માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી
ગયા અઠવાડિયે એક શરમજનક ઘટના બની. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક આવેલા ખુબ્બાપુર નામના ગામમાં ત્રીપ્તા ત્યાગી નામની શિક્ષિકાએ હિંદુ વિદ્યાર્થીઓને કહ્યું કે મુસલમાનો હલકી કોમ છે અને તે ઝૂડવાને લાયક છે અને એ પછી વર્ગમાંના એક મુસલમાન વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે હિંદુ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે વારાફરતી એક એક કરીને આને ઝૂડો. આ બહેન સરકારી શાળાની માત્ર શિક્ષિકા નથી, તે ખાનગી શાળાની માલિક છે અને પ્રિન્સિપાલ પણ છે, એટલે એટલું અનુમાન તો સહેજે કરી શકાય કે તે અને તેમનો પરિવાર શિક્ષણનો ધંધો કરવા સત્તાધારીઓને રાજી રાખવાની કસરત કરતા હશે. ખુબ્બાપુરની ઘટના વિશેનો જે વીડિયો વાયરલ થયો છે એમાં એ બહેન એમ કહેતાં દેખાય છે અને સંભળાય છે કે “મૈને તો ડીકલેર કર દિયા, જીતને ભી મોહમેડિયન બચ્ચે હૈ ઇનકે વહાં પહુંચ જાઓ.”
આ ઘટના અંગે દેશભરમાં પ્રતિક્રિયા પેદા થઈ, ત્યારે ત્રીપ્તા ત્યાગીએ બે હાથ જોડીને માફી માગતાં કબૂલ કર્યું હતું કે “મારાથી ભૂલ થઈને છે અને મને માફ કરવામાં આવે.” પરંતુ એ તેમની સ્વાભાવિક અને પહેલી પ્રતિક્રિયા હતી, પરંતુ એ પછી તેમણે કાવતરાની અને તેમને ફસાવવામાં આવ્યાં હોવાની થિયરી રજૂ કરી હતી. આ પણ સમજાય એવી સ્વાભાવિક વાત છે. અધમ કક્ષાનો ગુનો હિંદુ કરે, ગુનો કબૂલ પણ કરે અને માફી માગે તો તો હિંદુ લજવાય અને હિંદુ કોઈ પણ સંજોગોમાં લજવાવો ન જોઈએ. આત્મનિરીક્ષણ, ભૂલની કબૂલાત, પ્રાયશ્ચિત, શરમ અનુભવવી, જીવ કોચવાવો, માફી માગવી વગેરે સારા માણસનાં લક્ષણો હોય તો ભલે હોય, કેટલાક લોકોને જે “હિંદુ” અભિપ્રેત છે એ હિંદુનાં ન હોઈ શકે. માટે ત્રીપ્તાબહેનને કહેવામાં આવ્યું હશે કે ખબરદાર બહેન, માણસાઈની એરણે મોળા પડવાનું નથી, રાજ આપણું છે, એટલે સત્તાની એરણે ગુનો કર્યા પછી પણ શરમાયા વિના ગર્વથી ઊભા રહેવાનું છે. એ તો યાદ જ હશે કે વારંવારની જાતીય સતામણી સામે રસ્તા પર ઉતરેલી પહેલવાન છોકરીઓ સામે બ્રજભૂષણ શરણસિંહ કેવા મોળા પડ્યા વિના ઊભા રહ્યા હતા! જરા ય લાજ-શરમ અનુભવી હતી! તેમના ચહેરા પર શરમનો શેરડો પણ ક્યાં ય જોયો હતો?
માટે માણસાઈની એરણ ભૂલી જાઓ, સત્તાની અને સરસાઈની એરણ કેન્દ્રમાં રાખો. જો સત્તા અને સરસાઈને કેન્દ્રમાં નહીં રાખો અને માણસ બનવામાં જિંદગી વેડફી નાખશો તો હિંદુ રાજ ક્યારે ય અસ્તિત્વમાં નહીં આવે. ઉત્તર પ્રદેશ સરકારે ત્રીપ્તા ત્યાગી સામે એવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે કે તેમની ધરપકડ કરવી ન પડે, તેમને એક દિવસ માટે પણ જેલમાં જવું ન પડે. ડીટ્ટો બ્રજભૂષણ શરણસિહ સાથે થયું હતું એમ. બીજી બાજુ જાણીતા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામે શાળામાં પ્રતાડિત કરવામાં આવેલા મુસ્લિમ વિદ્યાર્થીનું નામ જાહેર કરવા માટે ગુનો દાખલ કર્યો છે; અને કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવશે. કોરા સત્યને ઉજાગર કરનારા આ ઝુબેરની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી અને તેને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ઝુબેર જેવાઓ માણસાઈની એરણે હિંદુઓને માપે એ કેમ ચલાવી લેવાય! એ અક્ષમ્ય ગુનો છે.
