
રવીન્દ્ર પારેખ
ગરમાગરમ ખીચડી થાળીમાં પીરસાઈ હોય, ભૂખ પણ લાગી હોય ને કોઈ ફરમાન કાઢે કે ખીચડી 2029માં ખાવાની છે, તો તેને પુછાયને કે 2029માં જ ખાવાની હોય તો ખીચડી ત્યારે જ બનાવીએ ને, 2024થી બનાવીને 5 વર્ષ વાસી કરવાની જરૂર છે? પણ આવું કોઈ પૂછતું નથી ને ખીચડી વાસી થઈ જશે એવું ભાન પણ ખીચડી બનાવનારને પડતું નથી ! આવું જ મહિલા આરક્ષણ બિલને સંદર્ભે થયું છે. સંસદનું વિશેષ સત્ર સંસદનાં નવાં ભવનમાં બોલવાયું અને મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતે, 2/3 બહુમતીથી પસાર થયું. બીજે દિવસે ગુરુવારે રાજ્યસભામાં એ બિલ સર્વાનુમતે પસાર થયું.
આ પછી બિલ લાગુ કરવાને મામલે જે ચર્ચાઓ ચાલી તેમાં એ બહાર આવ્યું કે આ બિલ વસ્તી ગણતરી અને સીમાંકન પછી લાગુ થશે. સીમાંકન એટલે મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા. પ્રસ્તાવિત બિલનો ભાગ એવો છે કે અનામત આધારિત ફેરફારો, વસ્તી ગણતરી પછી જ લાગુ કરાશે ને વસ્તી ગણતરી ડેટાને આધારે મત વિસ્તારોનું ફરી સીમાંકન કરાશે. જો એ વાત સ્વીકારીએ તો કોરોનાને કારણે 2021ની વસ્તી ગણતરી થઈ નથી ને જો ક્રમિક રીતે થાય તો 2031માં થઈ શકે. 2002માં બંધારણમાં કરેલ ફેરફારો મુજબ મતવિસ્તારની સીમાઓ 2026 સુધી નિશ્ચિત છે. 2026ને અંદાજે દેશની વસ્તી 142 કરોડથી વધુ હશે. એ હિસાબે આજની લોકસભા સીટો પણ 543થી વધીને 753 થાય, એમાં પણ વસ્તી વધુ હોવાને કારણે ઉત્તર ભારતની સીટો વધે ને દક્ષિણ ભારતની સીટોમાં બહુ ફેર ન પડે એમ બને. 2026 પછી વસ્તી ગણતરી 2031માં થઈ શકે ને તે પછી સીમાંકન હાથ પર લેવાય તો તે પૂર્ણ થતાં 2037ની આસપાસનો સમય આવી રહે. વસ્તી ગણતરીના ડેટા પહેલાં સીમાંકન કરી ન શકાય. તે પછી મહિલા અનામત બિલ લાગુ કરવાનું કોને, કેટલું યાદ રહે તે વિચારવાનું રહે. જો આમ થાય તો 2029 પછી પણ, મહિલા અનામત બિલ લાગુ થાય જ એની કોઈ ખાતરી નહીં !
ટૂંકમાં, મહિલા આરક્ષણ બિલની 2024ની ચૂંટણીમાં કોઈ અસર વર્તાય નહીં, એવી પૂરી શક્યતાઓ છે. બિલ તો રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં કાયદો થશે, પણ તે 2024ની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામતનો લાભ નહીં અપાવી શકે. બિલની જોગવાઈ જ એ પ્રકારની છે કે બિલનો પ્રભાવ 2024ની ચૂંટણીમાં નહીં પડે. આજની તારીખે 543 સાંસદોની સામે 33 ટકા લેખે સંસદમાં મહિલાઓની સંખ્યા 181 હોવી જોઈએ, જેની સામે મહિલા સાંસદો 82 છે. જો 2024થી જ મહિલા અનામત બિલ લાગુ થાય તો બીજી સોએક મહિલાઓને અનામત બિલનો લાભ મળે, પણ બિલની જોગવાઇઓ બદલવાનો સરકારને જ રસ નથી, એટલે 2024ની ચૂંટણીમાં મહિલા અનામત બિલ પસાર થયું હોવા છતાં પ્રભાવ વગરનું જ રહેશે.
