શાસક પક્ષની બહુમતી જોતાં નરેન્દ્ર મોદીની સરકાર સામેનો વિરોધ પક્ષોનો અવિશ્વાસના પ્રસ્તાવ સફળ થવાનો નહોતો, અને એ વાત એ તેઓ પણ જાણતા હતા. આમ છતાં ય અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એનું દેખીતું કારણ એ હતું કે એ નિમિત્તે વડા પ્રધાન મોઢું ખોલે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થવી જરૂરી છે. દરેક પક્ષના નેતાઓને તેમની સભ્યસંખ્યાના પ્રમાણમાં બોલવા માટેનો સમય ફાળવવો પડે છે. ગૃહમાં હોહા કરીને વિઘ્ન પેદા કરવામાં આવે તો પણ દરેક સભ્યને સાંભળવા તો પડે જ છે. દરેક પક્ષના નેતાઓ બોલી લે એ પછી વડા જવાબ આપે છે. વડા પ્રધાન માટે કોઈ સમયની મર્યાદા હોતી નથી. ટૂંકમાં સંસદમાં કામકાજ ચાલવા દેવામાં ન આવે, સ્પીકર પક્ષપાત કરે, ગૃહને સ્થગિત કરવામાં આવે કે પછી કેટલીક બાબતે શાસકો ન બોલે તો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેનો ખંગ વાળી શકાય છે. વિરોધ પક્ષો આ ઉદ્દેશથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.
સંસદનું અધિવેશન ઓછામાં ઓછો સમય મળે અને હોહા કરીને તેને ચાલવા ન દેવી એ ભારતીય સંસદીય ઇતિહાસની જૂની બીમારી છે, જે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી વકરી છે. આગલી લોકસભામાં બી.જે.પી.ના નેતા લાલકૃષ્ણ અડવાણી અકળાઇ ગયા હતા અને તેમણે તેમના જ પક્ષના શાસકોને સવાલ પૂછ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? કામકાજના દિવસો ઘટાડવામાં આવી રહ્યા છે અને જો ગૃહ મળે છે તો તેને ચાલવા દેવામાં આવતું નથી. લાલકૃષ્ણ અડવાણીને સંસદીય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. હવે નવી વાત એ જોવા મળી રહી છે કે વડા પ્રધાન અને તેમનાં મહત્ત્વનાં ખાતાં સંભાળનારા પ્રધાનો બને ત્યાં સુધી બોલતા જ નથી, કે સંસદીય કામકાજમાં ભાગ લેતા નથી. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જે સંસદમાં ઓછામાં ઓછો સમય હજાર રહે છે.
કેન્દ્ર અને રાજ્યોમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે અને એ બીમારી ૨૦૧૪ પછી વકરી છે. પણ અવિશ્વાસનો પ્રસ્તાવ એનો ઈલાજ નથી. પાંચ વરસની લોકસભાની મુદ્દતમાં બે દિવસ ચર્ચા કરો અને શાસક પક્ષને બોલવા માટે તેમ જ ચર્ચા કરવા માટે મજબૂર કરો એનાથી શું વળવાનું છે? શાસકો એવા હોવા જોઈએ જે પ્રશ્નોથી ભાગે નહીં. ટીકાને આવકારે. વિરોધ પક્ષોનું કામ છે પ્રશ્નો પૂછવાનું. અયોગ્ય લાગતું હોય તો ધ્યાન દોરવાનું, ટીકા કરવાનું. વિરોધ પક્ષમાં હતા ત્યારે જનસંઘ/બી.જે.પી.એ દાયકાઓ સુધી આ કામ કર્યું છે, પણ ભારતીય સંસદીય ઇતિહાસમાં ક્યારે ય કોઈ વડા પ્રધાનને ભાગતા જોયા નથી જે અત્યારે જોવા મળી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીએ તો એક વખત લોકસભામાં વિરોધ પક્ષોની ટીકાઓનું સ્વાગત કરતા કબીરને ટાંકીને કહ્યું હતું કે ‘નિંદક નીઅરે રાખીએ…’ નિંદક નિંદા કરીને તમને સચેત રાખે છે. પણ વર્તમાન વડા પ્રધાન પ્રશ્નોથી ભાગે છે.
મણિપુર, ચીન, બેરોજગારી, આર્થિક ગતિરોધ, બે-ત્રણ ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ફેવર, થોડાંક હાથોમાં સંપત્તિનું એકત્રીકરણ અને લોકતંત્રનું હનન ચર્ચના મુખ્ય મુદ્દા હતા. વિરોધ પક્ષોએ બને ત્યાં સુધી મુદાઓને વળગી રહીને ચર્ચા કરી હતી, પણ વડા પ્રધાને બે કલાકનાં લાંબા ભાષણમાં તેને બગલ દેવાનો પ્રયાસ કર્યો હતો. કાંઈ પણ કહ્યા વિના બે કલાક કેમ બોલી શકાય એની કળા વડા પ્રધાન જાણે છે. મહત્ત્વના પ્રશ્ને ગંભીરતાપૂર્વક ચર્ચા ન થાય, શાસકો કોઈ બાબતનો ખુલાસો ન કરે અથવા અસંબદ્ધ વાતો કરીને ભાષાને ભૂંસામાં ફેરવી નાખવાની પ્રચાલાકી ચિંતા ઉપજાવે એવી છે.
શાસક પક્ષનો ટાર્ગેટ રાહુલ ગાંધી હતા. શાસક પક્ષના સભ્યોએ જ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સાબિત કરી આપ્યું છે કે રાહુગ ગાંધી એક તાકાત છે અને તેમની તાકાતથી શાસક પક્ષના નેતાઓ ડરે છે. જો એમ ન હોય તો “પપ્પુ”થી ડરવાનું હોય! જેની ઠેકડી ઉડાડવામાં આવતી હોય એના વિષે આટલું બધું બોલવું પડે? અવિશ્વાસ પ્રસ્તાવે જો એક હકીકત સ્થાપિત કરી આપી હોય તો એ આ છે. રાહુલ ગાંધી એક તાકાત છે અને કાઁગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ છે. રાહુલ ગાંધી સહિયારા સેક્યુલર ભારત માટે પ્રતિબદ્ધ છે. રાહુલ ગાંધી બંધારણપ્રણિત ભારત(આઈડિયા ઓફ ઇન્ડિયા)ની સંકલ્પનાને વરેલા છે. ખુલીને બોલે છે. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી ભારત વિશેની એક સંકલ્પના(નેરેટિવ)ના પ્રવક્તા છે અને એ સંકલ્પના હિંદુ રાષ્ટ્રનો વિકલ્પ છે. બી.જે.પી.ના નેતાઓ એ સંકલ્પનાથી ભયભીત છે અને માટે રાહુલ ગાંધીની પાછળ આદુ ખાઈને પડ્યા છે. તેમની સૌથી મોટી પીડા એ છે કે રાહુલ ગાંધી દરેક રીતની ઠેકડી ઉડાડ્યા છતાં, કરોડો રૂપિયા એ માટે ખર્ચ્યા હોવા છતાં તૂટતા નથી. ભડવીરોને આટલો બધો સમય આપવો પડે એક મામૂલી માણસ માટે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023