જગતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું કોઈ ફારસ ભજવાયું હોય એવો એકેય પ્રસંગ યાદ નથી આવતો જેમાં દેશની સર્વોચ્ચ અદાલતના એક નહીં પણ ત્રણ ત્રણ ન્યાયમૂર્તિઓ ગુનેગારને કહેતા હોય કે; ‘ભાઈ ગુનેગાર, ગુના માટે માફી માગી લેને, અમારે તને સજા નથી કરવી.’ માત્ર કહેતા નથી, કાકલૂદી કરે છે અને સજા કરવાનું ટાળે છે. આરોપી ગુનાનો ઇનકાર કરે, અથવા જજસાહેબ સમક્ષ ગુનો કર્યો હોવાનું કબૂલીને માફી માગે કે પછી હળવી સજા કરવામાં આવે એવી કાકલૂદી કરે એ તો અદાલતોમાં રાબેતાની ઘટના છે, પણ જજો ગુનેગાર સમક્ષ માફી મગાવવા માટે કાકલૂદી કરતા હોય એવું તો પહેલીવાર જોવા મળી રહ્યું છે. આખા જગત સમક્ષ ભારતની સર્વોચ્ચ અદાલત હાસ્યાસ્પદ સાબિત થઈ રહી છે.
સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે અહીં પ્રશાંત ભૂષણની વાત થઈ રહી છે અને તેમને અહીં ગુનેગાર તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પ્રશાંત ભૂષણ આરોપી નથી, ગુનેગાર છે. આ બેમાં બહુ મોટો ફરક છે. આરોપી એ હોય છે જેના ઉપર ગુનાના આરોપ કરવામાં આવ્યા હોય છે પણ ગુનો સાબિત થવાનો બાકી હોય છે. ગુનેગાર એ હોય છે જેના ઉપરના ગુનાના આરોપ સિદ્ધ થઈ ગયા હોય છે અને અદાલતે તેને ગુનો કરવા માટે તકસીરવાર ઠરાવ્યો હોય છે. ન્યાયતંત્રનો એક પાયાનો સિદ્ધાંત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ આરોપી ગુનેગાર સિદ્ધ ન થવો જોઈએ. માટે તો અદાલતની દેવીની આંખે પાટા બાંધેલા હોય છે કે જજે એ જોવાનું નથી કે આરોપી કોણ છે અને ફરિયાદી કોણ છે. તેણે તો માત્ર આરોપ અને પુરાવાઓ જોવાના હોય છે.
પ્રશાંત ભૂષણ સામેના કોર્ટની અવમાનના કરવાના કેસમાં ફરિયાદી અદાલત પોતે છે. સુ મોટો કેસ છે. અદાલતને એમ લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિઓ વિષે એલફેલ બોલીને ન્યાયતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોઈએ ફરિયાદ નહોતી કરી, અદાલતના જજોને પોતાને આમ લાગ્યું હતું અને અદાલતે પોતે ફરિયાદી બનીને પ્રશાંત ભૂષણને આરોપી બનાવ્યા હતા. દેખીતી રીતે ફરિયાદી જજસાહેબો, ખટલો ચલાવનારા જજસાહેબો, ખટલો સાંભળનારા જજસાહેબો અને એ પણ એક નહીં ત્રણ. હવે ન્યાયતંત્રના મૂળભૂત સિદ્ધાંત મુજબ સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષ આરોપીને ગુનેગાર ઠેરવીને સજા ન થવી જોઈએ એનું તો તેમણે ધ્યાન રાખ્યું જ હશે એમ આપણે માની લઈએ. એમાં આ તો પાછી દેશની સર્વોચ્ચ અદાલત છે અને તેના ત્રણ ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ છે. અત્યારના દિવસોમાં દેશની પ્રજા તેના પર મદાર રાખીને બેઠી છે.
