મિત્રો, આજે થોડી હળવી પણ એક પણ ખોટો શબ્દ આગળ પાછળ કર્યા વિના, વિનુભાઈ મહેતાના હોઠે થયેલ વાત, કાને સાંભળેલું તે, તમારી સમક્ષ વિનુ સ્મરણ સાથે લખી રહ્યો છું.
વિનુભાઈને લોક સાહિત્યના કવિ કાગનું, એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરી, સન્માન કરવાની ઈચ્છા થઈ અને તેમણે આ કાર્યક્રમ ‘ચારણ ચોથો વેદના નામે કર્યો. આ કાર્યક્રમમાં, રાસબિહારી ગઢવી, રામભાઈ ગઢવી, હસુ દાન, હરસુખ દાન, જીતુદાન, મનુભાઈ અને નવોદિત ચેતન ગઢવી હાજર, સાથે ભીખુદાન ગઢવીનું સંચાલન. આ બધા દેવી પુત્રોમાં, વિનુભાઈને કવિમાં જેમ રમેશ પારેખ વ્હાલો, તેવી રીતે ગઢવીમાં ‘ભીખુ દાન’ પર અપાર પ્રેમ. ચારણ ચોથો વેદ કાર્યક્રમમાં કાગબાપુના દીકરા રામભાઈ ગઢવીનો આઈટમ રજૂ કરવાનો વારો આવ્યો. અને રામભાઈએ, લોકસાહિત્યના પાટા પરથી ઊતરી જૈન સ્તવન “નમો અરિહંતાણં …” રજૂ કર્યુ. એટલે કાર્યક્રમના બે ત્રણ દિવસ બાદ મેં વિનુભાઈને આ બાબતમાં પૂછ્યું તો મને એ કહે કે મફતકાકા પ્રથમ લાઈનમાં બિરાજમાન હતા એટલે કાકાને વ્હાલો થવા આ ભત્રીજાએ, લોકસાહિત્યની પ્રણાલિકા મૂકીને સ્તવન રજૂ કર્યું. રામભાઈને એમ કે કાકા એકબે કાર્યક્ર્મ અપાવશે કે કરશે. પણ આ ભાવનગરી ગઢવીને શું ખબર હોય કે આ કાકો હીરાનો વેપારી છે, તે પારખી લે કે આ પથ્થરો છે કે રતન …
વિનુભાઈએ, બે વાર રમેશ પારેખને પાંચ લાખ રૂપિયાની થેલી અર્પણ કરીને સન્માન કર્યું. બીજી વાર સન્માન કરેલ તે કપોળ સમાજ દ્વારા. પ્રથમ વાર રમેશના સન્માન વખતે વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે મન દુઃખ થઈ ગયેલું. એ વખતે હું તો અમેરિકામાં, પણ વિનુભાઈએ મને પત્ર લખેલ તેમા એક વાક્ય લખ્યું હતું કે, હું ફલાણી તારીખે રમેશ પર્વ દ્વારા રમેશ પારેખનું સન્માન કરું છું અને આગળ લખ્યું હતું કે તને આ વાંચીને દુઃખ થશે કે રમેશના પરમ મિત્ર અનિલ જોશીએ રમેશના હવન કુંડમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.
મિત્રો, અહીંયા એક વાત સાચી કરું છું. આજે વિનુભાઈ નથી અને આપણા સાહિત્યકારો કેવું બે પ્રકારનું જીવન જીવતા હોય છે તેનો આ એક દાખલો આપુ છું. ’વિનુભાઈના, કફન ભાગીદાર દોસ્ત, ગુંણવંત શાહ થોડા વખત બાદ અમેરિકામાં આવ્યા હતા. તે વખતે રોચેસ્ટર મારા ઘરે ગુણવંતભાઈ જમવા આવેલા. ત્યારે મેં વિનુભાઈ અને અનિલ જોશી પ્રકરણ વિશે ગુણવંતભાઈને પૂછ્યું તો મને કહે આ વિશે તો અનિલે મુંબઈના છાપામાં ખૂબ લખ્યું. પછી મને કહે તને એક વાત કહું પણ તારે વિનુભાઈ અને કોઈને નહિ કહેવાની, તો જ હું તને કહું. મેં આ વાત આજ લગી વચન પ્રમાણે મનમાં સાચવી રાખી હતી. ગુંણવંતભાઈ મને કહે શંભુ, અનિલ જોશી ખરેખર સાચો છે … પણ જો આ વાત ગુણવંતભાઈ એ મિત્ર નાતે વિનુભાઈને કરી હોત તો આ તમાશો જાહેરમાં ન થયો હોત … એવું મારું માનવું હતું.
