પરાગજી પટેલ રોયલમેલમાં સોર્ટર તરીકે જોડાયા અને રમૂજવૃત્તિથી થોડા જ દિવસોમાં સ્ટાફના દિલમાં પોતાની ખાસ જગા બનાવી લીધી. ટી-બ્રેકમાં એના જૉક્સ સાંભળવા પાંચ-સાત જણ પરાગજીને વીંટળાયેલા હોય અને પરાગજી પોતાની આગવી અમદાવાદી લઢણમાં હાસ્યનાં એવાં એવાં ગતકડાં છોડે કે આસપાસ વીંટળાયેલા સૌ હસીહસીને ગોટમોટ થઈ જાય. પરાગજીએ પોતાની પસંદગીના થોડાક મિત્રો પણ બનાવી લીધેલા, જેમાં ગટુ ખાસમખાસ હતો!
ઑફિસનો મોટા ભાગનો સ્ટાફ કામ પર પહોંચવા પબ્લિક ટ્રાન્સપોર્ટ્નો ઉપયોગ કરતો. જ્યારે પરગજી તો પોતાની ફોર્ડ કોર્ટિનામાં વટથી આવતા.
અમૂક ખાસ મિત્રો સાથે દોસ્તી જામી ગયા પછી એક દિવસ પરાગજીએ ગટુને કહ્યું : "ગટુ, તું ડ્યુટી ભરવા ટ્રેનમાં રોજ એકલો આવે છે, મારી સાથે કારમાં આવવાનું રાખતો હોય તો? હું તારા ઘર પાસેથી તો નીકળું છું.''
"થેંક્સ, પરગાજી. આવું તો ખરો પણ તમે કાંઈ પૈસા લેવાનું સ્વીકારો તો!''
"ઈફ યુ ઇન્સિસ્ટ. તારા ઘર પાસે ગૌતમ રહે છે તેને પણ કહી દે'જે. એ પણ ભલે મારી ગાડીમાં આવતો. રસિક અને ચંદુને હું પૂછી લઈશ.''
"પણ પેટ્રોલના પૈસા આપણે શેર કરશું, ઑકે?'' ગટુએ કહ્યું.
ગટુ, ગૌતમ, રસિક અને ચંદુ પરાગજી સાથે કામે આવવા લાગ્યા. વીક પૂરું થાય એટલે ચારેય દોસ્તો પાંચ-પાંચ પાઉન્ડની રાણી છાપ નોટો પરાગજીના હાથમાં થમાવી દેતા. શરૂશરૂમાં પરાગજી આનાકાની કરતા પણ પછી સ્વીકારતા થયેલા.
પરાગજી ડ્રાઇવિંગ કરતા જાય ને રસ્તમાં જૉક્સ પણ કરતા જાય. જાતઅનુભવોની બે વાતોની સાથે આપવડાઇની કથની એ તો લટકામાં! ને સાંભળનારને લાગે કે, સાલો છે રાજા માણસા હોં કે! આ જણની દોસ્તી થઈ તેને જલસા જ જલાસા! કોઈ વાર પરાગજી દોસ્તોને બેકર સ્ટ્રીટ પર ભપકેદાર ‘વાઈસરોય’ રેસ્ટોરાંમાં ડિનર માટે લઈ જાય, નાઈટ શિફ્ટ હોય ત્યારે વેમ્બલીના ઈલિંગ રોડ તરફ ગાડી દોડાવી મિત્રોને નાસ્તા-પાણી કરાવી ખુશખુશાલ કરી દે. કોઈને ખિસ્સામાં હાથ નાખવા દે તો એ પરાગજી નહિ! મિત્રોને થાય પરાગજી એટલે દિલના રાજા!
એક વાર ગટુએ એમને પૂછ્યું, ‘પરાગજી, પૈસે ટકે તમે આટલા સધ્ધર છો તો કોઈ બિઝનેસમાં પડોને યાર!’
‘ગટુ, આ જોબ તો અમસ્તી ટાઇમ પાસ પૂરતી લીધી છે. મેં બે પ્રોપર્ટી ભાડે ચડાવેલ છે, એક બેટિંગ ઓફિસ લીઝ પર દીધી છે. પોસ્ટ ઓફિસની નોકરી છે પછી વધુ પૈસાનું શું કરવું છે?’ કહી પરાગજીએ ગટુના પેટમાં હળવો મુક્કો મારી દીધેલો.
