આજની તો ખબર નથી, પણ એક જમાનામાં ડોકટરના દવાખાનાની બહાર એક નાનું પાટિયું રહેતું. એમાં ડોકટરના નામની નીચે એક ચોરસ ટિકડી રહેતી. જેની ડાબી બાજુ ‘ઇન’ અને જમણી બાજુ ‘આઉટ’ રહેતું. ડોક્ટર દવાખાનામાં હોય તો પેલી ટિકડી ‘આઉટ’ પર રહેતી. જેથી એ શબ્દ ઢંકાયેલો રહેતો. પછી ડોક્ટર બહાર જાય તો પેલી ટિકડી ‘ઇન’ પર રહેતી. જતા જતા ડોક્ટર જ ‘આઉટ’ પરથી ટિકડી ખસેડી ‘ઇન’ પર મૂકતા ને એ શબ્દ ઢંકાઈ જતો. દિલીપ મોદી એમ.બી.બી.એસ. ડોક્ટર. એમણે ૧૫ જુલાઈએ ‘ઇન’ પર ટિકડી મૂકી ને ‘બહાર’ ગયા. હવે કોઈ પેલી ટિકડી ફરી ખસેડીને ‘આઉટ’ને ઢાંકે એમ નથી, કારણ દિલીપભાઈ હવે નાનપરાના ટિમલિયાવાડના દવાખાને પાછા ફરવાના નથી. મારા પરમમિત્ર ને સ્નેહી દિલીપભાઈ કોરોનાનો શિકાર થતા આ દુનિયાને ‘આવજો!’ કહી ગયા છે ને હવે કદી પાછા આવવાના નથી. ૧૫ જુલાઈએ બહુ કારમો આંચકો દિલીપભાઈ, મને ને બીજા ઘણા મિત્રો, ડોકટરો, સ્નેહીઓને આપી ગયા છે. દિલીપ અને હુતોક્ષી મોદીની સદા પ્રસન્ન જોડી ખંડિત થઈ છે. વધારે આઘાતજનક તો એ છે કે કોરોનામાં, એક જ અઠવાડિયામાં, એક જ કુટુંબમાં બે મૃત્યુ થયાં છે. ૯ જુલાઈએ દિલીપભાઈના માતુશ્રી કંચનબહેન ગુજરી ગયાં ને ૧૫ જુલાઈએ દિલીપભાઈ …
દિલીપ મોદી નવનિર્માણ સોસાઈટીમાં એમનું દવાખાનું ચલાવતા. દવાખાનામાં ઘણું ખરું એમના સાળા નવરોઝ ભાદા ને એમનાં પત્ની હુતોક્ષી હોય.(એમના એક ભાઈ કેરસી અને હું યુનિયન બેંકમાં સહકર્મી હતા. અમે બંને હવે નિવૃત્ત છીએ.) એ બંને કેસ કાઢવાનું કે દવા આપવાનું કામ મુખ્યત્વે કરતાં. એક સમયે દિલીપભાઈનું રહેવાનું ઉપર હતું. તેમના પિતા નારણભાઈને મેં બે’ક વખત ત્યાં જોયેલા. કદાચ ત્યારે ત્યાં રહેતા પણ હોય. એમને દિલીપભાઈ ખૂબ માનતા. એ ગુજરી ગયા એના આઘાતમાંથી બહાર નીકળતા એમને ખાસી તકલીફ પડેલી. દિલીપભાઈએ એ મકાનના દાદર પર નીચેથી ઉપર આવતા હોય એવો એક ફોટો પડાવેલો. કદાચ ત્યારે એ દાઢી રાખતા એવો ખ્યાલ છે. એ ફોટો ‘કવિતા’ના તંત્રીશ્રી સુરેશ દલાલે તેમની કવિતા સાથે છાપેલો. કવિ, કથાકાર મનહરલાલ ચોકસી સાથે એમના ઘરે હું ગયેલો. હું લખતો હતો, પણ ‘કવિતા’માં પ્રવેશ મારા કરતાં દિલીપભાઈનો વહેલો થયેલો. મનહરભાઈ તેમના ખૂબ વખાણ કરતા, પણ મને ઝીણું કાંતવાની ટેવ એટલે કોઈથી હું ખાસ પ્રભાવિત થઈ શકતો નહીં. એ મર્યાદા મને ખૂબ નડી છે, પણ ધીમે ધીમે દિલીપભાઈ સાથે આત્મીયતા કેળવાઈને જ રહી. એનો યશ વધારે તો દિલીપભાઈને જ આપવો પડે.
