કોઈ જીવલેણ રોગ જેવું ભયંકર અત્યારે ગુજરાતનું શિક્ષણ છે. કેવળ અરાજકતા એટલે શિક્ષણ એવી નવી વ્યાખ્યા કોરોનાએ ગુજરાતને આપી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ એમ તમામ શિક્ષણમાં માર્ચથી જે દશા બેઠી છે એનો છેડો જણાતો નથી. શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ જતા નથી, પણ તેમની પરીક્ષાઓ ને પ્રવેશની પ્રક્રિયાઓ કોઈક સ્તરે ચાલે છે. કોણ જાણે કેમ પણ પરીક્ષાઓ લેવાનું ઝનૂન ઓછું થતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાઓનો વાવર ચાલ્યા કરે છે. પરીક્ષાઓ લેવાય છે તે નક્કી છે. તે કેવી લેવાય છે ને કોણ આપે છે ને તેનું શું પરિણામ આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ ચિત્ર હાથ લાગતું નથી. શિક્ષણ વિભાગ નવરો પડી ગયો હોય તેમ રોજ નવા નવા પરિપત્રો બહાર પાડ્યે જ જાય છે ને બધા શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરવાના હુકમો છોડ્યે જ જાય છે ને આજ્ઞાંકિત અધિકારીઓ કશા વિરોધ કે કશી સંમતિ વગર નિર્જીવની જેમ વર્ત્યે જાય છે. કોરોનાનું જોખમ વિદ્યાર્થીઓને જ હોય ને શિક્ષકો ને અન્ય સ્ટાફને તે થવાનો જ ન હોય તેમ, વિદ્યાર્થીઓને ઘરે રાખીને ભણાવવાના ને પરીક્ષાના પેંતરા ચાલ્યા કરે છે. આખા શિક્ષણ વિભાગને, શિક્ષણમંત્રી સહિત, સારવારની જરૂર છે. એ સ્વસ્થ થશે તો બાકીનાનું કાઉન્સેલિંગ નહીં કરવું પડે એમ લાગે છે.
ઓનલાઈન શિક્ષણનું ભૂત ધૂણે છે. થોડા દિવસ પર આદિવાસી વિસ્તારોમાં બસ વ્યવસ્થા નથી, શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શિક્ષક ન હોવાને કારણે બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં ઠાંસીને ભણાવાય છે ને એમાં કૈં ગડ ન બેસતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધતો આવે છે – એ મતલબના સમાચારો હતા. જ્યાં બસનાં ઠેકાણાં નથી, ત્યાં મોબાઈલ કે નેટની શી સ્થિતિ હશે તે સમજી શકાય એવું છે. આવામાં ઓનલાઈન શિક્ષણનું કીર્તન કરતી સરકાર, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે કે પછી એમને ભણાવવાનું સરકારના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું તે નથી સમજાતું.
એક, બીજી ખબર જોઈએ. સંયુક્ત નિયામકની સહી સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ૧૧ ઓગસ્ટ,૨૦૨૦ને રોજ એક પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલ્યો છે તેમાં જણાવાયું છે કે સી.બી.એસ.ઈ.માંથી ધોરણ ૧૦માંથી મેથેમેટિક્સ બેઝિક સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધોરણ ૧૧(વિ.પ્ર)માં પ્રવેશ ન આપવો. આવો ઠરાવ ૭ ઓગસ્ટે કરવામાં આવ્યો છે.
