શ્રાવણથી હિન્દુ તહેવારોની મોસમ બેસે છે. કૃષ્ણજન્મોત્સવ પણ હવે ખાસા દિવસ ચાલે છે. જો કે, એની અગાઉથી ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આમ તો ગણેશ ચતુર્થીને આઠેક દિવસ બાકી છે, પણ ભાગ્યે જ કોઈ સડક ગણપતિના મંડપ વગરની હશે. ક્યાંક તો મંડપો મુખ્ય માર્ગો પર એટલી ખરાબ રીતે ઉતારી દેવાયા છે કે કેટલી ય સડકો એકમાર્ગી થઈ ગઈ છે. એવામાં ક્યાંક આગ લાગે તો ફાયર ફાઇટર્સ પહોંચી ન શકે એવી સ્થિતિ છે. આમ તો મહાપાલિકાના ફાયર વિભાગે ગાઈડલાઇન બહાર પાડી છે, પણ એનું કોણ કેટલું પાલન કરે છે તે સૌ જાણે છે. એક તો આખું શહેર મોહેંજો ડેરો જેવું ખોદકામથી ઊપસી આવ્યું હોય તેવું, મેટ્રોને કારણે લાગે છે, તેમાં ગણેશોત્સવના મંડપો, સરઘસો અરાજક્તામાં વધારો જ કરતા હોય છે. આમાં ક્યાંક શુદ્ધ ધાર્મિક ભાવના પણ હશે જ, પણ મોટે ભાગે તો એમાં સ્પર્ધા, દેખાડો અને ઘોંઘાટ જ કેન્દ્રમાં છે. મહોલ્લાઓ કે રોડ, ઉજવણાં માટે પહેલાં તો ઉઘરાણાં કાઢે છે. પછી દર્શન માટે ફી રખાય છે. જ્યાં લાઈનો વધારે ત્યાં ફી પણ વધુ હોય છે. એમાં ક્યાંક રખાતા મનોરંજક કાર્યક્રમોને ધર્મ જોડે ભાગ્યે જ કશી લેવાદેવા હોય છે. અગાઉ જુગાર રમાયાના કે મંડપમાં દારૂ પીવાયાના બનાવો પણ નોંધાયા છે. એ પછી વિસર્જનને દિવસે હવે તો કૃત્રિમ તળાવો કે દરિયામાં વ્યવસ્થા થાય છે, છતાં ક્યાંક મૂર્તિઓ રઝળવાની, ખંડિત થવાની ઘટનાઓ પણ બને છે, ત્યારે પ્રશ્ન થાય કે આપણો ધર્મ ગણેશની આવી અવદશાની અનુમતિ આપે છે? જો નહીં, તો જે થાય છે એમાં કયો ધર્મ સચવાય છે? વરઘોડાઓ કે સરઘસો કે જુલૂસો લગભગ દરેક ધર્મમાં ઓછુંવત્તું વર્ચસ્વ ભોગવતાં રહે છે ને ક્યારેક વિખવાદનું કારણ પણ બને છે.
ગણેશોત્સવ પતે કે નવરાત્રિના દિવસો આવે છે. ભક્તો માતાજીની ભાવપૂર્ણરીતે સ્થાપના-વંદના કરે છે. તમામ રાત્રિનું આગવું મહાત્મ્ય છે, પણ બધે જ એ સચવાય છે? નવરાત્રિ નિમિત્તે થતા ગરબાએ તેની સાત્ત્વિકતા ગુમાવી દીધી છે ને તેને બદલે યાંત્રિકતા ઉમેરી લીધી છે. ગરબા હવે વ્યવસાય છે. ગરબા શીખવાના ક્લાસિસ ચાલે છે ને તે ય મહિનાઓથી ! તેની ફી હોય છે ને ત્યાં ગરબા ઉપરાંત ઘણાં એવા અનર્થો સર્જાય છે કે નવરાત્રિ, લવરાત્રિમાં પરિણમે છે. ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ કે તેનાં ઘરેણાંઓનો પણ સારો એવો વ્યવસાય છે. કોઈને એમાં બે પૈસા મળતા હોય, તેનો તો શો વાંધો હોય, પણ નવરાત્રિ જો ધાર્મિક તહેવાર હોય તો આપણાં એ તહેવારમાં ખરેખર ધર્મ કેટલો તે પ્રશ્ન તો રહે જ છે. એની સામે શેરીઓમાં કે સોસાયટીઓમાં માતાજીની મૂર્તિ કે ફોટો મૂકીને ગરબા ગવાતા હતા તેથી ઓછો આનંદ આવતો હતો એવું તો ન હતું, તો મેદાનોમાં, ઓડિટોરિયમમાં ધૂમ ટિકિટ ખર્ચીને જે ઝળહળ ઘૂમે છે એથી માતાજી વધુ પ્રસન્ન થાય છે એવું ય નથી, પણ જે મોંઘું હોય, જેમાં વધુ ટાપટીપ હોય તેને જ આપણે ધર્મ માની લીધો છે. બધેથી ભાવના ઘટતી ગઈ છે ને ભાવ વધતો આવે છે. દરેક બાબતમાં દેખાડો અનિવાર્ય થઈ પડ્યો છે. એ કુદરતી નથી, પણ કોઈને આંજી નાખવા કે બતાવી દેવા કે ઉશ્કેરવા ધર્મનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એમ લાગે છે કે ધર્મ માનવા કરતાં મનાવવાની બાબત વધારે છે.