નારણભાઈને નવનિર્માણ સોસાઈટીમાં દિલીપભાઈના પિતા તરીકે જોયા ત્યારે લાગ્યું કે એમને મેં અગાઉ પણ ક્યાંક જોયા છે. પછી યાદ આવ્યું કે હું તો એમને ઘરે સચિન પણ જઈ આવ્યો છું. બનેલું એવું કે હું એફ.વાય. બી.એસસી.માં ભણતો હતો ત્યારે રાણીતળાવ મેઈનરોડના કાન્તિલાલ સુખડવાલાના ‘ગાંધી ક્લાસ’માં ગણિત, વિજ્ઞાન ભણાવવા જતો. કદાચ ૧૯૬૬ પછીનો એ સમય હશે. એમાં નવમાં કે દસમાં ધોરણમાં ટ્યૂશન અપાવવા નારણભાઈ દીકરા દિલીપ અને દીકરી(નામ યાદ નથી આવતું)ને લાવેલા. એ બંનેને મેં થોડું શીખવેલું. એ પછી તો વેકેશનમાં નારણભાઈએ અમને બધાંને સચિન પણ તેડેલાં ને અમને ભાવથી રસપૂરી જમાડેલાં. વાર્તાકાર નગીન મોદી અને કવિ કિશોર મોદી પણ ત્યાં જ પહેલીવાર મળેલા. એ બંને દિલીપભાઈના કાકા થાય. પછી તો સચિન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયેલું. એ પછી સીધું દિલીપભાઈને એમના સુરતનાં ઘરે જ મળવાનું થયેલું. એમણે ૩૦ જાન્યુઆરી, ૧૯૭૫થી ડોક્ટર તરીકે શરૂઆત કરી. હું પણ બેંકમાં લાગેલો, પણ કવિતાએ અમને નવે નામે મેળવ્યા.
તબીબ તરીકે દિલીપભાઈ છેવટ સુધી સક્રિય અને સંવેદનશીલ જ રહ્યા. કોઈ તબીબને મેં દરદીની પીડાથી પીડાતા જોયો નથી. બીજા ડોકટરો એમને ફી વધારવાનું કહેતા તો એ કહેતા, ’મારો દરદી, વીસ રૂપિયા જ જેમ તેમ આપે છે ત્યાં ફી વધારીશ તો એ પૈસા લાવશે ક્યાંથી?’ અનેક દરદીઓની એમણે મફત સારવાર કરી છે એટલું જ નહીં, દવાના પૈસા સામેથી આપ્યા છે. એમના દવાખાને કોઈ કવિ આવતો તો એની પાસેથી કોઈ ફી એમણે ક્યારે ય લીધી જ નહીં. હું એમને કહેતો, ’દિલીપભાઈ, બહુ વખતથી તમે કોઈ ફી લીધી નથી. હું ફી આપી શકું એમ છું. હવે તો લો.’ એ હસીને કહેતા, ’તમારો હક છે આ. ફીની વાત ન કરો, પ્લીઝ.’ આવો, હું એકલો ન હતો, ઘણા હતા. વારુ, સારવારમાં એ કોઈ કચાશ ન રાખતા. ઇન્જેક્શન કે દવાઓ એ જરા ય કસર વગર પૂરી તન્મયતાથી, વિચારીને આપતા. આ માણસે સર્જનમાં કસર કરી હશે, પણ સારવારમાં કસર કર્યાનો અપવાદ પણ શોધ્યો જડે એમ નથી.
