વહેલી સવારે ઍલાર્મ કલોક ટહુકો કરીને જગાડે તે પહેલાં જ સુમનની આંખ ખૂલી ગઈ. સુવર્ણાના રતુમડા હોઠો પર એક મીઠું મઘમઘતું ચુંબન ચોડી, વેલન્ટાઈન ડેની સરપ્રાઈઝ આપવાની સુમનને ઈચ્છા થઈ. આ વિચાર સાથે તેણે પડખું ફેરવ્યું.
… તો સુવર્ણા બેડમાં ન હતી. સુમને મનોમન માની લીઘું કે સુવર્ણા આજના શુભ દિને કંઈક સરપ્રાઈઝ આપવાની ઈચ્છાએ મારા કરતાં વહેલી ઊઠી, રસોડામાં મારા માટે નાસ્તો તૈયાર કરવા માટે કદાચ ગઈ હોય એમ લાગે છે.
સુમને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બેડમાંથી ઊભા થઈ રોજિંદા કાર્યક્રમ ફટાફટ પતાવી દીઘો. લગભગ બે અઠવાડિયાથી શિકાગો કામ અર્થે ગયો હતો. એટલે પૂજા-પાઠ પણ થયાં ન હતાં.
તેને આજ વહેલી સવારે શ્રીનાથજી પણ યાદ આવ્યા. રસોડામાં જતાં પહેલાં, બે પાંચ મિનિટ માટે તે પૂજાખંડમાં ગયો. દીવો અગરબતી કરી મનોમન ‘શ્રીકૃષ્ણ શરણ મમ્’નો જાપ કરતો; હાથમાં ટાઈ લઈ રોજની માફક નીચે રસોડામાં આવ્યો.
…. સુવર્ણા રસોડામાં કયાં ય નજરે ન ચડી. તેણે આસપાસ નજર ફેરવી, પણ સુવર્ણાનાં કયાં ય દર્શન ન થતાં તેણે રસોડા અને ગૅરેજ વચ્ચેનું બારણું ખોલીને બહાર ડોકિયું કરી જોયું, તો તેને સુવર્ણાની કાર પણ ગૅરેજમાં નજરે ન જોવા મળી. સુવર્ણા આટલી વહેલી સવારમાં કયાં ગઈ હશે?
શું ઘરમાં દૂઘ ખલાસ થઈ ગયું હશે? એટલે નાકા પરના સેવન ઈલેવનમાં દૂઘ લેવા તો નહીં ગઈ હોય ને! આ વિચાર સાથે તેને ફ્રીજ ખોલીને જોવાની ઈચ્છા થઈ. મનમાં બીજા અશુભ વિચારોનાં વર્તુળો ઘેરાઈ વળે તે પહેલાં તેણે એકાદ બે ડગલાં ફ્રીજ તરફ માંડ્યાં ન માંડ્યા ત્યા તો તેની નજર ડાઈનિંગ ટેબલ પર પડેલા એક નાનકડા એન્વેલપ પર પડી.
એન્વેલપ હાથમાં લઈ, ખોલી, તેમાંથી કાગળ કાઢી વાંચવા માંડ્યું,
“સુમન!
“પ્રિય”ના સંબોઘન વગરના આ પ્રથમ પત્રને જોઈને તું આઘાત ન અનુભવીશ! શું લગ્નના સાત ફેરા જ જિંદગી હોય છે? અને જો એ હોય તો હવે મને આ થૂંકે લગાડેલા લગ્ન મંજૂર નથી!
કદાચ તું મનમાં એમ વિચારતો હોય કે લગ્ન જીવને મને શું નથી આપ્યું? છ બેડરૂમનું સાડા સાત હજાર સ્ક્વેર ફીટનું ઉજળા વર્ગ વચ્ચે એક વિશાળ ઘર, છેલ્લામાં છેલ્લી મૉડેલની સુંદર મજાની લેકસસ કાર. છૂટથી ગમે ત્યાં કોઈ ચિંતા કર્યા વગર ખર્ચ કરી શકું તેવા અમેરિકન એકસપ્રેસના બે ક્રેડિટ કાર્ડઝ. મારી એકલતાને સદા હરીભરી રાખી શકું એવો ગોદમાં રમતો, હસતો સાડા ત્રણ વર્ષનો મયંક!
