જ્યારે આખા મુંબઈની વસતી હતી ૫,૦૦૦ અને વાર્ષિક ઉપજ હતી ૭૦૦ રૂપિયા
સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.
પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.
વાછા શેઠ : મહેતાજી, તમોને ફરી મળીને ઘન્ની ખુશી ઉપજી.
દી.મ .: હા જી. મને બી આનંદ થયો કે આપ વાતો કરવા માટે બીજી વાર અહીં પધાર્યા. પણ આપના મુંબઈનો બહાર પુસ્તક વિષે વાત કરતાં પહેલાં બીજી એક વાત પૂછવી છે.
વાછા શેઠ : તે પૂછો ની! માલુમ હોસે તો જનાવિસું.
દી.મ. : આ બનાજી લીમજી અગિયારી એ મુંબઈની પહેલવહેલી અગિયારી એ વાત તો જાણે બરાબર. પણ એ જમાનામાં એ બંધાવનાર બનાજી લીમજી હતા કોણ?
વાછા શેઠ : આય મુંબઈમાં બનાજી ખાનદાનનો પાયો એવણે નાખેલો. તેમનું ખાનદાન મૂળ સુરત પાસેના ભગવાડાંડી નામના ગામનું. ઈ.સ. ૧૬૯૦ના અરસામાં એવન વતન છોડી મુંબઈ આયા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર ખાતામાં નોકરીએ લાગ્યા. પછી બનાજી લીમજી નામની પેઢી શુરુ કીધી અને દેશાવરો સાથે, ખાસ કરીને ચીન સાથે વેપાર શુરુ કીધો. વેપાર માટે બર્માના પેગુ શહેર સુધી જઈ આવેલા.
દી.મ. : આ બર્મા તે આજનું મ્યાનમાર, અને પેગુનું આજનું નામ છે બાગો.
વાછા શેઠ : હોસે, બાવા! પણ અમુને તો અમારા જમાનાનું નામ જ માલુમ હોય ને! પન અમારા સાંભલવામાં આવ્યું ચ કે રસ્તાઓ અને મકાનોનાં નામ બદલ્યા પછી હવે તો તમે લોગ આય દેશનું નામ બી બદલવાના છો!
દી.મ. : જવા દો ને શેઠ, એ બધી વાત. બનાજી શેઠ વિષે થોડી વાત કરો ને!
વાછા શેઠ : અમારી પારસી પંચાયત એવનની હયાતીમાં શુરુ થઈ હુતી અને બનાજી શેઠ તેના વડા અકાબર, એટલે કે મુખિયા નિમાયા હુતા અને તેથી એવનને ‘દાવર’નો ઈલ્કાબ એનાયત થિયો હૂતો. એંસી વરસની ઉંમરે ૧૭૩૪ના જુલાઈ મહિનાની ૩૦મી તારીખે એવન ખોદાયજીને પ્યારા થઈ ગયા હુતા.
દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?
વાછા શેઠ : એમાં વલી પૂછવાનું સું? માલુમ હોસે તો જરૂર જવાબ આપીસું.
દી.મ. : આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?
વાછા શેઠ : તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પ્હેલાં એવું જ હુતું. જાત મહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે, તેમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોના ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આપ્યું ‘મુંબઈનો બહાર.’
દી.મ. : પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?
વાછા શેઠ : ના, જી. તેમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિંદુ, અને પારસી ખાનદાનોની મળી તેટલી માહિતી મેં આપી છે.
દી.મ. : આજે તો માગો તે આપે એવા ગુગલદેવાના અમારા પર ચાર હાથ છે. પણ એ જમાનામાં તો એ હતા જ નહિ. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?
વાછા શેઠ : હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈ. એટલે પહેલું કામ કર્યું તે મુંબઈના અખબારોમાં લાંબી લચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.
દી.મ. : હા જી. પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.
વાછા શેઠ : જેવી તમારી મરજી. લો, વાંચો.
દી.મ. : (વાંચે છે) “મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતના હિંદુઓ તથા મુસલમાનો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ, તથા ઈસાઈ કોમના શેઠ શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ, તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહીશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે, અને બીજીની શોધમાં પણ તે મશગુલ રહેલો છે, માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમના નેકીભર્યા કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદથી લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જે કોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.”