એક સવારે ગટુ અને બીજા ભાઈબંધો કારમાં સોર્ટિંગ ઑફિસ તરફ જવા નીકળ્યા ત્યારે પરાગજીનો સદાબહાર ચહેરો થોડો ઉદાસ લાગ્યો. કાર ચલાવતી વખતે પણ એ ગુમસૂમ રહ્યા. સોર્ટિંગ-બૈ પર પણ કોઈની સાથે બોલ્યા નહોતા.
લંચ-બ્રેક્માં ગટુ એની પાસે ગયેલો.
‘પરાગજી, કશી ચિંતામાં લાગો છો.’ ગટુએ પૂછેલું.
‘ચાલ્યા કરે. માઈનર ફાઇનાન્સિયલ વરીઝ.’
‘હું તમને કંઈ મદદરૂપ થઈ શકું?'
‘યસ. તું જ એક એવો દોસ્ત છે જે મારી મદદ કરી શકે એમ છે.' પરાગજી રૂંધાતા સ્વરમાં બોલ્યા.
"બોલો, શું વાત છે?''
‘ગટુ, પેરિવેલમાં એક મકાન ખરીદવાનો સોદો કરી બેઠો છું. મોર્ગેજ પાસ થતાં થોડો સમય લાગશે અને સોલિસિટરને એડવાન્સના ત્રણ હજાર પાઉંડ તાત્કાલિક દેવાના છે. પૈસા બધા શેર્સ અને આઈસામાં રોકાયેલા છે. કાલ સાંજ સુધી સોલિસિટરને એડવાન્સની રકમ નહીં પહોંચાડું તો મકાન જશે. અને મારી હજાર પાઉંડની ડિપોઝીટ પણ જશે.'
ગટુએ ચારેક દિવસ પહેલાં નેટવેસ્ટ બેંકમાં દસ હજાર પાઉંડ જમા કરાવ્યા હતા, તેની વાત તેણે કારપુલના મિત્રોને કરી હતી. એ વાત સાંભળીને ગટુ પાસેથી મદદ મળશે એવી પરાગજીની ગણતરી હતી. અને તેણે આ મોકો ઝડપી લીધો ને ત્રણેક હજારની મદદ કરવા ગટુને વિનંતી કરી. ગટુએ ચારેક દિવસ પહેલાં નેટવેસ્ટ બેંકમાં જમા કરાવેલા દસ હજાર પાઉન્ડમાંથી ત્રણ હજાર પાઉન્ડ પરાગજીને ખાનગીમાં આપી દેવાનું વિચાર્યું; મિત્રોને પણ શા માટે જણાવવું? નાહક પરાગજીને જ નીચાજોણું થાયને?
એ સાંજે ગટુએ પરાગજીને ત્રણ હજાર પાઉન્ડનો ચેક આપી દીધો.
‘દોસ્ત, તારો ઉપકાર ક્યારે ય નહીં ભૂલું! આ પૈસા હું તને બે જ મહિનામાં પાછા ચૂકતે કરી દઈશ.’ કહેતાં એણે ગટુને બાથમાં લઈ લીધો.
પરાગજીને એકાદ મહિના પછી બુકરૂમમાં બઢતી મળી. બુકરૂમની ટ્રેનિંગ પૂરી કરી એ રિઝર્વ લિસ્ટ પર આવી ગયા. બુકરૂમનો સ્ટાફ રજા પર હોય ત્યારે પરાગજીને બુકરૂમની ડ્યૂટી મળતી.
બુકરૂમની ડ્યૂટી હોય ત્યારે પરાગજીના ચહેરાના તેવર બદલાઈ જાય, સ્ટાફ સામે ફૂંફાડા મારે. બુકરૂમના એ એકલા જ ઇન્ચાર્જ ! મોટા સાહેબ આડાઅવળા થયા હોય તો ટેબલ પર પગ ચડાવીને બેસે. એક વાર અચાનક મોટા સાહેબ આવી ચડેલા તો પરાગજી ભડકીને ઊભા થવા ગયા ને પડી ગયેલા તો મોટા સાહેબનું પાટલૂન પકડીને ઊભા થવાની કોશિશ કરી, ને મોટા સાહેબનું પાટલૂન નીચે સરકે તે પહેલાં મોટા સાહેબે પગ ખેંચી લીધેલો અને પરાગજીને તાબડતોબ કૅબિનમાં હાજર થવાનું ફરમાવી ફૂંફાડા મારતા પોતાની કૅબિનમાં ચાલ્યા ગયેલા. અડધા કલાક સુધી પરાગજી ને મોટા સાહેબ વચ્ચે તનતની ચાલી, પછી પરગાજી કૅબિનમાંથી બહાર આવ્યા ત્યારે એનું મોં પડેલું હતું.
