ભગવાન બુદ્ધનો અને તેમનો ધર્મ ફેલાવનાર સમ્રાટ અશોકનો સંદેશ વર્ષો બાદ (લોકો તેમને અછૂત-અપવિત્ર ગણે તો પણ) દલિતોના દિલોદિમાગમાં સચવાઈ રહ્યો હશે, એવું એટલા માટે જણાય છે કે ઉત્તર પ્રદેશના સારનાથથી આશરે ૭૧ કિલોમીટરના અંતરે આવેલા બાંસગાંવનાં એક દલિત દંપતીએ ૪૨ વર્ષ પૂર્વે પોતાની કૂખે અવતરેલા બાળકનું નામ પાડ્યુ ‘સત્યમેવ જયતે’. જવલ્લે જ જોવા-જાણવા મળે તેવું નામ. આજે પણ ૩૦ વ્યક્તિનું આ કુટુંબ એક ચૂલે જમે છે. એ કુટુંબના અન્ય એક 32 વર્ષીય અને કલકત્તાની 'આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'માં નોકરી કરતા પિતરાઈનું નામ અમેરિકાના સ્વાતંત્ર્ય જનકના નામ પરથી 'લિંકન' રાખવામાં આવ્યું હતું.
'સત્યમેવ જયતે'નો ઉલ્લેખ અથર્વવેદ સાથે સંકળાયેલા 'મુંડક ઉપનિષદ'ના ત્રીજા મુંડકના પ્રથમ ખંડના છઠ્ઠા શ્લોકમાં જોઈ શકાય છેઃ સત્યમેવ જયતે નાનૃતમ્. હંમેશાં 'સત્ય'નો વિજય થાય છે, અસત્યનો નહીં. નાત-જાતના વાડાઓમાં વહેંચાયેલા ભારતની સમાજ-ધર્મ-રાજ-શિક્ષણ નીતિ ગૌતમ બુદ્ધના અઢી હજારથી વધુ વર્ષના ભવ્ય જ્ઞાનપ્રબોધનના ઐતિહાસિક વારસા બાદ પણ 'સત્ય' કોને કહેવાય તેનો તથા સર્વને ન્યાય-શાંતિનો અનુભવ આપી શકે તેવો, અર્થ શોધી શકી નથી.
બાંસગાંવના સત્યમેવ જયતે ઉર્ફે પપ્પુરામ (પિતા રામસુખરામ) ૪૨ વર્ષની ઉંમરે પોતાની પત્ની મુન્નીદેવી અને ચાર બાળકો સાથે સહિયારા કુટુંબમાં રહેતા હતા. સૌથી મોટું બાળક ૧૨ વર્ષનું. કુટુંબ સહિયારી માલિકીની ૧૫ વીઘા ખેતીની જમીન ધરાવે છે. સત્યમેવ જયતે પ્રથમ વાર બાંસગાંવના સરપંચ તરીકે ચૂંટાયા. વાંસ અને હરિયાળીની ઝલકથી ગામનું નામ બાંસગાંવ. તાલુકો-પ્રખંડ તરવા અને જિલ્લો આઝમગઢ. ગામની વસતિ ૨,૪૧૩ અને તેમાં દલિત વસતિ ૧,૧૬૯, એટલે કે ૪૮.૭ ટકા. ઠાકુર-બ્રાહ્મણનાં ૩૦ ખોરડાં. તાલુકામથક તરવાથી ગામનું અંતર ૧૯ કિ.મી., જિલ્લા મથક આઝમગઢથી ૩૨ કિ.મી. અને પાટનગર લખનૌથી ૩૦૨ કિ.મી. આ ગામ મેહનગર વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે અને હાલ તે બેઠક સમાજવાદી પક્ષને ફાળે છે. લોકસભા મતવિસ્તાર આઝમગઢનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ કરે છે.