મારા એક મિત્ર શાંતિલાલ પારેખને કેન્સર હતું. એ અઠવાલાઇન્સની પંચવટી સોસાઈટીમાં રહેતા. દિલીપભાઈને મેં વિનંતી કરી કે એકવાર એને તપાસી શકો તો આભારી થઈશ. એ તૈયાર થયા. એમને લેવા હું એમની ક્લિનિક પર પહોંચ્યો. એમણે એમની ગાડી લીધી ને અમે બંને શાંતિભાઈને ત્યાં પહોંચ્યા. એમની હાલત બહુ જ ખરાબ હતી. દિલીપભાઈએ એમને કાળજીથી તપાસ્યા ને વહેલી તકે હોસ્પિટલે દાખલ થવાનું કહ્યું. હું એમની સાથે ગાડીમાં પાછો ફર્યો ને મેં એમને ફી અંગે પૂછ્યું.એમણે ફી લેવાની ના પાડી. મેં કહ્યું, ’મારી નથી લેતા, પણ આ ફી તો લો! તમે ગાડીનું પેટ્રોલ બાળ્યું ને દૂર સુધી આવ્યા તો …’ પણ એમણે ફી ન લેવા અંગે મને કાલાવાલા કર્યા.
મને ૨૦૦૫માં અકસ્માત નડ્યો. પગે ફ્રેકચર થયું. બે વખત ઓપરેશન થયું. આમાં દિલીપભાઈ ક્યાં ય હતા જ નહીં, પણ અનેક વ્યસ્તતાઓ વચ્ચે હોસ્પિટલે ને ઘરે દિલીપભાઈ એકથી વધારે વખત હુતોક્ષીબહેન સાથે ખબર કાઢવા આવ્યા હતા એ ભુલાય એમ નથી.
આ દરમિયાન મારે જનક નાયક અને નાનુબાપા સાથે ઘરોબો થઈ ચૂકેલો. સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભા દ્વારા અમે અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતા હતા. એમાં જે તે સર્જકની વર્ષગાંઠ પણ અમે ઉજવતા. દિલીપભાઈની જન્મતારીખ ૬ સપ્ટેમ્બર, ૧૯૫૨. દિલીપભાઈ દવાખાનામાં વ્યસ્ત હોય એ કારણે એમની વર્ષગાંઠ બાબતે અમારું ધ્યાન જતું નહીં. કોઈ કવિ સંમેલનમાં પણ એ જ કારણે એમને આમંત્રણ અપાતું નહીં. એ ખટકો દિલીપભાઈને રહેતો. જનક માટે એમના મનમાં પૂર્વગ્રહ બંધાતો જતો હતો. દિલીપભાઈ કહેતા, ’દવાખાનાને લીધે દરેક વખતે ન આવી શકું, પણ કોઈ કાર્યક્રમની મને જાણ કરવાનું પણ ઠીક ન લાગે એ ઠીક નથી.’ મેં જનકને કહ્યું, ’તું એકાદ વખત એમને મળી આવ. એમને કહે કે જાણ ન કરવાનો કોઈ ઈરાદો હોય જ નહીં.’ એક બેવાર અમે ત્રણે મળ્યા. ગેરસમજો દૂર થઈ. રવિવારે યોજાતા તમામ કાર્યક્રમોમાં એ આવતા થયા ને પછી તો જનક અને પરિવાર સાથે એવો નાતો બંધાયો કે જનક ‘છૂટી ગયો,’ પણ સંબંધ અતૂટ રહ્યો, તે એ હદ સુધી કે દિલીપભાઈ તો પછી નર્મદ સાહિત્ય સભાના મંત્રી પણ થયા.