આ ગુજરાત શિક્ષણ વિભાગની નકરી સંકુચિતતાનું પરિણામ છે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી ગણિત સાથે ૧૦મું પાસ કરનારનો ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રવેશ નકારે તે યોગ્ય નથી. આ વખતની બોર્ડની પરીક્ષાઓ પતી ગઈ પછી કોરોનાને કારણે શિક્ષણ બંધ થયું. એ પછી ૧૦માંનું પરિણામ જાહેર થયું. એમાં ગુજરાતીમાં લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા. એમાં જે પાસ થયા તે ગ્રેસિંગથી થયા હોય તો તે જીવદયા ગણવાની. ગણિતમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોત, પણ બોર્ડે એમાં પણ જીવદયા દાખવી. ગ્રેસિંગ એમાં પણ અપાયું. કેટલું અપાયું તે જાણવું છે? ૮૦ માર્કમાંથી પાસ થવા ૨૬ માર્ક લાવવાના રહે. હવે જો ૫ માર્ક આવ્યા હોય તો તે આઉટ એન્ડ આઉટ નાપાસ જ થાય, પણ વિદ્યાર્થી પાસ થયો. તેને એક બે નહીં, ૨૧ માર્કનું ગ્રેસિંગ અપાયું. આ કોઈ એકાદ વિદ્યાર્થીનો સ્પેશિયલ કેસ છે એવું નથી. એવું ઘણા કિસ્સાઓમાં થયું છે. એવું ન કરે તો બોર્ડનું રિઝલ્ટ ૬૦ ટકા આવે નહીં. હવે પેલો ૫ માર્ક્સ પર ૨૧ માર્ક્સ ગ્રેસિંગના મેળવીને પાસ થયેલો વિદ્યાર્થી ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થી હોવા માત્રથી ૧૧માં વિ.પ્ર.માં પ્રવેશ મેળવી શકે, પણ પેલો સી.બી.એસ.ઈ.નો વિદ્યાર્થી ૧૦માંમાં ૬૦ ટકા લાવ્યો હોય તેને પ્રવેશ ન આપવાનો પરિપત્ર વિભાગ બહાર પાડે તેને શું કહીશું? આ કયા પ્રકારની નીતિ છે તે નથી સમજાતું.
શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંકલનનો ભારે અભાવ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે ૩૧ જુલાઈએ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી. તેની ખબર શિક્ષણ વિભાગને ૭ ઓગસ્ટની આસપાસ પડી ને તેણે યુનિવર્સિટીઓને ૩૧ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનું ફરમાન બહાર પાડ્યું. યુનિવર્સિટીઓએ તેમ કર્યું, પણ બિચારી ભોળી એટલી કે ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છે તે તેને ભાન જ ના પડ્યું, એટલે પરીક્ષાઓ ન લેવાઈ. શિક્ષણ વિભાગ તો આગબબૂલા હો ગયા ને ફતવો બહાર પાડ્યો કે આમ પરીક્ષાઓ ન લીધી તે ઠીક ન થયું. પણ તેનો અર્થ શો, કારણ પરીક્ષાઓ તો મોકૂફ થઈ ચૂકી હતી. જો કે યુનિવર્સિટીઓ હજી એ સમજી નથી શકતી કે કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખીને ઓફલાઈન પરીક્ષા લેવાય કઈ રીતે? કારણ ઓફલાઈન પરીક્ષાઓ લેવી હોય તો કોલેજો ખોલવી પડે, સ્ટાફ, વિદ્યાર્થીઓ, પટાવાળાઓ બધાંને બોલાવવા પડે. હવે બધાને બોલાવો તો કોલેજ બંધ કઈ રીતે કહેવાય? કોરોનાની રસી કદાચ મળી જાય,પણ બંધ કોલેજે ઓફલાઈન પરીક્ષા કઈ રીતે લેવાય તેનો ઉકેલ મળવો મુશ્કેલ છે.
બીજો ચમત્કાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કર્યો છે. તેણે એમ.ફિલ., પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આપણું શિક્ષણ ખરેખર ખાડે ગયું છે એટલે છેલ્લી પરીક્ષામાં જે તે યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી ગમે તેટલા ટકે જ પાસ કેમ ન થયો હોય તેનો ભરોસો ન કરવાનો ને તેણે એન્ટ્રન્સ એક્ઝામ તો આપવાની જ, આવી પ્રથા છે. એન્ટ્રન્સ એકઝામમાં તો છબરડાં ના જ થાય એવો સૌને વિશ્વાસ છે. હવે ગમ્મત એ છે કે પી.જી.ની પરીક્ષાઓ લેવાના કોઈ ઠેકાણાં નથી ને પીએચ.ડી.ની નોંધણી ૩૧ ઓગસ્ટ સુધીમાં કરાવી દેવાની છે. સવાલ એ છે કે એન્ટ્રન્સ ટેસ્ટની નોંધણી કેવી રીતે કરાવવાની જો પી.જી.નું જ કોઈ ઠેકાણું ન હોય? એટલે પહેલાં તો યુનિવર્સિટીએ પી.જી.ની પરીક્ષા લેવી પડે. તેનું રિઝલ્ટ આપવું પડે ને તે બધું ૩૧ ઓગસ્ટ પહેલાં આટોપવું પડે, કારણ ૩૧મી ઓગસ્ટ નોંધણીની છેલ્લી તારીખ છે. પી.જી.ની પરીક્ષા પતે કે તરત પીએચ.ડી.ની એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર રહેવાનું. પરીક્ષા પર પરીક્ષા. બધાં જ સ્તરે પરીક્ષાની લ્હાય ઊઠી છે. ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા આપતા રહો. છે ને કમાલ! પહેલાં પીએચ.ડી., બાદમેં પી.જી.! આ લોકોનું ચાલે તો પહેલાં બી.એ. કરાવે ને પછી એસ.એસ.સી.! કોઈ પણ તઘલખ ને શેખચલ્લી પાણી ભરે એવી ભવ્ય બૌદ્ધિકતા આપણી યુનિવર્સિટીઓ, શિક્ષણ વિભાગ ધરાવે છે. ખરેખર તો પી.જી.નું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી, એમ.ફિલ., પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન કરવું જ ન જોઈએ. એમાં એ તો જણાવવાનું હશે જ ને કે પી.જી.નું રિઝલ્ટ શું છે? કે એ રિઝલ્ટ વગર પણ રજિસ્ટ્રેશન શક્ય છે? નથી ખબર !