સરપંચ સત્યમેવ જયતેની હત્યા પછી
૧૪મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશ ૭૪માં આઝાદીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારી કરતો હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યે સરપંચ સત્યમેવ જયતેનું ખૂન થયું. છેલ્લા ૨૪ કલાકમાં આઝમગઢ જિલ્લામાં ૩ ખૂન થયાં તેમાંનું આ એક હતું તેમ ‘નવભારત ટાઇમ્સ’ જણાવે છે. પોતાના ઘરથી થોડે દૂર ખાનગી કોલેજ(શ્રીકૃષ્ણ પી.પી. કોલેજ)ની પાછળ સત્યમેવને આરોપી બોલાવી ગયા અને તેને છ ગોળી મારી. માથામાં મારેલી ગોળી ઘાતક હતી. તેમને મોટરસાઇકલ પર આવી બોલાવી જનાર વિવેકસિંહ ઉર્ફે ભોલુ, સૂર્યવંશ દુબે, બ્રિજેન્દ્રસિંહ ઉર્ફે ગપ્પુ અને વસીમ હતા. હત્યા બાદ આરોપીઓ સત્યમેવના ઘરે આવીને, તેની માને ગાળો ભાંડીને કહેતા ગયા કે સત્યમેવની લાશ જોઈ લો.
ઘટનાના ૭૨ કલાક બાદ આરોપી લાપતા છે. પોલીસે દરેક આરોપીની ભાળ મેળવવા રૂ. ૨૫,૦૦૦નું ઇનામ જાહેર કર્યું છે અને આરોપીનાં સગાંને અટકાયતમાં લીધાં છે. છેલ્લા સમાચાર મુજબ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપી પોલીસની પકડમાંથી ભાગી ગયા. પકડાયેલ વિવેકસિંહે ધરપકડ અગાઉ પોલીસ પર ગોળી ચલાવી, પણ પોલીસ એન્કાઉન્ટરમાં તે મર્યો નથી. તેની પાસેથી તમંચો અને કારતૂસ મળ્યા છે.
ખૂન થયા પાછળનું કારણ જાણવા મળ્યા મુજબ, 'મનરેગા'ના કામ અંગે ઠાકુરો સરપંચ સત્યમેવ જયતેની કાગળોમાં સહી કરાવવા મથતા હતા અને ગેરકાયદેસર કામ ન કરવા માંગતા સત્યમેવે તેમ કરવા ઇન્કાર કર્યો. એક દલિત ઠાકુરને’ ના પાડે તે તેમના માટે અસહ્ય હતું. અગાઉ હત્યાના આરોપી ગપ્પુએ સરકારી રસ્તો પોતાની સંપત્તિવાળા તળાવમાં વાળી લીધો હતો. તેનું સમાધાન થવા છતાં દબાણવાળી જમીન ખાલી કરી ન હતી.
યોગ્ય કલમ હેઠળ ફરિયાદ
બાંસગાંવ પોલીસ કુમકથી દૂર નથી. બોનગરિયા બઝાર પોલીસચોકી ગામથી ૧.૮ કિ.મી., રાસેપુર પોલીસચોકી ૨.૯ કિ.મી. અને તરવા પોલીસમથક ૧૪.૪ કિ.મી. દૂર છે. ગુસ્સે ભરાયેલા દલિતોનું ટોળું બોનગરિયા બઝાર પોલીસચોકી ગયું અને તોડફોડ કરી. અંધાધૂંધીના માહોલમાં પોલીસની ગાડી નીચે ૮ વર્ષનો દલિત બાળક સૂરજ પ્રજાપતિ કચડાઈને મરણ પામ્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા. રાત્રે પોણા બારે સરકારી જાહેરાત થઇ. અત્યાચાર ધારાની કલમ ઉપરાંત ગુંડા ધારાની અને રાષ્ટ્રીય સુરક્ષા ધારાની કલમ પણ ગુનામાં ઉમેરાઈ. અત્યાચાર ધારા હેઠળ મળવા પાત્ર સહાય ઉપરાંત મુખ્યમંત્રી ભંડોળમાંથી બંને મૃતકને રૂ. પાંચ લાખ સહાય જાહેર થઈ. આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ થયો. તરવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર અને રાસેપુર પોલીચોકીના થાણેદાર બરતરફ થયા. અગાઉ અને હાલ પણ દલિત સંઘર્ષ ફરિયાદ યોગ્ય કલમ હેઠળ નોંધાય તે માટેનો રહ્યો છે ત્યારે સામેથી 'ગુંડા ધારા' અને 'રાષ્ટ્રીય સુરક્ષા ધારા' હેઠળ ફરિયાદ નોંધાય તેનું આશ્ચર્ય થાય.