બપોરે લંચ-બ્રેકમાં ચંદુએ ટેબલ પાસે આવી ગટુની બાજુની ખુરશી પર બેસતાં ચંદુએ પૂછ્યું: ‘કંઈ સાંભળ્યું?'
‘શું?’ ગટુ સામેથી પૂછયું.
‘પરાગજીને સસ્પેન્ડ કર્યા છે.'
‘હેં??? … પણ કેમ?'
‘ખબર નહીં પણ પણ કોઈ કહે છે પરાગજીએ કમલભાઈની પટ્ટી પાડી બે હજાર પડાવ્યા છે, કોઈ કહે છે બુકરૂમની તિજોરીમાંથી ચોરી કરી છે, અને કોઈ કહે છે મોટા સાહેબ સામે થઈ ગ્યા'તા.'
ગટુ ગંભીર થઈ ગયો. દિલ કહેવા લાગ્યું, ના, પરાગજી આવું કરે નહિ! એમને નાણાંની ક્યાં ખોટ છે? એ ચોરી શા માટે કરે? ને મોટા સાહેબ સામે ડોળા કાઢે?? કાંઈ દિમાગ ફરી ગયું છે?
બીજે દિવસે સાચી હકીકત બહાર આવી. શનિવારની રાતે બુકરૂમમાં પરાગજી સિવાય બીજું કોઇ ન હતું. પરાગજી સ્ટાફના રેકોર્ડનું ડ્રોઅર ખોલી કાર્ડઝ ઉથલાવતા હતા ત્યારે બુકરૂમનો ચપરાશી એને જોઈ ગયેલો. પરાગજીએ સરફરાઝ હુસેનનું એડ્રેસ એક ચબરખી પર લખી લીધેલું.
રાતે ડ્યુટી પૂરી કરીને પરાગજી સરફરાઝ હુસેનને ઘરે પહોંચી ગયેલા. ડોરબેલનું બટન દાબ્યું. થોડી વાર બહાર ઊભા રહ્યા ત્યાં ‘કૌન હૈ?’ કહેતા એક બુઝુર્ગ પોર્ચમાં આવ્યા. ‘કિસ સે મિલના હૈ, ભાઈ?'
‘મૈં પરાગજી. પરાગજી પટેલ. મેં ઔર સરફરાઝ માઉન્ટ પ્લેઝંટમેં ઇક સાથ કામ કરતે હૈં. સરફરાઝકો અચાનક પૈસેકી જરૂરત પડ ગઈ હૈ. પાંચસો પાઉન્ડ મંગવાયેં હૈ. લેનેકે લીએ ભેજા હૈ.'
‘ઈતને સારે પૈસે?’ સરફરાઝના વૃદ્ધ સસરાએ જવાબ આપ્યો, ‘ઠહેરીએ, મૈં મેરી બેટીસે પૂછ લેતા હૂં.’ કહેતા ડોસા અંદર ગયા અને થોડી વારે સરફરાઝની બીબી ઝરીબ સાથે બહાર આવ્યા.
‘આપ કૌન?' સરફરાઝની બીબીએ પરગજીને પૂછ્યું.
’મેં સરફરાઝ કા દોસ્ત હૂં. સચમેં સરફરાઝને ઈસ કે બારેમેં આપકો કુછ નહીં બતાયા?'
‘નહીં.’ ઝરીને બારણું બંધ કરતાં કહ્યું, ‘ઐસા કરેં, આપ કલ સુબહ હી આઈયેગા. મેરે હસબંડ ભી ઘર પે હી હોંગે.' કહી ઝરીને દરવાજો વાસી દીધો.
બીજે દિવસે ઓફિસમાં ભડકો થયો. સરફરાઝે બુકરૂમ પી.ઈ.બી યાને મોટા સાહેબને ફરિયાદ કરી કે પરાગજી કાલે રાતે મારી ગેરહાજરીમાં મારે ઘેર આવી મારી બીબી પાસે પૈસા માગવા આવ્યા હતા. અને પૈસા આપવા માટે મારી બીબી પર દબાણ કરતા હતા.
મોટા સાહેબે પરાગજીને પોતાની કેબિનમાં બોલાવ્યા, ગુનાની ગંભીરતા જોતાં સાહેબે પરગાજીને સસ્પેન્ડ કર્યા.