વાછા શેઠ : અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.
દી.મ. : પણ એ કહોને વાછા શેઠ, કે તમારી આ જાહેરાતનો રિસ્પોન્સ કેવો રહ્યો?
વાછા શેઠ : રૂપિયે બે આની બી નહિ. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી : હિંમતે મર્દા તો મદદે ખુદા. પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી … એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો :
ઉજડેલું ફરી વસે, ને મુફલીસ ઘર ધન જાયે,
ગયું જોબન નહિ આવે પાછું, મૂવો ન જીવતો થાયે.
આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને તેને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જાગાને એક સુંદર બગીચા જેવી બનાવી.
દી.મ. : વાછા શેઠ! અલગ અલગ ખાનદાનોની વાત કરતાં પહેલાં આપે પુસ્તકમાં મુંબઈના ઇતિહાસ અને વિકાસની આછી ઝલક પણ આપેલી છે. તેની થોડી વાત કરો ને!
વાછા શેઠ : એ વાત કરું એ પહેલાં એક કવિતની થોડી લીટી સંભળાવું :
મુંબઈ છે રળિયામણી, અસલથી સદા હસંતિ,
સઘળી વરણનાં લોકે આવી, કીધી તેમાં વસતી.
એ ધરતીનું પેટ જ મોટું, રહે છે ખીલંત અપાર,
ચોમેરથી આવતાઓને, મળે છે સુખ-સંસાર.
જુઓ, સમજો. છેક ઈ.સ. ૧૭૧માં ટોલમી નામના મુસાફીરે મુંબઈની વાત કીધી છે. એ જમાનામાં મુંબઈની પેદાસ એક જ હુતી : માછલી. અને વસતી હતી ફક્ત માછીમારોની. એમના સાત ટાપુ ધીરે ધીરે જોડાતા ગયા અને બન્યું આ મુંબઈ. પોર્ટુગીઝ અમલ શુરુ થિયો તે અગાઉ અહીં ફક્ત પાંચ જાતિના લોક વસતા હુતા : માછીમાર કોળીઓ, ભોંગલા ભંડારીઓ, પલસિયા જોશીઓ, પાટાણે (પાઠારે) પ્રભુઓ, અને પાંચકળશી. આ બધા ઈ.સ.ની ૧૪મી સદી પહેલાં અહીં આવી વસ્યા હુતા. તે પછી ઘને વખતે કોંકણથી કેટલાક ઇસ્લામ ધરમ પાળતા લોકો અહીં આવિયા.
કોળી વર-વહુ
દી.મ. : પોર્ટુગીઝો અને અંગ્રેજો અહીં આવ્યા તે પછી મોટો ફરક કઈ રીતે પડ્યો?
વાછા શેઠ: જુઓ, તમુને એક બાબદ કહું. પોર્ટુગીઝો આવિયા તે પહેલાં મુંબઈમાં મેરાઈ કહેતાં દરજી જોવા મળતા નહિ. કેમ? કારણ એ વેલા અહીંના બધા મરદ અને બૈરાં વટીક સીવ્યા વગરનું કપડું જ શરીરે વીટાલતા. પણ પોર્ટુગીઝો આવિયા તે વારે તેમના સૈનિકો બી આવિયા. તેઓ તો સીવેલાં કપડાં પહેરે. એટલે અહીં ધીમે ધીમે દરજીનો ધંધો ફેલાયો. તેમાં છીપી આત્મારામ બાલાજી તો એ જમાનામાં ઘન્નો મશહુર અને પૈસાવાળો થિયો હૂતો. તે એવો કુશળ કારીગર હૂતો કે અંગ્રેજોના લશ્કરના બધા સૈનિકોના યુનિફોર્મ સીવવાનો ઈજારો કંપની સરકારે એવનને આપિયો હૂતો. પોતાના હાથ નીચે ઘન્ના બધા દરજીને રાખીને તેણે તો જાણે એકુ ફેક્ટરી જ ચલાવી. તેની જાતિમાં તે મોટો શેઠિયો ગણાવા લાગ્યો. મોટી રકમ ખરચીને ભુલેશ્વરમાં સભા મંડપવાળું એક મોત્તું મંદિર બંધાવ્યું અને વારસદારો માટે સારી એવી દોલત મૂકીને ૮૦ વરસની વયે ગુજરી ગયો. પણ પછી વિશ્વનાથ નામના તેના પોરિયાએ એશોઆરામ અને લંપટપનમાં સઘળો પૈસો ઉડાવી દીધો, અને છેક જ મુફલિસ હાલતમાં ગુજરી ગયો. પેલું તમે લોક કેવ છો ને, ‘દીવા તલે અંધારું’ એવું જ થિયું.