ગુંડા ધારાનો ઉપયોગ-દુરુપયોગ
૧૯૮૬માં વીરબહાદુર સિંહ મુખ્યમંત્રી હતા ત્યારની ઉત્તર પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે 'ધી યુ પી ગેંગસ્ટર્સ એન્ડ એન્ટીસોશ્યલ એલિમેન્ટ્સ એક્ટ’ – ટૂંકમાં 'ગુંડા ધારો' પસાર કર્યો હતો. સરકારી ચોપડે બોલતાં ૨,૫૦૦ જેટલાં જાહેર ગુંડાતત્ત્વોને જેર કરવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. કાયદાની કલમ ૨ અને ૩ જે અનુક્રમે ગુનાની વ્યાખ્યા અને સજા સંબંધે છે, તેના કારણે કાયદો કાનૂની ગૂંચમાં ફસાયો. ૧૫ જાન્યુઆરી, ૧૯૮૬માં અમલી બનેલ આ કાયદા હેઠળ સપ્ટેમ્બર ૧૯૮૬ સુધીના નવ મહિનામાં ૭૭૧ સામે ગુનો નોંધાયો, પરંતુ તેમાંથી ૪૭૫ જામીન મેળવવામાં સફળ થયા. એક સમયે કાયદો ઘડવામાં કાનૂની સચિવ તરીકે જેમનું પ્રદાન રહ્યું હતું તે હવે ઉત્તર પ્રદેશની વડી અદાલતના ન્યાયમૂર્તિ બન્યા હતા અને તેમની બૅન્ચ દ્વારા અન્ય ન્યાયાધીશને આ કાયદા હેઠળના આરોપીને જામીન આપવા સંદર્ભે કાયદાની કલમ ૨ અને ૩ ધ્યાને ન લેવા જણાવ્યું. આ કાનૂની મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો.
ખેર, હવે અત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીશાસન હેઠળ આ કાયદા હેઠળ વ્યાપક ધરપકડો થઈ રહી છે, જેમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવાવાળા ૨૭ કર્મશીલોનો પણ સમાવેશ થાય છે.
કિશોરીઓ સાથે દુર્વ્યવહારની દાસ્તાન
આ જ દિવસે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌથી ૧૩૦ કિ.મી. દૂર ખેરી જિલ્લા અને લખીમપુર તાલુકાના પકરિયા ગામે ૧૩-૧૪ વર્ષની દલિત છોકરીની ચૂંથાયેલી લાશ મળી. આ ગામ નેપાળની સરહદથી ૫૦ કિ.મી. દૂર આવેલું છે. છોકરીના ગળે દુપટ્ટો કસેલો હતો અને તેનાથી જ તેને શેરડીના ખેતરમાં ઢસડી લઇ ગયેલાનું જણાય છે. ગામ ઈસાનગર પોલીસમથકના તાબા હેઠળ આવે છે.
બપોરના એક વાગે કુદરતી હાજત માટે ગયેલી છોકરી ઘણો સમય વીતવા છતાં પછી ન આવતા મા-બાપે પોલીસને જાણ કરી. પોલીસ અને ગામલોકોની સહિયારી શોધમાં છોકરીની લાશ મળી. પોલીસની માહિતી મુજબ તેની આંખ ફૂટેલી હતી અને જીભ કપાયેલી હતી. પોસ્ટમોર્ટમ અહેવાલમાં બળાત્કારની પુષ્ટિ થઇ છે. શેરડીના ખેતરનો માલિક બેમાંથી એક આરોપી છે અને તેણે હત્યા કર્યાનું કબુલ્યું છે. સંતોષ યાદવ અને સંજય ગૌતમની પોલીસે ધરપકડ કરી છે. આ ઘૃણાસ્પદ ઘટનામાં એકાદ દલિત યુવાનની સામેલગીરીના અહેવાલો પણ બહાર આવી રહ્યા છે. ફરિયાદમાં બળાત્કાર ઉપરાંત ‘પોક્સો’ અને રાષ્ટ્રીય સુરક્ષા ધારાની કલમ પણ લાગી છે.
કિશોરી સાથે જાતીય દુર્વ્યવહાર ઉત્તર પ્રદેશની સંસ્કૃતિનો જાણે ભાગ બની ગયો છે. ૧૮ વર્ષથી નીચેની છોકરીઓ સાથે જાતીય દુર્વ્યવહારની ઘટના ૨૦૧૭માં ૧૩૯ નોંધાઈ હતી, તે વધીને ૨૦૧૮માં ૧૪૪ થઈ છે. આ આંકડા માત્ર પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓના જ છે. ભારતનો આ પ્રદેશ નેપાળના આવા જ ગરીબી અને અવિકાસથી સબડતા પ્રદેશ સાથે ભૌગોલિક રીતે જોડાયેલો છે.
