ઘાટકોપરમાં આવેલ મહાત્મા ગાંધી રોડ પરના રામજી આશર વિદ્યાલયના ઓટલે અમે બે ચાર મિત્રો મોડી રાતે અલકમલકની વાતોનાં ગપ્પાં મારતાં બેઠા હોય, ત્યારે પોતાની મતવાલી ચાલે ચાલતા, મોંમાં નવરત્ન કિમામ તમાકુવાળું મર્દાના પાન ચાવતા, ધોતિયું કફનીના ગુલાબી મિજાજમાં “બંદા બદામી”ની બંડીમાં એક હાથમાં ઘોતિયાનો છેડો, અને જમણા હાથમાં ચામડાનું પાકીટ લઈને ઘર તરફ ચાલ્યા જતા વેણીભાઈ પર અમારામાંથી કોઈની નજર પડે અને મસ્તીમાં ચાલ્યા જતા વેણીકાકાને પૂછી બેસીએ કે વેણી કાકા આટલી મોડી રાતે ક્યાંથી આવી રહ્યા છો?
‘દીકરા, આજે પત્રકાર માટે ઓપેરા હાઉસમાં ફિલ્મ આબરુના નિર્દેશકે એક શો રાખ્યો હતો. વેણીકાકાનું આ છેલ્લું વાક્ય પૂરુ થાય તે પહેલા જ મિત્ર સુરેશે વેણી કાકાને પૂછી લીધું કાકા “આબરુ ફિલ્મ કેવી છે?” બસ, સુરેશની વાત પર રસ્તા પરના થાંભલા પર પાનની પિચકારી મારતા, વેણીભાઈ કહે દીકરા, વાત પૂછ મા! ફિલ્મમાં પ્રથમ વાર આવેલ આ નવોદિત દીપક કુમારે તો આબરુના કાંકરા કરી નાખ્યા, અને વાત રહી ફિલ્મની અભિનેત્રી વીમીબાઈની તો વાત જ શું કરું? વીમીબાઈમાં અભિનયનું કોઈ ઠેકાણું નથી. બસ. એક રૂપાળી હોવાને નાતે નિર્દેશકે શોભાના ગાંઠિયા તરીકે લીધી છે.
વેણીભાઈ પુરોહિત એક આખા બોલા અને સાચા બોલા વ્યક્તિ હતા. વેણીભાઈની વાણીમાં નાયગ્રાનો ધોધ વહેતો! વેણીભાઈ જેટલા મહેફિલના, એટલા મંચના નહીં, વેણીભાઈ બોલતા ત્યારે બધા જ બારી બારણાં ખોલી નાખતા, નિર્વસ્ત્ર વાણીનું સ્વરૂપ આપ મેળે પ્રગટ થવા દેતા. વાત કરવાનો તેમનો એક અનોખો મિજાજ હતો. એક સારા, વણ વપરાતા થિયેટરને તેઓ ‘જોબનવંતી વાંઝણી’ કહેતા. આપણા પ્રિય કવિ સુરેશ દલાલને હંમેશાં ‘રોકડિયા હનુમાન કહેતા’. ફોન માટે પણ તેમને એક અનોખો પ્રેમ, ફોન મારે માટે અરીસાને ચુંબન કરવાથી વિશેષ છે”. જીભ તો વેણીભાઈની. તે જે કંઈ બોલતા તેમાં પરંપરાના ધબકારા સાથે હાસ્ય અને સચાઈનો એક મીઠો રણકો જોવા મળતો!