જતાં જતાં પરાગજીએ પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ ઉપાડી સીધી મોટા સાહેબ તરફ ઉછાળી. ફાઈલમાંના કાગળો પંખીનાં પીંછાંની જેમ આડા અવળા ઊડવા લાગ્યા.
ગટુની ઊંઘ હરામ થઈ ગઈ. સાળાનું ચસકી ગયું હશે? હવે ત્રણ હજાર પાઉંડનું નાહી જ નાખવાનું ને!
પરાગજીના ઓફિસના લેણદારો તો બિચારા મોં બંધ કરીને બેસી રહ્યા, બધા પાસેથી પરાગજીએ બસો પાંચસો કે હજાર બે હજાર ખાનગીમાં ઉધાર લીધેલા. બેન્કો તરફથી વકીલોની નોટિસો આવી રહી હતી. ઘર દીકરાના નામે હતું એટલે તે સલામત હતું પણ ક્રેડિટ કાર્ડનું દેવુંયે મસમોટું થઈ ગયેલું. કોઈકે કહેલું કે ટોટલ લાખેક પાઉંડની ઉધારી હતી. લેણદારો તરફથી ફોન પર ધમકીઓ પર ધમકીઓ આવી રહી હતી. પરાગજી લેણદારોને ફોનના જવાબમાં હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતા. એમની પત્ની પાર્વતીબહેને ફોન કનેક્શન કટ કરાવી નાખ્યું. તો પરાગજી એકલા એકલા ફોનનું રિસીવર ઉપાડી પ્યાસા ફિલ્મનું ગીત ગાવા લાગતા, હટા દો .. હટા દો … હટા દો યે દુનિયા …
અચાનક એક રવિવારે પાર્વતીબહેન ગટુને ઘરે પહોંચી ગયેલાં. પાર્વતીબહેનનું મોં સૂઝી ગયેલું. આંખો લાલ લાલ થઈ ગયેલી. માથું લઘરવઘર અને બોલવા પ્રયત્ન કરે પણ જીભ થોથવાય. પાર્વતીબહેનને આવી હાલતમાં આવેલાં જોઈને ગટુ હેબતાઈ ગયેલો.
ગટુની પત્નીએ પાર્વતીબહેનને બેસાડીને પાણી આપ્યું. આખરે પાર્વતીબહેને તતપપ કરતાં કહ્યું, ‘તમારા ભાઈબંધ હવે ઝાલ્યા ઝલાતા નથી. ગમે તેમ ધમપછાડા કરે છે. ઘરમાં કપડાં ઉતારી બૂમો પાડે છે કે તું હલકટ છો, તું ઓલા કાળિયા સાથે ચાલુ થઈ ગઈ છો.’
‘કોણ કાળિયો?’ ગટુની પત્નીએ એક ડગલું પીછેહઠ કરીને પૂછ્યું. ગટુને ગમ્યું નહીં કે બ્લેક માણસ માટે પરાગજી આવો હલકો શબ્દ વાપરે. એ એકદમ ગમ્યું નહીં કે બ્લેક માણસ માટે પરાગજી આવો હલકો શબ્દ વાપરે. એ એકદમ ગૂંચવાઈ ગયો હતો.
પાર્વતીબહેન કહી રહ્યાં હતાં : ‘સવારના એક કાળો માણસ ઘરે આવેલો. તેને જોતાં હું તો રસોડામાં સંતાઈ ગઈ. પરાગજીની બોચી પકડીને ઈ કહેવા લાગ્યો કે આ બધા નખરા છોડ, કુત્તાના બચ્ચા, કાલ સવાર સુધીમાં મારા પૈસા નહીં મળે તો ટાંગ તોડી નાખીશ.’ પાર્વતીબહેને હિબકાં ખાતાં કહ્યું, ‘પછી જાતાં જાતાં એણે એક ખુરશી તોડી નાખી ને તમારા ભાઈનું માથું ભીંતે પછાડ્યું. મારા તો મોઢામાંથી અવાજ જ ન નીકળ્યો.'
‘અરેરે.’ ગટુએ કહ્યું.