ભેદભાવનો જાતઅનુભવ, વિકાસની વાસ્તવિકતા
થોડાં વર્ષો પહેલાં પકરિયા ગામથી માત્ર ૭૫ કિ.મી. દૂર નેપાળના ધનઘડી જિલ્લાના કૈલાલી મુકામે એક અઠવાડિયું રહેવાનું થયેલું. દલિત આગેવાનો સાથે ત્યાંની પરિસ્થિતિ જાણવાનો આ પ્રસંગ હતો. ઘણા લોકો મને મળવા આવ્યા હતા, તે કલાકો સુધી ડુંગરા ખૂંદતા પગપાળા આવ્યા હતા, કારણ તે દુર્ગમ વિસ્તારનાં ગામોમાં વાહનની વ્યવસ્થા ન હતી. આ ગામોમાં મેં પ્રથમ વાર સ્ત્રી માસિકમાં હોય ત્યારે ઘરથી દૂર બિસ્માર ઝૂંપડીમાં રહેવાની પ્રથા જોઈ. નેપાળમાં પીપળના વૃક્ષની પૂજા થાય છે પણ મેં એક પીપળનું તોતિંગ વૃક્ષ જોયું જેની પૂજા થતી ન હતી કારણ તે દલિતે વાવેલું હતું. શાળામાં દલિત બાળકો પ્રાર્થના ગાઈ ન શકે તેવો પ્રતિબંધ-ચાલ પણ અહીં ભુલકાંઓના મોઢેથી સાંભળ્યો.
વિકાસ ભારતનો આધુનિક મંત્ર છે. પરંતુ વિકાસની વ્યાખ્યા લોકશાહીમાં લોકો વધુ સારી રીતે કરી શકે છે. ૧૯૮૬માં ધંધુકા તાલુકાના રાણપુરથી ગુજરાતમાં 'માથે મેલું' ઊંચકવાની પ્રથા સામે આંદોલન મંડાયું હતું જે વીસેક વર્ષમાં આખા દેશમાં ફરી વળ્યું. એ આંદોલનમાં પ્રાણ પૂરનાર મહાન નેતા ન હતા પણ સાવ ઓછું અક્ષરજ્ઞાન પામેલા, તાલીમબદ્ધ-કોઠાસૂઝવાળા પાયાના કાર્યકર હતા. આ વાત એટલા માટે અહીં પ્રસ્તુત છે કારણ પકરિયામાં જાતીય હિંસાના ભોગ બનવા સાથે જીવ ગુમાવનાર દલિત કિશોરી તે પ્રથમ ઘટના નથી. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં આવી ઘટના ઢગલાબંધ જોવા મળે છે અને તેનો ઉલ્લેખ 'ભેદભારત'માં છે. માથે મેલું નાબૂદીના ભાગરૂપે સરકારે 'સ્વચ્છતા મિશન' શરૂ કર્યું અને તેના ભાગરૂપે શૌચાલય બનાવવાનું અભિયાન.
વળતે દિવસે સવારે ૯ વાગે ઉત્તર પ્રદેશ વિધાનસભા પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્યમંત્રી યોગીએ પોતાના ભાષણમાં ન તો સત્યમેવ જયતેનો ઉલ્લેખ કર્યો કે ન પકરિયાનો. તેમણે દાવો કર્યો કે તેમની સરકારે દેશમાં ૨ કરોડ શૌચાલય બાંધ્યાં છે. પકરિયાની દલિત કિશોરી પાસે શૌચાલય પહોંચ્યું ન હતું. ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં આ અભિયાન હેઠળ જે શૌચાલય બન્યાં છે તે કેવાં બન્યા છે તેના તસવીરી પુરાવા નવસર્જન પાસે ભારે મહેનત બાદ એકત્રિત કરેલા અને અપ્રકાશિત પુસ્તક સ્વરૂપે પડેલા છે. વિકાસના ભાગરૂપે મનરેગા હોય કે શૌચાલય નિર્માણનો કાર્યક્રમ, ભ્રષ્ટાચારનો ભોરિંગ 'સત્યમેવ જયતે'નો કાંટો કાઢી નાંખે છે.
