સુપ્રતિષ્ઠ સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે પોતાના ગામ ‘રામપુર’ની વાત સમાજશાસ્ત્રીય કરતાં વધુ તો આર.કે. નારાયણની ઢબે માંડીને ક્યારેક નવી ભોં ભાંગી હતી એને લાયક ખાણદાણ આપણે ત્યાં પણ હોઈ શકે છે

પ્રકાશ ન. શાહ
લખવાનો ધક્કો તો પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીની સુરત-પાટી ત્રયીમાંથી પસાર થતાં લાગેલો છે. પણ એમાં પ્રવેશી શકું તે પહેલાં જળબંબોળ જૂનાગઢ વિશે સાંભળું છું અને મહાલક્ષ્મી શેરીના કોઈક ઢોળાવ પરની ‘ભટ્ટ ખડકી’ ખાબકી આવી સહસા ચિત્તનો કબજો લે છે. એમાં વાંક ને જવાબદારી અલબત્ત યોગેશ વૈદ્યના હૃદ્ય કવિક્રમની છે. એમણે આ ખાનદાન, દુનિયાદારી અર્થમાં સુખી નયે હોય એવા નિવાસઝુમખાને એકદમ જ આત્મીય બનાવી દીધેલ છે. શા હાલ હશે એના આ પૂર વચાળે, એવું જો કે વિચારવું જરૂરી નથી; કેમ કે બે’ક દાયકા પરના ભૂકંપ સાથે અહીં ‘ભયની મારી હજાર ભીંતો ભડકી’ અને પેઢાનપેઢી જ્યાં જીવ્યાં તે સૃષ્ટિ સંકેલાઈ ગઈ છે. ક્યારેક ‘ઓરસિયા પર શ્લોક પ્રસરતો દાદા ચંદન ઘસતા / ઘરના નાના ખૂણે કેટલા ઈશ્વર આવી વસતા’ એ સૃષ્ટિએ હવે ક્યાંક બીજે હોવાનું છે – અને કવિ પરિવાર અન્યત્ર સ્થાયી થઈ પોતાની રીતે જીવન માણતો પણ હશે સ્તો. (બાકી, ‘ભટ્ટ ખડકી’માં રહ્યા ત્યારે તો પિંજર જેવું ખુલ્લું રહી ગયું હોય પણ પંખી એમાંથી ઊડી જવા ન ઈચ્છે એમ રહેવું કોઠે પડી ગયું હતું.)
યોગેશ વૈદ્યના કાવ્યલોકમાં સરી જવાનો અથવા પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના વારાથી સુપ્રતિષ્ઠ ‘ડેઝર્ટેડ વિલેજ’ જે ઘસાતાં ગામડાંની યાદ લઈ આવે છે એમાં અટવાઈ જવાનો ખયાલ તો ક્યાંથી હોય? જીવન અંતે તો ગતિ અને સ્થિતિનું કાવ્ય છે અને ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી. ઈતિહાસમરમી ઈ.એચ. કાર વખતોવખત કહેતા કે મનુષ્યજાતિની નિયતિ એક નાવિક જેવી છે. છોડેલા કિનારાનાં ભવ્ય ખંડેરો કે ખખડી ગયેલા ખાનદાન ખોરડાં ભણી મોં ઠેરવી બેસવાનું બેમતલબ છે. વસ્તુત: આપણી નૌકા જે અખાતમાં પ્રવેશી છે તે તરફ જ નજર નોંધી બંદરશોધ ચલાવવાની છે. કહ્યું ને, ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી … તો, રાધાના નામ પેઠે કાળજે ધરી કે મોરપીંછ પેઠે મસ્તકે ધરી વ્રજ મેલી ક્યાંક પૂગવું રહે છે જ્યાં દ્વાર ખુલ્લાં હોય કે ખોલી શકીએ.
વિશ્વવાર્તાની જેમ લાંબી પ્રસ્તાવના કીધી પણ તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે સ્થળાંતરિતોના દસકા જેવા આયોજન કરવા લાગ્યા છીએ. ભારત એટલે ગામડાં એમ આપણે કહેતાં આવ્યાં એ કંઈ ખોટું નથી. પણ વીતેલા દસકાઓમાં શહેરીકરણનો સપાટો જોઈએ તો તરતનાં વરસોમાં અધઝાઝેરું ગુજરાત ગ્રામીણ નહીં પણ શહેરી હશે.

નાનુભાઈ વાનાણી
ચોપડે ચડ્યા વગરની વણનોંધી, કથિત પરપ્રાંતીય શ્રમશક્તિ, કુદરતી આપત્તિ પછી ખુદ ગુજરાતમાં કેટલી એમ જ અલોપ થઈ જતી હશે, ન જાને! ખાંડવવન દહન વિનાનું ઈન્દ્રપ્રસ્થ કલ્પવું એ ખરે જ એક મહાભારત કામ રહ્યું છે.
