ગયા સપ્તાહે [23 ઑગસ્ટ 2020] લેખનો ઉપસંહાર કરતાં મેં લખ્યું હતું કે ૧૯ વરસની ઉંમરે ગાંધીજી વિલાયત ગયા ત્યારે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે, સવર્ણો અને બહુજન સમાજ વચ્ચે, હિન્દીવાળાઓ અને ઉર્દૂવાળાઓ વચ્ચે, સુધારકો અને સનાતનીઓ વચ્ચે, આર્યો અને દ્રવિડો વચ્ચે, પૌર્વાત્યવાદીઓ અને પાશ્ચાત્યવાદીઓ વચ્ચે, રાષ્ટ્રવાદીઓ અને રાજનિષ્ઠો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું હતું; પરંતુ ગાંધીજીએ હજુ સુધી કોઈ પક્ષ પરત્વે સહાનુભૂતિ પ્રગટ કરી નહોતી. ૧૯ વરસનો યુવક હતો, સાવ નાનો બાળક નહોતો.
તો શું એ સમકાલીન પ્રવાહોથી સાવ અપરિચિત અને વિચારવાની કે અભિપ્રાય બનાવવાની ક્ષમતા પણ નહીં ધરાવનારો એક ભોંદુ યુવક હતો? બળવંતરાય ઠાકોરના મનમાં તો એવી છાપ પડી હતી. વળી ઘરઆંગણે તો એ વિલાયત જાય છે ત્યાં સુધી કોઈ વિચાર અને વલણ બાબતે પક્ષપાત ધરાવતો નથી, પણ વિલાયત જઈને પણ એવો જ રહ્યો હતો?
ગાંધીજીની આત્મકથા છેતરામણી છે. તેમણે તેમની આત્મકથામાં તેમનું માનસ ઘડનારા યુગનું, એ યુગના પ્રશ્નોનું, એ યુગના સમાજનું, ઉપલબ્ધ વિકલ્પોનું, પરિવર્તનના પ્રવર્તમાન પ્રવાહોનું કોઈ દિગ્દર્શન નથી આપ્યું. આગળના લેખોમાં કહ્યું છે એમ ગાંધીજી જ્યારે વિદેશ ગયા ત્યારે ભારતમાં (અને વિશ્વમાં પણ) ઘણું બની રહ્યું હતું. રીતસર ધીંગાણું ચાલતું હતું, પરંતુ ગાંધીજીની આત્મકથામાં તેના ઉલ્લેખો મળતા નથી. બીજું તેમણે તેમની આત્મકથામાં કુંભાર જેમ માટલું ઘડે એમ મોહનદાસ ટપલે ટપલે કેવી રીતે ઘડાયો એટલી જ વાત કરી છે. આને કારણે તેમણે પોતાને કાંકરા-કચરાથી યુક્ત કાચી માટી તરીકે ઓળખાવ્યા છે અને એ માટીમાંથી તેમની માતાથી લઈને ઘરની નોકરાણી રંભા સુધીનાઓએ કેવી રીતે ઘડ્યો એ અત્યંત નમ્રતાથી કહ્યું છે.
આત્મકથા લખવામાં ગાંધીજીના આવા અભિગમના કારણે તેમની આત્મકથા જગતનાં આત્મકથા-સાહિત્યમાં એક અમર કૃતિ બની છે એની ના નહીં, પણ એ સાથે ગાંધીજી વિષે ખોટી ભ્રમણા પણ પેદા થઈ છે. મોહનદાસ ગાંધી સાવ સામાન્ય યુવક હતો, જે પુરુષાર્થથી ઘડાયો અને મહાત્મા બન્યો એમ કહેવામાં આવે છે. જો કૃતનિશ્ચય હોય અને પુરુષાર્થ હોય તો શું અશક્ય છે એના ઉદાહરણ તરીકે ગાંધીજીને જોવામાં આવે છે. ગાંધીજીને એ રીતે જોવામાં આવે છે કે જાણે ગાંધીજી તેમના યુગનું સર્જન ન હોય. ગાંધીજીને ૧૯મી સદીના ભારત સાથે અને જગત સાથે વિચ્છિન્ન કરવામાં આવે છે એમાં ગાંધીજીને અન્યાય થઈ રહ્યો છે. આ યુગવિચ્છિન્નતા માટે ઘણે અંશે ગાંધીજી પોતે જવાબદાર છે.