જનકને પણ કેન્સર થયું. દિલીપભાઈ એની સાથે મુંબઈ સુધી ગયા ને સારવારમાં સાથે રહ્યા. નગીનદાસ સંઘવીનો એક ઈન્ટરવ્યૂ સાહિત્ય સંગમમાં હતો. ઈન્ટરવ્યૂ લેતા લેતા જનક એકદમ જ ઢળી પડ્યો. દિલીપભાઈ ત્યાં હાજર. એમણે જનકને તપાસ્યો. પલ્સ પકડાય જ નહીં. એને હોસ્પિટલ સુધી પહોંચાડાયો ને ત્યાં પણ દિલીપભાઈ ખડે પગે રહ્યા. મને કહે, ’આ હવે જીવી જશે.’ જનક ત્યારે જીવી તો ગયો, પણ એણે ય પછી તો લીલા સંકેલી લીધી ને ૧૫ જુલાઈ, ૨૦૨૦ ને રોજ દિલીપભાઈએ પણ …
દિલીપભાઈ વ્યસ્ત ડોક્ટર હોવા છતાં કોલમ લખવાનો ને કવિતા લખવાનો સમય કાઢી શકતા. એમણે ‘ગુજરાતમિત્ર’માં વર્ષો સુધી ‘તંદુરસ્તી’ કરીને આરોગ્ય વિષયક કોલમ લખી. એ જ રીતે ‘જ્યોતિર્ધર’માં પણ તેમણે દોઢેક દાયકા સુધી નિયમિત રીતે આરોગ્ય અંગે લખ્યું. ’હૃદયરોગની એબીસીડી’, ’સ્વસ્થ તન, પ્રસન્ન મન’, ’સ્ત્રીરોગોની સાચી સમજ’, ’સ્ત્રી સ્વાસ્થ્ય સુખાકારી’, ’થાઈરોઈડ વિષે જાણવા જેવું’, ’કિડનીના રોગો’, ’આરોગ્યનો આયનો’, ’તંદુરસ્તી અને આપણે’ જેવાં એમના આરોગ્ય વિષયક પુસ્તકો પ્રગટ થઈ ચૂકેલાં છે, તો બીજા કેટલાંક પ્રગટ થવામાં છે. આમ તો ચર્ચાપત્રો,’ મરચાપત્રો જેવાં હોય છે, પણ કોઈ મહત્ત્વને મુદ્દે આરોગ્ય, રાજકારણ, શિક્ષણને લગતી વાત કરવાની હોય તો એ ગંભીરતાથી ચર્ચાપત્રો લખતા. એ દ્વારા પણ એમણે વાચકોનું સારું એવું ધ્યાન ખેંચેલું.
‘સાહિત્ય સંગમ’માં દર મહિને હાસ્યોત્સવ પણ થતો. અમે છેલ્લે માર્ચના પહેલા રવિવારે ત્યાં મળેલા. એમાં એમણે ટૂચકા કહેલા. છેલ્લે છેલ્લે એમને હાસ્યમાં સારો એવો રસ પડેલો, એ વોટ્સએપ પર ને ફેસબુક પર ટૂચકા, કાર્ટૂન, લઘુલેખ જેવું પણ મૂકતા. એમાં મૌલિક કશુંક હોય તો મને રસ પડતો, પણ એમનું ખરું પ્રદાન તો કાવ્યક્ષેત્રે મુક્તકો, ગઝલો ને અછાંદસમાં છે. કોઈ ગુજરાતી કવિ ‘લિમ્કાબુક ઓફ નેશનલ રેકોર્ડ્સ’માં સ્થાન પામ્યો નથી. ૧૯૦૫ મુક્તકો માટે એ સ્થાન દિલીપ મોદીને મળ્યું છે. એ ઉપરાંત બીજા ૬૦૦ મુક્તકો તો એમણે લખ્યાં જ છે જે ‘સાહિત્ય સંગમ’ દ્વારા બે સંગ્રહોમાં પ્રકાશિત થવામાં છે. પેલાં ૧૯૦૫ મુક્તકો તો અનુક્રમે ‘હે સખી! સંદર્ભ છે તારો અને …’ (૧૯૯૭), ’હે સખી! સોગંદ છે મારા તને …’ (૨૦૦૪), ’હે સખી! છે ઝંખના તારી મને…’ (૨૦૧૨). ’હે સખી! તું રક્તમાં મારા વહે છે…’ (૨૦૧૪), મુક્તક સંગ્રહોમાં પ્રગટ થઈ ચૂકેલાં છે. આ મુક્તકો સંખ્યાની રીતે તો માતબર છે જ, પણ કેટલાંક ગુણવત્તાની રીતે પણ ટકે એવાં છે. કોરોના કાળના કેટલાંક મુક્તકોમાંથી એક જોઈએ –
જિંદગીનું મૂલ્ય તો સમજાય છે,
મૃત્યુના ડરથી સમય ગભરાય છે,
સાબુથી હાથોને ધોઈ ધોઈને,
હસ્તરેખા ક્યાં હવે વંચાય છે?