મુખ્યમંત્રીએ 'સત્યમેવ જયતે'ના આત્માની શાંતિ માટે કામના કરી. જીવતા નાગરિકો કરતાં, ઘૃણિત હત્યાનો ભોગ બનેલા વધારે ભાગ્યશાળી હોય છે, કારણ કમ સે કમ, તેમના કોઈએ ન જોયેલા-અનુભવેલા-પુરાવાવિહીન અસ્તિત્વવાળા આત્માની ગણના થાય છે.
વિવિધ રાજકીય પક્ષો વચ્ચે શો ફરક?
ઉત્તર પ્રદેશના પૂર્વ અને પ્રથમ દલિત મુખ્યમંત્રીએ સવાલ પૂછ્યો છે: ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે ફરક શું? યોગ્ય સવાલ એ છે કે જ્યાં સુધી આ દેશના બહુમતી ગરીબ-વંચિત-દલિત-લઘુમતીના અધિકારોને લાગેવળગે છે ત્યાં સુધી ભારતના તમામ પક્ષો વચ્ચે શું ફરક છે?
ડૉ. આંબેડકરના રાજકીય વિચારોને રાજકીય સત્તામાં પરિવર્તિત કરનાર કાંશીરામે દલિતો માટે દેશમાં ભારે આશા જગવી હતી. પંજાબ-ઉત્તર પ્રદેશમાં એ કરી શક્યા તેની પાછળ એમના ભારે શ્રમ ઉપરાંત પંજાબમાં આદિ-ધર્મ-ચળવળના સ્થાપક મંગુરામ અને ઉત્તર પ્રદેશમાં સ્વામી અછુતાનંદનું પ્રદાન ભારે હતું. ફુલનદેવીના વિસ્તારમાં ગામડાંમાં મુલાકાત વેળા એવા વૃદ્ધોને મળવાનું થયું જે રાત-દિવસ સાઇકલના સહારે કાંશીરામ સાથે ગામડાં ખૂંદતા હતા. નાની વસતિઓમાં સભા, સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌથી બ્રાહ્મણ-પ્રભાવશાળી અને સમગ્ર ભારતની સંસદની પાંચમા ભાગની બેઠકો પર પ્રભુત્વ જમાવનાર ઉત્તર પ્રદેશમાં વૈકલ્પિક અને સફળ રાજનીતિ ઊભી કરી. પરંતુ વર્ષ ૨૦૦૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ૪૦૬માંથી ૨૦૩ બેઠક મેળવનાર બહુજન સમાજ પક્ષ ૨૦૧૭માં માત્ર ૧૯ બેઠક જીતી શક્યો. પણ, ઉત્તર પ્રદેશમાં ૮૫ વિધાનસભાની બેઠકો દલિત-અનામત છે. તેમાંથી ભા.જ.પ. અને સાથી પક્ષોને ૭૫, સ.પા.ને ૭, એક અપક્ષ અને બી.એસ.પી.ને ફાળે માત્ર ૨.
દલિતો પાસે સંખ્યાબળ અને આક્રોશ છે પણ સામાજિક ન્યાયની દિશા સ્પષ્ટ નથી. સમાજમાંથી જે રાજકીય નેતાગીરી ઉભરી તે સ્વ-કેન્દ્રિત વધુ છે. નવી યુવા નેતાગીરીને રાજકીય ખુરશીમાં સત્તા દેખાય છે. તે માને છે કે સત્તા મેળવવા કંઈ પણ કરવું જોઈએ. દેશની લઘુમતી પાંચથી સાત ટકા બ્રાહ્મણ વસતિને રીઝવવા હવે પરશુરામની પ્રતિમા તે નવો રાજકીય કાર્યક્રમ છે.
તારણ એ છે કે સરકાર કોઈ પણ પક્ષ બનાવે, દલિતો પર અત્યાચાર વધે છે, કારણ જ્ઞાતિ વ્યવસ્થાનિર્મૂલન ભારતના કોઈપણ રાજકીય પક્ષનો એજેન્ડા નથી. ઉત્તર પ્રદેશમાં દલિતો લઘુમતી નથી, ૨૦.૭ ટકા (૨૦૧૧) વસતિ છે. છતાં દેશમાં સૌથી વધુ અત્યાચાર દલિતો પર ઉત્તર પ્રદેશમાં થાય છે. રાજકીય અનામત ન હોત તો દલિતો વધુ સંગઠિત હોત અને અત્યાચારો ઓછા થાત તેવું ઘણી વાર લાગે છે.
e.mail : martin.macwan@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 07-10