2 ઓક્ટોબર ગાંધી જયંતી
પરોણાને જોવા અમે હારદોર ઊભા હતા. મારી પાસે ઊભેલાં એક પારસી સ્ત્રી ગાંધીજીને જોવા બહુ જ અધીરાં હતાં. ગાંધીજી આવ્યા, ટૂંકું ધોતિયું, કસવાળો અંગરખો, માથે કાઠિયાવાડી ફેંટો ને ઉઘાડે પગે! મારી પારસી પડોશણ મોઢે હાથ રાખી જેમતેમ હસવું ખાળી બોલી ઊઠી : ‘આ તો ઢનો ડરજી.’
− ક.મા. મુનશી (આત્મકથા)
થોડા દિવસ પર હું વડોદરા સરદાર ભવનમાં વસંત-રજબ ડોક્યુડ્રામાના નિર્માણ નિમિત્તે હતો. જ્યુબિલી બાગ, સુરસાગર અને રાવપુરા ટાવરના ત્રિકોણ ઇલાકામાં બાળપણનાં વરસો ગાળેલાં એટલે ત્યારનાં સંભારણાં, કેમ કે સરદાર ભવનમાં હતો એટલે વિશેષે તો રાષ્ટ્રીય અવસરોનાં, સહસા ઝંકૃત થઇ ઊઠ્યો.
અમે વાનરસેના કહો, બાળકિશોર વિદ્યાર્થીઓ કહો, ત્યારે પોળે પોળે પર્ણછાયી ગાંધીકુટિરો સજાવતા અને હોશેં હોશેં ગાંધીજયંતી મનાવતા. વચ્ચે ગાંધીજીનું કટઆઉટ કે છબી હોય. એ જ કચ્છ ટૂંકી પોતડીભેર અને ખુલ્લા ડિલે કે ચાદરભેર. આ સ્મૃતિઆંચકો વડોદરામાં આવ્યો; બાકી, એ વરસોમાં કદાચ ભારત આખાનું આ ઉત્સવચિત્ર હતું.
ટૂંકી પોતડીવાળી આ ગાંધીમુદ્રા જોવાનું બનતું ત્યારે ત્યારે હંમેશ કંઇક અભિમાન જેવું જાગતું. બલકે એક દર્પીલી, લગાર ગર્વોન્મત્ત લાગણી જાગતી કે ગાંધીજી લંડનના બકિંગહામ પેલેસમાં રાજાની પાર્ટીમાં ગયા ત્યારે ધરાર પોતડીભેર ગયેલા. રાજધારી પોષાક પ્રોટોકોલની એસીતેસી. અધૂરામાં પૂરું, બહાર નીકળ્યા ને કોઇકે આટલાં ઓછાં ને આછાં વસ્ત્રો કેમ એવું પૂછ્યું ત્યારે એમનો નર્માળો મર્માળો ઉત્તર હતો કે રાજાએ અમને બેઉને થઇ રહે એટલાં કપડાં ઠઠાવ્યાં’તાં!
જેના સામ્રાજ્યમાં સૂરજ કદી આથમતો નહોતો તે પંચમ જ્યોર્જને કેવી ચાટી ગઇ હશે એવા રાષ્ટ્રગર્વમાં અમે ત્યારે રાચતા. પણ મોટા થયા ત્યારે કંઇક જુદું જ સમજાયું. બરાબર 102 વરસ પર, સપ્ટેમ્બર 1921ના બીજા પખવાડિયામાં ગાંધીજી આ પોશાક પર ઠર્યા હતા, સમજ અને સંકલ્પપૂર્વક. એમાં લોક સાથેનું અનુસંધાન હતું. રાજાને બતાવી દેવાની નહીં પણ આમ આદમી જોડે જોડાવાની તાલાવેલી એમાં હતી. આ સમજાયું ત્યારે રાષ્ટ્રાભિમાનનો પેલો બાળચિત્તનો ભાવોદ્રેક સીધો બધી અમૂર્ત ખયાલાતોથી હટીને રાષ્ટ્ર એટલે લોકસમસ્ત એવી નીતરી સમજમાં ઠર્યો હતો.
