થોડું, ગાંધીજયંતીના પૂર્વસપ્તાહે
હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી.
ગયે અઠવાડિયે 1974-1977ના આંદોલનકાળના જયપ્રકાશ નારાયણના તરુણ આત્મીય કુમાર પ્રશાંતની પરિકલ્પના પ્રમાણની ગાંધી વાટિકા(મ્યુઝિયમ)નું જયપુરમાં ઉદ્ઘાટન થયું ત્યારે કંઈક વ્યક્ત, કંઈક અવ્યક્ત, કંઈક પરિભાષિત, કંઈક અપરિભાષિત એમ લાગણી જોવા મળી હતી. બુઝુર્ગ ગાંધીજન રામચંદ્ર રાહીએ એને વાચા આપતા હોય તેમ કહ્યું હતું કે, દેશમાં ઠેકઠેકાણે ગાંધી સંસ્થાઓનો કબજો લેવાની સરકારી ચેષ્ટા સામે આ વાટિકા ભલે રાજ્ય સરકારના સમર્થનથી પણ એક વિરલ વળતો યોગ રચે છે. વિધ્વંસના વિકલ્પે નિર્માણનું આ એક નવ્ય કથાનક ઉભરી રહ્યું છે.
વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.
ચાલુ ચૂંટણીઓમાં, મધ્ય પ્રદેશ વિધાનસભામાં બ્યુગલ બજવા લાગ્યું છે કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં તરતના મહિનાઓમાં જે જંગ જામવાનો છે એમાં ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા સૂત્રોથી અગર તો ‘સનાતન ધર્મ ખતરામાં છે’ પ્રકારના નારાથી ઊભા કરાઈ રહેલા માયાવી કથાનક સામે કશીક સભાનતાની જરૂરત નિઃશંક છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ. કાર્યકરોની જંગી ચૂંટણી તૈયારી રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ પોતાના પક્ષની પ્રદેશ સરકારની વાસ્તવિક કામગીરીનો હિસાબ આપવાને બદલે કથિત રાષ્ટ્રીય અને તે પણ ભળતાસળતા મુદ્દાઓ ઉછાળવાનો રાહ લીધો છે. પ્રદેશના વિકાસ વાસ્તેનો વિગત વિશદ ‘ઇન્ડિયા’ના પ્રાસમાં ‘ઘમંડિયા’ની શબ્દલીલાથી માંડી ‘અર્બન નક્સલ’ જેવા જાથુકી વાનાં ઉપરાંત વિપક્ષ ‘સનાતન ધર્મવિરોધી’ હોવાનો મુદ્દોયે ઉછાળ્યો છે. સનાતનીઓ વિ. બીજાઓ એ આપણો 19મી સદીનો દ્વંદ્વ વારસો છે. આ બીજાઓમાં સેક્યુલર લિબરલો હશે તેમ પરમ ધાર્મિક ગાંધી પણ હતા. ગાંધીની ધર્મની સમજ (વિવેકાનંદની અને ઉત્તર શ્રીઅરવિંદની પણ) સાંકડી સાંપ્રદાયિક ને ખાસ તો રૂઢિચુસ્ત નહોતી. હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી.
પહેલાં શિરોમણિ અકાલી દળ જેવા એન.ડી.એ.ના આદ્ય સ્થાપક સભ્યે છેડો ફાડ્યો, પછી મહારાષ્ટ્રમાં શિવ સેના ખસી અને હવે તામિલનાડુમાં એ.આઈ.એ.ડી.એમ.કે. ખસ્યાના સમાચાર આવે છે. આ સંજોગોમાં પોતાની તરફે મતોની ગોલબંદ કરવા શું કરવું એની લાયમાં ભા.જ.પે. હમણાં સનાતન ધર્મનો મુદ્દો પકડવા ચાલ્યું છે. 19મી સદીના છેલ્લા ચરણ અને 20મી સદીના બેસતા ચરણનો ખયાલ કરીએ તો, મૂળે તો, દયાનંદ અને આર્ય સમાજની સુધાર હિલચાલની સામે (જેમાં અંત્યજશુદ્ધિનો પણ સમાવેશ થતો હતો, એની સામે) ‘સનાતન’, ‘સનાતન’નો પોકાર ઊઠ્યો હતો. ભા.જ.પ. હિંદુત્વરાજનીતિવશ ચાલુ કે નવા કથાનકની વાયમાં શેને માંજો પાઈ રહ્યો છે તે એને સમજાય છે ?
આરંભ ગાંધીથી કર્યો હતો. કદાચ, વાતનો બંધ પણ ત્યાંથી જ વાળીએ તો ગાંધી જયંતીના પૂર્વસપ્તાહે ઠીક રહેશે. ગાંધીના બે આજીવન જેવા ટીકાકારો, આંબેડકર અને પેરિયારે ગાંધીની ચિરવિદાય પછીના ગાળામાં એમને વિશે પુનર્વિચાર અને આદરભેર જે કહ્યું છે એ જોતાં જે સમજાય છે તે એ કે આ પરમ આસ્તિક, પરમ ધાર્મિક પ્રતિભા ધર્મના હાર્દને પામવાને ધોરણે વિકસિત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી. એક તબક્કે આંબેડકરે દલિત ઉત્કર્ષ માટે નિધિ ઊભો કરી એની સાથે ગાંધીનું નામ જોડવા કહ્યું હતું કેમ કે એને સારું દલિતો ‘ડિયરેસ્ટ’ અને ‘નિયરેસ્ટ’ હતા. પેરિયારે વળી હિંદને ‘ગાંધીદેશમ્’ કહેવા સૂચવ્યું હતું. હાલ તો ધર્મને નામે ધ્રુવીકરણનો ઉધમાત છોડીએ એ ય ઘણું.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023