આજે જન્માષ્ટમી ! કૃષ્ણનો જન્મ દિવસ ! મથુરાથી પ્રારંભ અને પ્રભાસમાં અંત ! જન્મ કારાવાસમાં. જન્મતાંની સાથે જ પિતા વસુદેવને ખભે ચડીને યમુના પાર ગોકુળ પહોંચ્યો, બાળકૃષ્ણ. ત્યાં ગોપાલનનો મહિમા કર્યો ને પાલક માતા પણ સગી માતાનું સ્થાન લઈ શકે છે તેવું જશોદાને નિમિત્તે સ્થાપ્યું. ગામનાં દૂધ-દહીં, ગામને ભોગે રાજ્યમાં ન જ ભરાય તે ગોપીઓની મટુકી ફોડી ગોકુળવાસીઓને સમજાવ્યું. દૂધ-દહીં રાજ્યમાં પહોંચતાં બંધ થયાં એટલે રાજ્ય ઉશ્કેરાય તે સહજ હતું. રાજા કંસ સગો મામો હતો. દેવકીનું આઠમું સંતાન પોતાનો ભોગ લેશે એવું લાગતાં દેવકીનાં સંતાનોનો મામાએ ભોગ લીધો ને આઠમું સંતાન નંદને ઘરે ઊછરી રહ્યું છે એવું જાણતાં મામાએ કૃષ્ણને મારવાના બધા પ્રયત્નો કરી જોયા, પણ કૃષ્ણનો વાળ પણ વાંકો ન થયો. અસુરોના વધ પછી, કૃષ્ણે કંસનો વધ કર્યો. માતાપિતાને કારાવાસમાંથી મુક્તિ અપાવી.
ગોકુળમાં જેટલો સમય કૃષ્ણ વસે છે, ઉત્સવોનો મહિમા થાય છે. તેના ઉત્સવોમાં ભવ્યતા નથી, દિવ્યતા છે. તે દ્વારિકાધીશ બને છે, સુવર્ણમુકુટ ધારણ કરે છે, પણ વનનું મોરપિચ્છ શિખર પર રહે છે. ઇન્દ્રનો ગર્વ ગાળવા તે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકે છે. કાલીયમર્દન કરીને નદીને સ્વચ્છ કરે છે. ગોપીનાં ચીર હરે છે ને રાધા સંગે રાસોત્સવ કરે છે. રાધા કાલ્પનિક છે, એમ તો કૃષ્ણને પણ કોઈ કાલ્પનિક કહી શકે. આ કલ્પના હોય તો પણ તે કોઈ પણ વાસ્તવિકતાને ટક્કર મારે એ રીતે લોહીમાં ઓગળી ગયેલી છે. રાધા પરિણીત હતી, પણ તેના પતિ સાથેનું તેનું કોઈ મંદિર નથી, જ્યારે રાધાકૃષ્ણનાં છે એટલાં બીજાં કોઈ દેવીદેવતાનાં મંદિરો નથી, અરે ! રૂક્મિણીનાં પણ નથી ! રાધાને કૃષ્ણે ચાહી છે, તો રાધા પણ ઓછી કૃષ્ણઘેલી નથી. આ બેને જોડે છે વાંસળી. વાંસની વાંસળી કૃષ્ણે કરી અને એમાંથી નિપજાવ્યું એવું સંગીત જે આજે પણ રસ તરબોળ રાખે છે.
રાધાકૃષ્ણ પ્રેમનાં અમર પ્રતીકો છે, તે એટલે કે એ અનંત વિરહનું પરિણામ છે. બંનેએ સિદ્ધ કર્યું છે કે સ્નેહ, વ્રેહનો જ પર્યાય છે. પ્રેમ સનાતન નથી, વિરહ જ ચિરંજીવી છે. કૃષ્ણને કદાચ હાસ્ય નથી, એને સ્મિત જ છે. એ જ સ્થિતિ રાધાની છે. કૃષ્ણની વિદાય પછીની રાધા, ઊઠી ગયેલા મેળા જેવી છે. રાધાની આંખો વરસે છે, જ્યારે કૃષ્ણનું હૈયું વરસે છે એટલે આંસુ આંખો સુધી આવતાં નથી.