આપણે દર્શન અને દેખાડા વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. હવે તો નજીકથી અને દૂરથી દર્શન કરવાના ભાવ નક્કી થાય છે, પછી ઊહાપોહ થાય છે તો ભાવમાં ફેર પણ પડે છે. દૂરથી અને નજીકથી દર્શન આપવાના ભાવ ભગવાને નક્કી નથી કર્યા ને ખરેખર તો દેવદેવીનાં દર્શન હોય, પણ આપણે તેમને પ્રદર્શનમાં મૂકી દીધાં છે, એટલે કેટલાંક તીર્થસ્થાનોમાં ભક્તો ચોક્કસ તહેવારે એટલી ભીડ કરતાં હોય છે કે નાસભાગમાં સેંકડો માણસો મૃત્યુ પામે છે. આડે દિવસે પણ મંદિરોમાં ભગવાન દર્શન આપે જ છે, પણ ચોક્કસ વાર-તહેવારે ભગવાનને ઘેરી વળવામાં જ ભક્તોને સાર્થક્ય અનુભવાતું હોય એમ બને.
ખરખર તો ધર્મ અંગત બાબત હોવી જોઈએ. એના જાહેર દેખાડાને વકરાવવામાં ન આવે તો છાશવારે ધાર્મિક લાગણીઓ દુભાયા કરે છે એ ઘટે. એક કાળે ધાર્મિક અનુષ્ઠાનો કે યજ્ઞયાગ જાહેરમાં થતાં હતાં, પણ જપતપ તો એકાંતમાં, વનમાં જ થયાં છે. રાજામહારાજાઓ પણ રાજકાજ છોડીને વનમાં તપ કરવા ગયા છે. એના વરઘોડાઓ ભાગ્યે જ નીકળ્યા હશે. આજે તો અમુક ઉપવાસ થાય તો લાંબા વરઘોડાઓ નીકળે છે. આસ્થા કરતાં ધર્મ, વ્યવસ્થામાં વધુ ગોઠવાઈ ગયો છે.
અત્યારે તો સનાતન ધર્મને નામે રાજકારણીઓ રોટલા શેકી રહ્યા છે. તમિલનાડના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરીને તેનો નાશ કરવાની વાત કરી છે. એમ કરીને ઉદયનિધિએ સનાતન ધર્મીઓને ઉશ્કેરવાનું જ કર્યું છે. કોઈકે તો ઉદયનિધિનું માથું લાવનાર માટે લાખોનું ઈનામ પણ જાહેર કર્યું છે. અમદાવાદના એક વકીલે તો એ મંત્રી અને મુખ્યમંત્રી સામે FIR નોંધવા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. એવી તો ઘણી ફરિયાદો ઉદયનિધિ સામે થઈ છે ને તે અંગે ખુલાસો એવો આવ્યો છે કે ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નથી, પણ ધર્મને નામે જે ભેદભાવ કરવામાં આવે છે તે અંગે વિચારો પ્રદર્શિત કર્યાં છે. ઘણીવાર બને છે એવું કે ધર્મ અને રાજકારણ અલગ રહેતાં નથી અને ધર્મની તરફેણ કરનાર કે તેની વિરુદ્ધ મત આપનાર બંને, મોડાવહેલાં રાજકારણથી દૂષિત થઈને રહે છે. એટલું છે કે ઉદયનિધિએ હિન્દુ ધર્મનું અપમાન કરીને ધાર્મિક સંઘર્ષને નિમંત્રણ આપ્યું છે. સનાતન ધર્મને ખતમ કરવાની વાત જ અનધિકાર ચેષ્ટા છે. એમાં ભેદભાવની વાત કરતાં ધર્મ પ્રત્યેની નફરત વધુ ભાગ ભજવે છે.
થોડા દિવસ પર સાળંગપુરનાં હનુમાનનો વિવાદ સામે આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સ્વામીને મહાન બતાવવા, હિન્દુ દેવીદેવતાઓ વિષે અતાર્કિક વાતો ફેલાવતા રહે છે. કોઈ પણ કાળે સ્વામીની સેવા હનુમાનજી કરે એ શક્ય જ નથી, તો એવા ભીંત ચિત્રો 54 ફૂટ ઊંચા હનુમાનજીની પ્રતિમા હેઠળ મૂકવાથી શો અર્થ સરે? કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સત્યથી વિપરીત તો કેવી રીતે હોય? એ તો સારું છે કે ગુજરાતના મુખ્ય મંત્રીની દરમિયાનગીરીથી વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર થયા ને વિવાદનો સુખદ અંત આવ્યો, પણ સગા બાપ કરતાં તેના દીકરાને કોઈ રીતે ઉંમરમાં મોટો ન કરી શકાય એ તો ખરું કે કેમ?