અહીં પ્રશ્ન એ થાય કે 2024માં લાગુ થવાનું જ ન હતું, તો વિશેષ સત્ર બોલાવીને બંને ગૃહોમાં પસાર કરાવવાની સરકારે ઉતાવળ કેમ કરી? જો ખીચડી વહેલામાં વહેલી 2029માં જ ખાવાની હતી, તો 2024માં રાંધવાની જરૂર હતી? આમ તો 2010માં જ આ બિલ રાજ્યસભામાં પાસ થયું હતું, પણ લોકસભામાં પસાર ન થતાં તે કાયદો બની શક્યું નહીં. એ સંદર્ભે કાઁગ્રેસી નેતા સોનિયા ગાંધીએ યોગ્ય જ પૂછ્યું હતું કે મહિલાઓ 13 વર્ષથી આ બિલની રાહ જોઈ રહી હોય તો હજી તેણે ચાર, છ. આઠ કેટલાં વર્ષ રાહ જોવાની છે? આ બિલ ‘નારી શક્તિ વંદન વિધેયક’ને નામે કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને લાંબી ચર્ચાને અંતે 215 વિરુદ્ધ શૂન્ય મતથી રાજ્યસભામાં પસાર થયું, પણ આટલી હાયવોયનો કોઈ અર્થ રહ્યો નહીં.
એક વાત બહુ સ્પષ્ટ છે કે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું તેને લોકસભામાં બહુમતી અને રાજ્યસભામાં કોઈ વિરોધ વગર પસાર કરવામાં આવ્યું. અગાઉ સ.પા. અને રા.જ.દ. પાર્ટીએ સંસદમાં મહિલા અનામત બિલની કોપી ફાડી નાખી હતી, તેમણે પણ આ વખતે બિલનું સમથન કર્યું ને હવે તે કાયદો ય બનશે, તો તેને લાંબે વાયદે અભરાઈએ ચડાવી દેવાનો કોઈ અર્થ ખરો? જો મહિલા આરક્ષણ બિલ સરકારનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ નથી અને તે મહિલાઓનું હિત જ ઈચ્છે છે, તો તેણે આ ચૂંટણીથી જ બિલને પ્રભાવી બનાવવું જોઈએ. એમ નહીં થાય તો મહિલા આરક્ષણ બિલ, મહિલાને અનામત આપ્યા વગર જ મહિલાઓના મત પડાવવાનો રાજકીય સ્ટન્ટ માત્ર બની રહેશે. એ સ્થિતિમાં મહિલા અનામત બિલ સરકારની વિરુદ્ધમાં જાય એમ બને. એ પછી તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, તીન તલાક બિલ વગેરે પણ ચૂંટણીલક્ષી સ્ટંટ જ ગણાઈ જાય એમ બને.
સાદી વાત એટલી છે કે મહિલા આરક્ષણ બિલ ખાસ સત્રમાં, નવા ભવનમાં લાવવામાં આવ્યું છે ને જેને પ્રયત્ન છતાં અગાઉની સરકારો કાયદો બનાવી શકી નથી. એ યશ ભા.જ.પ.ની સરકારને જ મળ્યો છે ને એ લાભ ખાટતાં પણ તેને નવ વર્ષ લાગ્યાં હોય, તો 2029 સુધી તેનો અમલ જ ન થાય એ સ્થિતિમાંથી બિલને ઉગારી લેવું જોઈએ. એ સ્થિતિ ટાળવા, બિલ જ્યાં ને જેટલું લાગુ કરી શકાય, તાત્કાલિક લાગુ કરવું જોઈએ. પછી જનગણના ને સીમાંકનની સરળતા થાય ત્યારે ભલે, તે નવા ફેરફાર સાથે ફરી લાગુ થાય.
મોટે ભાગે તો વિપક્ષ બિલ મંજૂર કરાવવામાં નડતો હોય છે, જ્યારે આ મામલે વિપક્ષ પૂર્ણપણે ઈચ્છે છે કે બિલ તાત્કાલિક અસરથી લાગુ થાય, તો સરકારે પોતે આ બિલ લાગુ કરવામાં વિલંબ ન જ કરવો જોઈએ. આમ તો વડા પ્રધાન OBCની વાતો કરતા રહે છે, પણ મહિલા અનામત બિલમાં તેની કોઈ વાત નથી તેનું આશ્ચર્ય જ છે. જાતિ છે તેથી અનામત છે કે અનામત છે તેથી જાતિ છે, એ જવા દઇએ તો પણ જાતિ આધારિત વસ્તી ગણતરી સુધી વાત આવી છે એટલે, એટલું ચોક્કસ છે કે નજીકમાં તો જાતિ જવાની નથી ને જાતિ છે તો જાતિગત ભેદભાવ પણ રહેવાના જ છે. ન રહે તો મત માટે પણ રાજકારણીઓ તે રાખવાના છે. મહિલાઓને અન્યાયની નવાઈ નથી. તેને વિષે વાતો તો મોટી મોટી થાય છે, પણ તેનાં શોષણની એક પણ તક શિક્ષિત કે અશિક્ષિત વર્ગ જતી કરતો નથી. એમાં વળી મંજૂર થયેલું બિલ લાગુ ન કરીને, મહિલાઓને અન્યાય કરવામાં, કેન્દ્ર સરકાર જ મોખરે રહે તે ઈચ્છવા જેવું નથી. કાઁગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આગ્રહપૂર્વક ઈચ્છે છે કે મહિલા અનામત બિલ લાગુ કરવામાં વસ્તી ગણતરી કે સીમાંકનની રાહ જોવાની જરૂર નથી. જો વિપક્ષ આ માનતો હોય તો સરકારે બિલ લાગુ કરવાને મામલે પુનર્વિચાર કરવો જ જોઈએ.
