આજે આવેલ ટપાલના ઢગલામાંથી એક એન્વેલપ ખોલી, તુષાર તેમાં ખોવાઈ ગયો. તુષારને ટપાલમાં મશગૂલ જોઈ ડાઈનિંગ રૂમના ટેબલ ઉપર છાપામાંથી સેલ-શોપિંગના કટિંગનો પથારો કરીને બેઠેલ સુસ્મિતાએ તુષારના હાથમાંથી પત્ર ખેંચી તેના પર એક નજર કરતાં જ તેનો ચહેરો પણ ગુલાબસમો ખીલી ઊઠ્યો.
છેલ્લા સાત-આઠ મહિનાથી જેની કાગડોળે રાહ જોતા હતા, તે લોસ એન્જલ્સની એક ચાઈલ્ડ એડોપ્શન આપતી ખાનગી સંસ્થા તરફથી તુષાર અને સુસ્મિતાને આજની ટપાલમાં પત્ર આવ્યો હતો.
શ્રીમાન / શ્રીમતીજી,
પ્રસન્નતા સાથે જણાવવાનું કે, અમારી સંસ્થાએ તમારા અંગત જીવનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે તમને જે કોઈ બાળક દત્તક આપીશું, તેને તમે ખરેખર જતનપૂર્વક, તેના માબાપની જેમ, ઉછેર કરશો!
આ પત્ર સાથે અમે તમને જે બાળકનો ફોટો મોક્લીએ છીએ. તે બાળક આજથી લગભગ ચાર અઠવાડિયા પૂર્વે લોસ એન્જલ્સના એક પોલિસને સબવેના ગારબેજ કેનમાંથી રડતું મળ્યું હતું. તેણે આ બાળકની જવાબદારી અમને સોંપેલ છે. અમારી ઑફિસમાં દત્તક લેનાર વ્યકિતઓની ફાઈલનો અભ્યાસ કર્યા બાદ સંસ્થાના ડિરેકટરે આ બાળક દત્તક તરીકે તમને આપવાની ભલામણ અમને કરી છે. આ પત્ર સાથે બાળકનો વિગતવાર સંપૂર્ણ બાયાડેટા અમે તમને મોક્લીએ છીએ. આશા રાખીએ છીએ કે આ બાળકને તમારા ઘરની હૂંફ મળશે.
જો તમે આ બાળકને દતક લેવા ઈચ્છતાં હો તો બે અઠવાડિયાની અંદર ફોન, પત્ર અથવા ઈ-મેઈલથી અમને જાણ કરશો. જો તમારા તરફથી જણાવેલ સમયમાં અમને કોઈ જવાબ નહીં મળે તો અમે એમ સમજીશું કે આ બાળકને દત્તક લેવાની તમારી કોઈ ઇચ્છા નથી. ત્યાર બાદ અમે આ બાળકને બીજા કોઈ પરિવારને દત્તક આપવા માટેની કાર્યવાહી શરૂ કરીશું.
પત્ર વાંચતાં સુસ્મિતા ઉત્સાહના ચકડોળમાં ભમવા માંડી. પોતે ખુદ ગાયનેકોલોજિસ્ટ હોવાથી જ્યારે પોતાની ઑફિસમાં કોઈ પેશન્ટની શારીરિક તપાસ કર્યા બાદ પેશન્ટને સુખદ સમાચાર આપતી હોય છે કે, “તમે મા બનવાનાં છો!” ત્યારે પેશન્ટનો ચહેરો કેવો રાતા ગુલાબ સમો મહેંકી ઊઠે છે તેમ તેના અંગેઅંગમાં ખુશી વ્યાપી ગઈ. ખુશીમાં તેની આંખમાંથી હર્ષનાં બે આંસુ સરી પડ્યાં. એકાદ પળ માટે તેને મનોમન થઈ આવ્યું કે પોતે પ્રેગનેન્ટ છે. આ હરખમાં ને હરખમાં તેણે પોતાના સુંવાળા સુડોળ પેટ પર હાથ પણ ફેરવી લીઘો. તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેની સામે ખુરશીમાં બેઠેલો તુષાર તેના ચહેરાના હાવભાવ જોતો મનોમન મલકી રહ્યો છે!