પરીક્ષા લેવાનો આગ્રહ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ રાખ્યો છે. કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા વગર ડિગ્રી નહીં મળે એવી જાહેરાત યુ.જી.સી.એ કરી છે. મામલો કોર્ટમાં છે, છતાં યુ.જી.સી.એ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા લેવાશે જ ને તે વગર ડિગ્રી નહીં મળે. વિદ્યાર્થીઓની માંગ એવી છે કે છેલ્લા રિપોર્ટને આધારે પરિણામ જાહેર કરવામાં આવે, પણ યુ.જી.સી.એ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાનું આયોજન કરવાની સૂચના આપી છે ને ઓનલાઈન તેમ જ ઓફલાઈન પરીક્ષાઓના વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે.
એ વાત સ્વીકાર્ય કે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ લેવાવી જોઈએ ને તેને આધારે જ ડિગ્રી આપવી જોઈએ, પણ જે પ્રકારની સ્થિતિ મહામારીએ કરી છે એમાં પરીક્ષા લેનાર કે આપનારની મનોદશા એવી નથી કે સ્વસ્થ ચિત્તે પરીક્ષા લઈ કે આપી શકાય. માર્ચ મહિનાથી જે વાતાવરણ બન્યું છે એમાં પૂરું ભણાયું નથી કે નથી પૂરું ભણાવાયું. પરીક્ષા થશે કે નહીં એની અનિશ્ચિતતાએ, વારંવાર પરીક્ષાની તારીખો બદલાયા કરવાથી વિદ્યાર્થીઓ સતત દ્વિધામાં, મૂંઝવણમાં રહ્યા છે ને એ સ્થિતિમાં ક્યારે ફેર પડશે એની આગાહી થઈ શકે એમ નથી. એમાં શિક્ષણ વિભાગની અસ્વસ્થતાથી મુશ્કેલીઓ જ વધી છે. સૌથી મોટી મુશ્કેલી સંકલનની, કોમ્યુનિકેશનની છે. સ્કૂલો જોડે, કોલેજો જોડે શિક્ષણ વિભાગ સ્વસ્થતાથી વર્તી શકતો નથી ને તુક્કાઓ પર આખો કારભાર ચાલે છે. બેઠકો, ઠરાવો થાય છે પણ તેમાં લાંબુ વિચારીને યોગ્ય નિર્ણયો લેવાતા નથી. ઉદાહરણ તરીકે જો ઓફલાઈન પરીક્ષા લેવાની હોય તો કોલેજ ખોલવી પડે ને આદેશ કોલેજો બંધ રાખવાનો શિક્ષણ વિભાગે જ આપ્યો હોય તો કોલેજ બંધ પણ રહે ને ખુલ્લી પણ રહે એવું એક સાથે કઈ રીતે બને તે વિભાગે સમજાવવું જોઈએ. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ, કોઈને વિશ્વાસમાં લેતું જ નથી ને સૌ મનસ્વી રીતે વર્તે છે ને એમાં પોતાનું ભલું તો કદાચને થતું હશે, પણ શિક્ષણનું દળદર એથી ફીટતું નથી.
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ’આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2020