અંગ્રેજો મુંબઈને ‘લંડન ઓફ ધ ઇસ્ટ’ બનાવવા ઇચ્છતા હતા
મુંબઈથી નવયુગનું અજવાળું આખા ઇલાકામાં ફેલાયું
સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.
પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન : ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને આપનો નાચીઝ દી.મ.
ડો. અરુણ ટીકેકર
દી.મ. : આ અરુણભાઈની ઓળખાણ કેવી રીતે આપવી એ મોટી મુશ્કેલી. એમને પંડિત કહેવા, કે પત્રકાર? એમને ઉત્તમ લેખક કહેવા કે અચ્છા વક્તા? એમને સંશોધક કહેવા કે વહીવટકર્તા?
ટીકેકર : એ બધા ઉપચાર છોડ, મહેતા. આપણે બે પાક્કા દોસ્ત, એટલા જ ઓળખાણ બસ નથી?
દી.મ. : એ વાત સાચી. ૧૯૭૫માં દોસ્તીની શરૂઆત. ત્યારે તમે હાજી અલીની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક. અગિયાર વરસ એક કોલેજમાં ભણાવીને હું જોડાયેલો ગ્રંથ સામાયિકના સહાયક તંત્રી તરીકે. એક બપોરે મરાઠીના પ્રખ્યાત લેખક જયવંત દળવી સાથે તમે ગ્રંથના તંત્રી યશવંતભાઈને મળવા આવ્યા. તે દિવસે મળ્યા તે પછી આપણી દોસ્તી જામતી ગઈ. અને સાચું કહું તો મને ૧૯મી સદીની રઢ લગાડનાર બે જણ : એક તમે, અને બીજા લાઈબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસના ડાયરેક્ટર જીન સ્મિથ.
ટીકેકર : એ બધી વાત છોડ. આજે એકાએક મને યાદ કેમ કર્યો?
દી.મ. : તમારા પુસ્તક વિષે થોડી વાતો કરવી છે. મુંબઈ માટે તમને અનહદ પ્રેમ, માન, ગૌરવ.
ટીકેકર : અને તમને પણ.
દી.મ. : તમારું એક પુસ્તક – Mumbai De-intellectualised : Rise and Decline of a Culture of Thinking. આ પુસ્તકમાં તમે બહુ પાયાની વાત વિષે તડ ને ફડ લખ્યું છે. ‘કલ્ચર ઓફ થિંકિંગ’ એટલે કે વિચાર, જ્ઞાનની પરંપરાનો મુંબઈ ઇલાકામાં કઈ રીતે વિકાસ અને હ્રાસ થયો તેનો તમે આબેહૂબ ચિતાર અહીં આપ્યો છે. તેમાંની વિચારણા કેટલી મહત્ત્વની છે, એ વાતનો ખ્યાલ એ હકીકત પરથી આવે કે ૨૦૦૯માં તે પહેલી વાર છપાયું અને ૨૦૧૦માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ પુસ્તકમાં તમે જે મુખ્ય ચિંતા પ્રગટ કરી છે તે આ છે : દેશ આઝાદ થયો ત્યાં સુધી માત્ર મુંબઈ ઇલાકામાં જ નહિ, આખા દેશમાં, વૈચારિક ક્ષેત્રે મુંબઈનું સ્થાન પહેલી હરોળમાં હતું. પણ ૧૯૬૦ પછી એવું તે શું થયું કે મુંબઈ ધીમે ધીમે એ સ્થાન ગુમાવતું ગયું?
ટીકેકર : આ પુસ્તક પ્રગટ થયું તે પછીનાં વરસોમાં તો વૈચારિક ક્ષેત્રે મુંબઈ ઘણું વધારે રાંક બન્યું છે. મને યાદ આવે છે ૧૮૬૨માં યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલા કોન્વોકેશન વખતે આખા ઈલાકાના પહેલવહેલા આઠ ગ્રેજ્યુએટને ડિગ્રી મળી – ચાર આર્ટ્સના અને ચાર મેડસિનના. પોતાના ભાષણમાં ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ એ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી : હિન્દુસ્તાનની વૈચારિક શક્તિનું ધોવાણ થઈ ગયું છે એમ કહેવાય છે. તમારે એ શક્તિને ફરી સજીવન કરવાનું કામ કરવાનું છે.