‘ને હવે તમારા ભાઈબંધને પ્રેસર થૈ ગ્યું છે કે કોણ જાણે સું છે, પણ કારપેટ ઉપર લોટે છે, ને છાતી ઉપર હાથ ચોળે છે. ડાક્ટરને બોલાવ ડાક્ટરને બોલાવ એવી રાડું નાખે છે.’ પાર્વતીબહેને ગટુની દિવાલે લાગેલા ફોન તરફ હાથ લંબાવ્યો. ‘અમે ફોન કટ કરાવી નાખ્યો છે. તમે મોબાઈલમાં જરાક -‘
ગટુએ ડો. સગલાણીને મોબાઈલ ફોન જોડ્યો. ડોક્ટરને વિગત જણાવી. પાર્વતીબહેન સાથે ગટુ એમના ઘરે પહોંચ્યો. વીસેક મિનિટ પછી ડો. સગલાણીએ હાંફળાફાંફળા પોતાની બેગ લઈને પરાગજીના થ્રી બેડ રૂમ હાઉસનો ડોરબેલ દબાવ્યો.
‘ક્યાં છે પેશન્ટ?' ડૉક્ટરે અંદર દાખલ થતાં પૂછ્યું.
‘બાજુના બેડરૂમમાં.'
બેડરૂમમાં વિન્ડો પાસે એક ડબલ બેડ ઉપર પરાગજી છાતી પર હાથ દાબીને સૂતા હતા. જાડા કાચ વાળાં ચશ્માંમાંથી એમણે જોયું કે ડો. સગલાણી તેના બેડ તરફ આવી રહ્યા છે, અને પરાગજીએ ત્રાડ પાડી બાજુના ટિપોય પરથી પિત્તળનું ફ્લાવર વાઝ ઉપાડી ડોક્ટર સગલાણી તરફ ઉછાળ્યું.
ડૉ. સગલાણી સમયસર ખસી ગયા ન હોત તો એ ઘા સીધો તેમની આંખ પર આવ્યો હોત.
પાર્વતીબહેન રડમસ અવાજે બોલ્યાં : ‘ડોકટર સાહેબ, ઘરમાં પણ એ બસ આવા જ અખાડા કરે છે.’
સાંભળીને પરાગજી વિફર્યા. સીધી જ ત્રાડ પાડી; ‘તું કોણ છે? કેમ ઘૂસી આવ્યો છે, હરામજાદા, મારા ઘરમાં?’ કહેતાં પરાગજી બેડમાં ઊભા થઈ ગયા અને ડૉકટર તરફ ધસ્યા. ગટુએ અને ડૉકટરે તેના હાથ પકડી રાખ્યા.
‘કોણ ગટુ?’ પરાગજીએ ગટુને પાસે ખેંચ્યો. ‘આવ. આવ! મને ખબર જ હતી, દીકરા, કે તું જરૂર મારા પૈસા દૂધે ધોઈને આપવા આવીશ.’ પરાગજીએ ગટુના ગાલે બચી કરી લીધી. પછી પાર્વતીબહેન તરફ જોઈ ગર્જ્યા, ‘એ ય કુલટા! હવે ડાક્ટર ભેગા તારે ઘર ઘર રમવું છે, એમ?’ બોલીને પત્ની તરફ હાથ ઉગામવા જતા હતા પણ તરત છાતી દબાવી પથારીમાં ઢળી પડ્યા.
‘ડોક્ટર સાહેબ, મને હવે અહીં બીક લાગે છે. કંઈક કરો. આ ઘેલા થઈને મારી ટોટી દબાવી દેશે તો? પાર્વતીબહેન ડૉકટરને વળગી રડવા લાગ્યાં.
‘બહેન, કોઈ ગંભીર માનસિક ચિંતાના કારણે તમારા હસબન્ડનું મગજ ચસકી ગયું છે. એક ઘેનનું ઇંજેક્શન આપું છું. સવાર સુધી એ ઘેનમાં રહેશે પણ સવારે એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે.'
‘મારા હસબન્ડ મગજમેડ થઈ ગ્યા છે?’
‘હોસ્પિટાલવાળા તપાસ કરશે ને જે હોય તેનો ઇલાજ કરશે. હમણાં તો કન્ટ્રોલની બહાર છે.' ડૉકટર સગલાણીએ કહ્યું.
આટલું સાંભળીને પરાગજીએ ડૉક્ટરને લાફો મારી દીધો : ’સાલા ડામીચ !’
‘આ મૅન્ટલ કેસ છે. હી ઈઝ ટોટલી આઉટ ઓફ હિઝ માઈન્ડ!’ ડૉકટરે પોતાનાં ચશ્માં સંભાળી ગાલે હાથ ફેરવતાં કહ્યું. પછી પરાગજીના કુલ્લા ઉપર ઘેનનો સોયો ખોસી દીધો. પરાગજીએ જોરથી ત્રાડ પાડી પણ પછી શાંત થઈ પડખું ફેરવ્યું.