વેણીભાઈ માટે મૈત્રી એક અણમોલ મિરાત હતી. મિત્ર યાદ આવે તો વેણી કાકા ઘડિયાળમાં નજર કર્યા વિના મિત્રને મળવા રાત છે કે દિવસની કોઈ પરવા કર્યા વિના મળવા પહોંચી જાય. કવિ સુરેશ દલાલ કહેતા કે કોઈ સાંજે હું નિરાંતે પરિવાર સાથે બેઠો હોઉં અને મારા ઘરના બારણે બેલ રણકે અને મારી નાની દીકરી મિતાલી હડી કાઢતો દરવાજો ખોલે અને મારા કાને અવાજ સંભળાય કે,’તિતાલી દે તાલી’ તો હું આંખ બંધ કરીને બીજા રૂમમાં બેઠો સુશીલાને કહી દઉં કે, ઘરે આનંદના આશ્ચર્ય ચિહ્ન જેવા વેણીભાઈ આવ્યા લાગે છે! સુરેશભાઈ કહેતા કે,” વેણીભાઈ સ્વમાની અને મિજાજી માણસ ખરા, પણ વ્યવહારુ બિલકુલ નહીં. તેમને રજવાડી વાતાવરણ જરાય ના ગમે. આવા વાતાવરણને તે દૂરથી પ્રણામ કરી દે. તેમની વાતમાં અને જબાનમાં ક્યારેક આગ ઝરતી તો ક્યારેક બંદૂકમાંથી ગોળીઓ છૂટે. એકવાર મેં તેમને પૂછ્યું કે,”વેણીભાઈ, તમારી પાસે આ વાણીનો વૈભવ ક્યાંથી આવ્યો છે? તો મને પાન ચાવતાં કહે કે, સુરેશભાઈ, મારી વાતમાં તો યાદ રાખવા જેવું કંઈ ન મળે, પણ જો તમે મારા બાપાને બોલતા એક વાર સાંભળ્યા હોય તો, તમે આ વેણીભાઈને ભૂલી જાવ. તેમની વાતો પાસે હું તો સાવ નમાલો લાગું. પછી તેમણે મને તેમના પિતાજીએ મુંબઈમાં પત્રકાર તરીકે કામ કરતા વેણીભાઈને એક પોસ્ટકાર્ડ લખેલ તેની વાત કરેલી.’ – “વેણી, છાપામાં તો તું ગાડાં ભરીને લખે છે, પણ બાપને બે અક્ષર લખતા તને કેમ ઝાટકા વાગે છે?”
સુરેશભાઈએ એક બીજી ખાસ વાત પણ વેણીભાઈ વિશે કહેલી કે, વેણીભાઈનું પરિવાર જામ-ખંભાળિયાનું રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવાર. વેણીભાઈ વાળ કપાવીને વાંણદ પાસેથી આવે ત્યારે ઉંબરામાં જેવો પગ મૂકે એટલે તેમના પિતાશ્રી તેનું માથું પકડીને એક વાર જોઈ લે કે વેણીભાઈના માથા પર કોથમરીના ઝૂડા જેવી ચોટલી છે કે નહીં. પછી જ વેણીભાઈનો ગૃહ પ્રવેશ થાય.
વેણીભાઈ ગીત કવિ હતા કે ગઝલકાર હતા તે કહેવું મારા જેવા માટે બહુ કઠિન છે. વેણીભાઈનાં ગીત તો અદ્દભુત. તેના ઉપાડ વિશે તો વાત જ શું કરવી? ગીત તો વાંચતાની સાથે આપણા કાનમાં અત્તરની મહેક થઈને મહેંક્યાં કરે. અને ગઝલ તો રાત દિવસ એક શરણાઈના સૂરની જેમ ગુંજ્યા કરે. સાચું કહું તો વેણીભાઈનાં ગીતમાં લય અને શબ્દ તો સરળતાના શિવાલયનો ગર્ભદીપ થઈને પ્રગટતાં તો ગઝલ મહેફિલનું ઝુમ્મર થઈને ઝળહળતું. ટૂંકમાં ગીત અને ગઝલ એક નદીના બે કાંઠા થઈને ખળખળ વહેતાં. મહેફિલ અને મંદિર વચ્ચે ભજન થઈને પ્રેમ સેતુ બાંધી આપતા. વેણીભાઈ એક એવા ગીત કવિ હતા કે જે પોતાની વિધાપીઠમાં ઘડાઈ ને તૈયાર થયેલા. વેણીભાઈ હંમેશાં કહેતા કે મિત્રો, મેં ક્યારે ય રીત સરનો છંદનો અભ્યાસ કર્યો નથી. પણ કાનથી એટલો કેળવાયેલો છું કે લઘુ ગુરુના ગણિતમાં ગૂંચવાયા વગર મોજથી લખતો ગયો છું.
