(પ્રશાંત ભૂષણ સામે અદાલતી અવમાનના કેસનો ચુકાદો આવ્યો તેના આગલા દિવસે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલો ખુલ્લો પત્ર)
માનનીય ન્યાયાધીશો,
આ પત્ર તમને આદર તેમ જ વ્યથાથી લખી રહ્યો છું. જે રીતે વધુને વધુ લોકોનો ભારતની અદાલતો પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે, એ બાબતે હું એક ઇતિહાસકાર તરીકે તથા એક નાગરિકની હેસિયતથી પણ ચિંતિત છું. એટલી ચોખવટ કરી દઉં કે આ અવિશ્વાસ ભારતમાં લોકશાહીની વ્યાપક પડતીનો એક ભાગમાત્ર છે, અને સુપ્રીમ કોર્ટ તેનું મુખ્ય પાત્ર નથી. લોકશાહી માટે (કદાચ વધારે) ખતરારૂપ પરિબળો અમલદારશાહી અને પોલીસનું રાજકીયકરણ; વ્યક્તિત્વવાદ, સ્વતંત્ર મીડિયાનું દમન, ટીકાકારો સામે કરવેરાની તથા તપાસની સંસ્થાઓનો અન્યાયી ઉપયોગ, અંગ્રેજી રાજ વખતના કાળા કાયદા નાબૂદ કરવાને બદલે તેમને મજબૂત કરવાનું વલણ, રાજ્યો પાસેની સત્તાઓ ઝૂંટવાઇ જવાથી ભારતના સમવાયી તંત્રનું જોખમાયેલું સંતુલન વગેરે છે.
મારે એ પણ સ્પષ્ટતા કરવી રહી કે લોકશાહીની હાલની કથળતી અવસ્થા માટે કોઈ એક જ પક્ષ કે નેતા જવાબદાર નથી. લોકશાહી પ્રક્રિયાઓની વિકૃતિની શરૂઆત કેન્દ્રમાં કાઁગ્રેસનું રાજ હતું ત્યારે થઈ હતી અને ભા.જ.પ.ના કાર્યકાળમાં તે વધુ ઊંડી ઊતરી છે.
સુપ્રીમ કોર્ટને લોકશાહી મૂલ્યોના રકાસ માટે જવાબદાર ન ગણી શકાય એ ખરું, પણ પાછલાં વર્ષોમાં કોર્ટે તેને રોકવા કે ખાળવા માટે ખાસ કશું કર્યું નથી. ઉદાહરણ તરીકે, UAPA જેવા કાયદાનું બંધારણીય લોકશાહીમાં કોઇ સ્થાન ન હોઈ શકે, પણ કોર્ટે કાયદાને ગેરબંધારણીય જાહેર ન કર્યો. ઇલેક્ટોરલ બૉન્ડ અને નાગરિકતા અધિકાર કાયદા જેવા મહત્ત્વના કેસોની સુનાવણીમાં ગેરવાજબી વિલંબ થયો છે અને લોકશાહી દેશોના ઇતિહાસના સૌથી લાંબા ઇન્ટરનેટ પ્રતિબંધને કારણે કાશ્મીરનાં બાળકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ સહિતના મૂળભૂત અધિકારોથી વંચિત છે. બંધારણવિદો અને ધારાશાસ્ત્રીઓ અહીં આપેલી યાદીમાં બીજા ઘણા ઉમેરા કરી શકે.
કોવિડ-19 કાળમાં સત્તાનું બેફામ કેન્દ્રીકરણ અને આપખુદશાહી બેરોકટોક ફાલ્યાં છે. કેન્દ્ર સરકાર અને શાસકપક્ષે આ મહામારીનો વ્યક્તિત્વવાદ પોષવામાં, રાજ્ય સરકારોની સત્તા પચાવી પાડવામાં અને સ્વતંત્ર મીડિયા પર વધુ નિયંત્રણો સ્થાપવામાં ઉપયોગ કર્યો છે. આવા સમયે સુપ્રીમ કોર્ટના તાજેતરના કેટલાક ચુકાદાઓ પરથી એવી છાપ પડે છે કે તે આ અનિષ્ટો રોકવામાં અસમર્થ છે અથવા ઇચ્છુક નથી.
સુપ્રીમ કોર્ટની નિષ્ફળતા અમુક રીતે આગેવાનોની નિષ્ફળતા છે. એક ચીફ જસ્ટિસ કઠોર કાયદા હેઠળ કાશ્મીરમાં જેલવાસ ભોગવી રહેલી માતાને મળવા ઇચ્છતી પુત્રીને ‘ત્યાં બહુ ઠંડી પડે છે’ એમ કહીને ટાળે, બીજા એક ચીફ જસ્ટિસ લૉક ડાઉનને કારણે નોકરી ખોઈ બેઠેલા સ્થળાંતરિક શ્રમિકો વિશે ટિપ્પણી કરે કે તેમને ખોરાક પૂરો પાડવામાં આવતો હોય તો તેમણે ‘રોજ’ની (દૈનિક પગારની) માગણી ન કરવી જોઈએ. ખુદ મુખ્ય ન્યાયાધીશોની આવી લાગણીવિહીન ટિપ્પણીઓથી કોર્ટનું જ ભૂંડું દેખાય છે. એક ચીફ જસ્ટિસ નિવૃત્તિ પછી તરત રાજ્યનું ગવર્નરપદું સ્વીકારી લે કે એક સીધા રાજ્યસભાના સાંસદ બની જાય, એની તો ઓર ખરાબ છાપ ઊભી થાય છે.
