિલ્મ ક્ષેત્રનાં સર્વોચ્ચ સન્માનોથી ઉમળકાભેર પોંખાય, એટલે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત 26મી સપ્ટેમ્બરે કરે એમાં પૂરું ઔચિત્ય છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ સાત મહિલાઓને મળ્યો છે. એવોર્ડની શરૂઆત 1969થી થઈ અને પહેલો જ એવોર્ડ દેવિકા રાનીને એનાયત થયો. તે પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને એ એનાયત થયો. 2020માં આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો. વહીદા રહેમાનને પણ એવોર્ડમાં સુવર્ણ કમળ, દસ લાખ રૂપિયા, પ્રમાણપત્ર, રેશમી તકતી અને શાલ અર્પણ થશે. વહીદા રહેમાનને અઢળક અભિનંદનો અને વંદનો …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 સપ્ટેમ્બર 2023