મદ્રાસ(ચેન્નઇ)થી મદુરા જતાં ટ્રેઇનમાં સાથી પ્રવાસીઓ જોડે થયેલી વાતચીત ગાંધીજીએ સંભારી છે. ગાંધીજીએ એમને ખાદી પહેરવા વિશે કહ્યું તો સહપ્રવાસીઓ કહેવા લાગ્યા કે ખમીસ, કોટ, માથે ફેંટો/પાઘડી/બનાતવાળી ટોપી અને વળી ધોતી કે લૂંગી, એમ પૂરો પોષાક ચાલુ કરતાં ખાદીમાં ઓર મોંઘો પડે છે. ગાંધીજીને થયું કે હિંદનો સામાન્ય માણસ આવો ને આટલો ‘પૂરો પોષાક’ ભાગ્યે જ પહેરતો હોય છે. એ તો આશરે ચાર ઇંચ લાંબી અને લગભગ એટલા જ ફૂટ પહોળી લંગોટી (કચ્છ) થકી ચલાવી લેતો હોય છે. વળી માથે હું પહેલાં પાઘડી પહેરતો, હવે ટોપીથી ચલાવી લઉં છું. પણ ગુલામી જેવા શોકનાં વરસોમાં તો ઉઘાડે માથે જ રહેવાનું હોય ને. આ વિચાર પાકી ગયો ને તરતના કલાકોમાં તિરુપ્પતુરની સભામાં ગાંધીજી એમની નવી પોષાકસજાવટમાં હાજર થયા, અને પહેરવેશમાં કરેલા ફેરફારની સમજ આવતાં કહ્યું કે હિંદુસ્તાનમાં ગરીબ અને તવંગરને પૂરતા પ્રમાણમાં એકસરખી રીતે કાપડ ન મળી શકે ત્યાં સુધી હું કાપડનો એક નાનો ટુકડો જ પહેરીશ. (સપ્ટેમ્બર, 22, 1921)
તિરુપ્પતુર-લંડનના દસકાની હમણા મેં વાત કરી, પણ એમના પોષાક-પલટાનો પ્રારંભિક પરચો તો દેશજનતાને છેક 1915માં જ મળી ગયો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા છોડી કાયમ માટે વતન પાછા ફર્યા ત્યારે એમના અંગ પર બેરિસ્ટરશાઇ કોઇ વિલાયતી પોષાક નહોતો, પણ એમણે ત્યારના કાઠિયાવાડનો પ્રચલિત પોષાક પહેર્યો હતો.
1915ના અરસામાં જે ગુજરાતી તરુણો મુંબઇમાં આગળ પડતા ને સક્રિય હતા તે માંહેલી બે વ્યક્તિઓએ એમના આ વેશપ્રવેશની નોંધ પોતાપોતાની વિલક્ષણ પદ્ધતિએ લીધી છે. એક તો ક.મા. મુનશીએ, અને બીજા ઇન્દુલાલ યાજ્ઞિકે, પોતપોતાની આત્મકથામાં. તમે કનૈયાલાલ મુનશીની નાટ્યાત્મક રજૂઆત વાંચશો તો ખયાલ આવશે કે મુંબઇના સંભ્રાન્ત પારસી શ્રેષ્ઠી પરિવારે યોજેલ પાર્ટીમાં, સ્વાગતમિલનમાં, હકડેઠઠ સૌ જેની વાટ જોતા હતા તેને, દક્ષિણ આફ્રિકાના વિજયી વીરને, પહેલી નજરે ઓળખી શક્યા નહોતા. કારણ, એ કોઇ બેરિસ્ટર સહજ સુટેડબુટેડ ટાઇબંધા લેબાસમાં નહોતો, પણ કાઠિયાવાડી અંગરખાભેર હતો. મુનશીએ નોંધ્યું છે કે એમની પડોશમાં ઊભેલાં એક પારસી સન્નારી કેમે કરી હસવું ખાળી ધીમેથી બોલ્યાં હતાં કે આ તો ‘ઢનો ડરજી’ લાગે છે!
ઇન્દુલાલ યાજ્ઞિકને વળી આ લેબાસ ઉપરાંત સિંગચણાખજૂર જેવાં ખાનપાન અને ખાસ તો મોળા વક્તવ્યનોયે આંચકો લાગ્યો હતો. દોડતા નીકળ્યા અને રસ્તે મળે તેને નિરાશા વ્યક્ત કરતા ચાલ્યા. પણ મુકામે જઇ જરા ઠંડા પડતાં એમને ખયાલ આવ્યો કે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ કહ્યા છે તે ગોખલેએ હાલ એમને કોઇ રાજકીય ભાષણ કરવા બાબત સંયમ સેવવાની, દેશમાં ચારેકોર ફરી સૌને મળ્યા-સાંભળ્યા ને બધું જોયાજાણ્યા પછી વરસને અંતે મૌનભંગ કરવાની સલાહ આપી છે. એ તો ખરું, પણ એ ઉપરાંત એમને શું સમજાયું? આ પ્રકારના મેળાવડાઓમાં વપરાતી અંગ્રેજી ભાષાને બદલે સૌ ગુજરાતીઓ વચ્ચે ગુજરાતીમાં જ વાત કરવાનો આગ્રહ, સાદો કાઠિયાવાડી પોશાક, આહારવિહારની સાદગી … આ બધાંમાં ઇન્દુલાલને કંઇક જુદી જ ક્રાન્તિનો અણસાર વરતાયો.
આ ગાંધી, લંડન ભણવા ગયા 1888માં ત્યારે બરાબર સુટેડબુટેડ ને વળી ડાન્સિંગ સ્ટેપ્સ શીખવાથી માંડી વાળ વિશિષ્ટ રીતે ઓળવા સહિતનાં એમનાં વલણો હતાં. દેશમાં પાછા ફરી દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે ગોરાઓ સામે ટકી શકે એ બરની પોષાક પસંદગીનો એમનો આગ્રહ હતો. પણ જેવા લોકો વચ્ચે કામ કરવા લાગ્યા, દક્ષિણ આફ્રિકામાં એમનાં પાછલાં વરસોમાં તમે પેન્ટને બદલે ધોતી બલકે લુંગી જોશો; કેમ કે હિંદી ગિરમિટિયાનો મોટો હિસ્સો તમિલ ભાઇબહેનોનો હતો … કાશ, રાષ્ટ્રભાવનાનું આ લોકાયન સમજી શકીએ!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023