આ ખુશીમાં જ તેણે તુષારને પૂછયું, ‘ફોટો કયાં છે?’
તુષારે, કવરમાંથી ફોટો કાઢી સુસ્મિતાના હાથમાં મુક્યો. ફોટાને વહાલથી બેચાર ચુંબન લેતી સુસ્મિતા હરખાતી બોલી ઊઠી, ‘તુષાર, જો તો ખરો! કેવું સરસ ગુલાબના ફૂલ સમું આ બાળક છે. ખરેખર મને તો એમ જ લાગે છે કે હું જન્મી ત્યારે આ બાળક જેવી જ લાગતી હતી. જો મને મારા આલ્બમમાંથી મારા જન્મના પ્રથમ દિવસે પાડેલ હૉસ્પિટલનો ફોટો મળી જશે તો હું તને દેખાડીશ. પછી તું આ ફોટા સાથે મારા ફોટાની સરખામણી કરી જોજે કે આ બાળક મારા જેવું લાગે છે કે નહીં!’ અને પછી ફરીખડ ખડાટ હસતી બોલી, ‘તુષાર, હું પણ કેવી પાગલ છું!’
‘સાચે જ આ બાળક તો આબેહૂબ મને તો તારા જેવું જ લાગે છે …. મને યાદ છે. મેં એકવાર મમ્મીના બેડરૂમમાં પડેલા આલ્બમમાં તારા બાળપણના ફોટા નિરાંતે બેસીને જોયા હતા. તુષાર, મને તો ખબર પણ પડતી નથી! કોણ હશે? આ બાળકના અભાગિયા માબાપ કે જેણે આ નમણા નાજુક બાળકને સબ-વેના ગારબેજ કેનમાં કેવા સંજોગમાં મૂકી દેવું પડયું હશે!’ બાળકનો ફોટો જોઈ, આનંદના દરિયામાં ઊછળતી સુસ્મિતાના હાથમાંથી લઈ … બેચાર ક્ષણ ફરી ફોટા પર નજર નાખી, તુષાર ધીર ગંભીર સ્વરે બોલ્યો, ‘સુસ્મિતા, Don’t misunderstand me! but I Would like to tell you something about this child!’
‘જો તારે આ બાળકને આપણા બાળક તરીકે દત્તક લેવું જ હોય તો મને કંઈ પણ જાતનો વાંઘો નથી, પણ તને એક વાત કહું તો ખોટું ન લગાડીશ! તું જેટલું મનમાં ધારે છે, એટલું આ બાળક દત્તક લેવું આપણાં માટે સરળ નથી.’
‘શું આ બાળકને આપણાં માતપિતા, પોતાના પૌત્ર કે દોહિત્ર તરીકે સ્વીકારશે ખરા? બસ મને તો આ ફોટો જોયા પછી અને આ પત્ર વાંચ્યા પછી મનમાં આ એક જ ચિંતા કોરી ખાય છે.’
‘શેની ચિંતા? શું બાળક દત્તક લેવું કોઈ ગુનો છે?’
‘ના!’
‘તો પછી ?’
‘સુસ્મિતા, તે બાળકનો ફોટો બરાબર જોયો ને? સાથે આવેલ પત્રમાં બાળકના બાયોડેટામાં આપણને ખાસ એક બાબતની એજન્સી તરફથી ચોખ્ખા શબ્દમાં જાણ કરવામાં આવી છે કે આ બાળકનાં માતા અથવા પિતા આફ્રિકન-અમેરિકન હશે! એટલે તને કહી દઉં છું કે આ બાળક વાને ધોળું નથી પણ કાળું છે.’