વસુદેવની બહેન કુંતી. તેના પાંચ પુત્રો ગુપ્તવેશે દ્રૌપદી સ્વયંવરમાં પહોંચે છે ને અહીં કૃષ્ણને પાંડવોનો સંપર્ક થાય છે. કુંતી અજાણતાં જ પાંચે ભાઈઓને દ્રૌપદી વહેંચી લેવાનું કહે છે ને પછી ભૂલ સમજાય છે. દ્રૌપદી તો અર્જુનને જ વરેલી હતી, પણ કૃષ્ણે જોયું કે બીજા ભાઈઓને પણ દ્રૌપદીની ઇચ્છા છે જ. દ્રૌપદી પાંચે ભાઇઓની પત્ની બને તો ભાઈઓ વચ્ચે સંપ રહે, અન્યથા દ્રૌપદી કુસંપનું કારણ પણ બની શકે. પાંચે ભાઈઓ અલગ અલગ સ્ત્રીઓને પરણે તો એ બધાંની ઉપસ્થિતિમાં પણ સંપ જળવાઈ રહેવાનું મુશ્કેલ બને. એ બધું જોતાં કુંતીની ભૂલ ન સુધરે એમાં જ સૌનું હિત લાગતાં, દ્રૌપદીને પંચામૃત બનાવાઈ. કોઈને એમ લાગે કે સ્ત્રીનું અલગ વ્યક્તિત્વ કોઈને હૈયે વસ્યું જ નહીં, તો એનો જવાબ એ કે એ તો આજે ય વસ્યું હોય એવું લાગતું નથી. સ્ત્રીને પતિ પસંદ કરવાની છૂટ હતી, પણ પસંદ કર્યા પછી સિલકમાં તો દાસીત્વ જ બચતું હતું.
એ જુદી વાત છે કે દ્રૌપદી યાજ્ઞસેની હતી ને અપમાન તે સાંખતી નથી. ખાસ તો દુશાસન તેનું ચીરહરણ કરે છે ત્યારે જે વાળને તેણે ખેંચ્યા છે તેને ખુલ્લા રાખવાની અને દુશાસનના લોહીથી ધોવાની પ્રતિજ્ઞા કરે છે. સ્વમાન તેને વહાલું છે, એટલે કૃષ્ણ વિષ્ટિ માટે નીકળે છે ત્યારે યુદ્ધ નહીં થવાની સંભાવના જોતાં તે કૃષ્ણને કહે છે કે મારી વાળ ધોવાની પ્રતિજ્ઞાનું શું? કૃષ્ણ સમજાવે છે કે દુર્યોધન છે ત્યાં સુધી સમાધાન નહીં થાય ને સાથે જ ચેતવે પણ છે કે યુદ્ધ થશે તો પાંડવોને પક્ષે, પાંચ ભાઈઓ સિવાય કોઈ નહીં બચે. અહીં સંકેત એ છે કે યુદ્ધ વિજેતાને પણ હણે તો છે જ !
કૃષ્ણ, અર્જુન અને દ્રૌપદી વચ્ચે સખ્ય પ્રવર્તે છે. આ એ જ કૃષ્ણ છે જે દૃશ્યરૂપે ગોપીઓનાં ચીર હરે છે ને વિપત્તિમાં અદૃશ્ય રહીને દ્રૌપદીનાં ચીર પૂરે પણ છે. એ જ કૃષ્ણ, કર્ણને પાંડવ પક્ષે આવી જવા દ્રૌપદીની લાલચ પણ આપે છે. આ લાલચ વધારે પડતી લાગે તો પણ, કૃષ્ણને દોષી માનવાનું મન થતું નથી. તે એટલે કે એમાં કૃષ્ણને અંગત કોઈ લાભ હતો નહીં. જો કર્ણને પાંડવોને પક્ષે ખેંચી લેવામાં આવે તો દુર્યોધન યુદ્ધનો વિચાર પડતો મૂકે એવી કૃષ્ણની ગણતરી હતી. એટલે હેતુ તો યુદ્ધને રોકવાનો ને કર્ણને જયેષ્ઠ પાંડવ તરીકેનો અધિકાર પાછો અપાવવાનો હતો. આમ થયું હોત તો અભિમન્યુને મારવાનું કર્ણને હાથે બન્યું ન હોત ને કર્ણને પણ જમીનમાં રથ ધસતા નિ:શસ્ત્ર સ્થિતિમાં હણાવાનું થયું ન હોત. એમ લાગે છે કે દૈવનાં હાથમાં પણ બધું નથી. બધું થઈ જાય, વીતી જાય પછી માણસ લેખાંજોખાં કરવા બેસે ત્યારે અમુક થયું કે ના થયું તે બાબતે ચુકાદાઓ આપવા બેસે છે, પણ જ્યારે ઘટના ઘટે છે ત્યારે આ ન્યાયાધીશો ક્યાં ય હોતા નથી. ત્યારે તો જે એ સમયે ઘટનામાં સંડોવાય છે તેણે જ જે તે નિર્ણય વિવેક વાપરીને લેવાનો હોય છે.