સામાન્ય રીતે મહાપુરુષોની બાબતમાં બને છે એમ તેમને ધૂંધળી પણ કોઈક વાતની ઝાંખી મળવા લાગી હતી. હું એમ માનું છું. ના, આમાં કોઈ રહસ્યવાદી બનવાની જરૂર નથી જેમ આપણે અવતારપુરુષોની બાબતમાં કરતા આવ્યા છીએ. એક દિવસ સપનું આપ્યું કે ગેબી અવાજ સંભળાયો કે ઈશ્વરે દર્શન દીધાં અને માર્ગ બતાવ્યો એમાંનું કાંઈ જ નથી. મારું એવું માનવું છે કે છેક તરુણાવસ્થાથી જ ગાંધીજીને સનાતન અને સર્વોપરી વચ્ચેનો ભેદ સમજાવા લાગ્યો હોવો જોઈએ. તેમણે તેમની આત્મકથામાં તેમની અંદરના મનોમંથનનું દિગ્દર્શન આપ્યું હોત તો ગાંધીજીને સમજવામાં ઉપયોગી થાત, પણ એવું બન્યું નથી. જેને સર્વોપરી માનવામાં આવે છે એમાં સનાતનતા હોય એ જરૂરી નથી અને માત્ર સનાતન જ સર્વોપરી છે.
એ યુગમાં (અને આજે પણ) સર્વોપરિતાની હોડ ચાલતી હતી. પશ્ચિમ સર્વોપરી, પૂર્વ સર્વોપરી, ઈસાઈ ધર્મ સર્વોપરી, હિંદુ ધર્મ સર્વોપરી, વેદ સર્વોપરી, બાઈબલ કે કુરાન સર્વોપરી, ખ્રિસ્તી સર્વોપરી, આર્ય સર્વોપરી, દ્રવિડ સર્વોપરી, ગોરા સર્વોપરી વગેરે. ધર્મ, વંશ, જ્ઞાતિ, પ્રદેશ વગેરે સમાજવિશેષની સર્વોપરિતાઓના દાવા કરવામાં આવતા હતા. બાકીના લોકો માટે આપવા જેવું માત્ર અમારી પાસે જ છે એમ તેઓ પ્રામાણિકતાપૂર્વક માનતા હતા. તમે જો અમારો હાથ પકડી લો તો તમારો ઉદ્ધાર અવશ્ય થશે. આ તો ધર્મ, વંશ, સંસ્કૃતિઓ અને સભ્યતાઓની ઓળખોની સર્વોપરિતાની વાત થઈ. વિચારધારાઓ પણ સર્વોપરિતાના દાવાઓ કરતી હતી.
ગાંધીજી જ્યારે લંડન ભણવા ગયા ત્યારે એ વર્ષોમાં યુરોપમાં માર્ક્સીઝમ, ફેબિયન સોશ્યાલિઝમ, લિબરલિઝમ, પોઝીટીવઝમ, ગ્રેડ્જ્યુઅલિઝમ, નેશનાલિઝમ, રોમેન્ટીસિઝમ અને ફેમિનિઝમ સહિતની વિચારધારાઓ ફેશનમાં હતી, ખાસ કરીને યુવાનોમાં; પણ આપણા આ યુવાને એની નોંધ સુદ્ધાં લીધી હોય એવું નજરે પડતું નથી. એ વર્ષોમાં ફાસીવાદનાં બીજ પણ રોપાઈ ગયાં હતાં. એ વર્ષોમાં બ્રિટને ડિઝરાયલી અને ગ્લેડસ્ટન નામના બે શાસકીય ધ્રુવો અને તેની આસપાસ ચાલેલી ચર્ચાનો અનુભવ કર્યો હતો. ગાંધીજીએ લંડનમાં પગ મૂક્યો એનાં ત્રણ જ વર્ષ પહેલાં આયર્લેન્ડને ‘હોમ રુલ’ આપવાના પ્રશ્ને લિબરલ પાર્ટીમાં વિભાજન થયું હતું અને બ્રિટનમાં વર્ષો સુધી એ ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો, પણ ગાંધીજીએ એમાં પણ કોઈ રસ લીધો હોય એવું નજરે પડતું નથી.
ઊલટું લંડનમાં ત્રણ વરસ દરમિયાન ગાંધીજી ધર્મચર્ચા કરવા જેવા મિત્રો શોધે છે, થિયોસોફીસ્ટોને મળે છે, ગીતા અને બાયબલનો અભ્યાસ કરે છે, વેજીટેરિયન સોસાઈટીમાં જાય છે વગેરે જેને માટે એ જમાનામાં ભાગ્યે જ કોઈ થનગનતો યુવક આકર્ષણ ધરાવતો હતો. ના, સાવ એવું પણ નથી. એ યુગમાં ઘણા યુવકો આ બધી બાબતોમાં રસ ધરાવતા હતા, પણ તેઓ એક દિવસ જે તે ઓળખની સર્વોપરિતાનો ઝંડો ઉઠાવી લેતા હતા. જિજ્ઞાસુમાંથી પ્રચારક બની જતા હતા. ગાંધીજી સામેથી તેમને શોધીને તેમની વચ્ચે જાય છે, તાત્ત્વિકચર્ચા કરે છે, પણ ક્યાં ય ઠરતા નથી. તેમનો સર્વોપરિતાનો ઝંડો ઉઠાવતા નથી. ઘણા ખ્રિસ્તી મિત્રોને ગાંધીજીની સત્ય પામવા માટેની તાલાવેલી જોઈને એમ લાગતું હતું કે પાકા ફળની માફક મહિના-બે મહિનામાં આ યુવક ધર્માંતરણ કરીને આપણી ઝોળીમાં આવી પડવાનો છે. કારણ કે સત્ય તો ઈસાઈ ધર્મ પાસે જ છે એટલે જિજ્ઞાસુ બીજે ક્યાં ય જઈ જ ન શકે.