દી.મ. : એ પહેલા આઠ ગ્રેજ્યુએટમાંના એક હતા મહાદેવ ગોવિંદ રાનડે. તેમણે એ જમાના વિષે પાછળથી કહેલું કે આપણા દેશમાં ‘વિચારશક્તિને લકવો લાગુ પડી ગયો છે.’ એ વખતે નર્મદ, દલપતરામ વગેરે અગ્રણીઓ બ્રિટિશ શાસનના પ્રશંસક હતા તેની પાછળનું કારણ પણ એ જ કે દેશને અંધાર યુગમાંથી અર્વાચીનતા તરફ લઈ જવાની શક્યતા તેમને બ્રિટિશ રાજવટમાં દેખાઈ હતી. કવિ નર્મદે કાંઈ અમથું નહોતું ગાયું :
શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
ટીકેકર : હા, ઘણા ખરા મરાઠી વિચારવંત પણ એવું જ માનતા હતા. અને અંગ્રેજ રાજવટ આવી એ પછી જ સાચા અર્થમાં બોમ્બેનો વિકાસ શરૂ થયો. એનું ઘડતર અને ચણતર જ એક શહેર તરીકે થયું. અને જોતજોતામાં તે આખા હિન્દુસ્તાનનું એક મહત્ત્વનું શહેર બની ગયું. હા, અહીં વેપાર-વણજ વિકસ્યા, પણ બોમ્બે એટલે માત્ર વેપારી કેન્દ્ર નહિ. કે એ વખતના બનારસની જેમ નહિ એ દેશના ભૂતકાળનું સંગ્રહસ્થાન. જેમની નજર લાંબે સુધી પહોંચતી હતી એવા કેટલાક અંગ્રેજ તો મુંબઈને ‘લંડન ઓફ ધ ઇસ્ટ’ તરીકે વિકસાવવા માગતા હતા. દાખલા તરીકે પત્રકાર-તંત્રી રોબર્ટ નાઈટ. ૧૮૩૮માં જે છાપું શરૂ થયું હતું ‘બોમ્બે ટાઈમ્સ’ નામથી, એનું નામ બદલી ૧૮૬૧માં કર્યું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.’ અને એ નામથી પ્રગટ થયેલા છાપાના ૨૮ સપ્ટેમ્બર ૧૮૬૧ના પહેલા જ અંકના તંત્રી લેખમાં તેમણે બેધડક લખ્યું હતું કે આર્થિક અને વેપારી ક્ષેત્રે તો બોમ્બે આખા દેશની રાજધાની બની ચૂક્યું છે.
દી.મ. : સાચી વાત. સાત ટાપુ સંધાઈ-બંધાઈને ક્યારે એક શહેર બની ગયું એની તો ખબરે ન પડી. બ્રિટિશ પદ્ધતિના શિક્ષણ માટેની અને રોજગાર માટેની જે તકો અહીં ઊભી થઈ તેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, આખા દેશમાંથી લોકો મુંબઈમાં ઠલવાવા લાગ્યા.
સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ
ટીકેકર : અને એ વખતે ‘આખો દેશ’ એટલે આજનાં ભારત અને પાકિસ્તાન. એ બધાને આ મુંબઈએ આવકાર્યા, સમાવ્યા. હા. શરૂઆતમાં કોલેજના અધ્યાપકો બધા અંગ્રેજો હતા. પણ કેવા? સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ અને પ્રોફેસર વિલિયમ વર્ડઝવર્થ જેવા. ગ્રાન્ટ કોલેજમાં તો મન દઈને ભણાવતા જ. પણ રોજ સાંજે મહાદેવ ગોવિંદ રાનડે, ફિરોઝશાહ મહેતા, કે.ટી. તેલંગ જેવા પોતાના વિદ્યાર્થીઓ સાથે દરિયા કિનારે ચાલવા જતા અને તે વખતે દુનિયાભરની અજબગજબ વારતો કરતા.