કોરોનાની બીકે હાથો એટલા ધોવાયા છે કે હસ્તરેખા ય વંચાતી નથી એ કેવો વિપર્યાસ છે!
બીજું એક મુક્તક સ્વયં સ્પષ્ટ છે –
પ્રેમનું ડૂબી ગયેલું વ્હાણ છું,
હું ભંવર જેવી જ કોઈ તાણ છું,
જે નથી ક્યારે ય ભેગા થઈ શક્યા,
બે કિનારા વચ્ચેનું ખેંચાણ છું.
ને આ મુક્તકમાં એમણે લીધેલી વિદાયનો જ વર્ષો પહેલાં પડઘો પડ્યો હોય એવું લાગશે.
આમ જાણે છે નયન મારાં અભણ,
રેતમાં શોધ્યા કરે કોનાં ચરણ?
દોષ કોઈ અન્યનો એમાં નથી,
દૂર ચાલ્યો ક્યાંક હું મારાથી પણ!
દિલીપભાઈ અચાનક ગયા. એમની આવી વિદાયની કદી કલ્પના કરી ન હતી. વધારે શું કહું? એમનો આ શે’ર જ ઘણું કહે એમ છે –
તું નદી છે, તુજ કિનારે હું બળું –
પાત્ર પણ તુજ હાથમાં, હું ભસ્મ છું.
‘પંથ’ (૧૯૮૩), ’દાખલા તરીકે તું’ (૧૯૯૦), ‘અહેસાસ’ (૨00૭), ’નગર તારા વગર’ (૨૦૦૮), ‘એક અલ્લડ છોકરી’ (૨૦૦૮), ‘ઉમળકો’ (૨૦૧૦), ’લિખિતંગ સહી દસ્તક પોતે’ વગેરે એમના સંગ્રહો છે.
એમનો ગઝલ સંગ્રહ ‘અહેસાસ’ પ્રગટ થવાનો હતો તે વખતે એમણે કહ્યું કે મારે એમનો સંગ્રહ જોઈ-તપાસી આપવો. મેં એમને કહ્યું પણ ખરું કે કોઈ ન પૂછે ત્યાં સુધી હું મારો મત આપતો નથી. પરિણામ ગમે તે આવે પણ હું ઝીણું કાંતું છું ને જ્યાં સુધી મને લાગે કે હવે આનાથી વધારે સારું થઈ શકે એમ નથી ત્યારે હું અટકું છું. એમ કરવાથી બધું ઉત્તમ જ થાય છે એવું નથી, પણ એટલો સંતોષ સાથે હોય છે કે થાય એટલું સારું કરવામાં મેં દિલચોરી કરી નથી. એમણે કહ્યું કે એ જાણીને જ સંગ્રહ પ્રગટ થાય તે પહેલાં જોવાનું હું તમને કહું છું. એ પછી એ એકથી વધારે વખત ઘરે આવ્યા અને એકેએક ગઝલ અમે સાથે જોઈ, વાંચી, ચર્ચાઓ કરી. મેં કેટલાંક સૂચનો કર્યાં ને એમણે એ ગ્રાહ્ય પણ રાખ્યાં. એમણે ઠીક ઠીક શ્રમ લઈને ગઝલો મઠારી. સંગ્રહ પ્રગટ થયો. એનું સુભગ પરિણામ પણ આવ્યું. ‘અહેસાસ’ને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી ‘શ્રી દિલીપ ચં. મહેતા પારિતોષિક’, ’હ્યુમન સોસાઈટી ઓફ ઇન્ડિયા’, નડિયાદ તરફથી ‘રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ’, અને ‘ગઝલસભા’ વડોદરા, તરફથી ૨૦૦૭નો શ્રેષ્ઠ ગઝલસંગ્રહ એવોર્ડ, એમ ત્રણ પુરસ્કારો એનાયત થયા. આ ઉપરાંત ગઝલ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ‘નર્મદ સાહિત્ય સભા’, અને સાહિત્ય સંગમ’, સુરત તરફથી ૨૦૦૮નું મનહરલાલ ચોકસી પારિતોષિક પણ એમને એનાયત થયું.