કદાચ ઘર, કાર અને ક્રેડિટ કાર્ડઝ તારી દૃષ્ટિએ સુખચેન હશે, પરંતુ મને આમાંથી કંઈ પણ ન મળ્યું હોત તો પણ હું આજે છું એના કરતાં વઘારે સુખી હોત. કદચ તને ખબર ન હોય તો કહી દઉં. ઘર, કાર, અને બીજી બઘી સગવડ કરતાં સ્ત્રીને જિંદગીમાં વઘારે જરૂર હોય છે પ્રેમની. જે તું મને પાંચ વર્ષના લગ્નજીવનમાં બે-ચાર ક્ષણ પણ આજ લગી આપી શક્યો નથી, અને મને ગળા લગી ખાતરી છે કે આવનારા સમયમાં પણ તું મને કયારે ય આપી નહી શકે, કારણ કે તારી પાસે મારા અને મયંક માટે સમય જ કયાં છે?
હા, તારી પાસે જે કંઈ સમય છે, તે ફકત તારા ધંધા માટે. ઑફિસ કામ બાદ તારી પાસે થોડો ઘણો સમય બચતો હશે તેને તું વાપરે છે તારી બિઝનેસ પાર્ટી અને ગોલ્ફ માટે!
તારા આ સમયના ચોકઠામાં તું મને અને મયંકને કયાં ય ગોઠવી શકે છે, ખરો? કદાચ તું મનથી સમજતો હોઈશ કે પૈસો જ મારા માટે જિંદગી છે તો એ તારી મોટી ભૂલ છે!
હું આજ એ જિંદગીને ઠોકર મારી તારાથી દૂર જઈ રહી છું. મારે તને જે બે શબ્દ જતાં પહેલાં મોઢામોઢ કહેવાના હતા, તે મેં તને આ પત્રમાં લખી નાખ્યા છે! સાંજે ઑફિસેથી ઘરે પાછા ફરતા મયંકને ડે કેર સેન્ટરમાંથી પિક અપ કરવાની બિલકુલ ચિંતા ન કરીશ! છેલ્લા બે અઠવાડિયાથી તું શિકાગો બિઝનેસ ટ્રિપમાં ગયો હતો, તે દિવસથી મયંકને મારો બૉયફ્રેન્ડ માર્ક દરરોજ સાંજે પિક અપ કરી લે છે. મયંકને તેની સાથે રમવું બહુ જ ગમે છે. તું નહીં માને, માર્કની રાહ જોતો મયંક ડે કેર સેન્ટરના દરવાજે બપોરનો આવીને ઊભો હોય છે.
સુમન, હવે વિશેષ ખાસ તને કહેવાનું રહેતું નથી. પત્ર અહીં પૂર્ણ કરું તે પહેલાં તને એક વાત કહી દઉં, આવનારા એકાદ બે અઠવાડિયામાં મારા વકીલ તરફથી તને ડિવોર્સ પેપર્સ મેઈલમાં મળશે. મને આશા છે કે તું તેના પર સહી કરીને જલદીથી મારા વકીલને મોકલી આપીશ, please,મોકલી આપીશ ને?
હું કયારે ય તારા જીવનમાં આવી ન હતી, એમ સમજીને તું સદા માટે ભૂલી જ્જે! નવું ઘર વસાવવા, નવી દુનિયામાં કદમ માંડવા થન ગનતી.
સુવર્ણા.”
સુમને કાગળ વાંચી કોટના ઉપલા ખિસ્સામાં મૂકી, હાથમાં ઝુલતી ટાઈને ગળે બાંઘવાની કોશિશ કરી. પરંતુ ટાઈની નૉટ કોઈ હિસાબે બંઘ બેસતી આવતી ન હતી. સુમનને મનોમન ગુસ્સો આવ્યો, પરંતુ કરે પણ શું? તેને બે ત્રણ વાર ટાઈ ફરી બાંઘી અને પાછી છોડી. આખરે કંટાળી જેવી નૉટ બેઠી તેવી એ ઠીક સમજીને ચલાવી લીઘી!
