પડી-આખડીને અરીસો બતાવ્યો,
ચીલો ચાતરીને અરીસો બતાવ્યો.
અરીસો અસલ રૂપ દેખાડે તેથી,
ધૂણી ધાખવીને અરીસો બતાવ્યો.
કવિતાથી કોમળ વધુ કંઈ હતું નહિ,
કવિતા લખીને અરીસો બતાવ્યો.
બરાડા ન પાડ્યા, ન ઝંડા ઉપાડ્યા,
ઝીણું ગણગણીને અરીસો બતાવ્યો.
ખમી લે હજારો કટારી, બીજું શું!
મૂરખ, મેદનીને અરીસો બતાવ્યો !
ચકી સાવ નાની અને ઝાડ મોટું,
અદબ જાળવીને અરીસો બતાવ્યો.
હવે તો સજા ભોગવ્યે છૂટકો છે,
ખતા છે ધણીને અરીસો બતાવ્યો.
સૌજન્ય : “અખંડ આનંદ” ઑગસ્ટ 2021
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 15