મોહમ્મદ ઝુબેર અને કેટલાક સેક્યુલર હિંદુઓ તો ઠીક, સાવ સામાન્ય હિંદુઓને પણ આનો અનુભવ થયો! કદાચ પહેલીવાર. મુઝફ્ફરનગરની ઘટના વાયરલ થઈ એ જોઇને મોટી સંખ્યામાં હિંદુઓએ આઘાતનો અનુભવ કર્યો. આ ન ચાલે. આવું તો ન જ કરાય. નાના બાળકને આવી રીતે મરાતું હશે! ભગવાન આને માફ ન કરે. હિંદુને આ ન શોભે. હિંદુ ધર્મ આવું નથી કહેતો, વગેરે વગેરે. સોશ્યલ મીડિયા પર સામાન્ય હિંદુઓનો માણસાઈનો પોકાર જોઇને આ લખનારને શાતા વળી હતી. કેવી સુંદર ઘટના જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ માણસાઈના પડખે ઊભા રહ્યા. જે હિંદુ ધર્મને હું સમજ્યો છું, જે હિંદુ દર્શન(બ્રાહ્મણ અને શ્રમણ બન્ને)નો મેં અભ્યાસ કર્યો છે, જે હિંદુ વારસાનો મને પરિચય છે, જે હિંદુ પરિવેશમાં મારો ઉછેર થયો છે એ હિંદુ આવો જ હોય! આવો જ હોવો જોઈએ. હિંદુ હોવા માટે અભિમાન ધરાવનારાઓની છાતી ગજગજ ફૂલે એવી એ સુંદર ઘટના હતી. હું તો હિંદુ ધર્માભિમાની નથી, પણ મેં પણ ગર્વનો અને એનાથી વધુ ઉપર કહ્યું એમ શાતાનો અનુભવ કર્યો હતો.
પણ પછી બીજા-ત્રીજા દિવસે સૈનિકો બહાર આવ્યા. જેનો કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એનો બચાવ કરવા કસરત કરવા લાગ્યા. કોઈ મુસલમાનોના અત્યાચારો યાદ કરાવવા લાગ્યા તો કોઈ વળી કાઁગ્રેસના પક્ષપાતના. કોઈએ સેક્યુલર હિંદુઓના પક્ષપાતી સેકયુલરિઝમની યાદ અપાવી. કોઈક એવા પણ હતા જે ઘટના પાછળની ઘટના કે ઘટનાઓ રચી રચીને રજૂ કરવા લાગ્યા. કોઈક વળી વિદ્વતાનો અંચળો ઓઢીને સેમેટિક ધર્મો(મુખ્યત્વે ઇસ્લામ અને કાંઈક અંશે ખ્રિસ્તી)ના સ્વભાવ વિષે મલ્લીનાથી કરવા લાગ્યા. ઉદ્દેશ એક જ હતો જે આગળ કહેવામાં આવ્યું છે. માણસાઈની એરણે હિંદુ લજવાય અને મોળો પડે તો હિંદુ રાજ કેવી રીતે અસ્તિત્વમાં આવે અને આવે તો ટકી રહે. સત્તા અને સરસાઈની એરણે ટકી રહેવું જરૂરી છે.
તો હવે કહો કે આનો અર્થ તમે શું કરશો? દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે? એક એ હિંદુ છે જે હિંદુ હોવા ઉપરાંત માણસ બની રહેવા માગે છે અને એક એ હિંદુ છે જે માણસાઈના ભોગે હિંદુ હોવાપણું શોધે છે. આ સવાલ મુસ્લિમ વિશ્વમાં પણ પૂછાવો જોઈએ અને કેટલાક ભલા મુસલમાનો પૂછે પણ છે, પરંતુ તેમનો આવાજ જોઈએ એટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચતો નથી. દ્વન્દ્વ મુસલમાનોની વચ્ચે છે કે મુસ્લિમ અને કુફ્ર(ઇસ્લામને નહીં માનનારાઓ)ની વચ્ચે છે? જો એ અવાજ બુલંદ હોત અને આમ મુસલમાન સુધી પહોંચ્યો હોત તો આજે મુસ્લિમ દેશોની સ્થિતિ જેવી છે એવી ન હોત. ધર્માંધ લોકો “આપણે” અને “બીજાઓ” વચ્ચેનાં દ્વન્દ્વનો આશરો લે છે કે જેથી અંદર ડોકિયું કરવું ન પડે. તેમને અંદર ડોકિયું કરતાં ડર લાગે છે અને જો લોકો અંદર ડોકિયું કરતા થાય અને તેનો માયલો જાગે તો તો હજુ વધુ ડર લાગે છે. માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2023