બહાર ઝરમર ઝરમર બરફ વરસતો હતો. ગૅરેજ ડોર ખુલતાં જ, પવનની લહેર સાથે બરફની વાછટ આવીને સુમનના ગમગીન ચહેરા પર છવાઈ ગઈ. સુમનના દુઃખી મનને આ ઠંડકે ક્ષણાર્ઘ માટે તાજગીથી ભરી દીઘું. કારને ઘીમેથી ગેરેજમાંથી બહાર કાઢતાં તેણે રીઅર વ્યુ મિરરમાં નજર કરી તો … તેની નજર સામેના ઘરે છ-સાત મહિના પહેલાં ફલોરિડાથી અહીં રહેવા આવેલ પડોશણ જ્યોર્જિયાના પર પડી … તે સુમનના ડ્રાઈવવે પર ઘીમા પગલાં ભરતી આવી રહી હતી.
રોજ સવારે જોગિંગ સૂટમાં નજરે ચડતી જ્યોર્જિયાના આજ ગુલાબી વેલવેટનું રંગબેરંગી ફૂલોવાળું આઉટ ફિટ પહેર્યું હતું. ખભા સુઘી હવામાં ઉડતા સોનેરી વાળમાં કોઈ સ્વપ્ન પ્રદેશની રાજકુંવરી સમી લાગતી જયોર્જિયાનાના હાથમાં ગુલાબની એક ખીલતી કળી નજરે પડતી હતી!
જયોર્જિયાનાને આટલી વહેલી સવારમાં પોતાના ડ્રાઈવવે આવી ચડેલ જોઈને સુમનને નવાઈ લાગી. કારની બારીમાંથી હસ્તઘૂનન માટે હાથ લંબાવતા સુમને કહ્યું, “હાય! I am Sam!”
સામેથી પણ એટલી જ ઉષ્માથી પડઘો પડ્યો, “I am Georgiana, Sam, Have a Happy Valentine Day!” આટલું કહી હાથમાં રમતી ગુલાબની કળી સુમન સામે ધરી દીઘી! ગુલાબનો સ્વીકાર કરતા સુમને જયોર્જિયાનાને વેલન્ટાઈન ડે ની શુભેચ્છા પાઠવતાં કહ્યું, “Happy Valentine Day to you!” અને પછી આગળ વાત ચલાવી. “જયોર્જિયાના સેન્ડિ is not at home! but how can I help you?”
સુમન અને સુવર્ણાએ ઑફિસમાં સાથે કામ કરતા અમેરિકન મિત્રોને તેમ જ આડોશીપાડોશીને બોલવામાં સરળતા પડે એટલે તેમણે અમેરિકાની ભૂમિમાં કદમ મૂકતાંની સાથે મોટાભાગના ભારતીયોની જેમ સુમનનું ‘સેમ” અને સુવર્ણાનું નામ “સેન્ડિ” કરી નાખ્યું હતું!
સેમ, ‘મારે સેન્ડિનું નહીં, પરંતુ ખરેખર તો તમારું જ કામ છે!”
“What a great surprise!” ખરેખર! જો તમને મારું જ કામ હોય તો બોલો, “How can I help you?”
“What are you doing tonight?”
“Nothing!”
” If you don’t mind, can you give me a company for dinner!”
જ્યોર્જિયાના તરફથી સાંજે ડેટ માટેનું આમંત્રણ મળતાં જ, સુમન એક ક્ષણમાં કેટલાએ વિચારોના વંટોળે ચડી ગયો. અરે! આ દેશની આ કેવી સંસ્કૃતિ છે? પોતે પરણેલ છે, ઘરમાં પતિ છે, અને મને સાંજે ડેટ પર આવવા કેવી શરમ સંકોચ વગર આમંત્રણ આપી રહી છે? અને પછી રીઅર વ્યૂ મિરરમાં નજર કરતો પોતાની જાતને જ મનોમન કોસવા લાગ્યો. હવે આપણે પણ આ દેશમાં કયાં શુદ્ધ ભારતીય રહ્યાં છીએ!
સુમનને વિચારોમાં અટવાયેલો જોઈને …. જયોર્જિયાના ફરીથી બોલી,”Sam, Don’t worry about your wife, Sandy!”
અરે આ છોકરી તો કમાલની છે!
સુમન હોઠ ખોલીને તેને કૈંક જવાબ આપે, તે પહેલાં જ તેણે કહ્યું,
“Sam, I would like to give you big surprise!”
સરપ્રાઈઝ!
મારે માટે અને એ પણ તારા તરફથી!
“સેમ, તારી પત્ની સેન્ડિ, મારા પતિ માર્ક સાથે છેલ્લા ચાર પાંચ મહિનાથી ડેટ પર જતી હતી.”
e.mail : preetam.lakhlani@gmail.com