જો કે બધા માટે સઘળી જવાબદારી ટોચની એક જ વ્યક્તિના માથે નાખવી યોગ્ય નથી. “માસ્ટર ઓફ રોસ્ટર” તરીકે ચીફ જસ્ટિસની સત્તાઓ યોગ્ય રીતે વ્યાખ્યાયિત ન હોવાથી (2018માં જસ્ટિસ ચેલામેશ્વર વગેરેએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું તેમ) બની શકે કે તેમના દ્વારા આ સત્તાઓનો દુરુપયોગ થતો હોય. પણ લોકશાહી મૂલ્યોના તથા લોકશાહી સંસ્થાઓના નાશ વચ્ચે સમગ્ર કોર્ટ મૂકદર્શક બની રહેતી હોય, તો ચીફ જસ્ટિસ એકલાને જવાબદાર ઠેરવી ન શકાય. કોર્ટ પાસેથી રહેતી બંધારણીય અપેક્ષાઓ અને કોર્ટની વર્તમાન દિશા વચ્ચે સતત વધી રહેલી ખાઈ અંગે તમામ ન્યાયાધીશોએ ગંભીરતાથી વિચારવું પડે, એ સમય આવી પહોંચ્યો છે.
સર્વોચ્ચ અદાલતની આબરૂ કટોકટીકાળ પછીના કદાચ સૌથી નીચલા સ્તરે છે. જાણીતા બંધારણવિદોનાં લખાણો પરથી એવો જ ખ્યાલ મળે છે. જેમ કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિશે ગૌતમ ભાટિયાએ લખ્યું હતું કે “તેમના સમયમાં સર્વોચ્ચ અદાલત (પોતાના બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ નહીં છતાં) કમ-સે-કમ ઔપચારિકતા ખાતર મૂળભૂત અધિકારોની સંરક્ષક મટીને એક એવી સંસ્થા બની ગઈ, જે અમલદારોની ભાષા બોલતી હોય અને જેને અમલદારશાહીથી અલગ તારવવી મુશ્કેલ હોય” (‘ધ વાયર', 16 માર્ચ, 2019). પ્રતાપ ભાનુ મહેતાએ નોંધ્યું કે “આપણે સર્વોચ્ચ અદાલત પાસેથી બંધારણીય કે કમ સે કમ તેનો દેખાવ ધરાવતા ચુકાદાની અપેક્ષા રાખીએ છીએ. અદાલત કેવી રીતે ફેંસલો સુણાવશે, તેની આપણને ખબર પડતી નથી. પરંતુ પાછલાં થોડાં વર્ષોના ઇતિહાસનો એક બોધપાઠ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ અદાલત કેવી રીતે કામ કરે છે, તેના વિશે આપણા મનમાં ગેરસમજણ છે. સર્વોચ્ચ અદાલતે પોતાની ફરજોની અવગણના, અપ્રામાણિકતા, રાજકીય સ્વતંત્રતાના રક્ષણ પ્રત્યેના અભાવને લઈને આપણને ખરાબ રીતે દુઃખી કર્યા છે.” (‘ઇન્ડિયન એક્સપ્રેસ’, 12 ડિસેમ્બર, 2019). તાજેતરમાં સુહાસ પળશીકરે આપણો દેશ દમનકારી શાસનપ્રણાલીનો ભંડાર માત્ર બની રહેવા વિશે લખ્યું છે કે “આ પરિવર્તન ન્યાયાલય દ્વારા ગંભીર મુદ્દાઓની સદંતર અવગણના અને ક્યારેક તો સીધી ભાગીદારી વિના શક્ય નહોતું.” (‘ઇન્ડિયન એક્સપ્રેસ’, 4 ઑગસ્ટ).
આ ટીકા સાથે અનેક જાગરૂક અને અનુભવી વકીલો સંમત છે, પણ ઉપર ઉલ્લેખાયેલા વિદ્વાનોની જેમ તે જાહેરમાં બોલી શકે તેમ નથી. ગૌતમ ભાટિયા, પ્રતાપ ભાનુ મહેતા અને સુહાસ પળશીકરની ટીકાઓને હું વ્યાપક રીતે સમર્થન આપું છું. જો કે એક ઇતિહાસકાર તરીકે હું સમજું છું કે સંસ્થા ક્ષય પામે, તેમ પુનર્જીવન પણ પામી શકે. 1970ના દશકામાં કટોકટી વખતે અને એ પહેલાં પણ સરકાર સામે કોર્ટનું સંપૂર્ણ આત્મસમર્પણ અને રાજકીયકરણ આખરે 1980-90ના દશકાઓમાં ઉલટાવી શકાયું હતું અને કોર્ટે પોતાની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરી હતી. હું આશા રાખું છું કે આવનારા વર્ષોમાં ન્યાયતંત્રની પડતી રોકી શકાશે અને તે લોકહૃદયમાં ફરી પોતાનું ઉચ્ચ સ્થાન મેળવશે. પરંતુ જો આપખુદશાહી અને ધર્માંધતા બેરોકટોક રહી અને કોર્ટ તેમને અટકાવવામાં નિષ્ફળ નીવડી, તો દેશના અને બંધારણના ઇતિહાસમાં કોર્ટે હાલ કરતાં ય વધુ કઠોર ટીકાઓ સહેવાની આવશે. આવનારી પેઢી કોર્ટને માત્ર અમલદારશાહી કોર્ટ તરીકે જ નહીં, લોકશાહીના હ્રાસમાં સહભાગી કોર્ટ તરીકે જોશે.
હું લાચારીથી મારી આંખ સામે દેશમાં લોકશાહી અને બંધારણવાદનું નિકંદન નીકળતું જોઈ રહ્યો છું અને એટલા માટે જ આ પત્ર.
આપનો સન્નિષ્ઠ,
રામચંદ્ર ગુહા
(અનુવાદઃ સુજાત)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 02-03