વિનુભાઈને ગુણવંતભાઈ પ્રત્યે અપાર પ્રેમ, અને ગુણવંતભાઈ પણ આ બાબતમાં પાછળ ક્યારે ય ન પડે. વિનુભાઈને મનમાં એક ઈચ્છા કે ગુણવંતભાઈને આ વાતની ક્યાંથી ગંધ પણ ન આવે તેમ તેના ઘરે બે પાંચ મિત્રો સાથે જઈ ગુણવંતભાઈને એક લાખ રૂપિયાની થેલી સાથે સન્માન કરવું. પણ વિનુભાઈને એક બાબતની ચિંતા હતી કે ગુણવંતભાઈને આ વાતની ખબર પડશે તો ગુણવંતભાઈ ચોખી ના પાડશે. આ વાત કરવા મને વિનુભાઈનો ફોન મુંબઈથી આવ્યો. મને કહે કે તું શું કરે છે? મેં કહ્યું કે મુંબઈથી જવાહર બક્ષી આવ્યો છે. અમે બેઠા છીએ. મને વિનુભાઈ કહે દીકરા, મારે તને એક વાત કરવી છે, પણ હવે માંડી વાળું છું. મેં પૂછ્યું તો કહે તારા ઘરે અત્યારે BBC આકાશવાણી આવીને બેઠું છે. તું ફોન મૂકે પહેલા મુંબઈ News વહેતા થઈ જશે …
રમેશ પારેખ અમેરિકા આવ્યા ત્યારે તેમના મનમાં થોડો કોઈ પ્રકારનો તણાવ રહેતો. તેમને પ્લેનમાંથી ઉતરતાની સાથે મારા ઘરે જીદ પકડી કે મારે સવારે પાછું અમરેલી જતું રહેવું છે. વિનુભાઈને ચિંતા થાય કે આવું જ આઠ અઠવાડિયા રહ્યું તો કરશું શું? મને કહે કે દીકરા, આ ઘોડા દશેરાને દિવસે નહીં દોડે તો તે કયે દહાડે દોડશે? પછી કહે કે આ વિનોદને ખાસ સાથે લાવવાનું કારણ પણ આ કે જો રમેશ અવાક થઈને બેસી જાય તો વિનોદ પાસે તેનાં ગીત/કાવ્ય રજૂ કરાવવા …
એક સાંજે અમે ચાર અને ડો. અશોક શાહ મારી ઓસરીમાં બેઠા હતા. અને રમેશે તેનો કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર” ગિરનારી બાપુ અમરદાસ ખારાવાલાને કેમ અર્પણ કર્યો, તે વાત રમેશભાઈએ વિગતવાર કરી. એટલે વિનુભાઈ અમરશી બાપુની એક વાત કરી. કોઈએ પૂછ્યું કે બાપુ, તમે રામકથા કરો અને સીતા વિદાયમાં તમારી આંખો ઝરે કે નહિ. બાપુ કહે તે તો મને ખબર નથી પણ સાંજે આરતી માંડવામાં ફરીને પાછી ખાલી થાળી આવે ત્યારે મારી આંખો ચોધાર આંસુએ ઝરે …
એકવાર અમારા ઓશો ભક્ત વિઠ્ઠલ સ્વામી હું અને વિનુ બાપા, બપોરે પૂજા રેસ્ટોરન્ટમાં નિરાંતે બેઠા હતા. આ વિઠ્ઠલ સ્વામી તમને ઘણી વાર વિનુભાઈ સાથે જોવા મળી જાય. મને કહે કે થોડા દિવસથી આ વિઠલો, મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે કે મને તમે એક સરસ વ્યાખ્યાન બ્રહ્મચર્ય પર ગમે તે રીતે ગોઠવી આપો. દીકરા, તું આને સમજાવ. મેં તેને કહ્યું કે વિઠ્ઠલ, તું બ્રહ્મર્ચયની પતર ખાંડમાં. તું એમ કર એક વ્યાખ્યાન હસ્તમૈથુન પર ગોઠવી દે ..
ઘણી વાતો વિનુભાઈની હૈયે છે, પણ એક તો આળસ અને બીજું સૈફ પાલનપુરી એક શેર જેવી છે.
વિરહની રાતે હસતા આ સિતારાને બુઝાવી નાંખુ પણ
એક રાત નિભાવી છે આકાશને ને દુશ્મન કોણ કરે ?
e.mail : preetam.lakhlani@gmail.com