કૃષ્ણ અંગે જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ તેનો વ્યાપ વધતો જ અનુભવાય છે. પળમાં લાગે છે કે તે હાથમાં છે ને બીજી જ પળે તે બ્રહ્માણ્ડની પણ બહાર વિસ્તરી જતો લાગે છે. તે કોઈ પણ વ્યાખ્યામાં સમાઈ જતો લાગે છે ને એ સાથે જ લાગે છે કે તે કોઈ વ્યાખ્યામાં સમાઈ શકે એમ નથી. ઘડીમાં લાગે કે તેને તુંકારી શકાય તો ઘડીમાં તેને સાષ્ટાંગ કરવાનું પણ મન થાય. આ એક જ ભગવાન માણસ જેવો વધારે છે. તે વિવશ છે, તો વિવશ કરે પણ છે. અભિમન્યુને હણાતો તે રોકી શકતો નથી, તો જયદ્રથને મારવા વહેલો સૂર્યાસ્ત પણ કરાવી શકે છે. ધર્મની રક્ષા કરવા તે અધર્મ આચરવા સુધી જઈ શકે છે, પણ એટલું નક્કી છે કે કોઈ પણ છળ તેણે અસત્યની સ્થાપના માટે નથી કર્યું. ક્યારેક એમ લાગે કે તે વિરોધાભાસી રીતે વર્તે છે. જેમ કે, શિશુપાલનો વધ કરવાની જરૂર ન હતી. તેણે ગાળ દીધી તો સામે ગાળ દઈ શકાઈ હોત. શિશુપાલની ગાળ અસહ્ય થઈ પડે છે, પણ ગાંધારીનો શાપ કૃષ્ણ વેઠી લે છે. પાંડવોના રાજસૂય યજ્ઞ પછી બધા રાજા વિદાય લઈ રહ્યા હતા એવે સમયે શિશુપાલને છોડી મૂકાયો હોત તો તેણે ઉપદ્રવ કર્યો હોત અને માંડ શરણે આવેલા રાજાઓને વિફરવાનું બહાનું મળ્યું હોત. ગાંધારીનો શાપ આમ તો યાદવકુળના સર્વનાશનો હતો. કૃષ્ણને યાદવોની સ્થિતિની ખબર હતી. યાદવોની ગતિ અંદરોઅંદર લડી મરવા તરફની જ હતી. એટલે ગાંધારીએ શાપ આપીને આગાહી જ કરી હતી, વળી તે સો પુત્રોના મોતથી વિહવળ હતી, તેના શાપથી શું ખોટું લગાડવાનું, એમ વિચારી કૃષ્ણ ચૂપ રહ્યા હોય એમ બને. એટલે કોઈ વલણ વિરોધાભાસી હોય તો પણ કૃષ્ણએ જે તે સમય પર ઉચિત હોય તે જ નિર્ણય લીધો છે.