નારીશક્તિ વંદન વિધેયક રાજ્યસભામાં ચર્ચા માટે મુકાયું ત્યારે ચર્ચાની શરૂઆત કરતાં, બિલનાં શીર્ષક ‘નારીશક્તિ વંદન વિધેયક’ સંદર્ભે, કાઁગ્રેસી રંજિત રંજને કહ્યું કે નારીને ‘વંદન’ નહીં, પણ સમાનતા જોઈએ છે. સારી વાત એ છે કે વિપક્ષો સહિત રાજ્યસભામાં કોઈએ બિલનો વિરોધ કર્યો નથી, પણ કેટલીક અપેક્ષાઓ જરૂર રહી છે, જેમ કે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું કે ઓ.બી.સી. અને અલ્પસંખ્યક મહિલાઓને તક મળવી જોઈએ. ટ્રિપલ તલાક પર વાતો તો બહુ થઈ, હવે એમને ટિકિટ પણ આપો. એક તરફ વિપક્ષી સાંસદોને તાત્કાલિક બિલ લાગુ કરવાની ઉતાવળ છે, તો ભા.જ.પ.ની મહિલા સાંસદોને એવી કોઈ ઉતાવળ જણાતી નથી, એ તો બિલની ઉજવણીનો આનંદ લેવામાં જ વ્યસ્ત છે. વસ્તી ગણતરી અને સીમાંકનની મર્યાદા લાગવાને કારણે બિલ મંજૂર થવા છતાં, હાલ તુરત તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી, એ તેમની ચિંતાનો વિષય જ નથી.
યુ.એસ.-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ-USISPF-તો પ્રશંસામાં કહે છે કે મહિલા આરક્ષણ આપવાનું ભારતે ઐતિહાસિક પગલું ભર્યું છે, જે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ બંધારણીય રૂપથી સુનિશ્ચિત કરશે. હાલ ભારતમાં 95 કરોડ મતદારોમાંથી લગભગ અડધી મહિલા મતદારો છે, પણ સંસદમાં તેનું પ્રતિનિધિત્વ માંડ 15 ટકા કે રાજય-વિધાનસભાઓમાં 10 ટકા છે. હવે બિલ પસાર થયું છે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ 33 ટકા થઈ જશે. અમેરિકી ફોરમને પણ એવું જ છે કે બિલ તરત જ લાગુ થવાનું છે, પણ હકીકત એ છે કે વસ્તીગણતરી અને સીમાંકનનો મુદ્દો નહીં હટે, તો આ બિલ લાગુ થતાં વર્ષો નીકળી જશે ને તે પછી પણ લાગુ થશે જ એની કોઈ ખાતરી નથી.
એક તરફ મહિલા અનામતની ટકાવારી 33 ટકા કરવાની વાત છે, તો બીજી તરફ કોર્પોરેટર બનેલી મહિલાઓ ઘરમાં તો ઠીક, કોર્પોરેશનમાં પણ સ્વતંત્ર નિર્ણય લેવાની સ્થિતિમાં નથી કે નથી તેમને જે જવાબદારી સોંપાઈ તે અંગેનું પૂરતું જ્ઞાન-ભાન ! કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી બાંકડાઓ જે તે વિસ્તારના મહિલા કોર્પોરેટરો પણ મૂકતાં હોય છે, પણ એ અંગેનાં નિર્ણયો પણ તેમના પતિ લેતા હોય છે. ઘણી મહિલા કોર્પોરેટરો તો એ જવાબદારી પતિની હોય તેમ ફોન સીધો પતિને પકડાવીને છૂટી જતી હોય છે. બધી મહિલાઓ એવી છે એવું નથી, પણ ઘણીખરી મહિલાઓની આ સ્થતિ છે. મહિલા મંત્રીઓ પણ કોઈ રાજકીય કે ખાતાકીય નિર્ણયો લેવાનો હોય તો પતિની અનુમતિની રાહ જોતી હોય એમ બને. આ માનસિક્તામાંથી જો મહિલા કોર્પોરેટરો, વિધાનસભ્યો, સાંસદો છૂટી ના શકતાં હોય, તો મહિલા અનામત બિલનું લોલીપોપ પકડાવીને, સરકારે મહિલાઓના મતની માત્ર ઉઘરાણી કાઢી હોય એવું નથી લાગતું
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 સપ્ટેમ્બર 2023