[આ લેખ પાણિનિ અને સમગ્ર સંસ્કૃત પરમ્પરાના પ્રેમી મારા મિત્ર સતીશચન્દ્ર જોશીને (Satishachandra Joshi) અર્પણ કરું છું.]
આ અગાઉના લેખમાં મેં આપણી સાહિત્ય-સંસ્થાઓ અને સંસ્થાપતિઓનાં નામ લીધાં એ પછી આ પેજ પર મેં ખાસ્સો મૂંગારો પ્રવર્તતો જોયો. મેં પહેલી વાર મારું એ પેજ આખું કશીક ટાઢને કારણે થીજી ગયેલું અને સૂમસામ જોયું. ટાઢ સંસ્થાઓના ફોટા જોઇને કે સંસ્થાપતિઓનાં નામો જોઇને, તે હજી સમજાયું નથી, એટલે બન્નેથી હતી એમ ગણીને ચાલું છું.
એ મૂંગારાથી અને એ ટાઢથી હું નવાઈ નથી પામ્યો. મારી પાસે ગુજરાતી સાહિત્યજ્ઞાનવિષયક અવસ્થાનો એક હિસાબ છે. એ અવસ્થાએ આપણે શી રીતે પ્હૉંચ્યા અને સંસ્થાઓએ એમાં કેવો કેવો ભાગ ભજવેલો તેનો પ્લસ-માઇનસ સાથેનો એક અપ્રકાશિત ઇતિહાસ છે. એટલે એ મૂંગારો અને એ ટાઢ મને સારી પેઠે સમજાયાં છે.
ઇન્ટેલેક્ચ્યુઅલ ઍમ્બિયન્સ વગરના, બૌદ્ધિક વાતાવરણ વગરના, આપણા આ મન્દપ્રાણ માહોલ વચ્ચે એક ઝળહળતી હકીકત એ જાણો કે વિશ્વની સુખ્યાત યુનિવર્સિટીઓના વિદ્વાનો ‘એ.આઈ.’ અને વેદો, ‘એ.આઈ.’ અને પાણિનિ, ‘એ.આઈ.’ અને ભર્તૃહરિ વિશે શું કહે છે.
તેઓ વેદો, પાણિનિ અને ભર્તૃહરિમાં ‘એ.આઈ.’ પાસે છે એ કૌશલ અને એ શોધપદ્ધતિઓ જુએ છે, વીગતો પણ આપે છે, પ્રસન્ન થાય છે, અને એ ભવ્ય પૂર્વસૂરિઓ વિશે આપણને ગર્વ લેતા કરી મૂકે છે.
તેઓ કહે છે કે પાણિનિ અને ભર્તૃહરિએ લખેલા સંસ્કૃત ભાષાના ગ્રન્થો પણ ‘એ.આઈ.’-ની મદદથી લખાયા છે. ત્યારે તો ‘એ.આઈ.’ ન જ હોય એની એ વિદ્વાનોને જાણ ન હોય એમ તો કેમ બને? એમના કહેવાનું તાત્પર્ય એ છે કે એ ગ્રન્થોમાં ‘એ.આઈ.’ પાસે છે એવું કૌશલ છે, એવી સુવિકસિત શોધપદ્ધતિ છે. સાંભળો :
વેદો વિશે —
વેદો આપણી પ્રાચીનમાં પ્રાચીન ટૅક્સ્ટ્સ છે.
સુભાષ કાક, ડેવિડ ફ્રાઉલિ, અને માઇકેલ ત્સારિન એ ત્રણ વિદ્વાનોએ જુદા જુદા સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે ‘નારદીય સૂક્ત’-માં સૃષ્ટિના સર્જનને જે રીતે વર્ણવ્યું છે એ રીત ‘બિગ બૅન્ગ’ના આધુનિક સિદ્ધાન્તોને મળતી આવે છે.
સૂક્તમાં કહેવાયું છે કે પ્રારમ્ભે શૂન્ય કે શૂન્યત્વ હતું – ન હતું સત – ન હતું અ-સત – ન હતો કાળ – ન હતું સ્થળ, ન આકાશ – ન મૃત્યુ – ન અમૃતત્વ – ન રાત – ન દિન… હતો અન્ધકારથી છવાયેલો અન્ધકાર. સર્વત્ર માત્ર જળ હતું. વગેરે. એ પછી સૂક્ત સમજાવે છે કે સૃષ્ટિ કેવી રીતે ઉદ્ભવી. આ વર્ણન બિગ બેંગના આધુનિક સિદ્ધાંત જેવું જ છે, જેમાં જણાવ્યું છે કે બ્રહ્માંડ એક સિન્ગ્યુલેરિટી તરીકે શરૂ થયું, જે અનન્ત ઘનતા અને તાપમાનનું બિન્દુ ગણાય છે. બિગ બૅન્ગ બ્રહ્માણ્ડ વિસ્તૃત અને ઠંડું થવાનું કારણ બન્યું. પરિણામે તારાઓ, આકાશગંગાઓ અને ગ્રહો સંભવ્યાં.