કોણ જાણે કેમ પણ સંપ્રદાયો પોતાની લીટી લાંબી બતાવવા બીજી લીટીઓ ટૂંકી કરવાની કોશિશો કરતા રહે છે, પણ ધર્મ વધુ વ્યાપક તો જ બને જો, તે અન્ય ધર્મોની નિંદા કરવાથી દૂર રહે. આપણે વિવિધતામાં એકતા સ્વીકારીએ છીએ, પણ ધર્મના વૈવિધ્યને પ્રમાણતા નથી. કોઈ ધર્મ ક્યારે ય અધર્મની પુષ્ટિ કરતો નથી, પણ વર્ચસ્વ અધર્મનું જ વધતું આવે ત્યારે આઘાત લાગે છે. માતાનો મહિમા બધા જ ધર્મો કરે છે, પણ સ્ત્રીઓનો ધર્મસ્થાનોમાં પ્રવેશ આજે પણ ક્યાંક સરળ-સહજ નથી. જે માતાએ ભાવિ સંતને જન્મ આપ્યો હોય તેનું મોઢું જોવાનો બાધ સહ્ય કેવી રીતે હોય? ધર્મને એક, અદ્વિતીય, અખંડ અને વ્યાપક સહજ રીતે થવા દેવાનો હોય, તેને બદલે તેને ઝનૂનથી ફેલાવવાની કોશિશો થાય તો ધર્મમાં ફાંટા પડે છે. ધર્મ પ્રચારનો મહોતાજ નથી, પણ તે પ્રચારથી વ્યાપક થવાને બદલે સંકુચિત થાય છે, એ સમજાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. વધુ ફેલાય છે તો ધર્મ એક રહેવાને બદલે સંપ્રદાયોમાં વિભાજિત થતો જાય છે ને એ વિભાજન વધુ ઝનૂન દર્શાવે તો વધુ વિભાજનમાં પરિણમે છે. એ વિભાજનને વૈવિધ્યની રીતે જોવાને બદલે, તે જેમાંથી અલગ થાય છે, તેની સામે જ શત્રુતા કેળવવા માંડે છે. હિન્દુ ધર્મમાં પણ સંપ્રદાયો, પંથો વધ્યા છે. શૈવ અને વૈષ્ણવ પંથોની જેમ જ ઇસ્લામમાં શિયા-સુન્ની, ખ્રિસ્તીમાં કેથોલિક-પ્રૉટેસ્ટન્ટ, જૈનમાં શ્વેતાંબર-દિગંબર, બૌદ્ધમાં હિનયાન-મહાયન એમ બીજા ધર્મોમાં પણ ફાંટા પડતા જ ગયા છે. હિન્દુ ધર્મનો કોઈ એક સ્થાપક નથી, પણ જે ધર્મના સ્થાપક એક જ છે, એ પણ ધર્મને એક રાખી શક્યા નથી. આમ તો સ્થાપ્યો ત્યારે ધર્મ એક જ હતો, પણ પછી અનુયાયીઓમાં મતમતાંતરો વધે છે તો ફાંટા પણ પડતા આવે છે. પછી તો સ્પર્ધા જ કેન્દ્રમાં આવી રહે છે. કેટલાક સંપ્રદાયોમાં તો ગાદી માટે હિંસા ને ખૂન સુધી વાત પહોંચી છે. આ બધું શું ધર્મ શીખવે છે? એવું શીખવે તો એ ધર્મ હોય ખરો?
આપણે જેને ઈશ્વર માનીએ છીએ એ બહુ ઉદાર અને દયાળુ છે. એવું ન હોત તો એક પણ નાસ્તિક જગતમાં બચ્યો ન હોત ! જો ઈશ્વર જુદા વર્ગને – નાસ્તિકોને – સ્વીકારી શકતો હોય તો એના સંપ્રદાયોમાં કેમ એ ઉદારતા કે કરુણા નથી? કેમ એ એટલા સગવડિયા છે કે હિન્દુ હોવા છતાં બીજા અવર્ણોને ન સ્વીકારવા પડે એટલે, પોતે હિન્દુ હોવાનું પણ નકારે છે? આજે દરેક ધર્મે પ્રદર્શનને બદલે દર્શનનો મહિમા કરવાની જરૂર છે. આત્મનિરીક્ષણ ન હોય ત્યાં ધર્મ દેખાડો થઈને રહી જાય છે ને એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 સપ્ટેમ્બર 2023