તેમના આશ્ચર્ય વચ્ચે ગાંધીજી ખ્રિસ્તી ધર્મ અપનાવતા નથી. તેમને આશ્ચર્ય થતું હતું કે તેમના કરતાં હજાર ગણી અને સાચુકલી તીવ્રતા ધરાવતો સત્યપિપાસુ માણસ જ્યાં સત્ય છે ત્યાં સ્વાભાવિક ક્રમે આવતો કેમ નથી? સત્યપિપાસુ ઈસુના શરણે ન આવે તો બીજે ક્યાં જવાનો છે? આવું જ વિચારધારાવાળાઓને પણ લાગતું હતું. જીવનને સાર્થક કરવું હોય તો સામ્યવાદી કહેશે સામ્યવાદને, સમાજવાદી કહેશે સમાજવાદને, રાષ્ટ્રવાદી કહેશે રાષ્ટ્રવાદના શરણે જવું જોઈએ. એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ગાંધીજી કોઈના પણ અંતિમ સત્યના, અંતિમ માર્ગના કે સર્વોપરિતાના દાવાને સ્વીકારતા નથી.
એ યુગમાં ગાંધીજીની આગળ પાછળ જેટલા યુવકો વિલાયત ભણવા ગયા હતા એ દરેક ભારતીય યુવકને એવું લાગતું હતું કે પશ્ચિમને આપીને આવવા જેવું અને પશ્ચિમે સ્વીકારવું જ પડે એવું આપણી પાસે કાંઈક છે જે હું આપીને આવવાનો છું. બીજા કેટલાક યુવકોને એમ લાગતું હતું કે પશ્ચિમ પાસેથી અપનાવવા જેવું કાંઈક છે જે હું લઈને આવીશ અને આપણી પ્રજાને આપીશ. બીજાની ક્યાં વાત કરીએ, સ્વામી વિવેકાનંદને એમ લાગતું હતું કે આપણી પાસે એવું કાંઈક છે જે પશ્ચિમને આપવું જ જોઈએ અને પશ્ચિમે સ્વીકારવું જ જોઈએ. વિવેકાનંદે જિંદગીનાં ઘણાં વર્ષો પશ્ચિમને આપીને આવવા માટે ખર્ચ્યાં હતાં. એ યુગમાં પોતપોતાની સમજ મુજબ પોતાની પાસે જે સર્વોપરી હતું એ આપી આવવાની અથવા બીજાનાં સર્વોપરી તત્ત્વોને લઈ આવવાની હોડ ચાલતી હતી. પણ ગાંધીજી એનાથી પોતાને મુક્ત રાખે છે. તેઓ તો પશ્ચિમના મુક્ત સમાજમાં સુંવાળી લાલચોથી બચવા અને માતાને આપેલી પ્રતિજ્ઞા પાળવા ભગીરથ પ્રયાસ કરતા જોવા મળે છે.
આવું કેમ? કારણ કે ગાંધીજીની ખોજ સનાતન માટેની હતી, શ્રેષ્ઠ કે સર્વોપરી માટેની નહોતી. તેમને જાણ હતી કે સનાતન તત્ત્વ સર્વત્ર છે અને તેને ધર્મ, વંશ કે વિચારધારા સાથે સંબંધ નથી. સનાતન એટલે નિર્વિરોધ શુદ્ધ સત્ય જેને નકારી ન શકાય. જેને શ્રેષ્ઠ અને સર્વોપરી માનવામાં આવતું હોય ત્યાં સનાતન સત્ય ન પણ હોય અને જેને જંગલી કહીને ઉપેક્ષા કરવામાં આવતી હોય એવા લોકો પાસે હોય પણ.
ટૂંકમાં આ એક એવો યુવક છે જે કોઈ ઓળખ કે વિચારધારાને ઓટલે ઠરતો નથી. લંડનમાં ત્રણ વરસ રહેવા છતાં પલળ્યા વિના કે કોઈને પલાળ્યા વિના પાછો ફરે છે. મોહનદાસ ગાંધી એ યુગનો આવો એક માત્ર ભારતીય યુવક હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 ઑગસ્ટ 2020