ટીકેકર : અને એ વખતે ‘દેશી’ લોકો પણ હાથ જોડીને બેસી રહ્યા નહોતા. તેમણે પોતપોતાની ભાષામાં ચોપડીઓ છાપી, છાપાં કાઢ્યાં, ચર્ચા અને વિચારોની આપલે માટે સંસ્થાઓ કાઢી. બધી જમાતના દાનવીરોએ હોસ્પિટલોથી માંડીને પ્યાઉ (પરબ) સુધીની સગવડો ઊભી કરવા માટે છુટ્ટે હાથે દાન આપ્યાં. આ બધું ઊભું કરીને તેમાંથી બે પૈસા રળી લેવાનો તો કોઈને વિચાર પણ નહોતો આવતો.
દી.મ. : અને દેશના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં વસેલા સાહસિક શ્રેષ્ઠીઓએ મુંબઈના વેપાર-ઉદ્યોગનો પાયો એવો તો મજબૂત નાખ્યો કે ૧૮૬૫માં રાતોરાત શેર બજાર ઓગળીને તળિયે જઈ બેઠું, ત્યારે પણ એ આઘાત પચાવીને આ શહેર થોડા વખતમાં પાછું બેઠું જ નહિ, દોડતું પણ થઈ ગયું.
ટીકેકર : હા, પણ વધુ મહત્ત્વની વાત તો એ કે અહીંની બધી જાત-જમાતના લોકો, મરાઠી અને ગુજરાતી ભાષીઓ, પારસીઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ, સાથે મળીને મુંબઈના ઘડતરમાં મચી પડ્યા હતા. હા, ન્યાત-જાતના વાડા હતા, પ્રતિબંધો હતા. પણ નવજાગૃતિના કામોમાં તો બધા ખભેખભા મિલાવી ચાલતાં. સમાજમાં નવી ચેતનાનો પ્રસાર થાય એ માટે સંસ્થાઓ શરૂ થઈ. સાહિત્ય, સમાજ, ઇતિહાસ, સુધારો, અભ્યાસ માટે ‘મંડળીઓ’ શરૂ થઈ.
દી.મ. : હા, નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ સમજાવ્યા અને ‘બુદ્ધિવર્ધક સભા’નો એક અગ્રણી બની રહ્યો.
ટીકેકર : આ બધી મંડળીઓનાં નામ પણ સૂચક : જ્ઞાનપ્રસારક મંડળી, બુદ્ધિવર્ધક સભા. વી.કે. રાજવડેએ આ પ્રવૃત્તિ માટે એક સરસ શબ્દપ્રયોગ કર્યો હતો : ‘મંડળીકરણ’. હા, આવી સોસાયટીઓ શરૂ કરવાની પહેલ અંગ્રેજોએ કરી અને કેટલાક વખત સુધી તેના કારભારમાં માત્ર ગોરાઓ જ ભાગ લઈ શકતા. પણ પછી ધીમે ધીમે દરવાજા ખુલતા ગયા, ‘દેશી’ઓ દાખલ થતા ગયા.
એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી
દી.મ. : અત્યારે આપણે જ્યાં બેઠા છીએ તે ‘એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ’ની ૧૮૦૪માં ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ નામથી શરૂઆત થઈ ત્યારથી ઘણાં વરસ સુધી માત્ર ગોરાઓ જ તેના સભ્ય બની શકતા, ખરું?
ટીકેકર : હા, શરૂઆતમાં એવું હતું. પણ પછી ૧૮૯૩માં જસ્ટિસ કાશીનાથ ત્ર્યંબક તેલંગ તેના પહેલવહેલા ‘દેશી’ પ્રમુખ બન્યા.
દી.મ. : અને પછી ૨૦૦૭થી ૨૦૧૩ સુધી તમે પણ આ સોસાયટીના પ્રમુખપદે રહ્યા અને અનેક નવાં નવાં કામ હાથ ધર્યાં.