વેણીભાઈનું વ્યક્તિત્વ એક મસ્ત ફકીર જેવું અને ગૃહસ્થી હિપ્પીસમું હતું. મહેફિલના આ માણસ મંચ પર બહુ શોભ પામતા. પોતાની જાત વિશે કહેતા કે ‘હું તો શયનખંડની પ્રિયતમા, જાહેરમાં હાથ ન ઝાલું’. કવિ સંમેલનમાં કે મુશાયરામાં ક્ષોભને કારણ તેમનું કાવ્ય પઠન મરી જતું. ફિક્કું પડી જતું. તેમની વાંચન શૈલીને કારણ સારામાં સારું ગીત કે પછી ઉત્તમ ગઝલ બીજા કવિ કે ગઝલકારો સામે ઝાંખુ સાબિત થતું. એક જમાનામાં ખાસ કરીને મુંબઈમાં યોજાતા કવિ સંમેલનમાં સંચાલનનો દોર કવિ સુરેશ દલાલને હાથ રહેતો. કવિ સંમેલનમાં સંચાલન કરતી વખતે સુરેશભાઈ ઈચ્છતા કે કોઈ એકાદ કવિ સફળ થઈને કવિસંમેલન લૂંટી જાય કે કોઈ એકાદ કવિ સફળ થાય તેને બદલે આખો કાર્યક્રમ સફળ થાય તે માટે કવિને ઉષ્માપૂર્વક પરિચય સાથે રજૂ કરે. બન્યું એવું કે સોમૈયા કોલેજમાં એક કવિ સંમેલન સુરેશ દલાલના સંચાલન તળે યોજવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં હરીન્દ્ર દવે, જગદીશ જોષી, વેણીભાઈ પુરોહિત, વિપિન પરીખ, રમેશ જાની, મેઘબિંદુ અને બીજા બેચાર નામી અનામી તેમ જ કોલેજના એક બે ઊગતા નવોદિત કવિને આંમત્રિક કરવામાં આવેલા. કવિ સંમેલન બાદ કવિ મિત્રો અને યજમાન માટે સોમૈયા કૉલેજની કાફે એરિયામાં એક ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી. કવિ મિત્રો સાથે ભોજન લેતાં વેણીભાઈ કહે કે ‘અરે, સુરેશ, તેં તો આજે બહુ મોટી કમાલ કરી નાખી. કવિ સંમેલનમાં અમુક કવિઓ જે દિશાએ જવાના લોટા સમા હતા, તેને તો તે સત્યનારાયણના કળશ તરીકે બાજઠ પર સ્થાપિત કરી દીધા!’
એક રવિવારે સવારે ઘાટકોપર સ્ટેશન પાસે આવેલ હિંદુ સભાના દ્વાર પાસે હરિહર જોશી હિન્દુ સભા પુસ્તકાલયમાંથી બેચાર પુસ્તક લઈને નીકળી રહ્યો હતો. અને મારું ત્યાંથી નિકળવું. અચાનક મને ભેગો થઈ ગયો. બરાબર એ જ વખતે પાનની લિજ્જત લેતાં વેણીભાઈ નીકળ્યા. એટલે હરિહરે વેણીકાકાને બોલાવ્યા, અરે, વેણી કાકા, આટલી વહેલી સવારમાં કઈ તરફ. વેણીકાકા અમારી સાથે ઊભા રહી ગયા. અચાનક અમારી સાથે વાત કરતા વેણીભાઈની નજર હરિહરના હાથ પરના પુસ્તક પર ગઈ. એટલે વેણીકાકાએ તેમના હાથમાંનું કવિ જગદીશ જોશીનું પુસ્તક ‘વમળના વન”ને જોયું અને હરિહર પાસેથી લઈ પાનાં ફેરવતાં કહે કે ઓહ ઓહ મકરંદ દવેએ પ્રસ્તાવના લખી છે ‘ક્યા બાત હૈ’. અને હસતા હસતા અમને કહે કે આ જગદીશ જોષી કોલેજ કાળમાં કવિતા લખતો હતો અને પછી પંદર વર્ષ ભણવા અમેરિકા ચાલ્યો ગયો, તે દરમિયાન તેને કવિતા લખવાનું માંડી વાળ્યું. પણ પાછા ભારત આવીને તેણે જે ગીત કવિતા લખી તેની તો હું શું વાત કરું. ‘કવિતાની બાબતમાં જગદીશને મોડા મોડા છોકરા થયા અને પાછા સવાસુરિયા થયા ! કેવાં સરસ મજાનાં ગીતો અને અછાંદસ કાવ્યો લખ્યાં. ગધ સોનેટ સાથે ગઝલ લખી પણ જગદીશે ગઝલ લખી છે પણ ન લખવા જેવી, સાચું કઉં તો તેને ગઝલ લખવાનો મોહ જતો કરવો જોઈ તો હતો.’