વધુ વહી જતો લાગું તે પહેલાં અટકું અને નાનુભાઈની ત્રયી નિમિત્તે બે’ક વાતો કરું. સુરતના વરાછા, કતારગામ, અમરોલી અને મોટા વરાછા વિસ્તાર છેલ્લાં સાઠ વરસમાં ‘મિની સૌરાષ્ટ્ર’ લેખે ઉભર્યાં છે. સૌરાષ્ટ્રના ચૂંટણીજંગમાં સુરતની સામેલગીરી ને સુરતમાં સૌરાષ્ટ્રની સામેલગીરી તે લક્ષમાં લઈએ તો ‘સુરતમાં સૌરાષ્ટ્રની ‘સૂરત’ તરત સમજાશે. સચોટ કહ્યું છે કે નાનુભાઈએ પ્રસ્તાવનામાં કે અહીં સાહસ ને સંઘર્ષ તે અમારો ‘વીર’ રસ છે; અમારા શરૂઆતના સમયે અને અભણ, ગંદા, ઘસીય, ગોવિંદા, રોકેટ કહેવાઈ હાંસીપાત્ર બન્યા તે ‘હાસ્ય’ રસ છે; અમારી સખાવતો તે ‘વાત્સલ્ય’ રસ છે, ગેરકાયદે બાંધકામોનું ઘોર જંગલ તે ‘બીભત્સ’ રસ છે; અકલ્પનીય આર્થિક વિકાસ તે ‘અદ્દભુત’ રસ છે; શરૂઆતના દિવસોમાં અમારા પરિણીત યુવાનોએ અહીં અને એમની પત્નીઓએ વતનમાં રહી જે વિયોગ સહન કર્યો તે વિરહનો ‘શૃંગાર’ રસ છે; વિચલિત થયા વગર વધતા રહેવું તે અમારો ‘શાંત’ રસ છે, અને પૈસાની ભક્તિ તે અમારો ‘ભક્તિ’ રસ છે.
પુરુષાર્થ, પરમાર્થ અને સ્વાર્થની આ મહાભારત કથા છે. બીજી પાસ, નાનુભાઈએ ‘વાંચે તે જાણે’ એવી ટૅગ-ટિપ્પણ સાથે સુરતની આર્થિક ક્રાંતિનું ‘રહસ્ય’ ખોલવાનીયે કોશિશ કરી છે. અને આ બધું કરતી વખતે ને કરતે છતે સૌરાષ્ટ્રના પોતાના મૂળ વતનગામ ‘પાટી’નુંયે ચિત્ર ગામની ખુદની આત્મકથની રૂપે આપ્યું છે. વતનભૂમિ અને કર્મભૂમિ બેઉને પૂરા હૃદયથી વરેલી શખ્સિયતની કલમે સાંપડેલી સામગ્રી વિશે વધુ નહીં કહેતાં આટલે જ અટકીશું.
એક રાજકીય કાર્યકર તરીકે નાનુભાઈએ પક્ષીય માળખા બહાર ઊઠીને કરેલી આ ચિત્રણા નિશ્ચયે સરાહનીય છે. એમાં વતનભૂમિ ને કર્મભૂમિ વચ્ચે સમજપૂર્વકનો સહૃદય લગાવ છે, તો નવી જગ્યાએ બનતા દાયિત્વની ખબર પણ છે. પોતે જ પક્ષ સાથે છે એને અંગે પણ એમનો દાયિત્વબોધ કેવોક હશે તે વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે વિજય છતાં મતોની ઘટેલી ટકાવારી વિશેની એમની ચિંતામાં વરતાય છે. કાર્યકર આધારિત અને વિચારધારા આધારિત પાર્ટીમાંથી આપણે મોદી આધારિત પાર્ટીમાં તો નથી ફેરવાઈ ગયા ને. સત્યમેવ જયતેને બદલે જો જીતા વહી સિકંદર, એવું તો નથી ને, આ પ્રકારના પ્રશ્નો એમણે એક જાહેર મુલાકાતમાં ઉઠાવ્યા હતા તેનું આ ક્ષણે સ્મરણ થાય છે.
ભારતમાં સમાજશાસ્ત્રની નવી ભોં ભાંગનાર તરીકે એમ.એન. શ્રીનિવાસ અને એમણે માંડેલી પોતાના ગામની દાસ્તાં ‘રામપુર’ આદરભેર સંભારાય છે. ‘રામપુર’ની લેખનધારી શાસ્ત્રીય નહીં એટલી આર.કે. નારાયણની કલમે ચાલી આવતી વાર્તાની તરેહની છે. નાનુભાઈની આ સામગ્રી સુરતથી સુપરિચિત સમાજશાસ્ત્રીઓની આપણી શૃંખલા પૈકી ઘનશ્યામ શાહ, વિદ્યુત જોશી, ગૌરાંગ જાની કોઈક તપાસી એને પલટાતા સમાજના પાઠ્યપુસ્તક તરીકે કેમ ન જોગવી આપે વારુ? નાગરિકતાના શિક્ષણની એ અચ્છી હાથપોથી પણ બની રહેશે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023