ટીકેકર : જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઈ શક્યું તે તમારા જેવા મિત્રોની મદદથી થઈ શક્યું. પણ આપણે પાછા ૧૯મી સદીમાં જઈએ. સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ સંસ્થાઓ શરૂ થવા લાગી. પરમહંસ સભા (૧૮૪૭) દ્વારા પહેલી વાર વ્યવસ્થિત રીતે જ્ઞાતિપ્રથાનો વિરોધ થયો. તો ૧૮૫૭માં પહેલવહેલા રાજકીય મંડળની સ્થાપના થઈ, ધ બોમ્બે એસોસિયેશન. ધર્મ અને સમાજના ક્ષેત્રે સુધારાના હેતુથી ૧૮૬૭માં મુંબઈમાં પ્રાર્થના સમાજની શરૂઆત થઈ. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની છડી પોકારતું હોય એવું બોમ્બે પ્રેસિડન્સી એસોસિયેશન ૧૮૮૫માં મુંબઈમાં શરૂ થયું અને એ જ વરસે મુંબઈમાં જ કાઁગ્રેસની સ્થાપના થઈ. આ બધી સંસ્થાઓની આગેવાની એવાઓના હાથમાં હતી જેઓ સારું ભણેલા હતા, બુદ્ધિવાદી હતા, અને સુધારાતરફી હતા. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ એ જો પહેલું પગથિયું હતું તો આવી સંસ્થાઓ નવજાગૃતિનું બીજું પગથિયું હતું. અને તેને પ્રતાપે નવયુગનું જે અજવાળું પથરાયું તે ધીમે ધીમે આખા મુંબઈ ઇલાકામાં ફેલાયું.
દી.મ. : ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના સાથે મુંબઈ શહેરમાં જ નહિ, આખા ઇલાકામાં બ્રિટિશ પદ્ધતિના ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ.
ટીકેકર : જુઓ, મહેતા, આજે આપણે ત્યાં ઘણાખરા આમ માને છે. પણ હકીકત જરા જૂદી છે. હકીકતમાં યુનિવર્સિટી કરતાં પહેલાં શરૂ થયેલ એલ્ફિન્સ્ટન કોલેજ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ દ્વારા નવા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. એ બંને પોતપોતાની ડિગ્રી પણ આપતી. અર્વાચીન ભારતના ઘડતર પર ૧૯મી સદીના આચાર-વિચારની કેટલી પકડ છે! આઝાદી પછી આપણે માન્ડુક્યોપનિષદમાંથી લીધેલા ‘સત્યમેવ જયતે’ શબ્દોને દેશના ‘મોટો’ તરીકે સ્વીકાર્યા. પણ આ જ શબ્દો કોતરાયા હતા મુંબઈમાં આવેલા પ્રાર્થના સમાજના મકાનના દરવાજા પર.
દી.મ. : એક વાત પૂછું દોસ્ત? ગુજરાતના, અને ખાસ કરીને અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસ અંગે વાત કરતી વખતે ઘણા વિદ્વાનો ‘મહાજન સંસ્કૃતિ’ પર ઘણો ભાર મૂકે છે. તો મુંબઈમાં ૧૯મી સદીમાં આ અંગે શી સ્થિતિ હતી?
ટીકેકર : મુંબઈમાં પણ કેટલીક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની શરૂઆતમાં આ ‘મહાજન સંસ્કૃતિ’નો હાથ હતો ખરો. પણ પછી નવું શિક્ષણ લઈને જે જુવાનો આગળ આવ્યા તેમણે આ ‘મહાજન સંસ્કૃતિ’ પાસેથી લગામ પોતાના હાથમાં લઈ લીધી. પરિણામે ‘મહાજન સંસ્કૃતિ’ના આગેવાનો પોતપોતાની નાતજાતનાં કુંડાળામાં રહી પ્રવૃત્તિ કરતા રહ્યા. અને આવી જ્ઞાતિલક્ષી પ્રવૃત્તિ આજ સુધી ચાલુ રહી છે. બલકે છેલ્લા કેટલાક દાયકામાં વધુ ફેલાઈ છે.
દી.મ. : દોસ્ત, આપણી આવી વાતોનો ઝટ અંત આવે તેમ નથી. પણ આજે તો વાતો અહીં રોકવી પડશે. વધુ વાતો માટે મળીશું આવતા શનિવારે.
ટીકેકર : ત્યાં સુધી ‘આવજો.’
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 02 સપ્ટેમ્બર 2023)