વેણીભાઈ જ્યારે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, ત્યારે ઘાટકોપરની ગુરુકૂળ વિદ્યાલયમાં તેમને અંજલિ આપવા એક શોક સભા રાખવામાં આવેલી. ત્યારે વેણીભાઈ ને શ્રદ્ધાંજલિ આપવા મોટી ભીડ ઊમટી પડેલી. શોક સભામાં કવિ હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને ચંદ્રકાન્ત બક્ષી સાથે અઢળક નામી અનામી સાહિત્યકારો વચ્ચે ચંદ્રકાન્ત બક્ષીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ‘વેણીભાઈ તો અહીંયા ફરવા આવ્યા હતા, અને એ જ રફતારથી જિંદગી જીવી ગયા. કેવો મજાનો મુલાયમ માણસ હતો. આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે એમ કહેવું અતિશયોક્તિ છે. ઘણા માણસો આ જગતમાંથી ચાલ્યા જાય ત્યારે આપણને અફસોસ થાય કે આ માણસ કશું કર્યા વિના ચાલ્યો ગયો, પણ વેણીભાઈનું જીવન જોઈને આપણને રુદન કરવાનું મન થાય કે આ માણસ માણસ તરીકે કેવું મુલાયમ જીવન હસતા હસતા આ મુંબઈ શહેરની ગીચ વસ્તીમાં જીવી ગયો.’
હવે વર્ષે બે વર્ષે અમેરિકાથી મુંબઈ જાઉં છું ત્યારે ખાસ કરીને ઘાટકોપર જાઉં છું, ત્યારે મારા પરમ મિત્ર ભૂતપૂર્વ વિઘાન સભ્ય મારા બાળપણના મિત્ર જગન્નાથ શેટી હવે નથી રહ્યા પણ તેના પરિવારને મળવા જાઉં છું, ત્યારે મારે રાજા વાડીમાં જયાં મુંબઈ નગરપાલિકાએ કવિશ્રી વેણીભાઈ પુરોહિતનું સ્મારક બનાવી તે સ્થળ ને “સાહિત્યરત્ન શ્રી વેણીભાઈ પુરોહિત ચોક” નામ આપેલ છે, તે જોઈને ખુશી તો થાય છે પણ સ્મારકની વર્તમાનમા જે હાલત છે તે જોઈ ને મારા મનને પારાવાર દુઃખ થાય છે. નગરપાલિકાએ જ્યાં સ્મારક બનાવ્યું છે તેનાથી છ સાત ફૂટ દૂર એક મોટો ઊકરડો છે અને ઊકરડાને ઘેરીને બેઠેલા ૩૦/૪૦ રખડું કૂતરાંનું ટોળું બેઠેલું નજરે ચડ્યા વિના ન રહે. તેમ જ સ્મારકને અડીને આવેલ રાજાવાડી હોસ્પિટલના શબ ઘરમાંથી ચારે તરફ આવતી દુર્ગંધ. સાથે સ્મારકની અડોઅડ આવેલ મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ વિધિ માટેની સામગ્રી વેચવાની એક બે દુકાનો.
શું કોઈ કવિ જીવે છે સ્મારક થી! કવિ તો જીવે છે તેના શબ્દથી. કવિ વેણીભાઈ પુરોહિતનું સ્મારક હોય કે ન હોય કોઈ ફરક પડવાનો નથી. કવિ વેણીભાઈનું પ્રિય ગીત ‘તારી આંખનો અફીણી’ યુવાન હૈંયાના હોઠે ગવાતું જોઈને જેની જુવાની વીતી ગઈ છે, તેના કાન સાંભળીને ઝૂમી ઊઠશે ત્યાં લગી તો વેણી કાકા તમને સમય પણ મારી શકે તેમ નથી!
e.mail : preetam.lakhlani@gmail.com