ગટુને લાગ્યું કે ડૉક્ટરે સોયો ધરાર ખૂંચાડ્યો છે.
બીજે દિવસે સવારે એમ્બ્યુલન્સ આવી અને પરાગજીને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા લઈ ગઈ. હૉસ્પિટલના ડૉકટરે પ્રાગજીને ગાંડા તરીકે સર્ટિફાઈ કરી દીધા.
એ ઘટનાને આ જે વીસેક વરસ થયાં હશે. ગટુ પોતાના ફેમિલી સાથે ઇન્ડિયા ચાલ્યો ગયેલો. જામનગરમાં તેણે ઊડી વાત સાંભળેલી કે પરાગજી પાંચેક વરસ હોસ્પિટાલમાં ગાળી સાજા થયા, અને હવે પંદરેક વરસથી લંડનમાં કશેક સારી નોકરી કરે છે. પોતાની ન્યાતના સમૂહલગ્નોમાં છૂટા હાથે પૈસા વેરે છે અને વતનમાં લાખો રૂપિયાના દાન કરે છે. દાનવીર કર્ણ સાથે એની સરખામણી થાય છે.
ગટુએ પોતાના પૈસાનું તો નાહી નાખેલું. પણ પરાગજી હવે આવા દાતાર બની બેઠા છે તો એક વાર તેને જોવા જોઈએ.
અને અચાનક ગટુના સાળાની દીકરીનાં લગ્ન લેસ્ટરમાં લેવાયાં ને ગટુ તથા તેની પત્નીને લંડન જવાનું થયું. પોસ્ટ ઓફિસના કલીગો બધા રફે દફે થઈ ગયેલા અને પારગજીના જૂના ઘરે કોઈને જાણ નહોતી કે એ ક્યાં છે. લંડનથી પાછા ફરતાં હિથ્રો એરપોર્ટ ઉપર સિક્યુરિટી ચેકિંગ વખતે એકાએક એના ખભે કોઈએ હાથ મૂક્યો :
પરાગજી!
‘અરે!' ગટુ છળી ઊઠ્યો.
‘કેમ ગટુ, ઓલરાઈટ છો ને?’
બન્ને એક તરફ ઊભા રહી ખબરઅંતર પૂછવા લાગ્યા. ગટુના ગળા સુધી આવીને ૩,૦૦૦ પાઉંડની વાત અટકી ગઈ કેમ કે પરાગજી પોતાના અસલી રૂપમાં રાજા માણસની જેમ વાત કરતા હતા. ‘બ્રધર, બેચાર લાખ પાઉંડનું દેવું થઈ ગયેલું. ને પૈસાની માથાકૂટમાં મગજ ઉપર અસર થઈ ગયેલી. પાંચ વરસ હોસ્પિટાલમાં શો થેરેપી કરાવી. હવે ઓરરાઇટ છું.’ પરાગજીએ જણાવ્યું.
ગટુએ પરાગજીની સરખામણી વતનમાં કર્ણ સાથે થાય છે તેનો ઉલ્લેખ કર્યો. પરાગજીએ સ્મિત કર્યું. પછી ગટુએ હિંમત કરી મોં ખોલ્યું, ‘તો પેલા ત્રણ હજાર – ‘
‘આવ, આવ, દીકરા, ગટુ! મને ખબર હતી કે તું મારા પૈસા દૂધે ધોઈને પાછા આપવા આવીશ, હહાહાહાહા!’ કહીને પરાગજીએ અટહાસ્ય કર્યું, પછી ગટુના ગાલે બચી કરતાં કહ્યું: ‘અલ્યા ગાંડો થ્યો છે?'
સિક્યુરિટીની લાઇનમાં ભીડ થવા લાગેલી ને પરાગજીએ ગટુને લાઇનમાં ધકેલી દીધો. ગાલ પંપાળતાં ગટુ વિચારવા લાગ્યો કે પરાગજી પહેલાં ખરેખર ગાંડો હતો? કે હવે પોતે પૈસા માગ્યા તેથી ફરી ગાંડો થઈ ગયો છે? કે કદી ગાંડો નહોતો? ને સાચો મગજમેડ ગટુ હતો?
[સમાપ્ત]
324, Horn Lane, Acton, LONDON W3 6TH [U.K.]
પ્રગટ : “અખંડ આનંદ”; જૂન-જુલાઈ 2020; પૃ. 40-45