એમની ઘણી ખરી ગઝલોમાં તગઝ્ઝુલની સાથે ક્યારેક સહજ ચિંતન પણ ભળે છે એટલે તે વધુ આસ્વાદ્ય બને છે.
પ્રેમ જરૂરિયાત છે, તે ગઝલકારને અમસ્તો નથી જોઈતો. કહે છે –
છે મને એની ખરેખર બહુ જરૂર,
પ્રેમ ક્યાં મારે અમસ્તો જોઈએ?
એમ જ ગઝલકારને કિનારો પણ અમસ્તો નથી જોઈતો. એ જ ગઝલના શે’રમાં કહે છે –
હું રહ્યો છું ડૂબી મધદરિયે ‘દિલીપ’,
એટલા માટે કિનારો જોઈએ.
પ્રણયની અભિવ્યક્તિમાં મૌન સંમતિ સૂચક હોય કે પછી એ રીસનું પરિણામ પણ હોય. એ નક્કી કરવાનું ભાવકો પર છોડીને આ શે’ર માનીએ ને માણીએ –
એ રીતે પણ થઈ જશે સરભર હિસાબ,
તું ન બોલે કૈં અને હું બોલું છું.
અહીં બોલવા અને ન બોલવાને સામસામા છેડાના અર્થો પણ એક સાથે મળે છે તે ધ્યાનાર્હ છે.
સાધારણ રીતે તો ધુમાડો ગૂંગળાવનારો હોય, પણ એનો અર્થ એવો તો નહીં જ ને કે ધુમાડો ન થાય એટલે આગ ચાલુ રાખવી? આગ ઠારવાને લીધે ધુમાડો ઊઠે તો એનો વાંધો કેમ ઉઠાવાય?
આ ધુમાડો જોઇને મૂંઝાઈ ના જાશો તમે,
બહુ મુસીબતથી સમયની આગ ઠારી હોય છે.
દિલીપભાઈ માટે અને એમની કવિતાઓ માટે ઘણું કહી શકાય, પણ ક્યાંક તો અટકવું પડે એટલે છેલ્લે એક વેધક શે’ર દિલીપભાઈએ દશેક વર્ષ પર લખી રાખેલો તે અહીં મૂકું છું –
જિંદગીભર જે ન બનવી જોઈએ
એ જ ઘટના આંખ સામે છે ખડી!
સાચે જ દિલીપભાઈની વિદાયની ઘટના ન જ બનવી જોઈતી હતી, પણ એ જ આંખ સામે આવીને ખડી થઈ છે ને એ જોયા, જીરવ્યા વિના છૂટકો નથી.
દિલીપભાઈને હૃદયાંજલિ!
૦
પ્રગટ : ‘શબ્દસૃષ્ટિ’, ઑગસ્ટ, 2020
e.mail : ravindra21111946@gmail.com