અપેક્ષા મુજબ નીરક્ષીર વિવેક કર્યા પછી અદાલત એવા નિર્ણય ઉપર આવી હોવી જોઈએ કે પ્રશાંત ભૂષણે અદાલતની અને જજોની અવમાનના કરવાનો ગુનો કર્યો છે અને તેમને સજા થવી જોઈએ. આ બાજુ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે તેમણે દેશના એક જવાબદાર નાગરિક તરીકે અને સર્વોચ્ચ અદાલત નામના પવિત્ર ન્યાયમંદિરના એક અદના પૂજારી તરીકે ન્યાયમંદિરમાં નજરે પડતી ગંદકી તરફ ધ્યાન દોર્યું હતું. જો ધ્યાન દોરવું એ ગુનો હોય તો એ ગુનો મને કબૂલ છે અને તે વારંવાર કરવો પડે એવો ગુનો છે. ત્રણ જજો એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે પ્રશાંત ભૂષણ ન્યાયતંત્રના હિતમાં ગંદકી તરફ ધ્યાન દોરનારા પારકી છઠ્ઠીના જાગતલ નથી, પણ ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિઓની ઐસીતૈસી કરનારા ન્યાયના દુશ્મન એવા બેજવાબદાર નાગરિક છે. સમૂળગા ન્યાયતંત્ર માટે, અદાલતો માટે અને ન્યાયમૂર્તિઓ માટે તિરસ્કારનો ભાવ ધરાવનારો માણસ છે. ટૂંકમાં પ્રશાંત ભૂષણ અદાલતનું અપમાન કરનારા ગુનેગાર છે.
દેશની સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે પ્રશાંત ભૂષણે ગુનો કર્યો હોવાનો ચુકાદો આપ્યો જે પ્રશાંત ભૂષણે સ્વીકારી લીધો. હવે ગુનો કર્યો છે તો સજા તો થવી જ જોઈએ. બીજું, ઉપર કહ્યું એમ ખટલો સુ મોટો છે એટલે પ્રશાંત ભૂષણને આકરી સજા થવી જોઈએ, લાંબી મુદતની જેલની સજા થવી જોઈએ અથવા કેવી અને કેટલી સજા થવી જોઈએ એની માગણી કરનારું તો કોઈ જ નથી. કોઈ ફરિયાદી હોય તો સજાની જરૂરિયાત અને તેના સ્વરૂપના પક્ષમાં કોઈક પ્રકારની તાર્કિક દલીલ પણ કરે. ન્યાયમૂર્તિઓને, દેશની જનતાને અને આખા જગતને પ્રતીતિ કરાવે કે આવા આવા કારણે ગુનેગારને ગુનાની આટલી સજા થવી જોઈએ. અહીં ખટલો સુ મોટો છે એટલે એ કામ પણ જજોએ કરવું પડે એમ છે.
પ્રશાંત ભૂષણને ગુનેગાર તો ઠરાવી દીધા, પણ સજા કરતા સર્વોચ્ચ અદાલતના ત્રણ ત્રણ જજોને શરમ આવે છે. આરોપીને ગુનેગાર ઠરાવવામાં શરમ ન આવી તો સજા સંભળાવતા શરમ શા માટે આવે છે? ભાઈ, ગુનેગાર છે તો કરો સજા. જગત આખાનો ન્યાયતંત્રનો આ ક્રમ છે. જોઈએ તો પ્રતિકરૂપે હળવી સજા કરો, પણ સજા તો કરો! ગુનેગાર પણ કહે છે કે હા, કરો સજા અને જેટલી અને જેવી કરવી હોય એવી સજા કરો. તો પછી એવું શું છે કે જજો સજા સંભળાવતા થોથવાય છે? આ થોથવાટનાં કારણોની ચર્ચા હવે પછી કરીશું. ભારતના ન્યાયતંત્રનો એક્સ રે નહીં, એમ.આર.આઈ. કરવાની જરૂર છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2020