આમ તો મહાભારતનું યુદ્ધ કૃષ્ણની સીધી જવાબદારી હતી જ નહીં, બલરામ યુદ્ધથી અલિપ્ત રહ્યા તેમ જ કૃષ્ણ પણ રહી શક્યા હોત, પણ તે સંડોવાયા, માત્ર અર્જુનની મૈત્રીને કારણે ! અર્જુન હૃદયથી જોડાયેલો હતો. કૃષ્ણ યુદ્ધ સાથે ન સંકળાયા હોત, તો પાંડવો હાર્યા જ હોત ને એ હાર્યા હોત તો ધર્મનો પરાજય થયો હોત ને કૃષ્ણને એ સ્વીકાર્ય ન જ હોત. મિત્રને પક્ષે ધર્મ હતો એટલે કૃષ્ણ મહાભારતમાં શસ્ત્ર વગર સક્રિય છે. યુદ્ધમાં શસ્ત્ર ન વાપરવાની પ્રતિજ્ઞા તે લે છે ને એ રીતે પાછળથી આવનારી બીજા મોહનની અહિંસાનો મહિમા આ મોહન કરે છે. ધટોત્કચ કર્ણના અમોઘ ઇન્દ્રશસ્ત્રથી મૃત્યુ પામે છે ત્યારે પાંડવો દુ:ખી છે, પણ કૃષ્ણ પ્રસન્ન છે. ઘટોત્કચ જેવો વીર મરાયો તેનાથી દુ:ખી થવાને બદલે કૃષ્ણ એટલે પ્રસન્ન છે કારણ અર્જુનને મારવા જ સાચવી રખાયેલું એક માત્ર શસ્ત્ર ઘટોત્કચ પર વપરાઈ જતાં અર્જુન બચી ગયો. મિત્ર બચ્યો તેની ખુશી કૃષ્ણને છે. તે તકસાધુ લાગે તો પણ, તેની તક સાધુની છે તે ભૂલવા જેવું નથી.
કૃષ્ણ વિષે વિચારીશું તો એ પણ સમજાશે કે કૃષ્ણે કૈં મેળવવા કૈં કર્યું નથી. આમ જુઓ તો કૃષ્ણની પ્રાપ્તિ જ શું છે? યુદ્ધમાં ભાગ લેવાથી તેને શું મળવાનું હતું? યુદ્ધ જીત્યા પછી જો કૈં મળે એમ હોય તો તે પાંડવોને હતું. કૃષ્ણે તો ખાલી હાથે જ દ્વારિકા પાછા ફરવાનું હતું, પણ કેવળ કર્તવ્ય સમજીને જે ધર્મને પક્ષે હતું તે તેણે કર્યું. શાસ્ત્રથી ચાલતું હોય ત્યાં શસ્ત્ર ન વાપરવું એ નીતિ છે, પણ શસ્ત્ર વાપરવાની વખતે કોઈ પાણીમાં બેસી જાય તો તેને ભાન કરાવવું કે વ્યામોહને કારણે શસ્ત્ર હેઠાં મૂકવાં એ કાયરતા છે. અર્જુનને ગીતા ઉપદેશીને યુદ્ધ માટે તૈયાર કર્યો તેમાં પણ હેતુ તો ધર્મનો જય થાય એ જ છે.
કૃષ્ણની એ વિશેષતા છે કે તેણે કશું પોતાને માટે નથી કર્યું ને જ્યાં પણ તે છે, સાક્ષી ભાવે જ છે. તે તટસ્થ નથી. જ્યાં છે ત્યાં પૂરેપૂરો છે. જે તે ક્ષણને તે પૂરેપૂરી માણે છે. રાધા સાથે છે તો પૂરેપૂરો છે ને ગોકુળ છોડે છે તો રાધાને પણ છોડે જ છે. એનો અર્થ એવો નથી કે રાધાને તે નકારે છે. કર્તવ્ય નિભાવવા રાધાને સાથે નથી લેતો, પણ તેની યાદ સાથે નથી રાખી એવું નથી. તેને લાગ્યું કે વાંસળી અનિવાર્ય છે તો આંગળીઓ તેણે વાંસળી પર ઠેરવી ને લાગ્યું કે સુદર્શન ધરવા જેવું છે તો એ જ આંગળીએ સુદર્શન પણ ફેરવ્યું. આ કર્તવ્યભાનને કારણે જ તે જ્યાંથી નીકળે છે ત્યાં ફરી આવતો નથી. એ રીતે તે નિર્મોહી છે. જો મોહ રહી ગયો હોત તો તેનાથી ગોકુળ છૂટયું જ ન હોત !
તે સકળ છે તે સાથે જ અકળ પણ છે. તેનો જન્મ અસાધારણ બાળક તરીકે થાય છે ને મૃત્યુ તે સાવ સાધારણ વ્યક્તિનું પસંદ કરે છે. પારધીનું તીર પગમાં વાગ્યું ને મૃત્યુ થયું. પગમાં તીર વાગ્યું હોય ને મૃત્યુ થયું હોય એવો એક જ દાખલો કોઈ ભગવાનનો છે. માણસ ન મરે એ તીરથી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો, એ પણ કૃષ્ણલીલા જ ને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑગસ્ટ 2021