દી.મ.: પણ પોર્ટુગીઝો અહીં આવ્યા ત્યારે મુંબઈની હાલત કેવી હતી?
વાછા શેઠ : બિલકુલ મુફલીસ જેવી. એ વખતે આય મુંબઈ એ ઠાણેના એક સરદારની હુકુમત નીચે હૂતી. ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝો આવિયા તે વારે રહેવા માટેની જાગો એ સરદાર પાસે માગી. પેલા સરદારે તે હસીખુશી આપી દીધી. એ વખતે આય મુંબઈમાં ૪૦૦ ખોરડામાં પાંચ હજાર જેટલા લોકો રહેતા હુતા. પોર્ટુગીઝ સરકારે પોતાના કરવેરા ઉઘરાવવાના શુરુ કીધા ત્યારે ઘન્ના વખત સુધી આખા મુંબઈની એકુ વરસની ઊપજ હુતી આજના (એટલે કે વાછા શેઠના) ૭૦૦ રૂપિયા જેટલી! પણ પછી ગોવા, કોંકણ, વગેરે જગોથી આવીને લોક અહીં વસવા લાગ્યા. તે પછી સને ૧૬૪૦માં સુરત જિલ્લાના મોરા સુમારી ગામથી દોરાબજી નાનાભાઈ નામના પારસી પોતાના ગરીબ કબીલા સાથે આવીને મુંબઈમાં વસ્યા. મુંબઈ આવનારા એવન પહેલા પારસી, પહેલા ગુજરાતી.
દી.મ. : વાછા શેઠ, કહે છે કે અહીં આવીને પોર્ટુગીઝોએ કિલ્લા બી બાંધ્યા.
ડોંગરીના કિલ્લાના અવશેષ
વાછા શેઠ : હા, કારણ ત્યારે ચારે બાજુથી દુશ્મનોની બીક હુતી. દરિયાઈ રસ્તે અને જમીન રસ્તે દુશ્મનો અહીં આવી શકતા. પોર્ટુગીઝોએ પહેલો કિલ્લો બનાવિયો તે ડુંગરી કે ડોંગરીનો કિલ્લો. એની અંદર તેમનું લશ્કર, દારુગોળો, અને બીજો સરંજામ રહેતા. કિલ્લાની આસપાસ બેઠા ઘાટના બંગલા બી બાંધ્યા જેમાં પોર્ટુગીઝ અમલદારો રહેતા હુતા. અને બે પાંદડે સુખી હોય એવા ‘દેશીઓ’ને રહેવા માટે હાલના પાલવા બંદરથી મસ્જિદ બંદર સુધીની જાગો તેમણે મુકરર કીધી. એ વખતે દેશાવર સાથેનો બધો વ્યવહાર લાકડાનાં બારકસો (વહાણો) મારફત થતો. એ વહાણોની મરામત અને દેખભાળ રાખવા સારુ હાલના કોટ વિસ્તારની નજીક ગોદી બનાવી હુતી. વેપારી વહાણો બી આવતાં. તેમની પાસેથી મહેસૂલ ઉઘરાવવા માટે માહિમ તરફ એક માંડવી બી ઊભી કરેલી હુતી. આય પોર્ટુગીઝોએ ૧૩૨ વરસ સુધી આપરી આ મુંબઈ પર રાજ કીધું.
દી.મ. : અને પછી આવ્યા અંગ્રેજો. પણ વાછા શેઠ, એમના વિશેની, અને બીજી ઘણી વાતો આપણે હવે આવતા શનિવારે કરીશું.
વાછા શેઠ : ભલે, ભલે. ખોદાયજી તમુને સાજાસારા રાખે એ જ દુઆ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 23 સપ્ટેમ્બર 2023)