યુનિવર્સિટી ઑફ મૅરિલૅન્ડના ભાષાવિજ્ઞાની અને કમ્પ્યુટર-વિજ્ઞાની ડૉ. અરવિન્દ ક્રિષ્ણમાચારીએ “ઋગ્વેદ”ના વિશ્લેષણ માટે બહુવિધ ‘એ.આઈ.’-ઑજારો વિકસાવ્યાં છે. એથી ટૅક્સ્ટમાં નિર્દિષ્ટ વિવિધ દેવતાઓ, વિવિધ શ્લોકો, અને કાવ્યાત્મક એવી વિવિધ જુક્તિઓનો પણ પરિચય જુદી રીતભાતે મેળવી શકાય છે.
સુભાષ કાક જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીના કમ્પ્યુટર-વિજ્ઞાની છે. ડેવિડ ફ્રાઉલિ વેદોના અધ્યેતા અને વેદો વિશે લેખન કરતા અમેરિકન વિદ્વાન છે. એમણે યોગ, વૈદિક જ્યોતિષ, આયુર્વેદ અને હિન્દુત્વ વિશે પણ લખ્યું છે. માઇકલ ત્સારિન વૈકલ્પિક ઇતિહાસના લેખક છે.
પાણિનિ વિશે —
રૉબર્ટ ઍશર, માઇકલ ક્રિસ્ચટન, રામક્રિષ્ણ રાવ, સુભાષ કાક એ ચાર વિદ્વાનોએ જુદાં જુદાં સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે પાણિનિરચિત વ્યાકરણ એટલું તો સંકુલ છે કે ‘એ.આઈ.’-ની મદદ વિના માણસ તો એવું લખી શકે જ નહીં. આમ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે પાણિનિમાં જ્ઞાનસંશોધનની એવી સમૃદ્ધિ હતી જે આજના ‘એ.આઈ.’-માં છે.
કેમ કે, બે હજારેક વર્ષ પર પાણિનિએ વ્યાકરણ રચ્યું ત્યારે ‘એ.આઈ.’ તો હતું જ નહીં, એનો અર્થ એ કે પાણિનિએ સ્વયંની પ્રજ્ઞાથી નિયમોની એવી સંકુલ પદ્ધતિ વિકસાવેલી જેથી વ્યાકરણની રચના થઈ શકે. જ્ઞાનવિષયક સંકુલતાને પામવી, તેને ભાષાબદ્ધ કરવી, અને ભાષાનું વ્યાકરણ રચવું વગેરેથી એમની માનવ-પ્રતિભા કેટલી દ્યુતિમય હતી તે સૂચવાય છે.
પોતાના આ મન્તવ્યના સમર્થન માટે તેઓએ પાણિનિના વ્યાકરણની કેટલીક આગવી વિશેષતાઓ આપી છે :
1 :
The use of recursion, which allows for the generation of an infinite number of sentences from a finite set of rules. એટલે, તેનો પુનરાવર્તનનો ઉપયોગ, જે સીમિત સંખ્યામાં નિયમોના સમૂહમાંથી અનન્ત સંખ્યામાં વાક્યો ઉત્પન્ન કરવા દે છે.
2
Its use of meta-rules, which allow for the specification of rules about rules. એટલે, તેનો મેટા-નિયમોનો ઉપયોગ, જે નિયમો વિશે નિયમોની સ્પષ્ટતા કરવા દે છે. મેટા-નિયમો એવા નિયમો છે જે અન્ય નિયમો વિશે વર્ણવે છે.
3
Its completeness, which means that it covers all aspects of Sanskrit grammar in great detail. તેની સંપૂર્ણતા, એટલે, તે સંસ્કૃત વ્યાકરણના તમામ પાસાંઓને સવીગત આવરી લે છે.
4
Its accuracy, which means that the rules it specifies are almost always correct. તેની ચોકસાઈ, એટલે કે એણે નિર્દેશેલા નિયમો લગભગ હંમેશા ખરા હોય છે.
