તને યાદ છે, આપણે ગઈ આઠમે મળ્યા'તા?
અને તે ય પાછા મેળામાં?
તારી પાસે પાવો હતો,
તું ઉપરથી ઉઘાડો હતો.
તેં નાના અમથા મુગટમાં મોરપિચ્છ ખોસેલું,
તારી આગળપાછળ ફરતી
બે યુવતીઓ,
એકે પથારાવાળા પાસેથી તંબૂરો
તો બીજીએ ચિતરેલી નાની માટીની મટુકી ખરીદેલી.
તું રાજી થઈ મેળામાં મહાલતો હતો,
તેં ય સૅલથી ચાલતું રમકડું લીધેલું,
અદ્દલ સુદર્શનચક્ર જ જોઈ લો !
એક સ્ટૉલ પર તેં માખણ માંગેલું, પણ
પેલાએ તને બટર આપેલું,
પણ લૂખું તો ખવાય નહીં !
તું અકળાયેલો, મૂંઝાયેલો!
તે આજે ય જન્માષ્ટમી છે.
પણ, આજે મેળો નથી.
તું આવીશ નહીં, ફેરો પડશે.
આવે તો માસ્ક પહેરીને આવજે.
સેનેટાઈઝરને ઓળખે છે?
સોશ્યલ ડિસ્ટન્સની ખબર છે?
રાધા-મીરાંને કહેજે તારાથી દૂર રહે !
કોરોના કે કંસે સામ્રાજ્યવાદી વલણ અપનાવ્યું છે.
તારો જાદૂ ચાલશે ?
હવે જો જાદૂ ન જ ચાલવાનો હોય તો તું
હોમક્વોરાઈન્ટન થઈ જજે.
અને હા,
અમને પેલો શ્લોક હવે યાદ નથી;
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति। भारत………
તેથી કશો સંકોચ કરતો નહીં !
અમારી ચિંતા કરતો નહીં,
અમને આત્મનિર્ભરના પાઠ સાહેબે
શીખવી દીધા છે.
ઓકે?