‘આપણે જયારે આ બાળકને લોસ એન્જલ્સથી આપણા બાળક તરીકે ઘરે કઈ આવશું ત્યારે આપણે આપણા વડીલો પાસેથી કદાચ સાંભળવાનો વારો પણ આવશે … ઠીક છે, તમે આપણા પરિવારમાંથી કોઈના બાળકને તમારા બાળક તરીકે ન સ્વીકાર્યું તો કાંઈ નહીં, પરંતું તમને કયાં ય કોઈ ધોળિયાનું બાળક ન મળ્યું કે તમે આ કાળા નિગ્રોનું બાળક દત્તક લીધું? …. અને તને એક બીજી વાત પણ જણાવી દઉં. કદાચ પત્રમાં તેં વાંચ્યું હશે કે આ બાળક છોકરો નથી પણ છોકરી છે. મને લાગે છે કે આપણે આમ ખોટી કારણ વગરની ઉતાવળ કરવાને બદલે હજી બે-ચાર બીજી એજન્સીના પત્રની રાહ જોઈએ તો સારું. સુસ્મિતા, સાત-આઠ વર્ષ આપણે બાળક વિના વિતાવ્યાં તો બીજા બે-ચાર નહિના થોભી જવામાં શું ફેર પડવાનો છે? બાકી તારી મરજી!’
‘ડોકટર તુષાર ….. તું પણ આપણા વડીલોની જેમ ક્યારથી આવું વિચારવા લાગ્યો?’
‘અરે! બાળક તો ઈશ્વરની દેણ છે. પછી તે વાને કાળું હોય કે ધોળું શો ફેર પડવાનો? જો આ બાબતમાં મને કે તને કોઈ ફરક ન પડતો હોય, તો પછી બા-બાપુજીને તેની સાથે શું લેવાદેવા? માની લે કે કદાચ ઈશ્વરે મારી કૂખે જ નિગ્રોની બાળકી જેવી કાળી કર્લી વાળવાળી, જાડા હોઠ અને ચપટા નાકવાળી બાળકીનો જન્મ આપ્યો હોત તો, શું બા-બાપુજી તેનો અસ્વીકાર કરત? આપણે તેમને ખુશ રાખવા આ બાળકીની જેમ તેને કોઈ અનાથ આશ્રમના દ્વારે મૂકી આવત? વળી, આપણે જ્યારે એજન્સીમાં ફોર્મ ભર્યુ ત્યારે ખાસ ભાર દઈને કયાં ફોડ પાડ્યો હતો કે અમને બાળક વાને ધોળું અને તે પણ ફકત છોકરો જ જોઈએ છે.’
‘તુષાર, મને નથી લાગતું કે આ પ્રગતિશીલ અમેરિકામાં ભલે આપણે બીજી દસ-પંદર પેઢી કાઢી નાખીશું, તો પણ આપણે કયારે ય આ દેશની પ્રજા સમા તો નહીં જ થઈ શકીએ! અહીંના ઘોળા અમેરિક્નો, કેટલા હોંશે હોંશે ફકત કાળિયાના જ નહીં પરંતુ ઇન્ડિયા, ચાઈના અને બીજા ઘણા પછાત દેશોમાંથી બાળકને દત્તક લે છે. તે બધા વાને કયાં ધોળા હોય છે? તેમ છતાં તેઓ આ બાળકોને પોતાની કૂખે જન્મેલાં સંતાનો જેટલું જ વહાલ આપીને ઊછેરે છે. અમેરિક્નોને મન છોકરો કે છોકરીમા કદી કોઈ ફરક હોતો નથી.’
‘સુસ્મિતા, તું આમ કારણ વગર આટલી જલદી અપસેટ ન થઈ જા! બસ, આ તો હું તને મારી રીતે વાત સમજાવવાની કોશિશ કરું છું, બાકી મને તો આ બાળકીને દત્તક લેવામાં કયાં ય કોઈ બાબતનો વાંધો નથી. બસ હું તો તારી ખુશીમાં ખુશ છું.’
‘તુષાર, જો તું મારી સાથે સંમત થતો હોય તો હું આ દુનિયાથી તો શું? પણ ઈશ્વરના સ્વર્ગથી પણ લડી લેવા તૈયાર છું.’
e.mail : preetam.lakhlani@gmail.com