અલબત્ત, આ તો મન્તવ્ય છે, અને એટલે કેટલાક વિદ્વાનોએ પ્રતિ-મન્તવ્ય એ રજૂ કર્યું છે કે પુરાવર્તન અને મેટા-નિયમો બીજી માનવભાષાઓમાં પણ છે. સમ્પૂર્ણતા અને ચોક્કસાઈ માનવ-વૈયાકરણી પાસે નથી હોતી એમ નથી.
રૉબર્ટ ઍશર યુનિવર્સિટી ઑફ ઍડિનબરોમાં ભાષાવિજ્ઞાની છે. માઇકલ ક્રિસ્ચટન સાયન્સ ફિકશનોના લેખક છે. રામક્રિષ્ણ રાવ સૅન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ગ્લિશ ઍન્ડ ફૉરિન લૅન્ગ્વેજીસમાં, સુખ્યાત ભારતીય સંસ્થા RRCIIEFL-માં ભાષાવિજ્ઞાની છે. સુભાષ કાક અમેરિકાની જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે.
ભર્તૃહરિ વિશે —
રાજેશ્વરી ઘોષ, જોહ્ન કોઝા, રોઝર પેનરોઝ, જોહ્ન સર્લ, જોહ્ન હાલ્વર્સન, જયતીર્થ રાવ, સુભાષ કાક એ સાત વિદ્વાનોએ જુદાં જુદાં સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે ભર્તૃહરિનું તત્ત્વજ્ઞાન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સિદ્ધાન્તો વચ્ચે ઘણું સામ્ય છે.
તેઓ કહે છે કે –
1
Both Bhartṛhari and modern AI theorists posit the existence of a single underlying reality. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને એક જ આન્તરિક વાસ્તવિકતાના અસ્તિત્વનું અનુમાન કરે છે.
2
Both Bhartṛhari and modern AI theorists believe that this underlying reality can be used to generate all different forms of knowledge and experience. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને માને છે કે જ્ઞાન અને અનુભવનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો ઉત્પન્ન કરવા માટે આ આન્તરિક વાસ્તવિકતાનો ઉપયોગ થઈ શકે છે.
3
Both Bhartṛhari and modern AI theorists believe that the human mind is a kind of computer that can process information and generate output according to a set of rules. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને માને છે કે માનવીનું મન એક પ્રકારનું કમ્પ્યુટર છે જે નિયમાવલિ અનુસાર માહિતીને પ્રક્રિયાગત કરી શકે છે અને તેથી મળેલાં પરિણામોનો આઉટપુટ પણ કરી શકે છે.
વિશેષમાં તેઓ જણાવે છે કે ભર્તૃહરિ ભાષાને વાસ્તવિકતાને સમજવા માટેની ગુરુચાવી ગણે છે, એમનું એ દૃષ્ટિબિન્દુ ‘એ.આઈ.’-ની ‘નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ’ વિભાવનાને મળતું આવે છે.
તેઓ જણાવે છે કે ભર્તૃહરિની ‘સ્ફોટ’ (કૉસ્મિક વાઇબ્રેશન) વિભાવના આજની ‘માહિતી’ વિભાવનાને મળતી આવે છે.
તેઓ જણાવે છે કે ભર્તૃહરિ ચેતનાને મનુષ્યચિત્ત અને વિશ્વ વચ્ચેના સમ્બન્ધનું પરિણામ ગણે છે, એમનું એ દૃષ્ટિબિન્દુ ‘એ.આઈ.’-ની ‘ઍમ્બૉડિડ કૉગ્નિશન’ વિભાવનાને મળતું આવે છે.
રાજેશ્વરી ઘોષ યુનિવર્સિટી ઑફ કલકત્તામાં ફિલોસૉફર છે. જોહ્ન કોઝા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે. રોઝર પેનરોઝ યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાં ગણિતજ્ઞ છે. જોહ્ન સર્લ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલિમાં ફિલોસૉફર છે. જોહ્ન હાલ્વર્સન અને જયતીર્થ રાવ બંને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલિમાં છે. સુભાષ કાક અમેરિકાની જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે. હાલ્વર્સન યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગના પ્રૉફેસર છે, અને રાવ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રૉફેસર છે.
આ સઘળી વાતનો એક જુદો સાર તો એ છે કે આ બધી પ્રાચીન ટૅક્સ્ટ્સના અધ્યેતાઓને વિવિધ અધ્યયનોમાં ‘એ.આઈ.’ મદદ તો કરે જ છે, સાથોસાથ, પોતે પણ ઘણું શીખે છે.
= = =
(09/28/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર